દેવદાસની પ્રતીતિ દરેક પુરુષને થતી હોય છે 11-11-14

19:13
શરદબાબુનો નાયક સાચુકલો ન હોવા છતાં પ્રખ્યાત છે અને સૌને પોતીકો લાગે છે. એટલે જ વાતવહેવારમાં પણ તેનો વાટકી જેવો ઉપયોગ થતો રહે છે. જરા મોઢું ઉતારીને બેસેલા પુરુષને દેવદાસ કહીને બોલાવવાનો ચાલ પણ છે. રિતિક રોશન અને સુઝાન ખાનના છૂટાછેડાની વાત શરૂ થઈ ત્યારથી લોકોને તેમાં રસ પડવા માંડ્યો તે ફક્ત તેઓ સેલિબ્રિટી હોવાને કારણે નહી, પરંતુ દરેક છૂટાછેડા લેનાર વ્યક્તિ પ્રત્યે એક જાતની સહાનુભૂતિ અનુભવાતી હોય છે. કારણ કે તેમાં બે વ્યક્તિના દિલ તૂટ્યાનો અહેસાસ હોય છે. હૃદય ભાંગવું તે પોતાનું હોય કે બીજાનું પણ તેની પીડાનો અનુભવ દરેકને કરી શકાતો હોય છે. એટલે જ દુખભરી ગઝલો સાંભળવી દરેકને ગમે છે. જો કે જ્યારે તમારું હૃદયભગ્ન થાય છે ત્યારે એની અસર વધુ પ્રમાણમાં થાય છે એ વાત અલગ છે. ત્યારે દેવદાસની પ્રતીતિ દરેક પુરુષને થતી હોય છે. 

ગયા અઠવાડિયે જ્યારે રિતિક રોશનના છૂટાછેડા મંજુર થયા ત્યારે એક ફોટો અખબારોમાં છપાયો હતો. રિતિક અને સુઝાન બન્ને કોર્ટમાંથી બહાર આવી રહ્યા હતા અને નીચે કેપ્શન હતું કે સુઝાન સ્વસ્થ છે પણ રિતિક પોતાના ઇમોશન ગોગલ્સમાં છુપાવી રહ્યો છે. સાચું હશે આવું ? એવો વિચાર જરૂર આવ્યો હતો કારણ કે પુરુષને દુખ થાય તેવું માનવાની આપણી માનસિક તૈયારી નથી હોતી. પુરુષનું દિલ વજ્ર જેવું હોય તેવું માનવું આપણને સહેલું ને સરળ લાગે છે. એટલે જ દેવદાસ કૃતિ લોકપ્રિય હોવા છતાં દેવદાસ થઈને ફરતી વ્યક્તિને સહજતાથી સ્વીકારવામાં નથી આવતી. તેની મજાક પણ ઉડાવવામાં આવે તો નવાઈ નથી લાગતી. પરંતુ, હકીકત સાવ જુદી છે. હકીકતે પુરુષ ખૂબ જ હર્ટ થતો હોય છે. હૃદયભગ્નતાને સ્વીકારવું તેના માટે સરળ નથી હોતું. કેટલીકવાર દેખાય નહીં છતાં એ પુરુષ અંદર તૂટી રહ્યો હશે. તેના જીવન પર અસર થતી જ હોય છે અને તેની અસરો પણ દેખાય છે. સિવાય કે એ પુરુષના જીવનમાં બીજું કોઇ પાત્ર હોય.

છૂટાછેડા કેટલાક પુરુષ માટે હાશકારો લાવનારા હોઇ શકે તો કેટલાક માટે જીવનને છિન્નભિન્ન કરનારો અનુભવ પણ હોઇ શકે. જો કે તે દરેકના જીવનમાં ક્યા સંજોગોમાં આ ઘટના બને છે તેના પર આધાર હોય છે. પણ તમે જેને લાંબા સમયથી ચાહતા હો અને તે સંબંધ ખતમ કરી નાખવાનો હોય ત્યારે કોઇપણ વ્યક્તિ માટે તેમાંથી બહાર આવવું મુશ્કેલ બની શકે છે પછી તે સ્ત્રી હોય કે પુરુષ. પીડાને કોઇ જાતિ નથી હોતી. હા તેને સહેવાની અને તેમાંથી બહાર આવવાની રીત બન્ને જાતિની અલગ હોઇ શકે. સ્ત્રીઓ માટે સહેલું હોઇ શકે છે કારણ કે તેઓ બીજાની સામે પોતાનું દર્દ રડી શકે છે. કહી શકે છે. જ્યારે પુરુષને બીજા સામે રડવું કે પીડા કહેવી સહેલી નથી લાગતી. તે અંદરને અંદર ઘૂંટાયા કરતો હોય છે. પુરુષ જ્યારે કોઇ સ્ત્રી સાથે બંધાવાનું નક્કી કરે છે ત્યારે એના જીવનનો એ મોટો નિર્ણય હોય છે. લગ્ન બાદ તેનું વિશ્ર્વ સમેટાઈને પત્નિ અને બાળકોમાં સમાઈ જતું હોય છે. સમાજમાં પુરુષને મુક્ત અને સ્વતંત્ર જ કલ્પવામાં આવે છે. પરંતુ, દરેક પુરુષ એ વ્યાખ્યામાં બંધ બેસી શકતો નથી. એટલે જ જ્યારે છૂટાછેડા થાય છે ત્યારે એ પોતાની પીડા, દુખને કઇ રીતે પચાવવું અને તેમાંથી કઈ રીતે બહાર આવવું તે સમજાતું નથી. બીજું કે તે આ પ્રોસેસ દરમિયાન જોઇ શકે છે કે પુરુષ પ્રત્યે લોકોને બહુ ઓછી કે નહિવત સહાનુભૂતિ હશે. અને જો બાળકો હશે તો તેનાથી છૂટા પડવાનું, તેમને મળવાની પરવાનગી મળે કે નહી...વગેરે અનેક પ્રશ્ર્નો પણ તેને હલ કરવાના હશે. 

પોતાની વ્યક્તિથી છૂટા પડવાનું દુખ, મૃત્યુ પામનાર વ્યક્તિ કરતાં અનેકગણું હોઇ શકે. છૂટાછેડા થતાં કે દિલભગ્ન થતાં સૌ પ્રથમતો પુરુષના અહમને જબરદસ્ત ઠેસ પહોંચતી હોય છે. મોટેભાગે આવી પરિસ્થિતિમાં પુરુષ દેવદાસની જેમ આલ્કોહોલ એટલે કે દારૂના નશામાં ખોવાઈ જવાના પ્રયત્નો કરે છે. અથવા સખત કામમાં પોતાની જાતને ખૂંપાવી દે છે કે પછી બીજી સ્ત્રી સાથે ડેટિંગ શરૂ કરી દે છે. યા તો પોતાની જાતને એકલતામાં કેદ કરી દે છે. દરેક પ્રયત્નોમાં તે પોતાના સેલ્ફ એસ્ટિમને એટલે કે તૂટી ગયેલા આત્મવિશ્ર્વાસને સ્વીકારવાનો ઇન્કાર કરે છે. 

આ પરિસ્થિતિને સ્વીકારીને તેમાંથી બહાર આવવું કોઇપણ પુરુષ માટે ખૂબ અઘરું બની રહે છે. કોઇપણ પ્રવૃત્તિ તે પછી નશો હોય કે કામ કે પછી સોશ્યલાઈઝિંગ હોય તે ટેમ્પરરી રાહત આપે છે. વળી જ્યારે તે પોતાની હકીકત તરફ નજર કરે છે કે તે નબળી ઇમારતની જેમ કડડભૂસ તૂટી પડે છે. એટલે જ મોટા ભાગના પુરુષો છૂટાછેડા બાદ ડિપ્રેશનનો શિકાર બને છે. આમિર ખાન કે બોની કપુરે લીધેલા ડિવોર્સમાં એવું લાગવું શક્ય નહોતું. કારણ કે તેમના જીવનમાં બીજી સ્ત્રી હતી. 

જો કે આમિર ખાને ક્યાંક કહ્યું હતું કે તે રીનાથી છૂટો પડ્યા બાદ કિરણ સાથે એકલતાને કારણે જોડાયો. પણ અહીં રિતિકની ફક્ત વાત જ છે. એની પરિસ્થિતિ જોયા બાદ આપણી આસપાસ રહેતા સામાન્ય પુરુષોની વેદનાની વાત અહીં આલેખવી છે. એવી વ્યક્તિઓને હું મળી છું કે તેઓ વરસો બાદ પણ પોતાના પાત્રની અવગણનામાંથી બહાર નથી આવી શક્યા. તેમને હજી ય આશા હોય કે ક્યાંક કોઇક ચમત્કાર થાય અને પરિસ્થિતિ બદલાઈ જાય. 

મોટા ભાગે પુરુષને છૂટાછેડા બાદ પોતે નકામો બની ગયાની લાગણી થવા સાથે ગુનાહિતતા પણ અનુભવાય છે. તેને લાગે છે કે એ કોઇને સુખી નથી કરી શકતો. તેને રોષ, હતાશા અને ગુસ્સો એક સાથે અનુભવાય છે. સંબંધની નિષ્ફળતા તેના આત્મવિશ્ર્વાસના ચુરા કરી દેવા સક્ષમ છે. દેવદાસની જેમ તેને પોતાના જીવનમાંથી રસ ઊડી જાય એવું પણ બને. તેને શરૂઆતમાં એવું લાગી શકે છે કે જીવનનો અર્થ નથી રહ્યો. 

You Might Also Like

0 comments