પાણીનું યુધ્ધ ટાળી શકાય ? 11-6-14

23:55


ઊનાળાનો આકરો તાપ શરુ થતાં જ પાણીનો પોકાર ઊઠવા લાગે. નદીનાળા અને કૂવા સુક્કા થતાં આંખોમાંથી પાણી વરસવાનું શરુ થાય. આ વરસે મહારાષ્ટ્રમાં આકરો દુકાળ પશુપક્ષી અને માનવોને કનડી રહ્યો છે. જ્યારે દુકાળની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આપણને પાણીની કિંમત સમજાય છે નહીંતો આપણે પાણીના બગાડ સામે જોતાંય નથી. ક્યાંક લોકો પીવાના પાણીના એક ગ્લાસ માટે તરસતા હોય છે તો વળી ક્યાંક સ્વીમિગપુલ અને જાકુઝીમાં તેનો વેડફાટ થાય છે. આમ તો પૃથ્વી પર 70 ટકા પાણી છે પણ તેમાંથી મોટાભાગનું  સમુદ્રનું ખારું પાણી છે. ફક્ત 2.5 ટકા પાણી જ ઉપયોગ માટે મળે છે તેમાંથી ય 1 ટકો પાણી જ સહેલાઈથી મળી શકે તેમ છે બાકી તો ગ્લેસિયર અને બરફ રુપે અકબંધ છે. તે એક ટકામાંથી ય 0.007 ટકા પાણી જ  દુનિયાના અબજો  લોકોને માટે પીવા લાયક છે. દુનિયાભરમાં માણસો પાણીનો ઉપયોગ યોગ્ય સમુતલાપૂર્વક કરતાં નથી. યુનાઈટેડ નેશનના કહેવા મુજબ દુનિયાની વસ્તીમાં પાણીનો વપરાશ અનેક ગણો વધી રહ્યો હોવાથી 2025ની સાલ સુધીમાં પાણીની તંગી ઘણી તીવ્ર બનશે. પાણી માટે યુધ્ધ થાય તો ય કંઈ કહેવાય નહીં.
 દુકાળની પરિસ્થિતિ થતાં જ આપણે સરકારને દોષ આપીએ.. સરકાર પાસે ધા નાખીએ. પરંતુ કેટલીક વ્યક્તિઓ એવી પણ હોય છે જે પાણી પહેલાં જ પાળ બાંધે છે. આપણે તેમને પાણીયોધ્ધાઓનું નામ આપી શકીએ. સેન્ડ્રા પોસ્ટલ ગ્લોબલ વોટર પોલિસી પ્રોજેક્ટ પર છેલ્લા પચ્ચીસ વરસથી કામ કરી રહ્યા છે. તેમણે વિશ્વસ્તરે પાણીની કેવી તંગી ઊભી થશે અને તે માટે વ્યવહારુ સુચનો વિશે સંશોધનાત્મક અભ્યાસ કર્યો છે. તેમણે આ વિષયે પુસ્તકો પણ લખ્યા છે. ભારતમાં  સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના સ્થાપક અનિલ અગ્રવાલે લોકોને પાણી માટે સ્વયંભૂ મહેનત કરીને તેની તંગીને પહોંચી વળવાની પ્રેરણા આપી. આજે ગુગલ ઉપર જલ સ્વરાજ નામે વેબસાઈટ ધ્વારા રેઇન હાર્વેસ્ટ શું કામ અને કઈ રીતે કરી શકાય તેની વિસ્તૃત માહિતી આપણને મળે છે. સાથે જ રેઇન હાર્વેસ્ટિંગ કરતાં લોકોનો ડેટાબેઝ નામ, એડ્રેસ અને ટેલિફોન નંબર પણ વેબસાઈટ ઉપરથી મળી રહે છે. એ સિવાય અનેક ગ્રામપંચાયતોએ પણ લોકોને રેઇન વોટર હાર્વેસ્ટિંગની માહિતી આપતી વેબસાઈટ બનાવી છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર પંથકમાં લગભગ દર વરસે પાણીની તંગી અનુભવાતી હતી. તેમાંથી કેટલાક લોકોએ આગેવાની લઈને પોતાનું ગામ જ નહીં આસપાસના બીજા લોકોને પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેના પ્રયત્નો કરવા પ્રેરણારુપ બન્યા છે. તેમાંથી હરદેવસિંહ જાડેજા(રાજ સમઢિયાળા ગામ) ,મનસુખભાઈ સુવાગિયા સરકારી અધિકારી પણ તેમણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં લોકોની મદદથી સસ્તા દરે ચેક ડેમ બાંધવાની ગામવાળાઓને પ્રેરણા આપી ધરતીમાં પાણીનું પ્રમાણ વધાર્યું.સૌરાષ્ટ્ર ભરમાં 100થી વધુ ગામોમાં તેમણે ગામલોકની મદદથી ચેકડેમ અને તળાવો ધ્વારા વરસાદના પાણીને સંગ્રહ કરવાની પ્રેરણા આપી. ભાયાવદર ગામના પ્રેમજીભાઈ પટેલે જમીનનું ધોવાણ અટકાવવા ગામને વૃક્ષો વાવવાની અને પારંપારિક ચેક ડેમ બાંધવા પ્રેરિત કર્યા.વિસાવદરના ભાણજીભાઈ પાસેથી ચેક ડેમ બાંધવાની પ્રેરણા લીધી હતી. ભાણજીભાઈએ સૌરાષ્ટ્ર પંથક માટે ખાસ ચેક ડેમની ડિઝાઈન ડેવલપ કરી જે મજબૂત હોવાથી લાંબાગાળા માટે ઉપયોગી બની રહે.
ધોરાજી ગામના શામજીભાઈ જાદવજી ભાઈ અંતાલાનું નામ સૌરાષ્ટ્ર પંથકમાં ગૌરવપૂર્વક લેવાય છે. તેમણે વરસો સુધી લોકોને રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને કૂવા રિચાર્જ કરવાની સાદી સીધી ટેકનિક ધ્વારા હરિયાળી ક્રાંતિની પ્રેરણા આપી છે. તેઓ રેઇન મેકરના નામે પણ પ્રસિધ્ધ છે.
રાજસ્થાનના તિલોનિયા ગામે આવેલ બેરફુટ કોલેજનું આખું કેમ્પસ ફક્ત ચોમાસા દરમિયાન થતાં ક્યારેક નવેક ઇંચ કે  તેનાથી જરા વધારે થતાં વરસાદમાંથી રેઇન હાર્વેસ્ટિંગ કરીને આખુંય વરસ ચાલે એટલું પાણીનો સંગ્રહ કરે છે. તો તેમણે આસપાસના ગામડાઓની  શાળોની છતનો ઉપયોગ કરી ગામવાસીઓને પણ પાણી સંગ્રહ કરવાની પ્રેરણા આપી છે એ ઉપરાંત મોટા ચેક ડેમ બાંધી આસપાસની જમીનનું પાણી રિચાર્જ કરવાનું કામ કરી રહ્યા છે. રાજસ્થાનમાં એક તો ઓછો વરસાદ અને આકરો ઉનાળો તેને પહોંચી વળીને ત્યાં ખેતીનો પાક પણ લોકો સારો લે છે.
મન હોય તો માળવે જવાય આ કહેવત આપણે ત્યાં જાણીતી છે. ફક્ત ગુજરાતમાં જ નહી... ભારતભરમાં અનેક લોકોએ પાણી માટે પોતાને પડતી અગવડોમાંથી માર્ગ કાઢ્યો છે. તેને માટે પૈસા,શિક્ષણ કે સરકારની મદદની જરુર નથી તેવું ય પુરવાર કર્યું છે. કર્ણાટકના મેંગ્લોર શહેરથી 32 કિલોમીટર દૂર આવેલા કેપુલાકોડી ગામ ડુંગરાઓ પર વસ્યું છે. ચોમાસામાં ડુંગરાનો લપસણો ઢાળ ઊતરીને લોકોએ પાણી ભરવા નીચે ઊતરવું પડતું જે જોખમી હતું. તેવામાં જાનકી નામની 40 વરસની અભણ ચાર બાળકોની ગરીબ માતાએ રસ્તો કાઢ્યો. બાંબુને સાડીથી બાંધીને તેને ગરણી જેવો આકાર આપીને વરસાદના પાણીને તે ઘરના ખાડામાં ભરી લેતી. પંદર મિનિટ પડતાં વરસાદમાંથી પણ તેને એક દિવસ માટે ઘર માટે જરુરી પાણી મળી રહેતું. તેનું જોઇને એ વિસ્તારના અન્ય લોકોએ પણ આ ટેકનિક અજમાવી રેઇન હાર્વેસ્ટિંગ કરવાનું શરુ કર્યું. ગ્લોબલ વાર્મિંગ અને વધતી વસ્તી સાથે પાણીની  સમસ્યા સતત વધવાની છે. પાણી જીવન માટે હવા જેટલું જ જરુરી હોવા છતાં તેને વિશે ગંભીરતાથી દરેક વ્યક્તિએ વિચારવાની જરુર છે. પ્રેરણા જોઇતી હોય તો  આપણી આસપાસ શોધીશું તો અનેક લોકો મળી આવશે. અને નહીં તો છેવટે ગુગલ તો છે જ જોઇતી માહિતી સુધી પહોંચાડવા માટે.બીજું કંઇ નહીં તો આપણે રોજના વપરાશમાં પાણીનો બગાડ કરવાનું ઓછું કરીએ તો ય સમાજ માટે ઉપયોગી થઈ શકીએ.

રેઇન વોટર હાર્વેસ્ટિંગ સદીઓ પહેલાંથી લોકો કરી રહ્યા છે. કાળક્રમે તેને ભૂલી ગયા છીએ. કે તેને મહત્ત્વ આપવાનું મૂકી દીધું છે. 4000 વરસ પહેલાં રોમનોએ રેઇન હાર્વેસ્ટિંગ કર્યું છે તો અહીં મુંબઇમાં બોરિવલીમાં આવેલ કાન્હેરી કેવ્સ પર તે જમાનામાં એટલે કે ઇસવીસન પૂર્વે દશમી સદીમાં બૌધ્ધ વિહાર વિદ્યા અને ઉપાસના માટે પહાડોમાંથી ગુફાઓ કોતરવામાં આવી છે. આ દરેક ગુફાની બહાર પાણીના ટાંકા છે અને તેમાં વરસાદનું પાણી કોતરેલી નીક ધ્વારા જમા કરાતું હતું તે આજે પણ જોઇ શકાય છે. પાણી કિંમતી છે તે સરળતાથી આપણા ઘરના નળમાં આવે છે ત્યાં સુધી નહીં સમજાય. જીવનનું સાર્થક્ય એમાં જ હોઇ શકે જ્યારે દરેક બાબતની આપણને દરકાર હોય. 


You Might Also Like

0 comments