ધર્મના વાડામાં બંધાયા વગર જીવતો માનવ પ્રેમ

01:07

ઘણી વાર મારી આસપાસ રહેતી શ્રીમંત ઘરની સ્ત્રીઓ મને કહેતી હોય છે કે હવે છોકરા મોટા થઈ ગયા. પતિ બિઝનેસમાં વ્યસ્ત છે અને પોતે ઘરમાં સાવ એકલી છે. કંટાળો આવે છે. કશુંક કામ કરવું છે. શું કરવું તે સૂઝતું નથી. મારે લાયક કામ હોય તો સૂચવશો? જેમને કંઇક કરવું જ હોય છે તે આસપાસ નજર કરે તો સમાજમાં અનેક કામો એવા હોય છે જે કોઇક ઉપાડી લે તેની રાહમાં હોય છે. રસ્તા પર રહેતાં બાળકો, વૃદ્ધોની દેખભાળ, કાળજી લેવી. આપણે ત્યાં કામે આવતા માણસોની કાળજી લેવી. આપણાં વિસ્તારની સ્વચ્છતાનું ધ્યાન રાખવું અને ન થતાં કામો અંગે મ્યુનિસિપાલિટી કે વિધાનસભ્ય પાસે અરજી કરવી વગેરે... 

જીવન એટલે ફક્ત શ્ર્વાસોચ્છશ્ર્વાસ ક્રિયા નથી કે ન તો ઉંમરનો સરવાળો છે, પરંતુ, જીવનમાં આવતી કેટલીક ક્ષણોને એવી રીતે જીવીએ કે તે ધૂપસળીની જેમ લોકોમાં સુવાસ ફેલાવે. અને તે માટે ન તો મોટી ડિગ્રીઓની જરૂર પડે છે કે ન તો ધનના ઢગલાની ગરજ પડે છે. આ બાબત આપણને સમજાવે છે રસિયાબીવી. કેરળના એક ગામ અંબાલાપુઝાની મુસ્લિમ ગૃહિણીએ ઉચ્ચ હિન્દુ જ્ઞાતિની વિધવા વૃદ્ધાને આપઘાત કરતાં રોકી એટલું જ નહીં તેને પોતાના ઘરે લઈ જઈ તેને ગૌરવપૂર્વક જીવવાનું ઇજન આપ્યું. આ રસિયાબીવીની વાતથી પ્રભાવિત થઈને બનેલી એક મલયાલમ ફિલ્મ થાનીચલ્લાન ઝાને (અર્થાત હું એકલી નથી) નેશનલ એવોર્ડ મળ્યો છે પણ આ ફિલ્મને કોઇ થિયેટર દર્શાવવા તૈયાર નથી. આ ફિલ્મને નેશનલ ઇન્ટિગ્રેશન કેટેગરીમાં નરગિસ દત્ત એવોર્ડ આપવામાં આવ્યો છે. 

વાતને વિસ્તારથી કહું... અંબાલાપુઝા ગામની રહેવાસી રસિયાબીવી આજે ગ્રામ પંચાયતની ઉપપ્રમુખ છે. ૧૪ વરસ પહેલાં એટલે કે જાન્યુઆરી ૨૦૦૦ની સાલમાં રસિયાબીવી કોઇક કામસર બહાર જઈ રહ્યા હતા ત્યાં એમણે રેલવેના પાટા નજીક ૭૬ વરસની ચેલમ્મા અનંથરાજનમને ઊભેલી જોઇ. તેને લાગ્યું કે આ સ્ત્રી સ્ટેશનનો રસ્તો શોધતાં ભૂલી પડી ગઈ લાગે છે. એટલે તે એની પાસે જઇને મદદ કરવા માટે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો ચેલમ્મા રસિયાબીવી પર ગુસ્સે થઈ કે શું તું મને શાંતિથી મરવા પણ નહીં દે કે? આ સાંભળીને રસિયાબીવીને તેના પ્રત્યે અનુકંપા થઈ આવી. ચેલમ્માને આપઘાત કરવા માટેનું કારણ જાણવા માગ્યું. 

ચેલમ્મા મધ્ય કેરળના એક શહેરમાં ઉચ્ચ બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મી અને ઊછરી. તેના લગ્ન માનસિક રીતે બીમાર પતિ સાથે થયા હતા. લગ્નનાં પાંચ વરસમાં જ તેનો પતિ મૃત્યુ પામ્યો. ત્યાર બાદ તેણે પચ્ચીસ વરસ સુધી લોકોના ઘરના કામ કરીને વિતાવ્યાં. વૃદ્ધત્વ આવતાં તે પોતાના ભાઈના ઘરે ગઈ, પરંતુ ભાઈના ઘરમાં તેના માટે જગ્યા નહોતી. એટલે તેણે આપઘાત કરવાનું નક્કી કર્યું, પણ મરણ એટલું સહેલાઈથી આવે તેમ નહોતું. આ બધી વાત કરતાં જે ટ્રેન નીચે પડીને આપઘાત કરવાનું નક્કી કર્યું હતું તે પસાર થઈ ગઇ. રસિયાબીવીએ ચેલમ્માને કહ્યું કે મારા ઘરે ચાલ, પણ ચેલમ્મા કહે કે મારા સગાં અને ધર્મના લોકોએ ન સાચવી મને તું શું કામ સાચવીશ? અને તારા ધર્મના લોકો તારો વિરોધ નહીં કરે. ના... મારા લીધે થઈને તારે શું કામ તકલીફ વહોરવી. રસિયાબીવી કહે, માનવધર્મ જેવું પણ કંઇ છે. કોઇ વ્યક્તિને ખુશી આપવી સાચવવાથી ધર્મ બદલાઈ નથી જતો. અને હું સારું કામ કરું છું ક્યાં ખરાબ કામ કરું છું કે કોઇનાથી ડરું કે કોઇ મને શું કામ ના પાડે. 

રસિયાબીવી ધરાર ચેલમ્માને પોતાના ઘરે લઈ ગઈ અને તેને ખાતરી આપી કે તે મૃત્યુ પર્યંત તેને સાચવશે. રસિયાબીવી તેના પતિ અને ત્રણ બાળકોની સાથે રહેતી હતી. ચેલમ્માએ એક વિનતિ કરી કે તેને પોતાનો હિન્દુ ધર્મ પાળવા દે તો.. 

રસિયાબીવી પરંપરાગત હિન્દુ પૂજાપાનો સામાન અને દીવાબત્તી કરવાનાં સાધનો ઘરે લઈ આવી. ચેલમ્મા મુસ્લિમ ઘરમાં હિન્દુ ધર્મ પાળતી. દીવાબત્તી અને આરતી કરતી. રસિયાબીવી તેની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખતી, પરંતુ તકલીફ ભોજનથી ઊભી થઈ. ચેલમ્મા શદ્ધ શાકાહારી અને રસિયાબીવીનાં બાળકોને રોજ માંસમચ્છી જોઇએ. શુદ્ધ શાકાહારી ચેલમ્માને માછલીની વાસ સહન ન થતી. ચેલમ્માની તકલીફ જોઇને તેણે હિન્દુ શાકાહારી વૃદ્ધાશ્રમની શોધ ચલાવી. બે વરસ તો રસિયાબીવીએ ચેલમ્માને એક હિન્દુ વૃદ્ધાશ્રમમાં પોતાના ખર્ચે રાખી. ત્યાં પણ તે નિયમિત ચેલમ્માને મળવા જતી. તેની જરૂરતોનું ધ્યાન રાખતી. ૨૦૦૪ની સાલમાં તેણે સરકાર તરફથી ઘરબાર વિનાની વ્યક્તિઓને મળતી લોન ૫૫૦૦૦ લીધા અને તેમાં પોતાની મહેનતની કરેલી બચતના પૈસા ઉમેરી ચેલમ્માને બે રૂમનું ઘર બાંધી આપ્યું. રસિયાબીવી ૮૯ વરસની ચેલમ્માની દરેક જરૂરિયાતનું દીકરીની જેમ ધ્યાન રાખે છે. તેને રોજ મંદિરમાં પણ લઈ જાય. અને પોતે બહાર બેસી રહે. ઘરેથી તેના માટે શાકાહારી ભોજન પણ લઇ જાય છે. 

મુસ્લિમ સમાજે રસિયાબીવીને કહ્યું પણ ખરું કે તેણે ચેલમ્માને મુસ્લિમ સમાજ તરફ વાળવી જોઇએ. પણ રસિયાએ સ્પષ્ટ ના પાડતાં કહ્યું કે હું મારો ધર્મ પાળીશ અને ચેલમ્મા તેનો હિન્દુ ધર્મ પાળશે. હું તેના વ્યક્તિત્વનો દરેક રીતે આદર અને સ્વીકાર કરું છું. ચેલમ્મા જીવશે ત્યાં સુધી હું એનું ધ્યાન રાખીશ. રસિયાબીવીનો પતિનો નાનો વ્યવસાય છે. અને તે પોતાની પત્નિની ઇચ્છાનો આદર કરે છે. તેના પતિએ ક્યારેય આ બાબતે રોકટોક કરી નથી. નહીંવત ભણેલ રસિયાબીવી અને ચેલમ્માનો માનવ પ્રેમ ધર્મના વાડામાં બંધ થઈને નથી જીવતો એટલે જ તેઓ માનવ ધર્મની ઊંચાઈઓને પામી શકી છે. પોતાના માટે તો દરેક વ્યક્તિ જીવે છે પણ કોઇ અપેક્ષા વિના બીજાને પ્રેમ કરવો અઘરો છે. 

દરેક વ્યક્તિ સહજતાથી પોતાની સામે આવી પડેલ પરિસ્થિતિમાંથી યોગ્ય નિર્ણય લઈને જીવન જીવે તો તેને જીવનને ભરપૂર જીવ્યાનો અફસોસ ન રહે. તેનું જીવન ખરા અર્થમાં ગુલાલ બનીને ભગવાનનાં ચરણોને ચોક્કસ સ્પર્શી શકે છે.

You Might Also Like

0 comments