નયે દૌરમેં લિખ્ખેગે મિલકર નઇ કહાની ... 31-12-13

21:46

2013ના વરસનો આ છેલ્લો દિવસ છે. નવા વરસની શરૂઆત નવી રીતે કરી શકાય. જીવવાનો અભિગમ બદલીને. દુનિયામાં ઘણી સ્ત્રીઓ  છે જે  વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાના અવાજને મંદ નથી પડવા દેતી. એ અવાજને  લોકો સુધી પહોંચાડવા  માટે સ્ત્રીઓ આજે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહી છે. દુનિયામાં લગભગ 120લાખ બ્લોગરો પોતાના અભિપ્રાયો સોશ્યલ નેટવર્કિગ ધ્વારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. તેમાં આજની નારી પાછળ નથી. સામાજીક ભેદભાવ, હ્યુમન રાઈટ્સ અને નારીવાદ જેવા અનેક વિષયો પર બિન્દાસ પોતાના અભિપ્રાયો બ્લોગ પર મૂકી રહી છે.  આમાં પણ કેટલીક સ્ત્રીઓના બ્લોગ પર પ્રતિબંધ મૂકાવો કે મારી નાખવાથી માંડીને અનેક પ્રકારની ધમકીઓ તથા હુમલાઓ પણ થયા છે. તે છતાંય નવાઈ લાગે એવી વાત એ છે કે પુરુષો કરતાં સ્ત્રી બ્લોગરોની સંખ્યા વધુ છે. ઓક્ટોબર મહિનામાં મેક્સિકોની એક યુનિવર્સિટીમાં સેમિનાર દરમિયાન પાંચેક  જાણીતી મહિલા બ્લોગરોએ પોતાની વાત માંડી હતી. તેમાં ભારતની મહિલા નથી.
મિડલ ઇસ્ટના 10 મસ્ટ રીડ બ્લોગરોની યાદીમાં અફ્રાહ નાસિરનું નામ પણ છે. રિવોલ્યુશન પહેલાં 2010ની સાલમાં તેણે યવનમાંથી બ્લોગ લખવાનો શરૂ કર્યો હતો અને 2011થી તેણે સ્વીડનમાં બેઠા લખવાનું રાખ્યું હતું.  અફ્રાહ યવની ફ્રિલાન્સ લેખિકા, પત્રકાર અને બ્લોગર રાઈટર છે. તે યવન  સ્ત્રીઓના અધિકાર, પ્રજાતંત્ર અને રાજકારણ અંગે સતત લખી રહી છે. નાસિર કહે છે, મારે ભ્રષ્ટાચાર કે રાજકારણ વિશે લખવું નહોતું પણ જેમ  સામાજિક સમસ્યાઓ વિશે લખતા જાઓ તેમ સમજાય કે રાજકિય બદલાવ લાવવાની સખત જરૂર છે. અમારી પેઢીને બદલાવ જોઇતો હતો પણ કઇ રીતે તે ખબર નહોતી. ત્યાં જ ટ્યુનિશિયામાં રિવોલ્યુશનની શરૂઆત થઈ ત્યારે લાગ્યું કે જો ત્યાં થઈ શકે તો અહીં યવનમાં કેમ નહી ? આફ્રાહ નાસિરને સતત ધમકીઓ મળી રહી છે.
મિડલ ઇસ્ટમાં સોશ્યલ મિડિયા પર અનેક પ્રતિબંધો હોવા છતાં સાયબરએક્ટિવિઝમ સોશ્યલ મિડિયા ધ્વારા સતત ફેલાતું રહ્યું છે. ઇજીપ્તની  બ્લોગર હીબા અફિફી 22 જ વરસની છે ટ્વીટર પર તેના 6000 ફોલોઅર છે. ઇજીપ્તમાં પ્રોટેસ્ટ શરૂ થયા તેના એક જ દિવસ પહેલાં તેણે પત્રકારત્વ તરીકે કામ શરૂ કર્યું હતું. રિવોલ્યુશન પ્રોટેસ્ટ સમયે તેને લાગ્યું કે તેની આસપાસ જે થઈ રહ્યું છે તે નોટપેડ પર લખવું અશક્ય છે . જીંદગીમાં પહેલીવાર તેણે ટ્વીટ કર્યું. અને ત્યારબાદ તે સતત લખતી રહી.તે રાજકીય ઉથલપાથલ અને રિવોલ્યુશનની વચ્ચે ફરતા ઇજીપ્તના મુખ્ય પેપર માટે લખતી હતી તે સમયે તેના પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બની વર્ડસ ઓફ વિટનેસ.
સાઉથ આફ્રિકાની મલાઈકા મ્હલાત્સી 21 જ વરસની છે. તે 11 વરસની ગરીબ છોકરી હતી ત્યારે તેના પર બળાત્કાર થયો હતો. બળાત્કાર કરનાર પૈસાદાર હતો એટલે તેના પર આરોપ સાબિત ન થઈ શક્યો. મલાઈકા કહે છે કે કોમ્યુનિકેશન( સંવાદ)માં ઘણી શક્તિ છે. સોશ્યલ મિડિયા ફેસબુક, ટ્વીટર ધ્વારા હું મારી જેમ પિડિત કે મારી જેમ વિચારતી યુવાપેઢીના સંપર્કમાં આવી. અમે અન્યાય વિશે લખીએ છીએ. એકબીજાના ઘાવોને ભરીએ છીએ. તમે એકલા નથી તેની પ્રતિતી થતાં લડવાની હિંમત આવે છે. પેન એન્ડ અજાનિયન રિવોલ્યુશન નામે તેનો બ્લોગ યુવાનોમાં લોકપ્રિય છે.
સ્પેનિશ પત્રકાર જ્યુડિથ ટોરી ન્યુયોર્કથી શિફ્ટ થઈ મેક્સિકોના સિડ્યુડ જુરેઝ નામના શહેરમાં રહે છે. આ શહેર યુધ્ધના મેદાન કરતાં પણ વધુ હિંસાત્મક વલણ ધરાવે છે. જ્યુડિથ ઓર્ગેનાઈઝડ ક્રાઇમ, હિંસા, રાજકારણ, ઇમિગ્રેશન જેવા વિષયો પર લખે છે. શરૂઆતમાં તો તેણે પોતાના લેખો છપાવવાના પ્રયત્નો કર્યા પણ સરકાર વિરોધી લેખો કોઇ છાપવા તૈયાર નહોતું એટલે તેણે બ્લોગ પર લખવાનું શરૂ કર્યું.  મેક્સિકોમાં ચાલતા ડ્રગ માફિયા , ટ્રાફિંકગ સાથે સંકળાયેલી માનવીય વેદના અને હિંસા તેના મુખ્ય વિષયો રહ્યા છે. તેના પર હવે પુસ્તક પણ પ્રસિધ્ધ થયું છે અને તેને બેસ્ટ બ્લોગરનો એવોર્ડ રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર તરફથી મળ્યો છે. જે સ્ત્રીઓને બદલાવ જોઇતો હોય, વિમેન એમ્પારમેન્ટ જોઇતું હોય તેમણે સોશ્યલ મિડિયા, ઇન્ટરનેટનો ઉપયોગ કરતા શીખવું પડશે.

આ રીતે સોશ્યલ મિડિયા પર કે બ્લોગમાં પોતાના પ્રતિભાવો રજૂ કરતી મહિલાઓને ખબર જ હોય છે કે તેમને વખોડવામાં આવશે કે ધમકીઓ પણ આપવામાં આવશે. પરંતુ, તેઓ પોતાના અવાજને બંધ કરવા હવે તૈયાર નથી. ગયા વરસથી ભારતમાં પણ સ્રી પર થતાં અત્યાચાર અને અન્યાય વિરુધ્ધ સોશ્યલ મિડિયા પર લખાઈ રહ્યું છે. પિતૃસત્તાક સમાજની માનસિકતામાં બદલાવ લાવવામાં આ લખાણો રિવોલ્યુશન લાવી શકવા સમર્થ છે.
 

You Might Also Like

0 comments