લુઝર ડાયરી - 1

20:35


વજનના કાંટા પર ચઢીને પ્રાર્થના કરવાનું મન થાય કે વધારે આગળ ન જાય.... પણ પ્રાર્થના કરવા માત્રથી દરેક બાબતનો ઉકેલ નથી આવતો. જ્યારે જ્યારે મને કોઇ કહે કે વજન વધારે તો નથી વધી ગયું ને ? ત્યારે થોડા દુખ સાથે કહેવાતું ના રે ના... ઊલ્ટાનું ઓછું થયું છે. પણ ખબર તો હોય જ કે આ બાબત સાચી નથી. જ્યારે આયનામાં જોઉં ત્યારે મને લુઝર લુઝર એવા અવાજોના પડઘા સંભળાય... કારણ કે મારા શરીર સામે હું હંમેશા હારી જતી. મારો જન્મ ઉછેર કાલબાદેવીમાં ચાલના પડોશી મૃદુલાકાકીને ડાયાબિટિશ અને શરીરે ભારે..... તેમને ચાલવા જવાની સલાહ આપતી ત્યારે કાકી હંમેશા ટોણો મારતાં તું મારી ઉંમરની થા ત્યારે હું તને જોઇશ. અને આપણે વટથી કહેતા કે હું તો ક્યારેય જાડી થવાની જ નથી જોજોને... વરસેક પહેલાં જ્યારે કાલબાદેવી ગઇ ત્યારે મૃદુલાકાકીએ મને મારા શબ્દો યાદ દેવડાવ્યા કેમ બહેન તમે તો કહેતા હતા ને કે જાડા નહીં થાઓ. ત્યારે ય આપણે નમતું જોખવા તૈયાર નહોતા... અરે હું તો હમણાં થોડો સમયથી ધ્યાન નથી આપતી. ચાલવા નથી જતી એટલે ... બાકી જો જોને હું પાતળી થઈ જઈશ. વજનનો કાંટો અને કમરનો ઘેરાવો બન્ને વધવા સાથે ડાયાબાટિશ પણ થયો ત્યારે ય મારી જાતને લુઝર તરીકે સ્વીકારવા તૈયાર નહોતી. અને વજન ઊતારવા માટે ય ગંભીરતાપૂર્વક પ્રયત્નો નહોતા થતાં. કરિના કપુરની ડાયેટિશીયનથી લઈને દરેક જાણીતા ડાયેટિશિયનોને મળતી, ઇન્ટરવ્યુ લેતી. પણ મારી પોતાની સાથે હું લુઝર સાબીત થઈ રહી હતી. પતિમિત્ર  દીપક મને એક જોક કહેતો, કોઇએ એક જાડું શરીર ધરાવતા બહેનને પુછ્યું  શરીર ઊતારવા માટે તમે શું કરો છો ? તો બહેને જવાબ આપ્યો કે પ્રાર્થના..... આ જોક મને ય લાગુ પડતો હતો. સાંભળીને હું પણ હસતી પણ ચોટ લાગતી. કારણ કે હું જાણતી હતી કે પ્રાર્થનાની સાથે મહેનત પણ જરુરી છે. ચારેક વરસ પહેલાં ડાયેટિશયનની સલાહને અનુસરી પાંચેક કિલો વજન ઊતાર્યું હતું પણ વળી પાછું જૈસે થે ... હોવું જોઇએ તેના કરતાં મારું વજન વીસ કિલો વધારે. ડોકટરો પણ કહે કે વજન ઓછું કરો તો ડાયાબિટિશ જતો રહે. પણ વજન ઓછું કરવું કેટલું અઘરું છે તે દરેક મેદસ્વી વ્યક્તિને પૂછો. આપણે દુનિયા સામે રેટ રેસમાં સ્વસ્થ જીવન જીવવાની પધ્ધતિને કોરાણે મૂકીને બાહ્ય સફળતાને જ મહત્ત્વ આપતા હોઇએ છીએ. પણ જાત સામે હારતા જઇએ છીએ તે દરરોજ છાપાઓમાં છપાતાં સંશોધનો ધ્વારા જાણતા જ હોઇએ છીએ. પરંતુ, વાંચવું, વિચારવું અને ચર્ચા કરવી પણ એક આદત રુપે જ રહે છે. તેમાં ઊંડા જવાનું ટાળતા હોઇએ છીએ. શરીરનું અદોદળાપણું મનને પણ ધીમું પાડી દેતું હોય છે. તે સમજાતું હોવા છતાં લુઝરોને તે દેખાતું નથી. એટલે મને અહીં કબૂલવા દો કે એ અર્થમાં હું લુઝર હતી અને આજે ય છું. લુઝર તરીકે જ્યારે આપણે આપણી જાતને સ્વીકારતા નથી ત્યાં સુધી તેમાંથી બહાર આવવાનું પણ શક્ય નથી બનતું તે મેં જાતે અનુભવે જાણ્યું. હકારાત્મક , પોઝિટિવ થિન્કિગના થોથા વાંચવા, લખવા કે સલાહ આપવી મારા માટે ય સરળ હતું. પણ જ્યારે જ્યારે આયનામાં જાતને જોતી ત્યારે સત્ય આંખોથી ઓઝલ થઈ શકતું નહીં. પણ ગયા વરસમાં જીવનમાં અનેક બાહ્ય અને આંતરિક ફેરફારો થયા તો ય હું લુઝર જ રહી. અસ્તુ...

You Might Also Like

0 comments