નારી કાલની, આજની કે આવતી કાલની 9-12-14

09:13

પિતૃસત્તાક માનસિકતા છે એ વાત સાચી અને તેને કારણે સ્ત્રીની માનસિકતામાં પણ કેટલા ફેરફાર આવે છે તેની નોંધ ઈતિહાસમાં કોઇક સોશ્યોલોજીસ્ટ લે તો સારું. સતત આ  કોલમ લખતાં કેટલીય વાર વિચારો મારી સામે ઊભા રહ્યા છે. આજની નારી તરીકે કેટલીક સ્પષ્ટતાથી સ્ત્રી તત્વ પર વિચાર કરવો રહ્યો. એ માટે મારે કાલની, આજની અને આવતીકાલની નારીને સમજવાનો પ્રયત્ન કરવો પડ્યો. એમ કરતાં જે સમજાયું તે એ કે આજની નારી વધુને વધુ ગુલામ થતી જઈ રહી છે પોતાની માનસિકતાની. 
એ કઇ રીતે એવો પ્રશ્ન જરૂર થાય. કારણ કે હકિકતમાં તો આજની નારી વિશ્વ કક્ષાએ આગળ વધી રહી છે. પણ જે ચિત્ર દેખાય છે તે કેટલીક આંગળીના વેઢે ગણી શકાય તેવી સ્ત્રીઓનું. બાકીની સ્ત્રીઓ પોતાની ઓળખ યા તો ખોઈ રહી છે યા તો સતત સંઘર્ષયુક્ત અવસ્થામાં જ જીવતી પોતાને અને આસપાસના માહોલને ય તકલીફ આપે છે. આજથી  સિત્તેર વરસ પહેલાંની સ્ત્રીઓ અનેક રીતે સક્ષમ હતી. તેઓ ઘરના અને બહારના બન્ને કામ કરતી હતી. તમારા પરદાદી શું કરતા હતા તે જાણવાનો પ્રયત્ન કરશો તો જણાશે કે તેઓ ઘરના કામ પર કોઇના પર નિર્ભર નહોતા. ન તો ટેકનોલોજી પર કે ન તો કામવાળા પર. ઘઉંનો લોટ દળવાથી લઈ, પાણી ભરવું, ઘર સાફ કરવું, કપડાં વાસણ સાથે દરેક મોસમ પ્રમાણે ઘરની દરેક વ્યક્તિઓના સ્વાસ્થયનું ધ્યાન રાખવું. એ ઉપરાંત ખેતરના દરેક કામ કરવા. વખત આવે ઘોડેસવારી કરવી કે તરવું. જો કે તે દરેક બાબત કામના ભાગરૂપે જ થતી.
સંસાર ન ગમે તો સાધ્વીનો વેશ ધારણ કરવાની તૈયારીઓ પણ હતી. આ સ્ત્રીઓમાં કેટલીક જે બુધ્ધિશાળી હતી તે આખા કુટુંબ અને સમાજમાં માનમરતબો મેળવતી. તે માટે તેમણે લડવું નહોતું પડતું. પ્રેમ અને કામ એ બન્ને તેમના અમોઘ હથિયાર હતા. પોતે નામ ન કમાઈ શકી હોય પણ  તેમના સંતાનો આજે નામાંકિત થયા છે. તેમના સંતાનોને તેઓ જીવનના કેટલાક પાઠ ભણાવી શકતી.
આસપાસ નજર કરું છું આજે તો આજની નારી શિક્ષિત હોવા છતાં તેમના સંતાનો ટ્યુશન ક્લાસિસમાં  જાય છે. મોટેભાગે અનહેલ્ધી બહારના જંક ફુડ ખાય છે. સ્વાવલંબી પ્રજા તો ઊભી થઈ શકે એમ જ નથી. કારણ કે શિક્ષિત સ્ત્રીએ ક્યારેય પોતાના કામ જાતે ન કર્યા હોય તો તે બાળકને શું શીખવાડે. ટિનએજર કે આજની પેઢી આપણે કેટલી બીજા પર નિર્ભર બનાવી રહ્યા છીએ. પોતાનું કામ ન કરી શકનાર ક્યારેય બીજાના કામ વિશે કે બીજાના વિશે વિચાર કરી શકવાની કેટલી ક્ષમતા ધરાવી શકે તે વિચારવું રહ્યું ?  સ્ત્રી જ શું કામ ? પુરુષ ન વિચારી શકે એ સવાલો નારીવાદી વલણ કરી શકે. હજી આજે પણ સ્ત્રી બાળકને જન્મ આપે છે. દરેક બાળક તે સમાજ અને દુનિયાનું પ્રતિનિધિત્વ કરે છે. બાળકને વધુ પૈસા કમાઈને નોકર ચાકર રાખવા કે ખરીદશક્તિ ધરાવતું સાધન બનાવીને કેવી દુનિયાનું નિર્માણ કરી રહ્યા છીએ તે વિશે સ્ત્રીએ વિચારવું રહ્યું. સ્ત્રી શક્તિ છે તે જ સમાજ અને દુનિયાને જન્મ આપે છે. માનસિકતાને જન્મ આપે છે. પોતાને એ હીન માને તો તેની આસપાસના પુરુષો તેની સાથે હીન વર્તન કરશે. સ્ત્રી બાળકને જન્મ આપવા માત્રથી માતા નથી બનતી. તે માતૃસ્વરૂપે આસપાસનું વાતાવરણ ઉછેરતી હોય છે.
મીરાંને ભક્તિ કરતાં કોઇ રોકી શક્યું નથી. સીતાને રાવણ અડી શકતો નથી. કે દ્રૌપદીની રક્ષા પાંચ સક્ષમ પુરુષો કે વીર વડિલો પણ કરી શકતા નથી.  ગાંધારીએ આંખે પાટા બાંધ્યા હતા એટલે જ તેના પુત્રો સ્ત્રીત્વનો આદર કરી શકતા નથી. તેમને માટે સ્ત્રી એટલે આંખે પાટા બાંધીને પુરુષને અનુસરે તે જ ખરું. પ્રેમ ક્યારેય આંધળો હોઈ શકે નહી. વાત આજની નારીની ચાલતી હતી. આજે કેટલી શિક્ષિત સ્ત્રી ઘરમાં નિર્ણય લેતી હશે ? સ્વસ્થ કુટુંબ ડાયેટિશિયન પાસે ન જાય કે બાળકો ટ્યુશન ક્લાસમાં ન ભણે કે આખો દિવસ ટીવીમાં બકવાસ કાર્યક્રમો ન જુએ કે ફક્ત જંકફુડ ન આરોગે. બાળકો બગડી રહ્યા છે કે સમાજ બગડી રહ્યો હોય તો તેને માટે આપણે જન્મ આપનાર માતા જ જવાબદાર છે એવું ન માનવા માટે અનેક કારણો આપી શકાય ખરા. અને તે માનવા પણ પડે. પરંતુ, સત્ય માટે શાંતિથી બેસી પોતાના અંતરમાં ઝાંકવાની જરૂર છે કે આપણે ય શું પુરુષ સમોવડા બનવામાં  પોતાના પગ પર કુહાડો નથી મારી રહ્યા ને ? આ વિશે કોઇ મુદ્દાઓ લખવા ચાહે તો ચોક્કસ લખીને મોકલી શકે છે. વધુ આવતા અંકે....


You Might Also Like

0 comments