ભારતીય નારીઓ દુનિયામાં સૌથી વધુ તાણ ગ્રસ્ત, 15-5-12

03:52


આજની નારીનું વિશ્વ વિસ્તરી રહ્યું છે. તેઓ દરેક ક્ષેત્રે સીમાંકનો આંકી રહી છે પણ સાથે જ તેમના જીવનમાં તાણ નામની બીમારીનો ય ઊમેરો થઈ રહ્યો છે.
વૈશ્વિક માહિતી અને પૃથ્થકરણનું કામ કરતી ન્યુયોર્કની નેલસન નામની ફર્મ ધ્વારા ગયા વરસે થયેલા 21 ઇમર્જિગ અને ડેવલપ દેશોમાં કરેલા સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે આ દેશોની મહિલાઓમાં નાણાકિય સ્થિરતા અને દીકરીઓના શિક્ષણ સાથે ઉજ્જવળ ભવિષ્યની આશા પણ તેમને છે પરંતુ, તેઓ વધુને વધુ તાણ અનુભવે છે એવું પણ કબૂલે છે. લગભગ 87 ટકા ભારતીય મહિલાઓ મોટાભાગે તાણગ્રસ્ત જીવતી હોવાનું કબુલે છે તો તેમાંથી 82 ટકા મહિલાઓ પાસે આરામ કરવાનો  પૂરતો  સમય નથી હોતો. તાણગ્રસ્ત હોવા છતાં તેઓ આવતા પાંચ વરસ દરમિયાન જ તેમને વધારાના નાણા મળેતો તેઓ  પોતાના પર ખર્ચ કરવા માટે તત્પર હોવાનું પણ તેમણે કબૂલ્યુ હતું. લગભગ દરેક મહિલાઓએ એટલે કે  96 ટકા મહિલાઓએ કપડાં પર ખર્ચ કરવાનું કહ્યું તો 77 ટકા એ હેલ્થ અને બ્યુટી પ્રોડકટ પર તો 44 ટકાએ હોમઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર ખર્ચ કરવાનો વિચાર પ્રદર્શિત કર્યો હતો.
નેલસનના વાઈસ ચેરપર્સન સુઝાન વ્હાઈટીંગના કહેવા પ્રમાણે આજે વિશ્વભરમાં મહિલાઓ વધુ ભણે છે. બહાર કામ કરવા જાય છે.ઘરમાં આર્થિક રીતે પણ મદદરૂપ બને  છે. નિર્ણયો લેતી થઈ છે, મલ્ટીટાસ્કર તરીકે પોતાની જાદુઈ છડી જરુર ચલાવી શકે છે, પરંતુ, આ બધા સાથે જ તેણે અનેક કામો પૂરા કરવા સમય સાથે સતત દોડતા રહેવું પડે છે. એટલે જ તે તાણ પણ વધુ  અનુભવે છે. આ સંશોધન દરમિયાન એ પણ જાણવા મળ્યું કે વિકસીત દેશો કરતાં વિકાશશીલ દેશોમાં મહિલાઓ વધુ તાણગ્રસ્ત રહે છે. ભારત બાદ વિકાસશીલ દેશોમાં  બીજા નંબરે મેક્સિકન મહિલાઓ(74 ટકા), ત્રીજા નંબરે રશિયન મહિલાઓ (69ટકા) આવે છે. જ્યારે વિકસિતદેશોમાં સ્પેન (66 ટકા) , ફ્રાન્સ( 65 ટકા ) અને કેટલીક અમેરિકન મહિલાઓ (53 ટકા) કહે છેકે તેઓ તાણ અનુભવતી હતી.
જો કે ગમે તેટલું તાણયુક્ત જીવન મહિલાઓ જીવતી હોય વિશ્વભરની નારીઓને તેમની મા જીવતી હતી તે કરતાં તેમનું જીવન સારું લાગે છે અને  ભવિષ્ય ઉજ્જવળ લાગે છે. તેમની દીકરીઓને તેમના કરતાં વધુ સારી રીતે જીવવાની તક મેળશે તેની ખાતરી છે. વિકસીત દેશોની મહિલાઓ તેમના બદલાયેલા જીવનને કબૂલે છે પરંતુ, તેમને પોતાની દીકરીઓ માટે વધુ આશા નથી. તેઓ માને છે કે તેમની દીકરીઓને તેમના જેટલી જ તક મળશે. વધારે નહીં.  આવો વિચારભેદ હોવાનું કારણ વિશે વ્હાઈટનિંગ જણાવે છે કે વિકાસશીલ દેશોની મહિલાઓને ભવિષ્યમાં ઘણી તકો દેખાઈ રહી છે.જ્યારે વિકસિત દેશોની મહિલાઓ સફળતાનો અને ખરીદશક્તિના પાવરને માણી ચૂકી છે.
તુર્કની મહિલાઓ આ બાબતે સૌથી વધુ આશાવાદી છે (92 ટકા) ત્યારબાદ નાઈજીરીયન અને મલેશિયાની મહિલાઓ આવે છે. (89 ટકા) તેમને પોતાના કરતાં પોતાની દિકરીઓને માટે ભવિષ્યમાં વિકાસની વધુ તકો  દેખાઈ રહી છે. દુનિયાની અડધો અડધ મહિલાઓ માને છે કે મોબાઈલ,કોમ્પયુટર અને સ્માર્ટ ફોને તેમના જીવનને સારી રીતે બદલ્યું છે. દુનિયામાં કોઇપણ ખૂણે રહેતી મહિલાઓ પુરુષો કરતાં વધુ સોશ્યિલ નેટવર્કનો ઉપયોગ કરે છે. તેઓ દર મહિને પુરુષો કરતાં ફોન પર 28 ટકા વધુ વાત કરે છે અને 14 ટકા વધુ મેસેજીંગનો ઉપયોગ કરે છે. તેમના રોજબરોજના જીવનને સારું અને સરળ બનાવે તે માટે મિડિયાનો ઉપયોગ કરતાં મહિલાઓ અચકાતી નથી. સાથે જ પુરુષો કરતાં મહિલાઓ વધુ તાણનો ભોગ બને છે અને વધુ ડિપ્રેશન અનુભવે છે. જો કે તે માટે તેમના હોર્મોનલ બદલાવ જવાબદાર ગણાય. તાણ સ્વાસ્થયને નુકશાન કરે છે કે નહીં તેની ચર્ચા ફરી કોઈવાર. અત્યારે તો ભારતની મહિલાઓનો સૌથી વધુ તાણગ્રસ્ત છે એ જાણીને ચિંતા  અને ચિંતન કરવાની જરુર છે.

You Might Also Like

0 comments