યે કહાં આ ગયે હમ.....8-7-14

22:31



અફસોસ થાય છે કે આજે એકવીસમી સદીમાં પણ સ્ત્રીના વસ્ત્રો લઈને મોરલ પોલિસીગ કરવામાં આવે છે. અને તે પણ આપણા નેતાઓ ધ્વારા આવા સ્ટેટમેન્ટ કરવામાં આવે ત્યારે અફસોસ થાય છે. આ છપાઈ રહ્યું છે તેના બરાબર એક અઠવાડિયા પહેલાં ગોવાના વરિષ્ઠ નેતા સુદીન ધવલીકરે એવું સ્ટેટમેન્ટ કર્યું હતું કે સ્ત્રીઓએ બીચ પર બિકીની પહેરવી નહી અને પબમાં ટુંકા સ્કર્ટ પહેરીને જવું નહીં. બહેનો અને દીકરીઓએ અંગપ્રદર્શન કરવા કે દારૂ પીવો તે એમની સલામતી માટે યોગ્ય નથી.
આખા ય વિશ્વમાં લોકો દરિયા કિનારે બિકીની પહેરે છે. દરિયામાં નહાવા જવા માટે સાડી પહેરવી તે કેટલે અંશે યોગ્ય છે તે વિચારવું જોઇએ. પુરુષોએ પણ શોર્ટ ન પહેરવી તેવો નિયમ કેમ લાદવામાં નથી આવતો. વારે વારે એકની એક વાત આજની નારીએ રિપીટ કરવી પડે છે કે પુરુષોના કન્ટ્રોલની વાત નથી થઈ શકતી પણ સ્ત્રી ઉપર નિયમો અને બંધનો લાદવાનો પ્રયાસ થાય છે. પુરુષોના કન્ટ્રોલની વાત કેમ ક્યારેય નેતાઓ નથી કરતા ?  પ્રાચીન સમયમાં કપડાં આટલા પહેરાતાં નહી સિવાય કે ઠંડા પ્રદેશમાં. આદિવાસીઓમાં આજે પણ સ્ત્રીઓ કપડાં ઓછા કે નહીવત પહેરે છે અને પુરુષો પણ એ જ રીતે ફરતાં હોય છે. પણ ક્યારેય તેમની સંસ્કૃતિમાં બળાત્કાર કે સ્ત્રીઓનું કપડાં નહીં પહેરવાને કારણે શોષણ થતું નથી. તેની મરજી હોય તો જ સંબંધ બંધાય છે. આટલી સ્વતંત્રતા પૃથ્વીના દરેક  આદિવાસી સમાજમાં સંસ્કૃતિરૂપે છે જ અને તે માટે કોઇ મોરલ પોલિસીંગ કરતું નથી. સમય જતાં આપણે સુધર્યા અને સુધરેલા સમાજના નિયમો બન્યા તે નિયમો ઘડનારા પુરુષો જ અને તેમણે પોતાની પશુતાને કન્ટ્રોલમાં કરવાની વાત કરવાને બદલે સ્ત્રીઓને પોતાની જાગીર માની તેમના માટે નિયમો બનાવવા લાગ્યા.
બળાત્કાર સ્ત્રીઓ નથી કરતી પુરુષો કરે છે તો નિયમો અને બંધનો પુરુષો માટે હોવા જોઇએ. જે પુરુષને પોતાના પર સંયમ રાખતાં ન આવડતું હોય તેણે ઘરની બહાર ન નીકળવું કે પછી તેણે ચેસ્ટિટી બેલ્ટ એટલે કે પોતાની ઇન્દ્રિયને તાળાં મારીને નીકળવું. એવા નિયમો કેમ નથી બનતા ?  મૂલ્ય શિક્ષણની જરૂરિયાત પુરુષો માટે ફરજિયાત કરવી જોઇએ. પુરુષોએ કેમ વર્તવું તેના માટે સરકારે જાહેરાતો અને પ્રશિક્ષણની વ્યવસ્થા કરવી જોઇએ.  અને કડકમાં કડક કાયદાઓ ઘડવા જોઇએ. નહીં કે સ્ત્રીઓને કેદમાં પૂરી દેવાની વાત કરવી જોઇએ. સ્ત્રીઓના કપડાંને કારણે જ જાતીય સતામણી થતી હોય કે બળાત્કાર થતાં હોય તો તે ખોટી વાત છે. સ્ત્રીઓને ઉપભોગનું સાધન માનવાની માનસિકતા જ આ માટે જવાબદાર છે તે સામાન્ય બાબત કેમ નથી સમજાતી ? જો આપણા નેતાઓ  જ આવા સ્ટેટમેન્ટ કરશે તો સામાન્ય પુરુષ જે સ્ત્રીને પોતાના ઉપભોગનું સાધન માને છે તેને માટે તો આવા ફરમાનો સ્ત્રીઓને ઉતારી પાડવા માટે કે તેની સતામણી કરવા માટે વધુ એક બહાનું મળશે. બીજી એક આઘાતજનક બાબતમાં તૃણમુલ કોન્ગ્રેસના નેતા પાલે વિરોધી પક્ષની સ્ત્રીઓ પર બળાત્કાર કરવા ગુંડાઓ મોકલી શકું એમ છું એવા અર્થની ભાષા  લોકસભા ચુંટણી પ્રચાર સમયે  વાપરી હોવાના વિડિયો પણ ગયા અઠવાડિયે વિવાદ સર્જી રહ્યા હતા.
નારીએ કોઇની જાગીર નથી કે ઉપભોગની વસ્તુ નથી. એનું પોતાનું વ્યક્તિત્વ છે અને તેની સલામતી કે સુરક્ષા જ નહીં પણ અનાદર ન થાય એવી પરિસ્થિતિ દેશભરમાં ઊભી કરવાની જવાબદારી નેતાઓની છે. સ્ત્રીના કપડાં કે તેનું વર્તન જ આ પરિસ્થિતિ માટે જવાબદાર છે એ કહેવું એ તદ્દન વાહિયાત વાત છે. તેનો વિરોધ આજની દરેક નારીએ કરવો જોઇએ. આવી માનસિકતા અને સ્ટેટમેન્ટ તાલિબાનોની વાણી હોય તેવા લાગે છે. ફક્ત બુરખો પહેરીને ઘરમાં બેસો એવું કહેવાનું જ બાકી રહ્યું છે. બહેનો અને દીકરીઓને જે સલાહ આપવામાં આવે છે તેના બદલે દિકરાઓ અને ભાઈઓને કહોને કે સ્ત્રીઓનો આદર કરો, જાત પર સંયમ રાખો. વારંવાર આ વાત દોહરાવવાની જરૂર છે. દરેક નેતા, ધર્મગુરુઓ અને સામાજીક મૂલ્યના ઠેકેદારોએ. આ બાબત આપણે જ તેમને કહેવી પડશે. આપણે પણ ગુનાહિતતા અનુભવવાની કે ડરવાની જરૂર નથી.ગમે તેવી પરિસ્થિતિમાં પણ આદરની અપેક્ષા રાખવી  એ માનવ તરીકે આપણો અધિકાર છે.


You Might Also Like

1 comments

  1. બહેનો અને દીકરીઓને જે સલાહ આપવામાં આવે છે તેના બદલે દિકરાઓ અને ભાઈઓને કહોને કે સ્ત્રીઓનો આદર કરો, જાત પર સંયમ રાખો. વારંવાર આ વાત દોહરાવવાની જરૂર છે. દરેક નેતા, ધર્મગુરુઓ અને સામાજીક મૂલ્યના ઠેકેદારોએ. આ બાબત આપણે જ તેમને કહેવી પડશે. આપણે પણ ગુનાહિતતા અનુભવવાની કે ડરવાની જરૂર નથી.ગમે તેવી પરિસ્થિતિમાં પણ આદરની અપેક્ષા રાખવી એ માનવ તરીકે આપણો અધિકાર છે.

    ReplyDelete