જીવનની તકલીફોને આવકારો 27-2-13
22:39
રમતગમતના ક્ષેત્રે એક મહત્ત્વનો પાઠ ભણાવાય છે,
તમે પડ્યા એ તો જ સ્વીકારી શકાય જો તમે તરત ઊભા થવાનો પ્રયત્ન કર્યો હોય. ફુટબોલ-
બાસ્કેટ બોલ કે અન્ય ખેલ માટે પણ સતત
દોડવું મહત્ત્વનું હોય છે. જીવનમાં વિપરીત
સંજોગો આપણને પાડી દેતા હોય છે પણ તેમાંથી તરત જ ઊભા થવાનો પ્રયત્ન કરનાર જ જીવન
જીવી શકતો હોય છે. જીવનમાં તકલીફો તો આવ્યા જ કરતી હોય છે. દરેક
વખતે આપણું ધાર્યું થતું નથી એ હકિકત છે
પરંતુ, જ્યારે વિપરીત પરિસ્થિતિ ઊભી થાય તે સમયે આપણે જે વિચારીએ છીએ, પરિસ્થિતિને
સ્વીકારીએ કે નકારીએ છીએ તેના આધારે આપણું જીવન ઘડાતું હોય છે. જીવનમાં નાની મોટી
અનેક અડચણો આવતી હોય છે તેને પડકારીને જીવન જીવી શકાય છે તો તેનાથી હારીને જીવન
હારી બેસતા લોકો પણ આસપાસ જોવા મળે છે. કેટલાક તો જીવનનો અંત આત્મહત્યાથી લાવી દેતા હોય છે...એમ
કરવાથી જીવનનો અંત આવે છે પણ સમસ્યાનો નહીં.
અમેરિકાના એક નાના શહેર ઓરેગોનમાં રહેતા ડેન વ્હીટનીને ગયા વરસે સેન્ટીએમ
ક્રિશ્ચિઅન હાઈસ્કુલમાં સોફ્ટબોલ કોચ તરીકે નિમવામાં આવ્યો. કોઇપણ રમતના કોચ તરીકે
નિમાવું તે મોટી વાત નથી પરંતુ, ફક્ત બાર વરસ પહેલાં ડેન વ્હીટની પેરેલાઈઝડ હતો
અને ડોકટરોએ કહી દીધું હતું કે વ્હીટની કોઇ દિવસ ચાલી નહીં શકે. ડિસેમ્બર 2000ની
સાલમાં ડેન વ્હીટની તેના મિત્ર સાથે સાન્તાક્રુઝ વિસ્તારના પર્વતો પર બાઈકિંગ માટે
નીકળ્યો હતો. પર્વતો પર બાઈક લઈને ફરવું તે વ્હીટની માટે સામાન્ય હતું. પણ તે
દિવસે વરસાદ પડવાને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા હતા. તેવામાં ડેન વ્હીટનીએ બેલેન્સ
ગુમાવ્યું અને તેને ગંભીર અકસ્માત નડ્યો. તેને કરોડરજ્જુમાં જબરદસ્ત માર વાગ્યો
હતો. તેના શરીરનો ગરદનથી નીચેનો ભાગ અચેતન એટલેકે પેરેલાઈઝડ થઈ ગયો હતો. ડોકટરોએ
તો તેના જીવવાની આશા પણ મૂકી દીધી હતી. ડોકટરનું કહેવું હતું કે જો વ્હીટની
જીવશે તો તેનું જીવન સરળ નહીં હોય. કારણ કે તેને અનેક શારિરીક તકલીફોનો
સામનો કરવો પડશે. થોડો સમયમાં તેને ઘરે લઈ જવામાં આવ્યો. આઠ દિવસ બાદ તેનો અંગુઠો હલાવી શકતા વ્હીટની
ફરીથી હોસ્પિટલમાં ગયો નવી આશા સાથે પણ તેનું ચેકઅપ કર્યા બાદ ફરીથી ડોકટરોએ
કહ્યું કે તેની શારિરીક પરિસ્થિતિમાં કોઇ જ ફરક નહીં પડે અને તેણે પથારીમાં સુતાં
સુતાં જ બાકીની જીંદગી જીવવી રહી. વ્હીટની અને તેની પત્નિ કેન્ડીએ નક્કી કર્યું
હતું કે તેઓ નકારાત્મક વિચારો કે વાતો નહીં કરે. તેમણે ઘરે ફિજીયોથેરેપીની
ટ્રિટમેન્ટ લેવા માંડી. વ્હીટનીએ નક્કી કર્યું કે તે એક દિવસ ઊભો થઈને પોતાના પગ
પર ચાલતો થશે. તેણે સખત મહેનતથી કસરતો કરવા માંડી. ધીમેધીમે તેના એક એક અંગ ફરીથી
કામ કરવા લાગ્યા. ક્લચીસ પહેરીને ચાલતો થયો. ડોકટરો અને લોકોના આશ્ચર્ય વચ્ચે તે
કોઇના પણ સહારા વિના ચાલતો થયો. તમે આને ચમત્કાર ગણાવી શકો છો. પરંતુ, ડેન વ્હીટની
કહે છે કે અમે શરુઆતથી જ નક્કી કર્યું હતું કે એકપણ વખત રડીને કહેવું નહીં કે ઓહ
ભગવાન તમે મારી સાથે આ શું કર્યું. આવી પડેલી પરિસ્થિતિને સ્વીકારી લેવી. મારી
ગરદન તૂટી ગઇ છે અફસોસ કરવાથી સંધાઈ નહીં
જાય. દરેક પરિસ્થિતિ ઘટના છે, અકસ્માત નથી.
કોચ તરીકે નિમણૂક થયા બાદ તેણે પોતાની ટીમને પોતાનું ઉદાહરણ આપતાં કહ્યું
કે સંજોગો તમને પાડી દઇ શકે છે કે પણ તેમાંથી પાછા ઊભા થઈને જોઇશું તો નવજીવન
તમારા સ્વાગત માટે રાહ જોઇ રહ્યું હશે. આપણે જ્યારે કોઇને ખરાબ સંજોગો કે તેમના
દુખના સમયે સધિયારો આપતા કહીએ છીએ કે હશે
ઇશ્વરને ગમ્યું તે ખરું. પરંતુ, આપણા જીવનમાં આવતી અડચણો સામે આપણે હામ હારી દેતા
હોઇએ છીએ. અડચણ ગમે તેટલી મોટી કેમ નહોય પણ તે જીવનથી મોટી ન હોઇ શકે.
1 comments
ખુબજ સુંદર વાત જે ને જીવન માં સમજવાની જરૂર !
ReplyDelete