ન કહેવાયેલી વાત..15-7-14

22:23

નાની હતી ત્યારે મારું ઘર દાદરાની સામે હતું. દાદરામાં લગભગ અંધારુ હોય... એકવાર ત્યાં કોઇક માણસને ઊભેલો જોયો. તરત જ મેં ઘરમાંથી બૂમ પાડી કોણ છે ત્યાં ઘરમાં અને ચાલીમાંથી લોકો દોડ્યા. પણ તે માણસ ભાગી જવામાં સફળ રહ્યો. એ માણસ અંધારામાં પોતાનું પેન્ટ ઉતારીને માસ્ટરબેટ કરી રહ્યો હતો. સમય જતાં આ વાત ભૂલાઈ ગઈ હતી કારણ કે આવી વાતોને નજરઅંદાજ કરવાનું અમે સ્ત્રીઓએ અપનાવી લીધું હોય છે. પણ તાજેતરમાં એવરીડે સેક્સિઝમ નામે ટ્વીટર પર કેમ્પેન ચાલી રહ્યું હતું તેમાં દુનિયાભરની સ્ત્રીઓએ પોતાના આવા અનુભવો વિશે પહેલીવાર મ્હોં ખોલ્યું.
દુનિયાભરની સ્ત્રીઓ આવા વિકૃતિઓનો રોજે રોજ ભોગ બની રહી છે. આજે પણ આ વિકૃતિઓ ઓછી નથી થઈ રહી. સ્ત્રીઓને રસ્તામાં ચાલતાં હાથ લગાડવો... પિન્ચ કરવું, એ તો સામાન્યપણે થતું જ હોય છે પણ જાહેરમાં સ્ત્રીઓ કે બાળકીઓની સામે જોઇને કેટલાક પુરુષો માસ્ટરબેટ કરવાની હિંમત પણ કરે છે. આ બાબત કેટલી જુગુપ્સાપ્રેરક  અને કેટલી ઘૃણાસ્પદ હોય છે તે સ્ત્રીઓ અનુભવતી હોય છે.
પરંતુ, આના વિશે ક્યારેય વાત થતી નથી. કે લખાતું પણ નથી. આ વાંચીને કદાચ તમને આઘાત લાગશે પણ જાહેરમાં આવા કિસ્સાઓ થતાં હોય છે અને કોઇ કશું જ આ વિશે બોલતું નથી કે કરતું નથી. મોટાભાગની સ્ત્રીઓ જેમને આવા અનુભવો થાય છે ત્યારે તેઓ ચુપ રહેવાનું પસંદ કરે છે કે તેને નજર અંદાજ કરે છે. જો આવું વારંવાર થાય તો તેઓ પોતાનો રસ્તો બદલી નાખે છે. કે પછી એકલા જવાનું ટાળે છે. આવું મોટેભાગે નાની શાળાએ જતી છોકરીઓ સાથે જ બનતું હોય છે. અને તેઓ ભયભીત થઈને ચુપ બેસી રહે છે. એ સિવાય  લંડનની ટ્યુબમાં, ઇટલીની બસોમાં, અમેરિકાની બજારોમાં કે ભારતના ગામડાઓમાં, બસોમાં ,સ્કુલોની બહાર ઝાડની કે કારની આડશે કે રસ્તે ચાલતાં ચાલતાં પણ પુરુષો છોકરીઓને જોઇને માસ્ટરબેટ કરતાં હોય છે. એવરીડે સેક્સિઝમ પ્રોજેક્ટમાં દુનિયાભરની સ્ત્રીઓએ ટ્વીટ કરીને પોતાના અનુભવો લખીને મોકલ્યા છે. આ પ્રોજકેટ લોન્ચ થયાના બે જ કલાકમાં 400 સ્ત્રીઓએ લખ્યું કે તેમને પોતાને આવા અનુભવો થયા છે. એકવાર નહીં પણ અનેકવાર.... બસમાં, સિનેમા હોલમાં, લાયબ્રેરીમાં, બજારમાં, ટ્રેનમાં, રસ્તામાં વગેરે વગેરે
નાની બાળકીઓને આવા વર્તનની સામે કઇ રીતે વર્તવું તે સમજાતું નથી હોતું. તેઓ હેબતાઈ જાય છે કે ડરી જાય છે. આ બાબત સામાન્ય નથી. સતત આવા બનાવો બનતા હોય છે પણ તેના વિશે બોલાતું નથી કે ફરિયાદ નથી થતી. એટલે અત્યાર સુધી તેનો ડેટાબેઝ નહોતો. ઇંગ્લેડમાં ખાસ આવા વર્તન વિરુધ્ધ 2000ની સાલથી ઝુંબેશ ચલાવાઈ રહી છે. બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસે ગયા વરસથી પ્રોજેક્ટ ગાર્ડિયનના નામે આવી રીતે જાહેરમાં સેક્સુઅલ અબ્યુઝ કરતાં માણસોને રોકવા, પકડવાનું શરૂ કર્યું છે. તેને કારણે 27ટકા ફરિયાદો આવી રીતના જાહેરમાં માસ્ટરબેટ કરવાની નોંધાઈ છે.
એક સ્ત્રીએ લખ્યું કે બસની ભીડમાં તેની પાછળ ઉભેલા વ્યક્તિએ તેને ઘસાઈને માસ્ટરબેટ કરવાનું શરૂ કર્યું. તો બીજી સ્ત્રીએ લખ્યું કે સિનેમા હોલમાં તેના લાંબાવાળ પર પાછળ બેસેલી વ્યક્તિએ દુષ્કર્મ કર્યું હતું તેને ઘરે જઇને ખબર પડી. તો એકે લખ્યું કે શાળાથી ઘરે જતાં રસ્તામાં ચાલતાં એક વ્યક્તિએ કૃત્ય કરતાં મારી સામે જે રીતે જોયું હતું તે યાદ કરતાં હું આજે ય ધ્રુજી ઊઠું છું. આવા અનેક કિસ્સાઓ બન્યા છે અને હજી આજે ય દુનિયાના દરેક ખૂણે બની રહ્યા છે. તેના વિશે વાત કરવાનું દરેક ટાળતું હોય છે પણ આવી માનસિકતાને જો જાહેરમાં નહીં લવાય. તેમને પાઠ નહી ભણાવાય તો સ્ત્રીઓએ સતત સહન કરવી પડતી વિકૃતિને રોકી પણ નહી શકાય. આ માનસિકતા દરેક સ્તરના લોકોમાં હોય છે.

આવા લોકોની સામે ચુપ ન રહેવું જોઇએ. આપણી બાળકીઓને શીખવીએ કે આવું કોઇ દ્રશ્ય તેઓ જુએ તો તરત જ બૂમ પાડે કે તમને આવીને કહે. જેથી વધુ નુકશાન થતાં રોકી શકાય. એમાં આપણો વાંક નથી પણ પુરુષની એક જાતની વિકૃતિ છે. સ્ત્રીઓ બોલતી નથી એટલે જ આવી વિકૃતિઓ આસપાસ દેખાતી રહેતી હોય છે.   

You Might Also Like

2 comments