આસમાનમાં તારા ખરતા જ નથી ઊગે પણ છે. 18-9-12

07:38


સુનિતા વલિયમ્સ પંડ્યા એ આસમાનનો એવો સિતારો છે જે આપબળે પ્રકાશે છે. ગઈ 15મી જુલાઈના રશિયન સુયેજ રોકેટ ધ્વારા બીજીવાર અવકાશમાં ગયેલી સુનિતા વિલિયમ્સનો આવતીકાલે એટલે કે 19 સપ્ટેમ્બરના જન્મદિવસ છે. સુનિતાએ હજી ગયા મહિને જ અવકાશમાં 44 કલાક અને 2 મિનિટ ચાલીને સ્પેસ વોક માટે  રેકોર્ડ નોંધ્યો છે. ગુજરાતી પિતા અને સ્લોવેનિયન માતાની  પુત્રી સુનિતા.  અમેરિકામાં જન્મેલી સુનિતાના પિતા ગુજરાતના ઝુલાસણ ગામના વતની છે. 47 વર્ષિય સુનિતાએ ક્યારેય એસ્ટ્રોનોટ બનવા વિશે વિચાર્યું નહોતું. આકાશને આપણી જેમ સહજતાથી જોતી અને માણતી સુનિતાને તો પ્રાણીઓ ખૂબ પ્રિય હતા, તેને પશુચિકિત્સક બનવાની ઇચ્છા હતી. પણ કોલેજમાં પ્રવેશ વખતે શું કરવું તેના અસંમજસમાં હતી. તેનો ભાઈ નેવીમાં હતો અને તેણે બહેનને કહ્યું કે તારા જેવી એકટિવ છોકરી માટે નેવલ એકડમી યોગ્ય છે. અને બસ ભાઈના સુચને તેણે નેવલ એકડમીમાં પ્રવેશ મેળવ્યો. અને તે નેવીમાં હેલિકોપ્ટર પાઇલાટ બની. જે યુવતીઓ માટે હજી વણખેડાયેલ ક્ષેત્ર હતું.તેણે એક જહાજથી બીજા જહાજ પર  ઇંડા થી લઈને બોમ્બ જેવી અનેક વસ્તુઓ પહોંચાડવાની કામગીરી પણ કરી છે.ત્યારબાદ તેણે એન્જીનયરીંગ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કર્યુ અને 1998માં નાસા ધ્વારા એસ્ટ્રોનોટ ટ્રેઇનિગ માટે તેની પસંદગી થઈ બસ પછી પાછું વાળીને તેણે જોયું જ નથી. નાસામાં કામ કરવા અંગે તેણે સરસ વાત કરી હતી. મને અહીં કામ કરવું એટલે ગમે છે કે હું ક્યારેય અહીં બોર નથી થઈ.નેવીમાં પાઇલટ તરીકે કામ કરીને એક્સપર્ટ તરીકે કામ કરવાની આદત પડી ગઈ હતી. તમારે દરેક કામ ચોકસાઈપૂર્વક અને નિષ્ણાંત તરીકે જ કરવાના હોય એ ટ્રેઇનિંગ મને નાસામાં કામ આવી. સુનિતા વિલિયમ્સની એક વાત ખરેખર દરેક મહિલાએ ગોખી લેવા જેવી છે. તેણે એક મુલાકાતમાં એસ્ટ્રોનોટ હોવું એટલે શું ના જવાબમાં કહ્યું હતું કે , તમે આ  નહીં કરી શકો એવો વાક્ય પ્રયોગ કોઇને પણ તમારા માટે કરવા ન દો. મને એક સ્કવોડ કમાન્ડરે કહ્યું હતું કે ,  જેટ પાયલટ જ અવકાશવીર બની શકે છે હેલિકોપ્ટર ચાલક નહીં. તમારે શું કરવું છે એ જો તમે જાણતા હો તો તમારે એને શ્રેષ્ઠ તરીકે કરવાની રીત પણ શોધીને પછી જ એ ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઇએ.
સુનિતા પરિણીત છે. પ્રેમાળ છે. અવકાશ સ્ટેશન પર બીજીવાર જવા માટે  પોતાના કુટુંબથી છ મહિના દૂર રહેવાની હતી તેનું દુખ વ્યક્ત કરતાં તેણે સંકોચ નહોતો અનુભવ્યો. તે જીવનને સહજતાથી અને ગંભીરતાપૂર્વક જીવે છે. એટલે જ જ્યારે તે બીજીવાર અવકાશમાં ઊડાન ભરી રહી હતી ત્યારે એને જોખમ અને ભય અંગે મિડિયાએ પ્રશ્ન પુછ્યો ત્યારે એણે કહ્યું કે જોખમ તો હોય જ છે પણ તે કેલક્યુલેટેડ હોય છે. અમને એસ્ટ્રોનોટ અને પ્રોફેશનલ તરીકે દરેક જોખમ અંગે તાલીમ આપવામાં આવે જ છે.
સુનિતા વિલિયમ્સે પોતાના જાપાનીઝ સાથી અકીહીકો હોશીડે સાથે અવકાશમાં પણ પોતાની સુઝથી ટુથબ્રશનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રિય અવકાશી મથકને રિપેર કર્યું તેની નોંધ વિશ્વમાં લેવાઈ રહી છે.  સુનિતા વિલિયમ્સને પહેલી જ વારમાં નાસામાં એડમિશન નહોતુ મળ્યુ. કારણ કે તેમણે માસ્ટર્સ નહોતું કર્યુ, નાસીપાસ થયા વિના તેમણે માસ્ટર્સ કરીને ફરીથી એપ્લાય કર્યું અને તેમને નાસામાં ઇન્ટરવ્યુ બાદ પ્રવેશ મેળવ્યો. નાસામાં પ્રવેશ અંગે તેમણે કહ્યું હતું કે તમારે પ્રયત્ન કરતા રહેવા પડે. જે પણ કામ કરો તે નિષ્ઠાથી કરો તો સફળતા ક્યારેક તો આવીને મળે જ. પણ એવું ય બને કે તમે સતત પ્રયત્ન કર્યા જ કરો ને તમને કોઇ તક ન પણ મળે. પણ જે પણ કામ કરો તેનો આનંદ ઊઠાવો. ક્યારેક તમને બોનસ જેવી તક મળી જાય તો ઝડપી લો. મારા જીવનમાં એવું જ બન્યુ. નેવીમાં પાયલટ તરીકે મને ભરપુર મજા આવતી હતી. પણ નાસામાં જોડાવાની તક મળી તે મારા માટે બોનસ સમાન હતી. અહીં અમારે દરેકની સાથે હળીમળીને કામ કરવાનું હોય છે. અવકાશમાં તમારી વ્યક્તિગત મહત્તાની કોઇ કિંમત નથી હોતી. ત્યાં તમે એકલા કશું જ કરી નથી શકતા. તમે એકલા હો છો છતાં એકલા નથી તેનો અહેસાસ અવકાશમાં જતા થાય છે. સુનિતા પાસેથી એટલું શીખવા મળે છે કે તમારે જે કામ કરવુ હોય તે કરવું જ જોઇએ. અને તમને જેમાં આનંદ આવે તે કામ જ કરવું જોઇએ. સફળતા જીવનના આનંદમાં જ છે.You Might Also Like

1 comments