વાહ તાજ 3-4-12

01:52
આહ તાજ !વાહ નહીં આહ આજ શબ્દો મારા મોઢામાંથી નીકળ્યા જ્યારે તાજ આઇસ્ક્રિમની દુકાન હું ચૈત્રની એક ભર બપોરે નળ બજારની ગલીઓમાં શોધી રહી હતી. ઉનાળાની ભરબપ્પોરે આઇસ્ક્રિમ શોધવા પરાંમાંથી  છેક ત્યાં જવું પડે ? એવું ચોક્કસ જ કોઇપણ મને પુછી શકે, પરંતુ,આઇસ્ક્રિમના શોખીન હો અને મુંબઈનો શ્રેષ્ઠ આઇસ્ક્રિમ ખાવો હોય તો નળબજારના બોરી મહોલ્લામાં જ જવું પડે. અમેરિકન સેલિબ્રિટી શેફ એન્થની બોર્ડન જેનો ટ્રાવેલર શો ડિસ્કવરી ચેનલ પર લોકપ્રિય હતો તે  અને ભારતના મોસ્ટ પાવરફુલ મહિલા સોનિયા ગાંધીએ પણ આ તાજ આઇસ્ક્રિમને વખાણ્યો છે. પણ તાજ આઇસ્ક્રિમ સુધી પહોંચવું સહેલું નહોતું. ગુગલિંગ કર્યા બાદ પણ અમે તાજ આઇસ્ક્રિમની દુકાન આગળથી પસાર થયા ત્યારે તેને જોઇ ન શક્યા. અર્થાત, સાવ જ સામાન્ય દેખાવની અને સાદું ઊડતું પ્લાસ્ટિકના બોર્ડ પર તાજ આઇસ્ક્રિમ લખ્યું હતુ. એસી નહીં, લાકડાના ચારેક જુના ટેબલ અને બાંકડા જેવી સીટો, અને દિવાલ પર આઠેક આઇસ્ક્રિમના નામ  લખ્યા હતા.  પરસેવો લુછતાં કાઉન્ટર પર બેઠેલા બ્હોરી ભાઈએ શુધ્ધ ગુજરાતીમાં સ્વાગત કર્યું આવો, દુકાન જોઇને મનમાં શંકા થઈ કે અહીં હજી મુંબઈનો શ્રેષ્ઠ આઇસ્ક્રિમ મળતો હશે ?  ફ્રેશ ફ્રુટ આઇસ્ક્રિમ માટે વખણાતા આ આઉટલેટમાં હજી તો આફુસ કેટલી મોંઘી છે ત્યારે અહીં મેન્ગો આઇસ્ક્રિમ હશે એ શંકા સાથે જ્યારે પેલા યુસુફભાઈ આઇસ્ક્રિમવાળાને  પુછ્યું કે ફ્રેશ ફ્રુટમાં શું મળશે તો આંખોમાં ચમક સાથે યુસુફભાઈએ કહ્યું કે સીતાફળ અને મેન્ગો ટ્રાય કરો. અમે બન્ને એક પ્લેટ આપવાનો ઓર્ડર કર્યો. આસપાસ  ભાવનું પાટિયું ન જોતા પુછ્યુ કેટલા રુપિયાની એક પ્લેટ તો જવાબ મળ્યો 40 રુપિયાની. બે જ મિનિટમાં સામે કાચના આઇસ્ક્રિમ ગ્લાસમાં સીતાફળનો સફેદ રંગ અને મેન્ગોના બારીક ટુકડા સાથે અસલ પીળો આઇસ્ક્રિમ મુકાયો. ચમચી સીતાફળનો આઇસ્ક્રિમ મોઢામાં ગયોને વાહ સાથે જ મેન્ગો આઇસ્ક્રિમ ચાખવાની રાહ ન જોઇ શકાય. મેન્ગો આઇસ્ક્રિમ ધ્વારા અમે આ સીઝનની પહેલી કેરી ખાધી હોય તેવી અનુભૂતિ થઈ. વાહ તાજ , શબ્દ મનમાં ગણગણતા આઇસ્ક્રિમના કપ  નહીં ગ્લાસ ખાલી થાય ત્યારે લાગે કે બહોરી મહોલ્લા સુધી આવવું સાર્થક છે. 120 વીસ વરસ જુની રેસિપી જેમાં કશું જ છુપાવવાનું નથી તેની વાત કરતાં ચોથી પેઢીના મુસ્તફા , યુસુફભાઈના ભાઈ અબ્બાસના દીકરા જણાવે છે કે મારા પરદાદા તૈયબઅલીએ આ દુકાન શરુ કરી હતી.ત્યારથી મલાઈવાળા ફુલક્રિમ દૂધને ભરપુર ઊકાળીને ગાઢું બનાવ્યા બાદ તેમાં વાશી કે કાર્ફડ માર્કેટમાંથી લાવેલા તાજા સારામાંના ફળનો પલ્પ અને સાકર  નાખવા સિવાય બીજું કશું જ ઊમેરાતું નથી. પછી સો વરસ જુની લાકડાની કોઠી જેમાં બરફ ,મીઠું નાખીને ભરાય અને તેમાં પિત્તળનો લાંબો નળાકાર ડબ્બો જેમાં ઉપર હેન્ડલ લગાવાય તેમાં આ મિલ્કશેક ઊમેરાય અને કલાકો ચર્ન કર્યા બાદ ક્રિમી અદભૂત સ્વાદ ધરાવતો આઇસ્ક્રિમ તૈયાર થાય. દરરોજનો દરેક ફ્લેવરનો ફક્ત વીસેક કિલો જ આઇસ્ક્રિમ બનાવાય. સ્ટ્રોબેરી આઇસ્ક્રિમ પણ આટલો સારો ક્યાંય નથી ખાધો. અને જો તમને ફળ નહીં પણ ચોકલેટ વીથ બદામ ખાવો હોય તોય યમ્મી.....કહેવા સિવાય અમારી પાસે કોઈ શબ્દો નથી. આ દુકાનની કોઈ બ્રાન્ચ નથી. એટલે કેટલાય લોકો દુબઈ અને બેગ્લોર પણ આઇસ્ક્રિમ પેક કરીને લઈ જાય છે. નવાઈ લાગેને પણ આ શુધ્ધ દૂધનો સંચાનો આઇસ્ક્રિમ ખાશો તો કોઇ વાતની નવાઈ નહીં લાગે. હવે તમે પુછશો બહોરી મહોલ્લો શોધવો કઈ રીતે તો બે લેન્ડમાર્ક યાદ રાખો જે.જે. હોસ્પિટલ અને ચોરબજારની નજીકમાં સારી વસ્તુ સહેલાઇથી નથી મળતી યાદ રાખો.

You Might Also Like

0 comments