પુરુષ આખરે આદમ છે. 26-11-13

09:09
ટાઇટલનું આ વાક્ય વિચિત્ર લાગતું હોવા છતાં તેનો અર્થ દરેકના મનમાં એક સરખો સ્પષ્ટ થાય છે. અહીં ઇવને પ્રેમ કરતાં આદમની વાત થઈ રહી છે. એ પુરુષને ન તો જાતિ કે ઉંમર હોય છે તે ઇવની હાજરીમાં આદમ હોય છે.

હાલમાં જ સુચિત્રા કૃષ્ણમૂર્તિએ પોતાના જીવનની વાત ડ્રામા ક્વીન નામના પુસ્તકમાં પ્રગટ કરી. એ પુસ્તકના વિમોચન બાદ તેની પબ્લિસિટી પણ ડ્રામાક્વીનને શોભે તે રીતે થઈ. એક જમાનામાં શેખર કપૂરને પરણેલી સુચિત્રાએ પોતાના લેટેસ્ટ પુસ્તકમાં લખ્યું છે કે મેં રામ ગોપાલ વર્માને લગ્ન માટે પ્રપ્રોઝ કર્યું હતું. પણ રામ ગોપાલ વર્માએ તેને ના પાડી હતી એટલું જ નહીં રામ ગોપાલ વર્માએ તેને એવું કહ્યું કે , સુચિત્રા તે મને મીસઅન્ડરસ્ટેન્ડ કરી છે. હું લગ્ન સંસ્થામાં માનતો નથી.એટલે  લગ્ન વિશે ક્યારેય વિચારું જ નહીં. હું સ્ત્રીનો ઉપયોગ ફક્ત સેક્સ માટે જ કરું છું. આઇ લાઈક વિમેન બોડી નોટ ધેઅર બ્રેઇન....મને સ્ત્રીના શરીરમાં રસ છે તેમની બુધ્ધિમત્તામાં નહીં. રામુની આ અંગત માન્યતા છે. એટલે આપણે તેના વિવેચનમાં નહીં પડીએ.  આમ તો આ વાક્ય કોઇપણ સ્ત્રીને વાગવું જોઇએ. પરંતુ, સુચિત્રાએ એવા કોઇ પ્રતિભાવ નથી આપ્યા. નારીવાદી કોઇ અભિગમ વગર પુરુષના પોઇન્ટ ઓફ વ્યુથી આ વાક્યને તપાસતા સમજાય છે કે કોઇપણ પુરુષ સૌ પહેલાં સ્ત્રીને એક સ્ત્રી શરીર તરીકે જ જુએ છે. આ જ તથ્ય છે જ્યારથી પૃથ્વી બની અને માનવનો જન્મ થયો. જો એવું ન હોત તો આજે પૃથ્વી પર આપણું અસ્તિત્વ કેટલું હોત તે પણ વિચારવા જેવું છે.
આદિમાનવમાંથી જેમ જેમ માણસનો વિકાસ થતો ગયો તેમ સમાજના નિયમોની રચના પણ થતી ગઇ. પરંતુ સ્ત્રીને સ્ત્રીત્વ આપતું કે પુરુષને પુરુષત્વ આપતું મુખ્ય તત્વતો એ જ રહેવાનું છે. પુરુષને પૌરુષત્વ આપતું ટેસ્ટેટોરોન નામનું હોર્મોન પુરુષોની ખાસિયતો ઘડે છે એવું કહી શકાય.  રસ્તા પરથી પસાર થતા ,  કોઇ પબમાં દાખલ થાય  , પત્નિ સાથે ડિનર લેતા હોય  કે ઓફિસમાં જ કામ કેમ ન કરતા હોય દરેક પુરુષ પસાર થતી કે સામેથી આવતી યુવાન સ્ત્રીને જુએ જ છે. તેમાં એ પુરુષ ખરાબ છે એવું નથી. યુવાન સ્ત્રી ફર્ટિલાઈ હોય છે. અને તે તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે. સેક્સ એડવાઈઝર અને થેરેપીસ્ટ  ડો.માઈક  ડોવ કહે છે કે પુરુષનું મગજ નોંધ લે તે પહેલાં તો પુરુષની નજર સ્ત્રી સુધી પહોંચી જતી હોય છે. પુરુષના હોર્મોન તેને એમ કરવાની પ્રેરતા હોય છે. સ્ત્રીને જોતો દરેક પુરુષને ફ્લર્ટ માની લેવાની જરૂર નથી. સ્ત્રી પસાર થાય અને પુરુષની નજર તેની નોંધ ન લે તેવું બનવું અશક્ય છે.
બીજા એક રિસર્ચ પ્રમાણે સ્ત્રીનું બીજ જ્યારે ફલિત થવાનું હોય છે ત્યારની તેના પરસેવાની વાસ પુરુષના ટેસ્ટોટોરોનને અસર કરે છે. સ્ત્રીની ફળદ્રુપતાની ગંધ પુરુષના ટેસ્ટેટોરોને વધારતી હોવાના અનેક પુરાવા સંશોધનકારોને મળ્યા છે. એટલે જ્યારે રામુ કહે છે કે મને સ્ત્રીના શરીરમાં રસ છે તેની બુધ્ધિમત્તામાં નહીં ત્યારે તેની અંદરનું પુરુષ નામનું પ્રાણી આ કહી રહ્યું હોય છે. પુરુષોને સ્ત્રીની લાગણીઓ કરતાં શરીરની સાથે કામ પાર પાડતા સરળતાથી ફાવતું હોય છે. એનો અર્થ એવો નહી કે પુરુષને લાગણી નથી હોતી કે તેણે પોતાના ટેસ્ટોટોરોનને પ્રાણીની જેમ વર્તવા દેવાનું હોય. અહીં જ આપણો વિકાસ કામ કરે છે. ટેસ્ટોટોરોનતો પુરુષના લોહીમાં જ હોય છે પણ તેની સાથે શિક્ષણ ,સમાજ અને સમજ આ દરેક બાબતો પુરુષનું ઘડતર કરે છે.પરંતુ, બેઝિક ઇન્સ્ટિન્ક તો આદિમાનવની જ રહેવાની.
 પુરુષ અને સ્ત્રીનો બાયોલોજીકલ ફરક જ તેમને આગવું વ્યક્તિત્વ આપે છે. પુરુષ સિવાય સ્ત્રીની અને સ્ત્રી સિવાય પુરુષની વાત કરવી અશક્ય છે. કારણ કે તેમનો જન્મ પણ એ બન્નેના લીધે જ થાય છે. પુરુષ શું જુએ છે સ્ત્રીમાં તો વેલ તે એનો ચહેરો પહેલાં નથી જ જોતો. સ્તન અને કમરના વળાંકોને જુએ છે. આ વળાંકો જ સ્ત્રીની ફળદ્રુપતાની ચિહ્નો હોય છે. જો કે આજનો પુરુષ આવું વિચારીને સ્ત્રીને જોતો નથી. પણ તેના અજાગૃત મનમાં અને લોહીમાં ટેસ્ટોટોરોન રૂપે આ  કામ કરતી હોય છે. અત્યાર સુધી આ બાબત પુરવાર કરી નહોતી શકાઇ પણ ગયા વરસે  નેબ્રાસ્કા લિન્કન યુનિવર્સિટીના સમાજીક મનોચિકિત્સક સારાહ ગરવેઇસે કરેલા એક સંશોધન દરમિયાન એ સાબિત થયું કે વળાંકોવાળું ફિગર ધરાવતી સ્ત્રીઓ પર પુરુષોની નજર જાય જ છે. તે એમની ફર્ટિલીટીને કારણે.  એટલું જ નહીં સ્ત્રીઓ પણ સુંદર ફિગર ધરાવતી  સ્ત્રીઓને  જુએ છે. પણ પોતાની હરીફ તરીકે.  આઈ ટ્રેકર બેસાડીને આ સંશોધન થયું હતું. પત્નિ કે ગર્લફ્રેન્ડ સાથે હોવા છતાં સુંદર ફિગર ધરાવતી યુવતી પર  એક નજર કોઇપણ પુરુષ નાખશે જ. કારણ કે એ પુરુષનો મૂળ સ્વભાવ ડિએનએમાં વણાયેલો છે.
યાદ રહે પુરુષો યુવાન સુંદર પ્રમાણસર શરીર ધરાવતી સ્ત્રીને એકાદ બે  નજર જોઇ લે ત્યાં સુધી જ તેનું અજાગૃત મન અને હોર્મોન કામ કરતાં હોય છે. પરંતુ, પછી તે જે નિર્ણય લે છે આંખોને મન પર કાબૂ રાખવાનો તે જાગૃત અવસ્થા હોય છે. પણ જો તે વધારે ધારીને જુવે કે તેને યેનકેન પ્રકરેણ પામવાની કોશિષ કરે ત્યારે તે પૌરુષ્યની સીમાની બહાર રહીને વર્તતો હોય છે.  જેને સમાજ રચનામાં સ્વીકાર્ય નથી મનાતું.  સ્ત્રીના સ્ત્રીત્વને આદરને માન સાથે પ્રેમ કરે તે જ ખરો પુરુષ. જાહેરમાં કે એકાંતમાં  સ્ત્રી સલામતીનો અનુભવ ન કરી શકે તેનો અર્થ પુરુષોનું પુરુષાતન ખતમ થઈ ગયું છે. પુરુષનું પૌરુષ્ય તેના હોર્મોન પરના સંયમને કારણે  જ પુરવાર થતું હોય છે. સદીઓથી ઇવ પણ આદમના આ સંયમી પૌરુષ્યના પ્રેમમાં પડે છે.

   

You Might Also Like

0 comments