ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે 19-8-14

02:29

આ પુસ્તક  વિશે પહેલાં ય લખાઈ ચુક્યું છે આ કોલમમાં જ્યારે પુસ્તક મમ્મી પોર્ન નામે દુનિયાભરમાં પ્રસિધ્ધ થઇ રહ્યું હતું બે વરસ પહેલાં. 2011માં જ્યારે ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે પ્રસિધ્ધ થઈ ત્યારે તેની લેખિકા એરિકા મિશેલને કલ્પના નહોતી કે તે બેસ્ટ સેલર થશે. આ પુસ્તકની સાત કરોડ કોપી વેચાઈ ચુકી છે. જો કે આ પુસ્તકમાં સાહિત્યિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ કહી શકાય એવું કશું નથી. તે છતાં સ્ત્રીઓમાં તે ખૂબ પોપ્યુલર બની અને હવે તેના પરથી ફિલ્મ પણ બની ગઈ. તેનું ઓફિશ્યલ ટ્રેઇલર રિલિઝ પણ થઈ ગયુ.
 આ પુસ્તક આજની નારીએ લખ્યું છે એટલે બોલ્ડ પણ છે. પરંતુ, બીજો વિચાર એ પણ આવે કે શું સ્ત્રીઓની વિચારધારા કે ફેન્ટસી એવી ખરી ? એવી એટલે સમર્પિત થવાની... તો હા મોટાભાગની સ્ત્રીઓને પોતાના પર અધિકાર ભાવ દર્શાવે તેવો પુરુષો ગમે છે.સ્ત્રીઓને પુરુષોને સમર્પિત થવું ગમે  છે.  આ પુસ્તક ભલે સ્ત્રીઓમાં વધુ લોકપ્રિય બન્યું હોય અને સ્ત્રીએ પોતાની ફેન્ટસીની વાત લખી હોવા છતાં આ સંપૂર્ણ સત્ય નથી. હકિકતમાં આ પુસ્તકમાં ધનાઢ્ય હિરો છે અને નાની વયની હિરોઇન છે. જે શ્રીમંત, દેખાવડા પુરુષના પ્રેમમાં પડે છે. એ પુરુષ જે સ્ત્રીને ગુલામ બનાવીને માણવા માગે છે. ફેન્ટસી એ જ હોય જે સત્ય થવાની શક્યતા નથી હોતી. આ પુસ્તક પરણેલી બાળકોની માતા બની ચુકેલી સ્ત્રીઓમાં વધુ લોકપ્રિય બન્યું હતું કારણ કે તેમના એકઢાળીયા જીવનમાં આ પુસ્તક કલ્પનાઓના રંગો પુરે છે. આ પુસ્તકનો નાયક નાયિકાને બાંધીને તેની સાથે પ્રેમ કરે છે. આમ તો સમાજશાસ્ત્રીઓ અને સાયકોલોજીસ્ટોએ પણ કહે છે કે સ્ત્રીને પુરુષનું આધિપત્ય ગમતું હોય છે. પરંતુ, કોઇ સ્ત્રીને પીડાદાયક પ્રેમ મેળવવો ગમતો હોય તે માનવું સહેલું નથી. હા તેમાં કદાચ એકાદ બે સ્ત્રીઓનો અપવાદ હોઇ શકે.
આજની નારી બોલ્ડ હોય તો સમર્પિત રીતે પુરુષની મરજીથી જ ચાલે એવું કેવી રીતે બને ? તેની પોતાની ઇચ્છાઓ , આદર અને પસંદ નાપસંદ પણ તે વ્યક્ત કરતાં શું કામ અચકાય ? સ્ત્રીની ના એ ના જ હોય તે પુરુષ માનસે સ્વીકારવું પડે.  ગ્રે એ ખરા અર્થમાં તો રાખોડી જે સફેદ પણ નહી અને કાળો ય નહીં.તેવો રંગ .તેના જુદાં જુદાં  પચાસ શેડ્સ... પાસાંઓ... ક્યારેક વધુ કાળો તો ક્યારે વધુ સફેદ....પણ મોટેભાગે કાળા અંધારામાં જ અનેકવાર સ્ત્રીઓને રાખવામાં આવે છે.અને તેના પર ક્રૂરતા આચરતાં કોઇને ખચકાટ નથી થતો. નિર્ભયાનો કિસ્સો એક માત્ર કિસ્સો નહતો. જેને આપણે સૌ ભૂલી જઈ રહ્યા છીએ. ત્યારબાદ પણ અનેક સ્ત્રીઓ પર અનેક રીતે બળાત્કાર બાદ ક્રૂરતા આચરવામાં આવી. કારણ કે તે સ્ત્રીઓએ ના પાડી હશે પુરુષોને. પુરુષોની ક્રૂર માનસિકતાનો અનેક સ્ત્રીઓ શિકાર બનતી હોય છે. અને દરેક વખતે તે ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે પુસ્તકમાં આલેખાયેલ છે તેટલું રોમેન્ટિક કે આનંદદાયક જ હોય એવું જરૂરી નથી. સ્ત્રીઓને આધિપત્ય ગમે છે પણ તે આદરપૂર્વકનું તેવું પિતૃસત્તાક માનસિકતા ધરાવનાર પુરુષને ખ્યાલ નથી આવતો. લગ્ન બાદ પણ ક્રૂરતા આચરવામાં આવે પત્નિ પર એવા કિસ્સાઓની નવાઈ નથી હોતી. લગ્ન બાદ ગુજારવામાં આવતાં બળાત્કાર વિશે આપણે ત્યાં વાત થતી નથી. સ્ત્રીની ઇચ્છા, અનિચ્છા હોઇ શકે તે પણ સમાજમાં સ્વીકારાતું નથી.

એટલે જ આવી પોર્નોગ્રાફિક નવલકથાઓ કરોડોની સંખ્યામાં વેચાઇ શકે. જેમાં પિતૃસત્તાક માનસિકતાને આડકતરી રીતે મૂકવામાં આવી હોય. જેમાંથી સ્ત્રીઓને કોઇ ખાસ વિચારબીજ મળે નહી. અને તેની ફિલ્મ પણ હવે કરોડોનો વકરો કરશે. ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રેની લેખિકા ઈ.એલ.જેમ્સે હકિકતમાં પોતાની ફેન્ટસીને જ કાગળ પર મૂકી હતી. તેણે પોતે ય એવી કલ્પના નહોતી કરી કે આ પુસ્તક આટલું બધું લોકપ્રિય થશે. આવી વાર્તાઓ સ્ત્રીઓ ધ્વારા જ લખાય છે અને વંચાય છે. તે સૂચવે છે કે કલ્પનામાં પણ સ્ત્રીઓ સમર્પિત થવાની માનસિકતાને છોડી નથી શકતી. અઘરું છે વહેતા વહેણથી ઊફરા તરવું કે જુદું વિચારવું. આવું પ્રથમવાર લખાયું છે અને લોકપ્રિય થયું છે એવું પણ નથી. વરસોથી અતિ લોકપ્રિય બનેલી મીલ્સ એન્ડ બુન સિરિઝમાં પણ રોમેન્ટિક વાર્તાઓમાં મોટેભાગે સ્ત્રીને સમર્પિત થતી દર્શાવવામાં આવે છે. રોમાન્સના કલ્પનાઓમાં કાલની હોય કે આજની હોય દરેક સ્ત્રીને વિહરવું ગમે છે. કારણ કે વાસ્તવિકતામાં રોમાન્સ એટલો સુંદર કે આનંદદાયક નથી હોતો.  

You Might Also Like

0 comments