ફેસુબક ડાયરી 14-8-14

01:50

વોટસ અપ અને ફેસબુક પર લોકો પોતાના વિચારો લખીને કોમ્યુનિકેશન કરવા કરતાં ફોર્વડ વધુ કરતાં હોય છે. ફોર્વડ કરો એનો ય વાંધો નહીં પણ બીજાને મોકલવાનો એટલો ઉત્સાહ હોય કે પોતે શું કામ ફોર્વડ કરે છે કે ફોર્વડ કરવું જોઇએ કે નહીં ? તે વિશે વિચાર પણ કરતાં નથી. તેમાંય ક્રૂરતા દર્શાવતાં વિડિયો પણ ફોર્વડ કરવામાં આવે છે. તાલિબાનો કે ટેરરિસ્ટ માથા કાપી નાખતા હોય કે તે માથાંથી ફુટબોલ રમતાં હોય. અથવા કોઇ કોઇને મારતું હોય. એક્સિડન્ટ થયો હોય. મારામારી, ગાળાગાળી થતી હોય. બાળકોને માર મારવામાં આવતો હોય. પ્રાણીને ત્રાસ આપવામાં આવતો હોય વગેરે વગેરે.. પહેલાં તો આવો વિડિયો જોવો ન જોઇએ. અને ભૂલમાં જોવાઈ ગયો તો બીજા કોઇને ફોર્વડ ન કરવો જોઇએ. આવા વિડિયો બનાવનાર અને જોનારાઓને એક જાતનો વિકૃત આનંદ મળતો હશે. નહીં તો વિડિયો બનાવવા કરતાં તેના વિશે તરત જ એકશન ન લે ? હા તાલિબાનો આવા વિડિયો જાતે જ અપલોડ કરી શકે. વોટ્સ એપ અને ફેસબુક પર વ્યક્તિ જે રીતે વર્તે છે તેનાથી એની પુખ્તતા અને માનસિકતા છતી થતી હોય છે. હિંસા જોવી પણ  લોકોને ગમે છે એટલે જ એકશન અને હોરર ફિલ્મો બનતી હોય છે. તેમાં ભરપુર વિકૃત હિંસાઓ બતાવાય છે. અને લોકો પૈસા આપીને ય જોવા જાય છે. આવી હિંસા જોઇને મગજ એટલું બધીર થઈ જાય છે કે હિંસક વિડિયો જોતાં કશી જ અસર નથી થતી. પણ જોયા  બાદ ગિલ્ટ , ગુનાહિતતા અનુભવાય છે. એટલે તેને ફોર્વડ કરીને નીચે લખે કે આ માણસને શોધો અને સજા કરો. અરે વિચારો તો ખરા કે વિડિયો જેણે અપલોડ કર્યો છે , યુટ્યુબ પર  મૂક્યો છે તેને ખબર છે કે એ માણસ કોણ છે ! એ માણસને પકડો... પણ ગાડરિયા પ્રવાહની જેમ આપણે ય ચાલવાનું વિચારવાનું નહીં.  વોટ્સ એપ અને ફેસબુક મિડિયા ધ્વારા સમજાય છે કે મોટાભાગે માણસોએ વિચારવાનું છોડી દીધું  છે. 

You Might Also Like

2 comments