જેન્ટલમેન જેન્ટલમેન જેન્ટલમેએએએએએએએએએએએન 17-6-14

04:57

જેન્ટલમેન... આ ગીત ગોપી ફિલ્મમાં દિલિપકુમાર અને સાયરાબાનુ પર ફિલ્માવવામાં આવ્યું હતુ. અને તેનો અર્થ હતો કે ભારતીય ધોતી નહીં પણ શર્ટ પેન્ટ પહેરીને દિલિપકુમાર જેન્ટલમેન બની ગયો છે. જેન્ટલમેનનો ડિક્શનરી અર્થ છે સંસ્કારી પુરુષ, સ્ત્રી દાક્ષિણ્યવાળો સદગૃહસ્થ. શું દરેક પુરુષ આવો નથી હોતો ?  તો પછી બળાત્કાર કરનાર પુરુષ કોણ ?  દરેક બળાત્કારના બનાવ બાદ પુરુષો પ્રત્યે અમે સ્ત્રીઓ શંકાની નજરે જોવા લાગીએ છીએ. જાણે દરેક પુરુષ બળાત્કારી ન હોય તેમ. આવું સહજતાથી થઈ જતું હોય છે. કારણ કે અમે દરેક સ્ત્રીઓ એક યા બીજી રીતે બળાત્કારનો અનુભવ કરી ચુકી હોઇએ છીએ. 
સતત અમારા શરીરને ભોંકાતી નજરો. ભીડમાં અણગમતા સ્પર્શો. તો વળી ક્યારેક ઓળખીતા પુરુષ દ્વારા જાતીય સતામણી. તમે કહેશો અમને ખબર છે અને દરેક પુરુષ એવા નથી હોતા. પણ દરેક પુરુષ બળાત્કારી બની શકવાની શક્યતાને નકારી નથી શકાતી. હમણાં એક સરસ લેખ વાંચવા મળ્યો ઝેરોમ બુમેટ ધ્વારા એક પુરુષે લખ્યો છે લેખ રેપ કલ્ચર પર. એ વાંચીને વિચાર આવ્યો કે મારી આસપાસ અનેક પુરુષો એવા છે કે જેમની હાજરીમાં મને ક્યારેય ભય નથી લાગ્યો. કદાચ તેમની સાથે હોઉં ત્યારે સુરક્ષિત હોવાનો ભાવ પણ થયો છે. કે પછી સ્ત્રી હોવાનો ભાર ન અનુભવ્યો હોય તેવું ય બન્યું હશે. આવા પુરુષો ખરા અર્થમાં જેન્ટલમેન હોય છે. ઝેરોમે  લખ્યું છે કે,  એક પુરુષ તરીકે મને કોઇ કહે કે હું બળાત્કારી પણ બની શકું તો ચોક્કસ જ મને ખરાબ લાગે. પણ આવું જ્યારે સ્ત્રી વિચારતી હોય તો મને સ્ત્રીની સાયકોલોજીમાંથી પસાર થવાનું મન થાય. ઝેરોમે સ્ત્રીની સાયકોલોજીનો વિચાર કરીને જેન્ટલમેન કેવી રીતે વર્તે કે પુરુષે સ્ત્રીની હાજરીમાં કેવી રીતે વર્તવું જોઇએ કે જેથી સ્ત્રીને જરાય ભય ન લાગે.
એ વાત સાચી છે કે દરેક સ્ત્રીને જાણીતો અજાણ્યો પુરુષ માટે એક ભય કે શંકા રહે જ. ક્યારે એ પુરુષ હવસી બનીને તેના પર મુકેલા વિશ્વાસને તોડી નાખશે. તેમાં પણ કોઇ પોતાનું સ્વજન કે જાણીતો પુરુષ સ્ત્રીના સ્ત્રીત્વ પર હુમલો કરે છે તો સૌ પ્રથમ સ્ત્રી ડરી જાય છે. તેને પોતાના શરીર માટે, સ્ત્રીત્વ માટે એક જાતની ઘૃણા પેદા થાય છે. સ્ત્રી હોવું એટલે શું તે દરેક પુરુષે વિચારવું જોઇએ. બહુ જ સરસ મુદ્દાઓ ઝેરોમે પોતાના લેખમાં આલેખ્યા છે. આજે આ મુદ્દા અહીં લખવા છે કારણ કે છેલ્લા પંદર દિવસથી સતત બળાત્કારના કિસ્સાઓ સંભળાઇ રહ્યા છે. ને તેમાં ય ગેન્ગરેપના ત્યારે ખરેખર વિચાર આવે કે બળાત્કાર કરનાર પુરુષોની માનસિકતા શું હશે ?  ઉત્તર પ્રદેશ શું કે મહારાષ્ટ્ર, દિલ્હી અને મલેશિયા પણ. 30 મેના દિવસે લગભગ 38 પુરુષોએ એક કિશોરી પર મલેશિયામાં બળાત્કાર કર્યો. આ આંકડો કદાચ સાચો ન ય હોય પણ 13 વ્યક્તિઓ પકડાઈ છે. અને દરેક બળાત્કારી પુરુષ એક જ ગામના છે. ઉત્તર પ્રદેશમાં ગયા અઠવાડિયે પોલીસ સ્ટેશનમાં પોલીસો ધ્વારા જ બળાત્કાર કરવામાં આવ્યો. આ દરેક કિસ્સામાં વિચાર આવે કે શું કોઇ પુરુષ આસપાસ એવો નહતો કે તે સ્ત્રીની રક્ષા કરી શકે ?  સ્ત્રી પર કરવામાં આવતાં બળાત્કાર બાદ પણ સ્ત્રીઓના વર્તન,કપડાંને દોષી ઠેરવતાં પહેલાં એકવાર વિચારો કે તમારા પર એટલે કે પુરુષો પર એવા બંધનો હોય તો ?   
તમે ક્યારેય એકલા રાત્રે નીકળી ન શકો. એવો એક પણ દિવસ ન જાય કે તમને ટીકીટીકીને અસભ્ય રીતે જોવામાં ન આવે. તમારું અસ્તિત્વ ફક્ત તમારું શરીર હોય. અને તક મળે દરેક જણ તેને ભોગવવા માટે તૈયાર હોય. તમારી મરજી હોય કે ન હોય. સ્વતંત્રતાનો વિચાર ક્યારેય તમને આવે જ નહીં.
આ માનસિકતા સાથે જીવવાનું હોય તો કોઇ સ્ત્રીને જો ચોઇસ મળે તો તે સ્ત્રી તરીકે જન્મે જ નહીં. તે છતાં અમે એમ નથી કહેતાં કે દરેક પુરુષ ખરાબ જ હોય છે. પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખીને એવા સમાજનું નિર્માણ ન કરી શકાય કે સ્ત્રીઓ પણ એક વ્યક્તિ તરીકે સહજતાથી જીવે. તેને પુરુષનો ભય ન લાગે. હા , દરેકની માનસિકતા ન બદલી શકાય પણ નિર્ભય સમાજ ઊભો કરવામાં પુરુષત્વ અનેક રીતે કામ કરી શકે છે. 
1.       તમારી આસપાસ સ્ત્રીને ક્યારેય અસહજતા ન લાગે તેનો ખ્યાલ રાખો. લિફ્ટમાં જતાંઆવતા. કામના સ્થળે કે પછી સામાજીક મેળાવડામાં. સ્ત્રીને તાકીને ન જુઓ. તેણે ગમે તેવા કપડાં કેમ ન પહેર્યા હોય. તમે કહેશો કે અરે સ્ત્રીઓ કપડાં અમને બતાવવા માટે જ પહેરે છે. ના એવું નથી હોતું. સ્ત્રીને પોતાને જે કપડાં પહેરવાનું મન થાય તે કપડાં પહેરે છે. સ્ત્રીએ અમુક રીતે વર્તવું ને ન વર્તવું તે નક્કી કરવા કરતાં તમારે અમુક વર્તન ન  કરવું એ નક્કી કરી શકાય. પણ હા, સ્ત્રી પોતે જ ઇચ્છા પ્રદર્શિત કરે તો વાત જુદી છે. પણ એ ભાષા દરેક સ્ત્રી પુરુષને સમજાતી હોય છે. તમે ખોટા બહાના ન જ કાઢી શકો.
2.       કોઇપણ સ્ત્રીઓ માટે અસભ્ય કોમેન્ટ ન કરો. તમારી હાજરીમાં તમારા મિત્રો કે સાથે કામ કરતાં કર્મચારીઓ કરતાં હોય તો તેમને વારો.સ્ત્રીને ઉતારી પાડતી ગાળો પણ ન બોલો. ફક્ત સ્ત્રી હોવાને કારણે તેના વિશે ગમેતેવા વિધાનો ન કરો. સ્ત્રીના અસ્તિત્વનો આદર કરો. આદર જળવાય તેવું વાતાવરણ પણ ઊભું કરી શકાય છે. પુરુષત્વ એમાં જ છે જેની હાજરીમાં સ્ત્રીને સુરક્ષાનો અનુભવ થાય. એકલી જતી સ્ત્રીઓ સાથે જ અણછાજતું વર્તન નથી થતું. પુરુષો સાથે જતી સ્ત્રીઓની છેડતી થાય છે. અને બળાત્કાર પણ થતાં હોય છે. સ્ત્રીનો આદર કરવાની વૃત્તિ હશે તેને બંધનમાં કે ભોગ્ય માનવાની વૃત્તિ ન હોય તો આવી ઘટનાઓ ટાળી શકાય છે. સ્ત્રીઓને માનવ તરીકે સ્વીકારો છો તેનો અહેસાસ પણ કરાવતાં  શીખો. સ્ત્રીને સ્પેસ આપો તેની પોતાની. તમે કહેશો સ્ત્રીઓને છેડછાડ ગમતી હોય છે. પુરુષત્વ એટલે જ આક્રમકતા....પણ એવું નથી. પુરુષત્વની ગરિમા જાળવાતાં પુરુષો સ્ત્રીઓને વધુ ગમે છે. આક્રમકતા પ્રેમમાં હોય જબરદસ્તીમાં ન હોય. સ્ત્રીની ઇચ્છા ન ઇચ્છા સમજાતી હોય જ છે પુરુષોને પણ ન સમજવાનો ડોળ કરી શકાય કે પોતાની  ગરિમાને નીચી પાડવા માટે બીજાને દોષિત પણ ઠેરવી શકાય છે પણ હકિકત બદલાતી નથી.
લશ્કરના વડાં હોય કે રિક્ષાવાળો હોય કે પછી નેતા કે પોલીસ દરેક પુરુષો સ્ત્રીને વ્યક્તિત્વની ગરિમા આપી શકે છે. પણ દરેક સ્ત્રીના કપડાં, આયટમ સોન્ગ અને વર્તનને જવાબદાર ઠેરવતાં હોય છે. એ યોગ્ય નથી. એ ખરું કે દરેક પુરુષ ખરાબ નથી હોતો તેમ દરેક સ્ત્રી સારી નથી હોતી. એ કબૂલ પણ તેનો અર્થ એ નહીં કે તમે દરેક સ્ત્રીને એ જ દ્રષ્ટિએ જુઓ. પુરુષત્વ તમારું પોતાનાપણું જાળવી રાખવામાં હોય છે. સ્ત્રીની હા સાંભળ્યા સમજ્યા સિવાય કોઇપણ સંજોગોમાં કદમ આગળ ન વધારો. ફેટલ એટ્રેકશન જેવા કિસ્સાઓ પણ બનતાં હોય છે જેમાં સ્ત્રી પુરુષને પામવા માટે કોઇપણ હદને પાર કરી શકે છે. તેને બરબાદ પણ કરી શકે છે. પરંતુ, એવા કિસ્સાઓ ઘણાં જ ઓછા હોય છે. તેને ય યોગ્ય ન જ ગણી શકાય.

હાઇવે ફિલ્મમાં આલિયાનું પાત્ર ઘર કરતાં ય બહાર પોતાને કિડનેપ કરનાર પુરુષ સાથે પોતાને વધારે સુરક્ષિત મહેસુસ કરે છે. આ ભેદ દર્શાવીને ફિલ્મકાર ઇમ્તિયાઝે કમાલ કરી છે. આવા પુરુષોની સમાજને જરૂર છે. પુરુષ ગરીબ હોય કે શ્રીમંત. અભણ હોય કે એજ્યુકેટેડ, ગામમાં હોય કે શહેરમાં  પણ જો તેની હાજરીમાં સ્ત્રી ભય કે સંકોચ ન અનુભવે તો એ જેન્ટલમેન છે નક્કી. તમારે જેન્ટલમેન બનવું છે કે નહીં તે તમારે જ નક્કી કરવાનું છે.      

You Might Also Like

0 comments