અર્ધનારીશ્વર 4-11-14

21:24

(નર મેં નારી ભાગ -૨)

ગયા અંકથી શરૂ થયેલ નરમાં નારી સ્વરૂપની વાત કરીએ તો સૌપ્રથમ એક જ વાત યાદ આવે કે સ્ત્રૈણ રીતે વર્તતો પુરુષ જે સમાજમાં સતત હાંસીનું પાત્ર બને છે. પરંતુ, તેની માનસિકતાને પણ સમજવાની જરૂર હોય છે. જાણીતા સાયકોલોજિસ્ટ મુકુલ ચોક્સી જણાવે છે કે આમાં ચાર પ્રકારની કેટેગરી હોય છે. પહેલી ક્રોસ ડ્રેસિંગ તરીકે ઓળખાય છે તે જેના વિશે આપણે ગયા અંકના લેખમાં વિસ્તૃતરૂપે સમજ્યા. તેને ટ્રાન્સવેસ્ટિસિઝમ પણ કહેવાય છે. મુકુલભાઈ વિગતે આના વિશે જણાવતાં કહે છે કે ક્રોસ ડ્રેસિંગ સ્ત્રી/પુરુષ બન્નેમાં હોય છે. પરંતુ, પુરુષોમાં ક્રોસ ડ્રેસિંગમાં મોટેભાગે સેક્સ્યુઅલ અરાઉઝલનો સંદર્ભ હોય છે. તેમાં પુરુષ ખાનગીમાં સ્ત્રીના કપડાં પહેરીને આયના સામે ઊભો રહીને પોતાને જોતાં જાતીય આવેગ અનુભવે છે. તેને સેક્સ્યુઅલ વિકૃતિ પણ ગણી શકાય જે નોર્મલ નથી હોતી. જોકે આવા પુરુષોમાંય બે જાત હોય છે એક તેઓ ક્યારેક જ આવી ક્રિયા કરતાં હોય અને પત્ની સાથે નોર્મલ સંબંધ બાંધી શકતા હોય, બીજું તેઓ ફક્ત આ રીતે ક્રોસ ડ્રેસિંગથી જ ઉત્તેજના અનુભવે અને પત્ની સાથે પર્ફોર્મ ન કરી શકતા હોય. 

બીજી જાતિ છે તે ટ્રાન્સજેન્ડર કહેવાય છે. જેમાં પુરુષનું શરીર હોવા છતાં તેને લાગે છે કે પોતે સ્ત્રી જ છે. અને સ્ત્રી તરીકે જ જીવવા માગે છે. વરસો પૂર્વે ૧૯૫૦ની આસપાસ આવી વ્યક્તિઓને અનેક સાયકોલોજિકલ ટ્રીટમેન્ટ અપાતી, શોક થેરેપી પણ અપાઈ આ વૃત્તિ બદલવા માટે. કારણ કે આપણો સમાજ પુરુષને સ્ત્રીના હાવભાવ કે સ્ત્રીત્વને અપનાવતો જોવા કે સ્વીકારવા ટેવાયેલો નથી. પણ કોઇ રીતે આવા પુરુષને સ્ત્રી બનવાના વિચારમાંથી ચલિત ન કરી શકાતા. ૧૯૬૦-૭૦ના દાયકામાં આખરે આવા પુરુષોની સર્જરી કરીને સ્ત્રીમાં પરિવર્તિત કરવાનો વિચાર કર્યો. આ રીતે સેક્સ ચેન્જના ઓપરેશન કરીને પુરુષમાંથી સ્ત્રી બનતાં ત્રણચાર વરસ અને ખાસ્સો ખર્ચ પણ થાય જે આપણે ત્યાં દરેકને પરવડે પણ નહીં. 

જોકે હજી આપણે ત્યાં છોકરાનું એટલું મહત્ત્વ છે કે કોઇ છોકરો છોકરી બનવા માગે તો તેના ઘરમાંથી તેને રાજીખુશીથી પરવાનગી નથી મળતી. મુંબઈમાં જ ૨૦૧૨માં બિધાન બરુઆ કોર્ટમાં ગયો હતો કે તેના માતાપિતા સેક્સ ચેન્જ કરતાં તેને અટકાવે નહીં. તે સ્ત્રી તરીકે જ જીવવા માગતો હતો પણ તેના માતાપિતા તેને પરવાનગી નહોતા આપતા. બોબી ડાર્લિંગ યાદ હોય તો એ પણ પુરુષ જ હતો - પંકજ શર્મા. આવા પુરુષો સેક્સ માટે સ્ત્રી નથી બનવા માગતા પરંતુ, તેમને સ્ત્રી તરીકે જ પોતાને ઓળખાવવામાં સંતોષ થતો હોય છે. તેઓ પોતાને સ્ત્રી જ ગણતા હોય છે. અને લોકો પણ તેમને સ્ત્રી તરીકે જ ઓળખે તેવું ઇચ્છતા હોય છે. આ હોમોસેક્સ્યુઅલ નથી પણ સ્ત્રી જ પુરુષના શરીરમાં હોય છે. આવું મોટેભાગે જેનેટિક અને પછી કોઇક કિસ્સામાં ઉછેર પણ ભાગ ભજવતો હોય છે. 

ત્રીજી બાબત છે સ્કિઝોફેનિક કે સાયકોલોજિકલ સમસ્યા જેમાં ઉપરોક્ત કોઇપણ બાબત નથી હોતી, પણ તરંગીપણાને કારણે પુરુષ સ્ત્રીના કપડાં પહેરીને ફરે છે. જેમ કે ૨૦૦૫ની સાલમાં દેવેન્દ્ર પાંડા લખનૌના ઇન્સ્પેકટર પોતાને દૂસરી રાધા કહેવડાવતાં અને માથે સિંદૂર, ટીકો, લિપસ્ટિક વગેરે લગાવતાં. તેની પત્નીએ તેમના વિરુદ્ધ કેસ કર્યો હતો. 

ચોથી કેટેગરી છે સજાતીય વલણ ધરાવતાં પુરુષોની. તેમાં એક પુરુષ જે પેસિવ રોલ ભજવતો હોય તે જાતીય આનંદ દરમિયાન કે પોતાના પાર્ટનરને ઉત્તેજિત કે આકર્ષવા ક્યારેક સ્ત્રીનાં વસ્ત્રો પહેરે છે. 

ક્રોસ ડ્રેસિંગ કે ટ્રાન્સ જેન્ડરના કિસ્સામાં પુરુષો સામાજિક માળખાને કારણે ડિપ્રેશન અનુભવતાં હોય છે. જો તેઓ સાયકોલોજિસ્ટ પાસે પહોંચે તો આ બાબતે માહિતી મળતી હોય છે, પણ તેમને સહેવા પડતાં અપમાન અને અવહેલના ઓછા કરવા મુશ્કેલ હોય છે. મોટેભાગે તેઓ મોટા શહેરોમાં સ્થળાંતર કરી દે છે જેથી શાંતિથી જીવી શકે. બાકી તો તેઓ ડિપ્રેશનમાં જ ખતમ થાય છે કે જીવન મુશ્કેલ બની જાય છે. 

પણ આ સિવાય પણ બીજો એક મુદ્દો છે, આપણે ત્યાં પુરુષોમાં રહેલા સ્ત્રીત્વનો આદર કરવામાં આવે છે. આ એક ઉચ્ચ ભાવના છે. હા તેમાં કોઇ જ દેખાડો કે બાહ્ય પરિવર્તન નથી હોતું. ઉદાહરણ તરીકે મીરાં જ્યારે વૃંદાવનમાં જીવ ગોસ્વામી પાસે જાય છે અને મળવાનું કહેવડાવે છે. ત્યારે એને જવાબ મળે છે કે હું સ્ત્રીનું મોઢું નથી જોતો. ત્યારે મીરાં જવાબ આપે છે કે વૃંદાવનમાં કૃષ્ણ સિવાય બીજો કોઇ પુરુષ હોય તેવું જાણ્યું નથી. જામનગર રહેતાં વિદ્વાન વિવેચક લાભશંકર પુરોહિત કહે છે કે આ વાત દયારામે કાવ્યમાં લખી છે બાકી મીરાં આવો જવાબ, આપી શકે નહીં. કોઇ વિવેચન કે દલીલમાં ઊતરી શકું તેટલો મારો અભ્યાસ નથી. પણ મીરાં દ્વારા કહેવાયેલ આ વાક્ય કે કૃષ્ણ સિવાય કોઇ બીજો પુરુષ વૃંદાવનમાં ન હોઇ શકે તે વાત આપણે ત્યાં ગર્વથી વાગોળાય છે. તેમાં કોઇ પુરુષને અપમાન નથી લાગતું. કારણ કે માનસિક સ્ત્રીત્વ જ કૃષ્ણનો પુરુષ તરીકે સ્વીકાર કરે છે. અહીં સ્ત્રૈણ ગુણની નહીં પણ સ્ત્રી ગુણની વાત થઈ છે. 

પુરુષમાં સ્ત્રૈણતાનો સ્વીકાર નથી થતો પણ સ્ત્રી ગુણોનો સ્વીકાર સહજતાથી થાય છે. પુરુષોને પણ સ્ત્રી ગુણ ધરાવતો પુરુષ ગમે છે. પૌરુષ્યમાં જ રહેતો અને ક્રૂરતા દર્શાવતાં પુરુષને પ્રેમી તરીકે સ્ત્રી નથી જોઇ શકતી. સૌજન્યશીલ, સૌહાર્દપૂર્ણ, નમ્રતાપૂર્વક વર્તન કરતો પુરુષ સ્ત્રીને આકર્ષે છે. પણ સ્ત્રૈણ પુરુષ સ્ત્રી કદીય નથી ઇચ્છતી. એટલે જ ક્રોસ ડ્રેસિંગ વિવાદો ઊભા કરે છે. 

મહાભારતમાં આવતું શિખંડીનું પાત્ર અંગે પણ અનેક વાતો પ્રચલિત છે એમાં એક વાત એવી છે કે તે પુરુષ છે પણ તેનામાં સ્ત્રૈણ ગુણો જણાય છે જે તેના આગલા જન્મમાં અંબાનો અંશ છે. કહેવાનું તાત્પર્ય એ કે સ્ત્રીના ગુણો ધરાવનાર પુરુષ હોવું તે પુરુષ માટે પણ ગર્વની બાબત હોય છે. પંડિત બીરજુ મહારાજે એક મુલાકાતમાં મને કહ્યું હતું કે તેઓ જ્યારે નૃત્ય કરે છે ત્યારે કૃષ્ણને સામે અનુભવે છે. તેમના માટે કૃષ્ણ પ્રેરણા પુરુષ છે જેમનામાં લાસ્ય અને લાલિત્ય ભારોભાર છે. 

કૃષ્ણ મસ્ક્યુલિન નહીં પણ નમણાં અને સુંદર જ કલ્પાય છે. તે રાસ રમી શકે, વાંસળી વગાડી શકે અને રુકમણીનું હરણ પણ કરી શકે. સ્ત્રીની છેડછાડ કરે છે પણ તેમનું સન્માન અને શીલની રક્ષા પણ કરે છે. અને એટલે જ તેમને પૂર્ણ પુરુષોત્તમ પણ કહેવાય છે. અર્ધનારીશ્વર શિવને આપણે પૂજીએ છીએ. એટલે પુરુષના સ્ત્રી ગુણોનો સ્વીકાર આપણા ધર્મમાં પણ છે. 

સ્ત્રીની જેમ સહજતાથી ફિલ્મ જોતાં કે સુંદર દૃશ્ય જોતાં આંખો ભરાઈ આવે તેવા પુરુષો સહૃદયી હોય છે. અત્યાર સુધી સમાજે વિદિત કરેલા સ્ત્રીના કામો પુરુષ કરે તો નાનપ મનાતી કે તે પુરુષને બાયલો કહીને ચીડવવામાં આવતો. પણ આજે તે જ બાબતોને સૌજન્યતાનું નામ આપવામાં આવે છે. 

પુરુષમાં સ્ત્રીત્વ હોવું અમુક હદ સુધી આવકાર્ય છે. પણ જો પુરુષ પોતે સ્ત્રી બનવા માગતો હોય કે સ્ત્રીત્વ અનુભવતો હોય તો પણ સ્વીકાર્ય હોવું જોઇએ. તેની મજાક ઉડાવવાને બદલે તેના પ્રત્યે અનુકંપા થવી જોઇએ. તેના મનોભાવને સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ. 

જો કે હવે તો ઇન્ટરનેટ પર આવા સેક્સ ચેન્જ કર્યા હોય 

તેવા લોકોના ગ્રુપ અને બ્લોગ હોય છે. જેથી તેઓ બીજાને માટે પ્રેરણારૂપ બની શકે અને સમાજ સમક્ષ પોતાની વાત સહજતાથી મૂકી શકે.

You Might Also Like

0 comments