માતૃ દિન સ્પેશિયલ 8-5-12

09:47


 

 કામ કરતી માતાનું બેલેન્સિગ એકટ

 

રાજકારણમાં શબ્દોનું યુધ્ધ સ્વાભાવિક રીતે ચાલતું જ હોય છે.પછી તે ભારત હોય કે અમેરિકા...અમેરિકામાં હાલમાં ડેમોક્રેટસ અને રિપબ્લિકન પાર્ટી વચ્ચે વિમેન અને ઇકોનોમિક્સ અંગે શાબ્દિક ટપાટપી થઈ. તેમાં માનું કામ એ કામ ગણાય કે નહીં તે અંગે પણ ચર્ચાઓ થઈ. તેમાં છેવટે  મિશેલ ઓબામાએ ટ્વીટ પણ  કર્યું કે દરેક માતા સખત કામ કરે છે. અને દરેક મહિલાને આદર મળવો જોઇએ. આ રાજકારણના સમાચાર વાંચતા વિચાર આવ્યો કે જ્યારે પણ બહાર કામ કરવા ન જતી મહિલાને આપણે પૂછીએ કે તે શું કરે છે ? તો જરા ઝંખવાઈને કહેશે કશું જ નહીં ઘરના જ કામ કરું છું. તો શું ઘરના કામ કરવા,બાળકોને ઊછેરવા તે કામ ન ગણાય ? જો ન ગણાય તો બહાર કામ કરવા જતી માતાઓ બાળકોની દેખરેખ માટે આયા કે બેબી સિંટિગના પૈસા શું કામ ચુકવે છે. બાળકના જન્મ બાદ ઘરમાં રહેવું કે બહાર જઈને કામ કરવું તે નિર્ણય લેવો આજની નારી માટે સહેલો નથી હોતો. વરસ પહેલાં ન્યુ વર્કિગ મધર રિસર્ચ ઇનસ્ટિટ્યુટે ભારતના બદલાતા સમાજની અપેક્ષાએ પ્રોફેશનલ વિમેન ઇન ઇન્ડિયા પર એક રિસર્ચ કરાવ્યુ હતું. કેરિન સ્કોમરે (પીએચડી. આંતરરાષ્ટ્રિય સંશોધનકાર) એ વિશે પેપર રજુ કર્યુ હતું. તેમાં એમણે નોંધ્યું છે કે 2003-4 બાદ ભારતમાં મહિલાઓ વધુ પ્રમાણમાં બહાર કામ કરવા જાય છે , એક રિવોલ્યુશન સ્તરે ભારતમાં તેઓ બદલાવ જોઈ રહ્યા છે પણ તે છતાંય  વિશ્વમાં ભારતનો 127મો નંબર આવે છે. આપણા સમાજમાં મહિલાઓ માટેના ધારાધોરણોને બદલાતા હજી પણ વાર લાગી રહી છે. કેરિને આંકડાઓ આપતાં નોંધ્યુ છે કે ભારત કરતાં જે દેશોમાં શિક્ષણનું સ્તર ઓછું છે તેના કરતાં પણ ભારતીય મહિલાઓનો ક્રમ બહાર કામ કરવા જવાનો ઓછો છે.  ફક્ત  42 ટકા મહિલાઓ ઘરમાં પૈસા કમાઇને લાવે છે. તેમાંથી 18 ટકા મહિલાઓ ઓર્ગેનાઈઝડ લેબર સેકટરમાં, 20 ટકા શહેરોમાં, 0.03 ટકા આઇટી સેકટરમાં કામ કરે છે. આટલી ઓછી મહિલાઓ કામ કરવા બહાર નીકળી રહી છે
ભારતના કોઇપણ શહેરમાં કામ કરતી માતાની દિનચર્યાના જોઇએ તો સર્કસમાં  દોરડા પર સમતુલા જાળવીને ચાલતી મહિલા યાદ આવી જાય. દોરડા પર ચાલતી મહિલાનું ધ્યાન પોતાની સમતુલા જાળવવામાં હોવા છતાં મોંઢા પર ફક્ત સ્મિતની રેખાઓ સુંદર રીતે આલેખાયેલી હોય. એવી જ રીતે આજની નારી જે માતા પણ છે અને પોતાની કારર્કિદી કે ઓળખ માટે કામ કરે છે તે હસતાં મોઢે મલ્ટીટાસ્કરની ભૂમિકા ભજવે છે. પણ તેને માટે આ કામ કેટલું અઘરું હોય છે તે કામ કરતી કોઈપણ માતા સારી રીતે જાણે છે. ઘરમાંથી તેને પતિ કે સાસરિયાનો સપોર્ટ મળે તો પણ માતા તરીકે તે બાળકની સાથે અદ્શ્ય નાળથી જોડાયેલી જ હોય છે. મોટી કંપનીના સીઇઓ તરીકે કામ કરતી મહિલાઓએ પણ કબૂલ્યું છે કે દરરોજના કામમાં તેમના પતિઓ મદદરુપ થાય, બાળકની સ્કુલમાં પેરેન્ટસ મિટિંગમાં પણ જાય પરંતુ, બાળક માંદુ થાય તો તે વિશ્વના કોઇપણ ખૂણે હોય તેની મદદની જરુર પડે જ. એમાં કશું જ ખોટું નથી. જો કે ફક્ત ઘરમાં જ મદદ મળી રહેવાથી સમસ્યાનો અંત નથી આવતો. બાળક સાજું માંદુ હોય કે બાળકને માતાની જરુરત હોય તો કામ પરથી રજા લેવી એ પણ અઘરી બાબત છે. મોટાભાગની કંપનીઓ એટલે જ મહિલાઓને કામ પર રાખવામાં કે તેમને ઊંચી પદવી માટે પસંદ કરવામાં ગલ્લાતલ્લા કરતી હોય છે. પરંતુ, તેમાંય છેલ્લા એકાદ વરસથી બદલાવ આવી રહ્યો હોવાનું નોંધાઈ રહ્યું છે. 2011માં રેગુસ  મલ્ટીનેશનલ ગ્લોબલ ઇન્ડિકેટર સર્વેમાં જાણવા મળ્યું હતું કે મોટાભાગની કંપનીઓ એવું માને છે કે 55 ટકા મહિલાઓ બીજું બાળક કરવા માટે કામ છોડી દેતી હોય છે તો 45 ટકા મહિલાઓ કામ અને ઘર વચ્ચે બેલેન્સ જાળવવામાં બદલાતી ટેકનોલોજી સાથે કોપઅપ નથી કરી શકતી એટલે કામ છોડે છે.તે છતાંય આ સર્વેમાં જાણવા મળ્યું કે 56 ટકા ભારતીય કંપનીઓ માતાઓને પાર્ટટાઈમ કામની ઓફર કરશે. ખરેખર આમાંથી કેટલા ટકા કંપનીઓએ માતાઓને પાર્ટટાઈમ કે ઘરની નજીકમાં કામ આપ્યું તેના આંકડા નથી મળતા પરંતુ, ટેલેન્ટેડ નારીની ક્ષમતા માતા બન્યા બાદ બેલેન્સિગ એકટમાં વેડફાઈ ન જાય તે માટે સમાજ વિચારી રહ્યો છે તે સરાહનીય બાબત છે. બાકી માતા બન્યા બાદ સ્ત્રી પોતે ઘરે રહીને ફક્ત બાળક ઊછેર કરવાનો નિર્ણય લે તો એનો પણ આદર કરવો ઘટે. દરેક સ્ત્રીની ક્ષમતા અને જીવનને જોવાની રીત જુદી હોઈ શકે.આખરે તેના દરેક નિર્ણયને વ્યક્તિગત સન્માન મળવું જરુરી છે.

You Might Also Like

0 comments