પ્રેમ પર્યાવરણ માટે....

08:17


મનુષ્યનું ચિત્ત અથવા વિચાર જેવા બને છે  તેવા જ તેના પ્રાણ અથવા જીવન બને છે. ઋષિ પિપ્પલાદે પ્રશ્નોપનિષદ. આ વાક્ય હજારો વરસો પછી પણ આજે પણ એટલું જ અસરકારક જણાય છે. આજે કુદરતી જીવન જીવવાની વાત દૂર રહી આસપાસમાં કોઇ ઝાડ કપાય તો પણ આપણું રુંવાડું નથી ફરકતું. ત્યારે મુંબઈમાં જન્મેલો અને ઉછરેલો છોકરો બિક્રેશ સિંઘ મોટો થઇને ગ્રીન પીસ સંસ્થા સાથે જોડાય છે. મધ્ય પ્રદેશમાં જ્યાં સૌથી વધુ જંગલો આવેલા છે ત્યાં પણ ડિફોરેસ્ટેશન એટલે કે જંગલો કપાવાનું શરુ થઈ ચુક્યું છે અને તે પણ શેને માટે કોલ માઈન કંપનીઓને કારણે. જુલાઈ મહિનામાં બિક્રેશ સિંઘ મધ્ય પ્રદેશમાં સિન્ગ્રાઉલી જંગલમાં ફરવા ગયો ત્યાં એણે એક ટેકરા પર ચઢીને જોયું કે દૂર દૂર સુધી ગાઢ જંગલ ફેલાયેલું છે પણ તેની નજર ડાબી તરફના ભાગ પર ગઇ તો તેને થર્મલ પાવરના ભૂંગળાઓ જંગલને ખાઈ જવા તાકી રહ્યા હોય તેવા દેખાયા. આ ભૂંગળાઓમાંથી નીકળતા ધૂમાડામાં  જંગલની નીચે પથરાયેલ કોલ એટલે કે કોલસાનો ભોગ લેવાયો છે તે જણાય છે. આ કોલસા મેળવવા માટે જંગલોનો ભોગ લેવાય છે અને તે પણ શેને માટે તો કહે કે આપણને વીજળીની જરુરત છે એટલે. વીજળીની આપણી માગને પહોચી વળવા માટે જંગલોનો નાશ કરવામાં આપણા સૌનો ફાળો છે કારણ કે આપણને ખબર નથી કે આપણા આધુનિક ઉપકરણોના વપરાશ માટે ક્યાંથી વીજળી પેદા કરવામાં આવે છે. બ્રિકેશ સિંઘને તે જ ક્ષણે લાગ્યું કે આ રીતે જંગલોનો નાશ થશે તે કઇ રીતે જોવાય. અને થર્મલને બદલે પર્યાવરણને નુકશાન ન પહોંચે તે રીતે પણ આપણે વીજળી પેદા કરી જ શકીએ. પણ સરકાર કહે છે કે તેઓ આપણી વિજળીની માગને પહોંચી વળવા માટે કરે છે. બ્રિકમ સિંઘે ત્યારે  જ વિચાર્યુ કે લોકોને જાગૃત કરવા માટે તે એક મહિનો જંગલમાં રહેશે. જંગલ બચાવવાની વાતો કરવી અને જંગલને બચાવવા માટે ખરેખર કંઇક કરવું તેમાં ઘણો ફરક હોય છે. મોટાભાગના લોકો વાતો જ કરે છે જ્યારે કેટલાક લોકો ભલે ગાંડપણ લાગે તેટલી હદે પણ કશુંક કરવાની ઇચ્છાને અમલમાં મૂકતા હોય છે.  એવું જ  બિક્રેશ સિંઘે કર્યું. તેણે એક મહિનો મહારાષ્ટ્રના તાડોબા ટાઈગર માટે ખાસ રાખેલા રિઝર્વ ફોરેસ્ટમાં એક મહિનો ઝાડ પર રહેવાનું નક્કી કર્યુ. આ જંગલને અડીને પણ કોલ માઈન આવેલી છે. જંગલમાં ઝાડ પર રહેવું અને તે પણ જ્યાં અનેક હિંસક પ્રાણીઓ રહેતા હોય તે સહેલું નહોતું. વળી કોઇ ઇલેકટ્રીસિટી કે ગેજેટનો ઉપયોગ પણ તેણે નહોતો કર્યો.પાસેના ગામવાળા તેને બીજી કોઇ મદદની જરુર હોય તો આપતાં હતા, જેમકે ખાવાનું વગેરે. ઝાડ પરના ઘરમાં ટોઇલેટ પણ નહોતું. એણે આખોય સપ્ટેમ્બર મહિનો આ રીતે ઝાડ પર બાંધેલા ઘરમાં જંગલમાં એકલા વીતાવ્યા. અને જંગલનો અવાજ સાંભળ્યો. એક મહિનામાં તેણે કેટલાય કોલ માઈનમાં થતાં બ્લાસ્ટથી આખુંય જંગલ થરથરતું  જોયું. અને નદીને થોડે આગળ જઇને કોલ માઈનના વેસ્ટને કારણે પ્રદુષિત થતી જોઇ. જંગલ કપાશે તો કેટલાય પક્ષીઓ,પ્રાણીઓ,વનસ્પતિ અને જંતુઓનો નાશ થશે. તાડોબા જંગલની આસપાસ અત્યારે છ કોલમાઈન કાર્ય કરી રહી છે પણ બીજી અનેક કોલ માઈન ત્યાં આવવાની શક્યતા હતી. બિક્રેશ સિંઘ જે એક મહિનો ત્યાં રહ્યો તે સમયમાં જંગલખાતાએ અન્ય કોઇ માઈન ન આવે અને જંગલને ખતમ ન કરે તેની તકેદારી લેવાનું શરુ કર્યું. એનો અર્થ એ તો થયો કે જંગલ ખાતું જાગૃત થયું. બિક્રેશ  સિંઘે સહી કેમ્પેન પણ શરુ કર્યું હતું. અમને વન જોઇએ છે કોલ નહીં એવી માગ સાથેની લગભગ 2 લાખ 50 હજાર વ્યક્તિઓની સહીઓ ભેગી કરીને તેણે વડાપ્રધાન મનમોહન સિંઘ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. વડાપ્રધાન હૈદરાબાદમાં ઓક્ટોબર મહિનામાં યુએન કન્વેનશન ઓફ બાયોડાર્વસિટીના સેમિનારમાં વક્તવ્ય આપવાના હતા. ગ્રીન પીસ સંસ્થાએ તપાસ કરીતો ખબર પડી કે કુલ 40માંથી  મધ્ય પ્રદેશમાં જ 13 કોલમાઈન ફિલ્ડ કાર્યરત છે જે આગળ જતાં લગભગ ભારતના પાંચ મોટા શહેરોથી બમણો જંગલ વિસ્તાર ખતમ કરશે. તેની સાથે પર્યાવરણ અને વાઘ જેવા અનેક પ્રાણીઓનો પણ નાશ થશે. વિજળી તો બીજી રીતે પણ પેદા કરી શકાય છે પણ પર્યાવરણનો નાશ થયા બાદ તેને ફરીથી ઊભું કરી શકાતું નથી. આપણે પણ બ્રિકેશની જેમ આપણાથી જેટલું થઇ શકે તેટલું કરીએ તો ય ઘણું. કારણ કે પર્યાવરણ આપણા અસ્તિત્વ માટે પણ જરુરી છે. 

You Might Also Like

0 comments