ગુનાહિત લાગણીઓ ખંખેરો. 14-1-14

22:26મને હજી યાદ છે એ આખોય દિવસ મેં પીડામાં કણસતા વીતાવ્યો હતો. પલંગની સામે દિવાલ પર ગોળ લીલા રંગની ઘડિયાળ હતી. સમયને સેકન્ડમાં પસાર થતાં મે તે દિવસે જોયો. સવારના દશ વાગ્યાથી લઈને રાતના નવ વાગ્યા સુધી સમયને કેટલીય વાર થંભી જતા જોયો. મેં નક્કી કર્યું હતું કે  કુદરતી રીતે બાળકને જન્મ આપવો. બરાબર સાડા અગિયાર કલાકની પીડા બાદ બાળકનું રૂદન સાંભળતા હું બેભાન થઈ ગઈ. ભાનમાં આવી ત્યારે સુંદર નવજાત શિશુને જોતાં પીડાની યાદ ન રહી. મારે તેને દૂધ પીવડાવવું હતું પણ બાળક ધાવવા તૈયાર જ નહી. ત્યારે જે પીડા થઈ હ્રદયમાં તે અકલ્પનિય હતી.  ડોકટરે સમજાવ્યું કે ધીમે ધીમે બાળક ધાવશે ધીરજ રાખો. અને જ્યારે પહેલીવાર મારા દિકરાએ ધાવવાનું શરૂ કર્યું ત્યારે મારા જીવનનો સૌથી ઉત્તમ દિવસ હતો.
દિકરો મોટો થતો ગયો. તેને ક્રેશમાં કે બાઇઓના ભરોસે મૂકી પત્રકારત્વનું ગમતું કામ કરવું પણ અકારું લાગતું. અને નક્કી કર્યું કે ફ્રિલાન્સિંગ જ કરવું. દિકરાની સાથે માતૃત્વના પાઠ ભણ્યા. ધીરજ, સમતા,પ્રેમ અને ત્યાગને અનુભવ્યા. બાળઉછેરમાં વીતેલા જીવનના એ દરેક વરસો મને ફરી જીવવામાં વાંધો નથી. કારર્કિદીમાંથી બ્રેક લેવાનો નિર્ણય મારો હતો. તેની કિંમત મારે ચુકવવી પડી છે તેનો મને અફસોસ નથી. કારણ કે એ મારી ચોઇસ હતી. 
આજની સ્ત્રી સામે અનેક ચોઇસ એટલે કે પસંદગીનો અવકાશ છે ? હકિકતમાં તો આ પ્રશ્નનો જવાબ  હા જ હોવો જોઇએ પણ ના નથી. હાલમાં જ ફાસ્ટ ટ્રેક કોર્ટે કહ્યું કે લગ્ન પહેલાં છોકરીઓએ શારિરીક સંબંધ ન બાંધવો જોઇએ કારણ કે તે જ સંસ્કારીક મૂલ્યનું પાલન છે. તો ખાપ પંચાયતો નિર્ણય લે કે છોકરીઓએ મોબાઈલ વાપરવા ન જોઇએ. લગ્ન કોની સાથે કરવા કે ન કરવા તેના નિર્ણયો પણ પિતૃસત્તાક સમાજ પાસે હશે. બાળકને જન્મ ન આપનારી સ્ત્રી નકામી અને છોકરીઓને તો જન્મ પહેલાં જ મોતને ઘાટ ઊતારી દેવાની. જે સ્ત્રીઓની પસંદગી નથી જ.  સ્ત્રીએ ક્યાં અને કેમ ફરવું તે પુરુષો નક્કી કરશે. કેવા કપડાં પહેરવા કે ન પહેરવા તે પણ સમાજ નક્કી કરશે. સ્ત્રીએ બાળકને જન્મ આપ્યા બાદ બ્રેક લેવો કે ન લેવો અને જો તે બ્રેક લેવાનું વિચારે તો તેને પાછી મેઇન સ્ટ્રિમમાં લેવાય નહી.ગ્લાસ સિલિંગ રાખવાની કારણ કે સ્ત્રી પોતાની પસંદગીથી સફળ કઈ રીતે થઈ શકે. સ્ત્રીની સેક્સુઆલિટીને તો ગણકારવાની જ નહી. તેને કેટલું ભણવું તે માતાપિતા અને સમાજ નક્કી કરશે જેથી સારા છોકરા મળે. સારી પત્નિ થવા માટે ઘરકામ શીખવું જેથી પતિ અને સાસુસસરાને ખુશ રાખી શકે વગેરે...
આ દરેક બાબતોમાં પુરુષોને કોઇ બંધન નથી કે ન તો તેમના માટે કોઇ નિયમ છે. કોર્ટના જજ પણ સ્ત્રીના મોરલ વેલ્યુની વાત કરે અને પુરુષના સેક્સુઅલ એન્કાઉન્ટર વિશે કોઇ ટિપ્પણી ન કરે તે ક્યાંનો ન્યાય ?  સ્ત્રીને પસંદગીનો અવકાશ આપવાની જરૂર છે. તેની સફળતાને પુરુષોની સાથે સરખામણી કરવાની વાત જ વાહિયાત છે. કારણ કે પુરુષ બાળકને જન્મ નથી આપી શકતો. સ્ત્રીને પોતે કેવી રીતે જીવવું .. ભણવું કે નહીં, સેક્સ કરવો કે નહીં, નોકરી કરવી કે નહીં.બાળકને જન્મ આપવો કે નહી. તે નક્કી કરવાનો અધિકાર હોવો જોઇએ. ઐશ્વર્યા રાય માતૃત્વને માણતી હોય અને તે ફિગરનું ધ્યાન ન રાખતી હોય તો એમાં શું થયું. 
જો કે પસંદગીના કોઇ રસ્તા એટલા સરળ નથી જ હોવાના. દરેક રસ્તા પર કોઇને કોઇ તકલીફો થવાની જ છે.  નીના ગુપ્તાએ લગ્ન કર્યા વિના દીકરીને જન્મ આપ્યો અને ઉછેરી. તેણે રોદણાં ન રડ્યા કે રિચાર્ડે તેને દગો કર્યો. સ્ત્રીએ પોતાની પસંદગીને ગુનાહીત ભાવ સાથે જોવાનું બંધ કરીને. પસંદ કરવાની પોતાની સ્વતંત્રતા મેળવતાં શીખવું પડશે. હજી એ રસ્તો કાચો છે એટલે તકલીફો રહેશે. પણ તે પાક્કો બનાવવાની જવાબદારી પણ આપણે જ ઊપાડતાં શીખવું પડશે. કોઇ લગ્નની લાલચ આપે તો આપણે સેક્સ કરવા તૈયાર થઈએ તેવું શું કામ ? લગ્નનું વચન આપીને જે પુરુષ ફરી જાય તેની સાથે લગ્ન કરવા માટે કોર્ટમાં જવાની શું જરૂર છે ?  જો પસંદગી કરી હશે તો પોતાની ભૂલનો પણ સ્વીકાર કરવો પડશે. પણ તેના માટે ગુનાહિત લાગણી અનુભવવાની માનસિકતામાંથી બહાર આવવું પડશે.
હા, બળાત્કારની વાત જુદી છે તેની ફરિયાદ કરવી જ જોઇએ. ભણીને પહેલાં પોતાના પગપર ઊભા રહી જીવનના દરેક નિર્ણયો સમજી વિચારીને પોતાની ઇચ્છામુજબ લેવાની સ્વતંત્રતા સ્ત્રીએ મેળવવી પડશે. તે માટે ખોટાં રોદણાં રડવાનું પણ બંધ કરવું પડશે.  જો ગુલામીમાં જ જીવવું હોય તો તેમ અને સ્વતંત્રતા જોઇતી હોય તો એ પણ શક્ય છે બસ પોતાની પસંદ માટે સ્પષ્ટ થઈ જાઓ. રડશો તો રડવાનાં કારણો હજાર મળી રહેશે. જીવવાનું કારણ એક જ છે ચોઇસ. પોતાની કોઇપણ પસંદગી માટે ગુનાહિત લાગણીને પોષવાની જરૂર નથી.


You Might Also Like

4 comments

  1. same divyansha...me pan mara ek article ma aa j vaat kahi hati..tamaru writing gamyu..farithi aavish ahi.:-)

    ReplyDelete