વાઘની મૂંછનો દોરો - કોરિયન કથા (published in navneet samarpan-december 2014

09:34વરસો  પહેલાંની વાત છે. યન ઓક નામની સ્ત્રી પોતાના પતિના ઉગ્ર સ્વભાવથી ખૂબ ભયભીત રહેતી હતી. હકિકતમાં તેનો પતિ પહેલાં આવો નહોતો. તે ઘણો પ્રેમાળ અને શાંત વ્યક્તિ હતો. પરંતુ, યુધ્ધમાં જઈ આવ્યા બાદ તેનો સ્વભાવ બદલાઈ ગયો હતો. યન ઓક ઇચ્છતી હતી કે તેના પતિનો સ્વભાવ પહેલાં જેવો થઈ જાય. 
તેના ગામમાં જ્યારે કોઇ બિમાર થતું કે મુશ્કેલીમાં આવી જતું તો  તેઓ ગામની બહાર આવેલા ડુંગર પર રહેતા એક વૃધ્ધ ફકીર પાસે જતાં. ફકીર તેમને કોઇને કોઇ દવા ભસ્મ આપતાં. યન ઓક ખૂબ સ્વમાની હતી. તે હજી સુધી તેમની પાસે કોઇ બિમારી કે સમસ્યા લઈને ગઈ નહોતી. તેને પોતાની જીવનની સમસ્યા જાતે ઉકેલતાં આવડતી હોવાનો ગર્વ હતો. પરંતુ, આ વખતે તે પોતાના પતિનો સ્વભાવ બદલી શકશે તેવું લાગ્યું નહી એટલે છેવટે તે પહેલીવાર ફકીર પાસે ગઈ. જેવી તે એમની ઝુંપડી પાસે પહોંચી કે તેણે જોયું કે ફકીર ઊંધા ફરીને  કંઇ કામ કરી રહ્યા હતા. ફકીરે પાછું વળીને જોયા વિના જ કહ્યું કે, જે કહેવું હોય તે જલ્દી કહે હું સાંભળું છું. શું તકલીફ છે ? “
યન ઓકે બધી વાત કરી. સાંભળીને વૃધ્ધ ફકીરે પાછું જોયા વિના જ  કહ્યું , “ હા મોટેભાગે યુધ્ધમાંથી પરત આવેલા સૈનિકોના સ્વભાવ બદલાતા હોય છે. પણ એમાં હું શું કરું ? “
યુવાન યન ઓકે રડતાં રડતાં કહ્યું કે તેમનો સ્વભાવ બદલવા માટે કોઇ ફાકી, માદળિયું કે દવા જે કંઇ શક્ય હોય તે આપો.
વૃધ્ધ ફકીરે હવે યન ઓક તરફ ફરીને જોયું ને કહ્યું, હે યુવાન સ્ત્રી, આ કંઇ તુટેલું હાડકું કે કાનમાં થયેલું પરું નથી કે તેનો ઇલાજ ઝટ દઇને થાય. તું ત્રણેક દિવસે પાછી આવ હું કંઇક વિચારી જોઉં.
ત્રણ દિવસ પછી વળી તે ફકીર પાસે ગઇ. તેને જોઇ ફકીરે સ્મિત સાથે આવકાર આપતા કહ્યું, હું તારા પતિ માટે ફાકી બનાવી શકું એમ છું પણ તેમાં એક એવી વસ્તુ જોઇશે જે સામાન્ય નથી અને તારે મને લાવી આપવી પડશે. જીવતાં વાઘની મુંછનો દોરો.
યેન ઓકે આશ્ચર્યથી કહ્યું, શું ? અરે પણ એ તો અશક્ય છે.
એમાં હું શું કરું, વૃધ્ધ ફકીરે ગુસ્સાથી કહ્યું. એના સિવાય દવા બની શકે એમ નથી. અને તેના સિવાય  હું કંઇ મદદ કરી શકું એમ નથી. અત્યારે હું ખૂબ વ્યસ્ત છું મારો સમય ન બગાડ. કહેતાં ફકીરે પીઠ ફેરવી લીધી.
એ રાતે યન ઓક સૂઇ ન શકી. સતત વિચારતી રહી કે કઇ રીતે વાઘના મૂંછનો દોરો લાવે.સહેલાઈથી હાર માનવાનો તેનો સ્વભાવ નહોતો.  બીજે દિવસે સવારે તે માંસ સાથે રાંધેલા ભાતનો કટોરો લઈને બહાર નીકળી ગામ નજીક આવેલા જંગલના ડુંગર પર વાઘની ગુફા પાસે હળવે પગે અને થથરતાં હ્રદયે પહોંચી. કટોરો ગુફા પાસે મૂકીને આવી તેવી હળવા પગે પાછી ફરી. વાઘ ના દેખાયો તેથી હાશ થઈ. આમ તે મહિનાઓ સુધી ડરતાં ડરતાં ગુફાના ધ્વારે માંસનો કટોરો લઈને મૂકી આવે ને ખાલી કટોરો પાછો લઈ આવે.
તેણે વાઘને ક્યારેય જોયો નહોતો પણ તેના વિશે ખૂંખાર વાતો સાંભળી હતી. એક દિવસ તે કટોરો લઈને પહોંચી તો જોયું કે વાઘનું મોઢું ગુફાની બહાર હતું. તે કટોરાને જોઇ રહ્યો હતો. તેણે કટોરો બદલ્યો પણ વાઘ હલ્યો નહીં એટલે તેને ધરપત થઈ. ધીમે ધીમે વાઘ બહાર આવીને બેસવા લાગ્યો અને કટોરા ભરેલાં માંસની રાહ જોવા લાગ્યો. હવે યન ઓકની બીક દૂર થઈ રહી હતી. તેને વાઘ બિલાડી જેવો લાગ્યો. એક દિવસ હિંમત કરી તેણે એના માથે હાથ ફેરવ્યો.વાઘ બિલાડીની જેમ આંખ બંધ કરીને આછું બરક્યો. આમ વાઘ તેનો હેવાયો બન્યો. એટલે લાગ જોઇને બીજે દિવસે તે છરી લઈને ગઈ. વાઘના માથે હાથ ફેરવતાં તેણે મુંછનો દોરો કાપી લીધો અને એવું કરવા દેવા બદલ તેણે વાઘનો આભાર પણ માન્યો. બસ વાઘ સાથે તેનો છેલ્લો દિવસ હતો. એ એટલી ખુશ થઈ ગઇ વાઘના મુંછનો દોરો લઈ હરખાતી તે ફકીર પાસે આવી. અને મોટા અવાજે બોલી, “ લ્યો હું વાઘની મુંછનો દોરો લઈ આવી.
આશ્ચર્ય સાથે ફકીરે પુછ્યું, જીવતાં વાઘનો છે ?”
હરખાતાં હરખાતાં યન ઓકે હા પાડી.
 કઈ રીતે લાવી કહે તો ?” ફકીરે રસપૂર્વક પૂછ્યું.
યન ઓકે આખીય વાત રસપૂર્વક માંડીને કરી.... કઇ રીતે તેણે  છેલ્લા છ મહિના દરમિયાન વાઘનો વિશ્વાસ સંપાદન કર્યો જેથી તે એને મૂંછનો દોરો કાપવા દે.... અને ગર્વભેર તે મૂંછનો દોરો  ફકીરના હાથમાં મૂક્યો. ફકીરે તેને ધ્યાનથી જોયો, પરખ્યો અને સામે જલતી ધૂણીની આગમાં તેને ફેંક્યો. પલકવારમાં તે બળી ગયો.
ફકીરે મૃદુ સ્વરે કહ્યું, યન ઓક, તને વાઘના મૂંછના દોરાની જરૂર નથી.  મને કહે કે શું માણસ વાઘ કરતાં વધારે ભયજનક, ખૂંખાર  છે ? જો તારા સતત પ્રેમ અને ધીરજથી વાઘ બદલાઈ શકે અને તને પ્રતિસાદ આપી શકે તો શું માણસ નહીં બદલાય ?

યન ઓક બે ઘડી ચુપચાપ ફકીરને તાકી રહી. કશું જ કહ્યા વિના તે પાછા પગલે ઘર તરફ વળી. તેના મનમાં સતત વાઘ અને પતિના ચહેરાઓ ફરી રહ્યા હતા. તેને હવે ખબર છે કે શું કરવાનું છે.   

You Might Also Like

0 comments