કામ કરનારને કોઇ રોકી શકે નહી. મિત્તલ પટેલ

21:07


માર્ચ મહિનો આવે અને નારી દિને આપણે નારી સ્વાતંત્ર્યનો મહિમા યાદ કરીએ.એવી મહિલાઓને યાદ કરીએ, બિરદાવીએ જેમણે પોતાનો ચીલો ચાતર્યો હોય. આજે આપણે ખરા અર્થમાં જેને આજની નારી કહી શકીએ તેવી મિત્તલ પટેલને મળીશું. અમદાવાદમાં રહેતી મિત્તલ પટેલ પહેલી નજરે  આપણા સૌ જેવી જ  સામાન્ય મહિલા લાગે. ખભા સુધી કાપેલા વાળ, કોટનનું લાલપીળા રંગનો ચુડીદાર. પોણા બે વરસની દિકરી કિયારાને પ્લે ગ્રુપમાંથી ઘરે લઈને જતાં તેની સાથે કાલી ઘેલી ભાષામાં સ્કુલની વાતો કરતી હસતી માતાની ભૂમિકામાં ઓપી ઊઠતી યુવતી. એની ઓળખ એના જ શબ્દોમાં,” મને ખબર છે કે જીવનમાં શું કરવું છે એટલે ખુશ છું.  “ મિત્તલ એવું કામ કરે છે જેને આજ સુધી કોઇએ કરવાનું વિચાર્યું ન હોય. મદારી, ભીલ, તરગાળા (રસ્તા પર ખેલ કરનારા) ગારુડી જેવા લોકો જેમની પાસે રહેવાનું કોઇ ઠેકાણું ન હોય તેવા વિચરતી જાતિના સમુદાયને માટે કામ કરી રહી છે. આ જાતિને 1871ની સાલમાં બ્રિટિશરોએ ગુનેગાર જાતિ તરીકે ઓળખ આપી હતી. તે આજદિન સુધી ભૂસાંઈ નહોતી, મિત્તલે તેમને નવી ઓળખ તો આપી તેમના બાળકોને ભણતા કર્યા અને સમાજમાં તેમના વિસરાયેલા અસ્તિત્વને સ્થાપિત કરવાની મહેનત કરી રહી છે.
પત્રકારત્વમાં ગોલ્ડ મેડલ સાથે  સ્નાતક થનાર મિત્તલે થોડો સમય પત્રકારત્વનું કામ કર્યું. પરંતુ, તેને લાગ્યું કે આ ક્ષેત્ર તેને માટે નથી. અને તેણે પત્રકારત્વ છોડીને  વિચરતી જાતિના સમુદાય માટે કામ કરવાનું શરુ કર્યું. વણઝારાની જેમ રહેતી આ જાતિના લોકોની પાસે સરનામું ન હોવાને કારણે તેમની પાસે ન તો વોટિંગ કાર્ડ હોય કે ન તો રેશન કાર્ડ હોય. શરુઆતમાં તો આ જાતિના લોકોએ પણ મિત્તલને શંકાની નજરે જોવા માંડ્યું કારણ કે આ સમુદાયનું નામ પોલીસને ચોપડે તો હોય જ. આ જાતિને ઓળખ અપાવવા માટે તેને સરકારી કચેરીઓ સાથે સંપર્ક કરવાનો રહેતો જે કામ સૌથી અઘરું હતું. પણ હિંમત હારે તે મિત્તલ નહીં.  તેણે વિચરતી જાતિના ગુજરાતમાં રહેતા પચાસ લાખ લોકોમાંથી વીસ હજારને જમીન અને વોટિંગ કાર્ડ સાથે ઓળખ અપાવી. આ કામ કરવા માટે તેણે શરુઆતમાં માતાપિતા અને લગ્ન બાદ પતિ મૌલિક તથા સાસુસસરાને પણ મનાવ્યા. લગ્નના પાંચ વરસ બાદ દીકરી આવી કિયારા, સિઝેરીયન કરવું પડ્યું. પણ દીકરીને જન્મ આપ્યાના સત્તરમાં દિવસે તો તેણે કેન્દ્ર સરકાર ધ્વારા આયોજીત મિટિંગમાં વિચરતી જાતિની માહિતી અને સમસ્યાનું પેપર રજુ કરવાનું હતું. ઘરમાં દૂધ પીતી છોકરીને મૂકીને જવાનું અને પોતે ય માંદી,વળી માતાનો સતત વિરોધ છતાં મિત્તલ કહે દીકરી જેટલું જ મહત્ત્વ છે મારું કામ. ત્યારબાદ તો મહિનાની દીકરીને લઇને કામ પર જવાનું શરુ કર્યું . દીકરીને લઈને ગુજરાતભરમાં 45000 કિલોમીટરનો પ્રવાસ કામ માટે કર્યો. રસ્તા પર રહેતી જાતિને પાણીને અભાવે નહાવા ય દિવસો સુધી ન મળે તેમના હાથમાં દીકરીને ચિંતા કર્યા વગર આપતી મિત્તલ કામ કરતી રહી. અમે પુછ્યું કે દીકરી માંદી પડવાનો ડર ન લાગતો ? તો કહે ના રે કેટલાય બાળકો રસ્તા પર ઊછરે છે અને કેવા કડે ધડે હોય છે. જ્યારે બહુ લાડમાં સાચવેલા બાળકો પોચટ હોય. મેં કદી ચિંતા કરી નથી. આ જાતિને માટે પ્રેમથી કામ કરું છું. અને મારી દીકરીને ય પ્રેમ કરું છું . એટલે જ તેને સાથે રાખીને મેં કામ કર્યું છે. એ ય હવે ટેવાઈ ગઇ છે મારા પતિની જેમ. કહેતા મિત્તલ ખડખડાટ હસે છે. મમ્મીને હસતાં જોઇને નાનકડી કિયારા પણ હસે છે. તે જોઇને મિત્તલ કહે કે , તમારે કામ કરવું જ હોય તો કોઇ તમને અટકાવી નથી શકતું.મારે કામ કરવું હતું લગ્ન કરવા હતા, બાળક પણ જોઇતું હતું તે બધું જ કર્યું. મને કોઇ જ તકલીફ નથી. અને કોઇ જ મને નડતું નથી.
વિચરતી જાતિ માટે કામ કરવા માટે મિત્તલે ખાસ્સો સમય બહાર રહેવું પડે છે. શરુઆતમાં તો તે બસમાં જતી હવે તેની પાસે ગાડી છે તો ડ્રાઇવ કરીને જાય છે. કોઇ વ્યક્તિ કે વસ્તુ મિત્તલના સમાજ માટે કામ કરવાના જુસ્સાને રોકી શકી નથી. તે જોઇને ગર્વ થાય છે કે આજની નારી નારીત્વનું ગૌરવ વધારી રહી છે. તેને દરેક પરિસ્થિતિમાંથી માર્ગ કાઢતા આવડે છે. ઘર, બાળક અને સમાજને સાથે લઈને તે પોતાની શરતે જીવન જીવે છે. મિત્તલના કામને બિરદાવતા દેશ વિદેશમાં અનેક અખબારોમાં લેખ લખાયા છે તો અનેક એવોર્ડ પણ મળ્યા છે. 

You Might Also Like

0 comments