મર્યાદાઓને ઓળંગીને મુક્તમને વિચારો 30-1-13

04:01




આપણે જે નથી કરી શકતા તે જો અન્ય કોઇ કરે તો તેને આપણે હીરો ગણીએ છીએ. દરેક વ્યક્તિએ પોતાની મર્યાદા બાંધી લીધી હોય છે. એટલે જ્યારે  કેટલીક વ્યક્તિઓ પોતાની મર્યાદાઓને ઓળંગીને કંઇક આગળ વધે છે તો તે આપણે માટે પ્રેરણાસ્રોત બની જાય છે. અહીં આ કોલમમાં આપણે સતત એવી વ્યક્તિઓની વાતમાંથી પ્રેરણા લઈને આપણે પોતાની બાંધી દીધેલી મર્યાદાઓમાંથી થોડાઘણા અંશે પણ મુક્ત થવાના પ્રયત્નો કરીએ છીએ.
પણ જ્યારે એવું બને કે આપણો પ્રેરણાસ્રોત ખોટો હતો તેવી ખબર પડે ત્યારે આપણને આપણી સમજ પ્રત્યે ધિક્કાર થાય છે અને આપણી મર્યાદાઓને વધુ દ્રઢતાપૂર્વક સાંકડી કરીએ છીએ. યુવરાજ સિંહ કેન્સરમાંથી મુક્ત થઇને પાછો મેદાનમાં રમવા ઊતરે અને ફરીથી 6 સિક્સર એક જ ઓવરમાં મારે તો તે જગતનો સુપરહીરો બની જાય. પણ ખબર પડે કે તે પોતાનું પર્ફોમન્સ સુધારવા માટે ડ્રગ્સ લેતો હતો તો તે હીરો ઝીરો બની જાય છે. સુપર સાયકલિસ્ટ લાન્સ આર્મ્સસ્ટ્રોગ  જેણે કેન્સરને માત આપ્યા બાદ સાત સાત વખત ટુર દી ફ્રાન્સ નામની સૌથી અઘરી રેસ જીતી હોય તેને લોકો સુપર હીરો માને જ તેમાં નવાઈ નથી. સ્પોર્ટસમાં આપણને રસ એટલે જ પડે છે કે તેમાં દરેક ખેલાડીએ પોતાની મર્યાદાને ઓળંગીને નવા શિખરો સર કરવાના હોય છે પોતાના માટે અને અન્ય માટે. લાન્સ આર્મ્સસ્ટ્રોગે જ્યારે દુનિયા સમક્ષ કબૂલ્યું કે તે ક્ષમતા વધારવાના ડ્રગ્સ લઈને રેસ જીત્યો હતો ત્યારે જગતભરમાં લોકોના હૈયાએ પોતાની સાથે દગો થયાની લાગણી અનુભવી. કારણ કે લાન્સને એવું કેન્સર થયું હતું કે જેમાંથી બચવાની શક્યતા ઓછી હતી. તેણે કેન્સર જેવી બિમારીને તો માત આપી જ પણ ત્યારબાદ સાયકલ રેસિંગમાં  પાછા આવીને વર્લ્ડ ચેમ્પિયનના ટાઈટલ પણ જીત્યા. દરેક વિપરીત સંજોગોમાં લાન્સનું ઉદાહરણ લઈને લોકો મર્યાદાઓ અને વિટંબણાઓની સામે લડતા હતા. પણ લાન્સ આર્મ્સસ્ટ્રોગની કબૂલાત માત્રથી લોકો તેને ધિક્કારવા લાગ્યા. પૈસા માટે તેણે આવી જાહેર કબૂલાત કરી છે એવા પણ આક્ષેપો તેના પર થઈ રહ્યા છે. તો અનેક લોકો તેના પર છેતરપિંડીના કેસ કરી રહ્યા છે.
કારણો ગમે તે હોય પણ અહીં એકવાત પર વિચાર કરવા જેવું જરુર લાગે કે લાન્સ આર્મ્સસ્ટ્રોગે વધુ એક મર્યાદાને ઓળંગીને પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો છે. લાન્સને ખબર તો હતી જ કે જેવી તે ગુનાઓની કબૂલાત કરશે લોકો તેને ધિક્કારશે અને તેના પર કેસ પણ થશે. જાહેરમાં ગુનાની કબૂલાત કરવી સહેલું નથી. અને ત્યારે કે જ્યારે તમે લોકોમાં પ્રસિધ્ધ હોવ. એનો અર્થ કે લાન્સની અંદર સતત મર્યાદાઓને ઓળંગવાની શક્તિ હતી. એટલે જ તેણે કબૂલ્યું છે કે મેં જો ત્યારે મારી ક્ષમતા વધારતા ડ્રગ્સને લઈને જીતવાની મહત્વકાંક્ષાની મર્યાદા ઓળંગી હોત તો આજે મારે લોકોની સામે માફી ન માગવી પડત. યેનકેન પ્રકારે જીતવાની , પ્રસિધ્ધ થવાની કે પૈસાદાર થવાની લાલસાને તાબે થનાર વ્યક્તિઓ લોકોનો સાચો પ્રેમ પામી નથી શકતી. કારણ કે લાલચ તેમને અંધ બનાવી દે છે. આપણે દરેક વખતે સફળ જ થઈએ તે જરુરી નથી. અસફળતાનો સ્વીકાર કરવા માટે પણ હિંમતની જરુર પડે છે. કારણ કે અસફળતા વખતે  પરિસ્થિત દરેક રીતે વિપરીત હોય છે. પણ ત્યારે જો આપણે આપણી મર્યાદાને તોડીને મુક્ત મને વિચારીએ તો સમજાય છે કે સફળતા અસફળતા જેવું ખરેખર કશું જ હોતું નથી.





You Might Also Like

0 comments