આતંકનો ઓછાયો 23-12-14

09:15
છોકરો પપ્પાને પૂછે છે, ‘પપ્પા તમે અફઘાનિસ્તાન ગયા છો?’

પપ્પા છાપામાંથી મોં કાઢી નવાઈ સાથે પૂછે છે, ‘ના કેમ?’ 

તો પછી આ ટેરરિસ્ટ સાથે લગ્ન કઈ રીતે કર્યા... 

આ જોક દરેક પુરુષનો ગમતો હોઈ શકે. અમે સ્ત્રીઓ દરિયાદિલ છીએ તમારી સાથે હસી પણ લઈશું. પરંતુ, ક્યારેય વિચાર્યું છે કે ટેરરિસ્ટનું નામ લઈએ કે ઝનૂની ખૂનખાર પુરુષનો ચહેરો જ કેમ દેખાય ? હા ફિલ્મોમાં ક્યારેક સુંદર સ્ત્રીઓને પણ આતંકવાદી ગ્રુપની મેમ્બર બતાવાય છે. ગ્લેમર માટે જ સ્ત્રી પાત્રને ટેરરિસ્ટ એટલે કે આતંકવાદની સાથે ફિલ્મમાં એક યા બીજા પ્રકારે મૂકવામાં આવે છે. બાકી આતંકવાદમાં કોઇ સંવેદનને કે ગ્લેમરને સ્થાન નથી. હાલમાં જ પાકિસ્તાનમાં થયેલા આતંકી હુમલા બાદ બીજા કોઇ વિષયે લખવાનું સૂઝતું જ નથી. એટલે આતંકવાદનો વાદ તમારે આજે સહેવો પડશે. ટેરરિઝમ કે આતંકવાદને આપણે અંગત પ્રતિક્રિયા રૂપે મૂકવા લાગ્યા છીએ, તે પણ ચર્ચાનો વિષય છે. દરેક ક્રૂરતા કે હિંસા ટેરરિઝમ ન હોઇ શકે. આજે દરેક વિષયે એકસ્ટ્રીમ રીતે વિચારવાની ફેશન છે. પછી તે વ્યક્તિ હોય કે વિચારધારા હોય. 

૧૬ ડિસેમ્બરે પેશાવરમાં બાળકોની કત્લેઆમ જોયા બાદ કેટલાય પ્રશ્ર્નો આપણા દરેકના મનમાં સળવળે છે. સૌ પહેલાં તો આનો શું અર્થ ? માસૂમ બાળકો અને સ્ત્રી પર કોઈ વીર હાથ ઉપાડે જ નહીં. તો પછી શું આ પુરુષો પોતાના જીવન સાથે વીરત્વ પણ ગુમાવી ચૂક્યા હતા ? આટલી ક્રૂરતા કઈ રીતે થઈ શકે ? બદલો લેવાની ભાવના આટલી ક્રૂર થઈ શકે ? સાથે જ જો આપણા હાથમાં બંદૂક આપી દેવામાં આવે તો દરેક તાલિબાનીને પોઇન્ટ બ્લેન્ક ઉડાડી દેતા આપણા હાથ પણ કદાચ કંપે નહી. બદલાની લાગણી આપણામાં પણ સળવળે છે તે જોવાની જરૂર જણાતી નથી. પેશાવર હુમલા બાદ સોશ્યલ મિડિયામાં અને ચોરેને ચૌટે બે પ્રકારની કોમેન્ટો, ચર્ચાઓ જોવા મળી. એક તો દરેકને ખૂબ આઘાતને દુખ પહોંચ્યું તો બીજી તરફ કેટલાકે કહ્યું કે હવે પાકિસ્તાનને ખબર પડશે કે દુખ કોને કહેવાય. તેમને હાથના કર્યા હૈયે વાગ્યા છે. વગેરે વગેરે.... આતંકને કોઈ ધર્મ કે ચહેરો નથી હોતો. તેમાં ફક્ત ને ફક્ત ક્રૂરતા જ હોય છે. (ઇતિહાસમાં બનેલી ક્રૂર ઘટનાઓ જેમ કે રોમ, હિટલરયુગ વગેરે ભૂલવા ન જોઇએ.) બર્બર ક્રૂરતા જે આતંકીઓ પહેલા પોતાની સાથે કરે છે. અને પછી પોતાની આસપાસના વાતાવરણને ક્રૂર આંદોલનોથી ભરી દે છે. અમેરિકાના જાણીતા સાયકોલોજિસ્ટ લેક્ચરર, અભ્યાસુ લેખો અને પુસ્તકોના લેખક સ્ટીવ ટેઈલરે આઉટ ઓફ ધ ડાર્કનેસ ટર્મોઇલ ટુ ટ્રાન્સફોર્મેશન નામે પુસ્તક લખ્યું છે. તેઓ કહે છે કે બીજાની પીડા જોઇને સહાનુભૂતિ થવી ખૂબ સ્વાભાવિક છે. જો બીજા માટે કોઇપણ પ્રકારની સહાનૂભુતિ ન થાય તો તે વ્યક્તિ નોર્મલ નથી હોતો. સાયકોપેથ હોય છે. આતંકવાદી બનવા માટે સૌથી પ્રાથમિક શરત હોય છે કે તમે કોઇને માટે સહાનુભૂતિ ન અનુભવો. ગ્રુપની બીજી વ્યક્તિને કે અન્ય કોઇ વ્યક્તિને પણ તેઓ ઓબજેક્ટ - એક વસ્તુ ટાર્ગેટ તરીકે જ જોઇ શકે. કોઇ જ સહાનુભૂતિ સિવાય તેઓ ક્રૂરતાપૂર્વક મારી નાખી શકે. એટલે જ આતંકવાદી જેહાદ એટલે કે જાતે મરીને પણ બીજાને મારવા માટે તૈયાર થઈ જાય છે. તેને પોતાની જાત પ્રત્યે પણ સહાનુભૂતિ નથી હોતી. દયા-માયા કે સહાનુભૂતિનો પ્રદેશ તેમના માટે અજાણ્યો હોય છે. એટલે જ આતંકવાદી કે બીજા પર ક્રૂરતા આચરનાર વ્યક્તિ સૌ પ્રથમ પોતાની સાથે અને પોતાની નજીકની વ્યક્તિઓ પ્રત્યે ક્રૂર બને છે ત્યાર બાદ બીજા માટે ક્રૂર થઈ શકે. 

બદલાની ભાવનાનો ક્યારેય અંત નથી હોતો તે સંવેદનશીલ વ્યક્તિ સમજી જ શકે છે. વળી સંવેદનશીલ વ્યક્તિ ક્યારેય બીજા પ્રત્યે ક્રૂર વર્તન કરી શકતી નથી. સંવેદનતંત્ર જેનું કામ જ ન કરતું હોય તેવી વ્યક્તિ જ ક્રૂરતાથી રમકડાંને તોડે, ક્રૂર વિડિયો ગેમ્સ રમે કે ક્રૂરતાથી બીજી વ્યક્તિને મારી નાખી શકે. ક્રૂર રમત રમતાં જો આનંદ આવતો હોય તો ક્યાંક આપણી અંદર હિંસક સંવેદના હોઈ શકે. તો વળી પત્ની પર કે બાળકો પર હાથ ઉપાડવો. રસ્તામાં કોઇની પણ સાથે મારામારી કરવી. હિંસક બની જવું તે કશેક સ્વભાવમાં ઓછે વત્તે અંશે હોય જ છે. 

આતંકવાદીમાં ક્રૂર સંવેદના વધુ હોય છે કારણ કે સંવેદનશીલતાનો અભાવ હોય છે. બાળકો પ્રત્યે આપણને સૌથી વધુ સહાનુભૂતિ હોય છે એટલે જ તેમને જાહેરાતોમાં પણ ઉપયોગ વધી રહ્યો છે. અને એટલે જ બાળકોની કત્લેઆમ જોઇ દરેક સામાન્ય સંવેદનતંત્ર ધરાવતી વ્યક્તિઓ હચમચી ગઈ. આ વાત તાલિબાની વિચારધારા ધરાવનાર સુપેરે જાણતા હતા. તેમણે આ પહેલાં પણ વિશ્ર્વમાં અનેક સ્તરે હુમલાઓ કર્યા છે. અને સતત ક્રૂરતા આચરી છે. પણ આ કત્લેઆમ સાયકોપેથ ભેજાની પેદાશ છે. ઇસ્લામિક ગ્રુપ આઇએસઆઈએલ અને તાલિબાનો પણ સ્ત્રીઓને ફક્ત પોતાની જાતીયવૃત્તિ સંતોષવાનું સાધન ગણીને તેમને તાબે ન થનારને હણી નાખે છે. બીજાની પત્ની, માતા, દીકરી હોય તેવી હજારો સ્ત્રીઓ પર તેમણે બળાત્કાર કર્યા અને તેમને રહેંસી નાખી. હાલમાં જ સિરિયા અને લિબિયામાં આ કવાયતો આતંકવાદીઓ ધ્વારા ચાલી જ રહી છે. પરંતુ, તેની કોઇ આતંકી અસર વિશ્ર્વ પર નથી થઈ. જ્યારે બાળકોની સાથે પુરુષ પણ સંકળાયેલો હોય છે તે વાત સુપેરે જાણતા આ તાલીબાનો સહજતાથી ક્રૂરતાની હદ વટાવી શકે છે. નહીં તો તેઓ મારનાર આતંકીઓના ફોટા જાહેર ન કરત. 

સ્ટીવ કહે છે કે આતંકવાદમાં યુવાનોની સંખ્યા વધુ હોય છે.( આપણે ત્યાંથી પણ ચાર યુવાનો આઇએસઆઈએસ-એલ જેવા (ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લિવેન્ટ) ગ્રુપમાં જોડાવા ગયા હતા). કિશોર કાળ એ બદલાવનો - પોતાની ઓળખ ઊભી કરવાનો સમય હોય છે. તે સમયે પોતાની ઓળખની શોધમાં કિશોર માનસ સહેલાઈથી ફન્ડામેન્ટલ વિચારધારાથી પ્રેરિત થઈ શકતો હોય છે. સ્થાપેલ હિતો સામે બળવો પોકારીને પોતાની અલગ ઓળખ ઊભી કરવાની મથામણમાં હોય છે. અને આ બાબત આતંકવાદી જુથના નેતાઓ સારી રીતે જાણતા હોય છે. ધર્મના નામે એક થવું તે બહાનું હોય છે પણ ખરેખર તો સંવેદનહીન માણસોનો સમૂહ પોતાની જુદી ઓળખ અને આતંકને પોતાનું રાજ્ય માની લે છે.

એક બાજુ વિકાસની હોડમાં પણ માણસ સતત હરીફાઈ ઊભી કરી પોતાની સફળતાને જ લક્ષ્ય રાખીને આગળ વધવાની વિચારધારા ઊભી કરે છે. તેમાં પણ ઉપભોક્તાવાદ, મૂડીવાદ એ હથિયાર છે. તેની સામે ઝનૂનપૂર્વક ઊભો થતો ધાર્મિક વિચારધારાનો પણ વર્ગ છે. સત્તા, મૂડી અને ઉપભોક્તાવાદમાં જ્યારે સંવેદનહીનતા પ્રવેશે છે ત્યારે એ આતંકવાદીનું ગ્રુપ ઊભું કરે છે, કારણ કે એકલા હાથે વધુ પામી શકાતું નથી. ન સફળતા, ન સત્તા કે ન તો ધનવૈભવ. કોઇ ઓછું સંવેદનશીલ છે તો કોઇ વધુ.... તો વળી કોઇ જરાપણ સંવેદના કે સહાનૂભુતિ અનુભવતું નથી. આસપાસ નજર કરશો તો આપણે દરેક વ્યક્તિઓ પોતાની વિચારધારાઓના ગ્રુપ બનાવીને બેઠા છીએ. કોઇપણ ગ્રુપમાં ન રહેનાર વ્યક્તિને સહજતાથી સ્વીકારવામાં નથી આવતી. પોતાના અંગત ગ્રુપને ફાયદો કરવો અને તે માટે બીજાને કટઓફ્ફ કરવું તેવું નાનું સરખું રાજકારણ દરેક જગ્યાએ રમાતું હોય છે. કુટુંબ, કંપની, સમાજ, રાજ્ય, દેશ અને આંતરરાષ્ટ્રિય સ્તરે રાજકારણના સમીકરણો રચાતાં હોય છે. આતંકવાદ પણ એક જાતનું રાજકારણ જ છે. જેમાં સીધી કે આડકતરી રીતે આપણે દરેક જણ સહભાગી છીએ. રિવોલ્યુશન- ચળવળ,સ્વતંત્રતા અને આતંકવાદના ભેદ અંગે પણ વિશ્ર્વમાં ચર્ચાઓ ચાલી જ રહી છે. તે ફક્ત જાણ ખાતર....

You Might Also Like

0 comments