ભારતીય ટી અરોમા અને કોન્ટિનેટલનું કોમ્બિનેશન 4-9-12

20:16


મુંબઈના ચર્ચગેટ સ્ટેશનની બહાર નીકળતા જમણા હાથે આવેલ બીજું મકાન રેશમ ભવનમાં છેલ્લા 65 વરસથી ભારતીય ટી બોર્ડનું ટી સેન્ટર છે. આ જગ્યાનું નામ જ ટી સેન્ટર આ એક ઐતિહાસિક જગ્યા પણ છે કારણ કે અહીં જવાહરલાલ નેહરુ સહિત અનેક વિભૂતિઓ આવી ચુકી છે. પહેલાં તો અહીં ફક્ત ચા જ પીરસવામાં આવતી. લાંબા કાળા સોફા અને ભારતની દાર્જિલીંગ, નીલગીરીની ઊચ્ચ ગુણવત્તા સહિતની અનેક જાતની ચા અહીં પીરસવામાં આવતી. પરંતુ આજે બદલાતા સમય સાથે ટી બોર્ડ સંચાલિત ટી સેન્ટર અને તેના સંચાલકો ય બદલાયા છે. આજે કોલોનિયલ ફીલ આપતું આ ટી સેન્ટર તમને એક અલગ જ અનુભૂતિની દુનિયામાં લઈ જાય છે. વ્યવસાયિક વિસ્તારમાં આવ્યું હોવાથી અહીં રાજકારણીઓ સહિત અનેક સીઈઓ, એમ ડી બિઝનેસ મિટિંગ માટે આવે છે. પણ સેક્સોલોજીસ્ટ ડૉ પ્રકાશ કોઠારી જેવા અનેક લોકો વરસોથી પત્નિ સાથે સાંજની ચા માણવા પણ અહીં આવે . હાલમાં આ ટી સેન્ટરના સંચાલક, માલિક છે મૂળ સુરતના સાયરસ ચિનોય. કુશાંદે એટલે કે એરકન્ડિશન્ડ રેસ્ટોરન્ટમાં કોલોનિયલ ફીલ કરાવતા ટેબલની ગોઠવણી છે તો દરેક ટેબલ પર ટી ગાર્ડનમાં હોય તે રીતે વેઇટરને બોલાવવા માટે પિત્તળની મીઠો રણકાર કરતી ઘંટડી હોય. આછું સંગીત, લાઈટ અને એરકન્ડિશન્ડ વાતાવરણમાં  તમે  બેઠા હો તો પ્રસન્ન થઈ જવાય. હવે અહીં ફાઈનેસ્ટ ભારતીય ચા સાથે અમેરિકન,ભારતીય નાસ્તો અને ખાણું પણ પીરસવામાં આવે છે. સવારે સાડા આઠથી રાતના સાડા દશ સુધી ખુલ્લુ રહેતું આ ટી સેન્ટરમાં કોઇપણ સમયે જાઓ ફ્રેશ થઈ જવાય. અહીં કુલ્લડમાં માટીની સુગંધ સાથેની ભારતીય ચાથી લઈને ફુદીના,મસાલા, ગ્રીન ટી સહિત અનેક  પ્રકારની ચા માણી શકાય છે. મેનુ ખૂબ ઇન્ટરેસ્ટીંગ રીતે લખેલું છે. તેમાં ચાની ગુણવત્તા, ક્યાં ઊગે છે. કેવો ટેસ્ટ અને બ્લેન્ડ છે તેની સાથે અનેક માહિતી અને ક્વોટ પણ વાંચી શકાય છે. એક જગ્યાએ એમાં લખેલું છે. ટી બેગ સ્ત્રી જેવી હોય છે જ્યાં સુધી તેને તમે ગરમ પાણીમાં ન મૂકો ત્યાં સુધી તે કેટલી સ્ટ્રોન્ગ છે તે જાણી ન શકો. અમે અહીં નાસ્તામાં મશરુમ ઓન ટોસ્ટ, પકોડા અને ચા લીધી. આરામથી મિત્રો સાથે કે એક ક્લાસિક લવ સ્ટોરીના પુસ્તક સાથે સવાર કે સાંજ વિતાવવી એ એક લકઝરી છે. સ્વાદ માટે પુછો તો મુડ પ્રમાણે પરફેક્ટ. તેમાં કોઇપણ સમયે ફરક ન પડે. સમય અહીં લોકલ ટ્રેનની જેમ ભીડ ભરેલો કે રેટ રેસમાં પસાર થતો નથી અનુભવાતો. કોલોનિયલ કાળમાં થંભી ગયેલો અળસાતો સમય પસાર થતો અનુભવી શકો. બપોરે લંચમાં કે ડિનરમાં અહીં ગરમા ગરમ તમને ભાવતો સુપ અને મેઇન કોર્સમાં પાસ્તા વીથ ફ્રેન્ચ રોલનો આનંદ માણી શકો. અમે તમને પમ્પકિન અને રોઝમેરી સુપ ટ્રાય કરવાનું કહીશું.  અથવા સિસિલિયન રિસોટો ટ્રાય કરવા જેવો છે. ટોમેટો અને ચીઝ સાથે તાજા બેસિલના પાનનો અદભૂત સ્વાદ માણતા આ ગરમા ગરમ રિસોટો(ભાતની યુરોપિયન વાનગી) ખાવાનો આનંદ માણવા અમે ખાસ ચર્ચગેટ જવા ગમે ત્યારે તૈયાર.  પાસ્તા તમને ભાવે તે રીતે ટોમેટો, બેસિલ કે ક્રિમ ચીઝ સોસ સાથે માણી શકો. ચા અહીં પચાસ રુપિયાથી લઈને 145 રુપિયા સુધીની મળે. રિસોટો, પાસ્તા 175 રુપિયા, ચા વીથ બ્રેકફાસ્ટ લગભગ દોઢસો રુપિયા. બે વ્યક્તિ જાય તો નાસ્તામાં ત્રણસોથી પાંચસો રુપિયા. જમવાના 1000 રુપિયા થઈ શકે. અહીં આઇસ ટી અને આઇસ્કિમ પણ મળે છે પરંતુ, અમે તો અહીં કોન્ટિનેટલ પર જ કળશ ઢોળીએ.  આ આઉટલેટ જરા મોઘું છે પણ વાતાવરણ, સ્વાદ અને સમયના આનંદની સામે દરેક વખતે પૈસાનો વિચાર કઈ રીતે કરી શકાય. 

You Might Also Like

3 comments