સ્ત્રીહિંસા અટકાવવા બજેટની નહીં, માનસિકતાની જરૂર છે.

21:00

સ્ત્રીહિંસા અટકાવવા બજેટની નહીં, માનસિકતાની જરૂર છે.




આજથી વીસ વરસ પહેલાં દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોમાં સ્ત્રીઓ કમરથી નીચે કછોટો મારેલું કપડું પહેરતી અને ઉપર બ્લાઉઝ પહેર્યું હોય તેમાં મોટેભાગે બટન ન હોય પણ સ્તન આગળથી ગાંઠ મારી હોય. આજે આ વિસ્તારના લોકનૃત્ય બતાવતાં આદિવાસી છોકરીઓને પણ આ ડ્રેસ નથી પહેરાવાતાં કારણ કે એ અસભ્ય કહેવાય. લગભગ અર્ધનગ્ન ફરતી આદિવાસી સ્ત્રીઓને ક્યારેય બળાત્કારનો ડર નહોતો લાગતો. એ વિસ્તારમાં કોઇ સ્ત્રી અર્ધનગ્ન ફરે તો ય નવાઈથી કે હવસ ભરેલી નજરે કોઇ તાકી ન રહેતું. આ મારો પોતાનો અનૂભવ છે.  ગયા મહિને ધરમપુર તાલુકામાં આવેલી બિલપુડીની વન કન્યા છાત્રાલયમાં આદિવાસી નૃત્ય જોતાં મનમાં પ્રશ્ન થયો કે આ બદલાવ વિકાસને લીધે થયો કે પછી આપણી સંકુચિતતા વધી રહી છે ?
આ સભ્ય અને શિક્ષિત સમાજમાં આજની નારીને સુરક્ષિતતા નથી અનુભવાતી કેમ ?  આ પ્રશ્નો મને સતત પજવી રહ્યા હતા ત્યાં એક ડોક્યુમેન્ટરી જોવા મળી... લોસ એન્જલસની ફિલ્મમેકર લીના એસ્કો ધ્વારા નિર્મિત  ફ્રી ધ નિપ્પલ.  લીના એસ્કોની આ પહેલી જ ફિલ્મ છે.   ન્યુયોર્કની ભેદભાવભરી સેન્સરશીપ વિરુધ્ધ કેમ્પેન કરી રહેલી ટોપલેસ સ્ત્રીઓના ગ્રુપ પર આ ફિલ્મ  છે. લીના કહે છે, અમેરિકાના 37 સ્ટેટમાં સ્ત્રીઓને  ટોપલેસ ફરવું ગેરકાનૂની  છે.  જ્યારે 1992માં ન્યુયોર્કમાં એ ગેરકાનૂની નથી તે છતાં ત્યાં વિરોધ માટે ય ટોપલેસ ફરતી સ્ત્રીઓને પકડીને જેલમાં પૂરવામાં આવે છે. મિડિયામાં દર્શાવાતી અને દુનિયામાં થતી હિંસાને નષ્ટ કરવામાં શું કામ કાયદા કે પોલીસ કામે નથી લગાડાતા ?
ફિલ્મ જોતાં લાગ્યું કે વાતમાં દમ છે આ ભેદભાવ ફક્ત ન્યુયોર્કમાં જ નહીં આખાય વિશ્વમાં થઈ રહ્યો છે. અને તેની સામે આપણને કોઇ વાંધો નથી. સ્ત્રીની નગ્નતાને અસભ્યતાનું ટાઈટલ મારી દેવામાં આવે છે જ્યારે હિંસાને દર્શાવવામાં કોઇ સેન્સરશીપ લાગુ કરવામાં આવતી નથી. હિંસા સારી કે નગ્નતા? આખાય સમાજની વિચારસરણી ભ્રષ્ટ થઈ રહી છે અને તેમાં આજની સ્ત્રીઓ હથિયાર બની રહી છે. સ્ત્રીના શરીરને આઇટમ સોન્ગ તરીકે વાપરી શકાય, જાહેરાતોમાં પ્રોડક્ટના વેચાણ વધારવા તેનો ઉપયોગ કરી શકાય પણ જો કોઇ સ્ત્રી ગરમીમાં ટુંકા કપડાં પહેરે કે બ્રા પહેર્યા વિના પાતળું ટીશર્ટ પહેરશે તો પુરુષોતો ઠીક આપણે સ્ત્રીઓ પણ તેની ટીકા કરવા માંડીશું. બળાત્કારોની સંખ્યા કદી ઘટતી જ નથી અને તે માટે પણ સ્ત્રીના કપડાં અંગે જ ટિપ્પણી કરવામાં આવતી હોય છે. સ્ત્રીના શરીરને ફક્ત વ્યક્તિના શરીર તરીકે કેમ ન જોઇ શકાય.
આ લેખ લખાઈ રહ્યો હતો કે વ્હોટસ એપ પર એક બીજી ફિલ્મ જોવા મળી. ડેન્માર્કમાં લોકોને ફાસ્ટકાર ચલાવતાં અટકાવવા માટે ટ્રાફિક પોલીસે ટોપલેસ યુવાન સ્ત્રીઓને 50ની સ્પીડ લખેલા બોર્ડ સાથે ઊભી કરી દીધી.ટ્રાફિક પોલીસની આ તરકીબ કામ લાગી ય ખરી ટ્રાફિક ધીમો થઈ ગયો અને કેટલીક જગ્યાએ જામ પણ થઈ ગયો. જો કે આવા કેમ્પેઇનની ટીકા પણ થાય જ. સ્ત્રીઓની નગ્નતાને કેમ્પેઇન માટે કે વિરોધ માટે દુનિયામાં અનેકવાર વાપરવામાં આવે છે. એ વિશે વળી કોઇવાર વાત. નગ્નતાને પ્રોડક્ટ તરીકે પણ વપરાય છે પરંતુ, સામાન્ય રીતે સ્ત્રીને સેક્સુઅલ ઓબજેક્ટ (વસ્તુ) સિવાયની નગ્નતાને સહજતાથી જોવાતી નથી. એટલે સુધી કે સદીઓથી કપડાં ન પહેરતાં આદિવાસીઓની ફિલ્મ દર્શાવાય તો તેને બ્લર કરી દેવાય. નગ્નતાને ખરાબ સંદર્ભ કોણ આપી રહ્યું છે અને શા માટે ?
જેમ જેમ આપણો સમાજ શિક્ષિત અને સભ્ય થતો જાય  છે તેમ તેમ સંકુચિતતા વધતી જતી હોય તેવું નથી લાગતું ? સ્ત્રીએ ક્યા કપડાં પહેરવાં ? શું પહેરવું ? શું ન પહેરવું ? કોણ નક્કી કરે છે ? અને શું કામ? એના વિશે સતત ચર્ચાઓ દુનિયાભરમાં થઈ રહી છે. પણ જ્યાં સુધી આપણે જાગૃત નહીં થઈએ ત્યાં સુધી કશું જ બદલાઈ શકે તેમ નથી. બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવું તે ગર્વ લેવા જેવી બાબત રહેશે ત્યાં સુધી સ્ત્રીના શરીર અને વર્તન વિશેના નિયમો રહેશે જ. જાહેરાતો અને ફિલ્મોમાં એ જ સ્ત્રીના શરીરને દર્શાવાશે જે પાતળું, યુવાન અને ગોરું હશે. ક્યું શરીર પ્રોડક્ટ માટે ચાલશે તે નક્કી કરનાર પણ પુરુષ સમાજ છે અને કન્ટ્રોલમાં રાખનાર પણ પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા છે. આપણે તેમાં બદલાવ લાવવા માગીએ છીએ કે નહીં તે વિચારવાનો સમય શું હજી નથી આવ્યો ? સ્ત્રીની સુરક્ષા માટે કરોડો રૂપિયાના બજેટની નહીં પણ કરોડો વ્યક્તિઓની વિચારધારાને બદલાવાની જરૂર છે.



You Might Also Like

1 comments

  1. અત્યારે નવા બનેલ તાપી જીલ્લાના અંતરિયાળ આદિવાસી ગામોમાં,બધા નહિ તો પણ અમુક ગામડાઓમાં આજે પણ સ્ત્રીઓ ઉપવસ્ત્ર વિના જ ફરતી હોય છે. કિશોરીથી લઇ ને વુદ્ધ સુધીની. એમાં થોડીક પાછી પુરા વસ્ત્રોમાં હોય છે અને નદી એ સ્નાન કરતી વેળા તો ઘણી તદ્દન નગ્ન થઇ જતી હોય છે. બહુધા આધેડ હોય તે. પણ એટલું સાહજિક લાગે કે કોઈ ખરાબ ભાવ ઉત્પન્ન થવો મુશ્કેલ, પણ ટેવાઈ ગયા પછી જ. અચાનક જાવ તો મગજ ચક્રરાય જાય, પણ એમની નિર્દોષતા, મનના મેલ સાફ કરી દે છે. આ જાત અનુભવ છે. હા, જો વાત વણસી તો આદિવાસીઓ તીર કામઠા કે બીજા શસ્ત્રો સાથે તમારા બાર વગાડી દે. પોલીસ પણ બહુ માથું ન મારે. પાછા કોઈ કોઈ કાચા પોચા ગામડિયાને તો લુંટી પણ લે. સાયકલથી લઇ ને ચડ્ડી પણ છીનવી લઇને તદ્દન નાગા કરીને ભગાડી દે. જો કે કોઈ ચારો ન રહે અને તદ્દન પૈસા ન હોય છોકરાઓને ખાવા ન હોય ત્યારે જ કરે. જ્યારે દુકાળ પડે ત્યારે આ વધી જાય. તમારી કાર આગળ મરેલો મરઘો ફેંકી ને ૫૦૦/- રૂ તો, અચૂક જ પડાવે. હું પણ શરૂ શરૂમાં આપી ચુક્યો છું. જો દાદાગીરી કરી તો મારી મારીને નાગા કરી ને રવાના કરી દે. જાતે જોયેલ વાતો છે મારા નિઝરના ચાર વર્ષના વસવાટ અને આજુબાજુના ૧૦૦ થી ૧૫૦ ગામડાઓમાં રઝળપટ્ટી દરમ્યાન.......એમ.જી.

    ReplyDelete