મોત આસાન હો ગઈ હોગી... 7-4-15

23:01

જર્મન એરલાઈન્સનું વિમાન અચાનક દોઢસો પ્રવાસીઓ સાથે આલ્પસના પર્વતોમાં તૂટી પડ્યું ત્યારે દુનિયાભરમાં લોકોને નવાઈ લાગી હતી. આજે ગ્લોબલ વિલેજ બની રહેલી દુનિયામાં એક ખૂણે બનતી હકીકત બીજા ખૂણાને પણ સ્પર્શતી હોય છે. સૌ પ્રથમ દરેકને આશંકા આવી કે શું ફરી આતંકી હુમલો થયો? પરંતુ હવે તો દરેક એરપોર્ટ સતર્કતાથી ચેકિંગ કરે છે અને પાઈલટની કેબિન પણ આતંકી ખોલાવી ન શકે એવી વ્યવસ્થા છે. તેથી જ બ્લેકબોક્સની શોધ આદરવામાં આવી. ત્યારબાદ વિમાની અકસ્માતમાં જે કારણ મળ્યું તેનાથી દુનિયા અવાચક બની ગઈ. જે પાઈલટે સલામત વિમાન હાંકીને પ્રવાસીઓને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચાડવાના હોય તેણે જાતે જ આપઘાત કર્યો દોઢસો પ્રવાસીઓ સહિત. 

તપાસમાં બહાર આવ્યું કે પાઈલટ ડિપ્રેશનમાં હતો. તો શું હવે લોકો ડિપ્રેશનને પણ આતંકની જેમ જોશે ? આમ પણ પુરુષોને માથે અનેક માનસિકતાઓ ઠોકી બેસાડવામાં આવી છે. તેમાં વળી ડિપ્રેશનનો આ નવો હાઉ. ડિપ્રેશનમાં આપઘાત કરતાં પુરુષોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે હકીકત છે પણ ડિપ્રેશનમાં કોઈ બીજાની હત્યા કરે તેવું હજી સુધી બન્યું નહોતું. ડિપ્રેશન આમ તો એક જાતની બિમારી છે. લગભગ દર પાંચમાંથી એક વ્યક્તિ જીવનના કોઈક તબક્કે ડિપ્રેશનની અનૂભૂતિમાંથી પસાર થતી હોય છે. તેની પીડા કેટલીક વખત જીવલેણ બની જતી હોય છે અને વ્યક્તિ આપઘાત કરે છે. તેના પર અનેક સંશોધન થયા છતાં કેટલાક રહસ્યો હજી પણ વણઉકેલ્યાં રહ્યાં છે. એટલે જ તેનાથી લોકો ડરે છે. તેને કલંક સમાન ગણે છે અને છુપાવવાનો પ્રયત્ન કરે છે. તેમાં પણ પુરુષોને ડિપ્રેશન આવે તો એને સ્વીકારી નથી શકતો. જર્મનીના પ્લેનના અકસ્માત બાદ મીડિયામાં જે રીતે સમાચારો રજૂ કરવામાં આવ્યા તે જોતાં લાગે કે હવે એરલાઈન્સ કે બીજી કોઈપણ કંપની ડિપ્રેશન ધરાવતી વ્યક્તિને કામ પર નહીં રાખે. ડિપ્રેશન ધરાવતી વ્યક્તિને હવે આતંકવાદીની જેમ જોખમકારક માનવામાં આવે તો નવાઈ નહી. 

ડિપ્રેશન વિશે વાત કરવામાં આમ પણ પુરુષોને ઘણી તકલીફ થતી હોય છે. તેમાં જો ડિપ્રેશિવ વ્યક્તિને બેજવાબદાર માનવામાં આવશે કે આશંકાથી જોવામાં આવશે તો હજી પણ ડિપ્રેશન અંગે લોકો વાત કરતાં અચકાશે. તેને છુપાવશે એમ ડિપ્રેશન વધુ જોખમકારક બને તો નવાઈ નહીં. હકીકતમાં તેના અંગે સહજભાવ કેળવવાની જરૂર છે.ડિપ્રેશનમાં સ્ત્રી કરતાં પુરુષો ત્રણગણા વધુ આપઘાત કરવાનો રસ્તો અખત્યાર કરે છે. પુરુષ એટલે સ્ટ્રોન્ગ, સાયલન્ટ અને ક્ધટ્રોલમાં રહેનારો હોય એવી માન્યતાને કારણે સંવેદનો દબાવી રાખવામાં આવે છે. વળી આજે દુનિયા કોમ્પિટિટિવ અને ક્ધજ્યુમરિઝમ અર્થાત હરીફાઈ તથા ઉપભોક્તાવાદના કળણમાં ફસાઈ રહી છે. તેની પણ પુરુષ માનસ પર અસરો થાય છે. તેને કારણે અનેક સંવેદનાત્મક સમસ્યા સર્જાતી હોય છે. 

પુરુષોના ડિપ્રેશનમાં અને સ્ત્રીઓના ડિપ્રેશનમાં ઘણો ફરક હોય છે. પુરુષોને અનુભવાતું ડિપ્રેશન મોટેભાગે ધ્યાન બહાર જ રહે છે. કેટલીકવાર તો ખાસ્સું નુકશાન થાય ત્યાં સુધી ડિપ્રેશન હોવાની ખબર પણ નથી પડતી. જો યોગ્ય સારવાર થાય તો ડિપ્રેશનને દૂર કરવામાં સફળતા મેળવી શકાય છે. 

પૌરુષી ડિપ્રેશનનાં લક્ષણો -

પુરુષ અને સ્ત્રીના ડિપ્રેશનમાં ચોક્કસ તફાવત કેમ હોય છે તે સ્પષ્ટતાથી કહી શકાતું નથી. પણ મગજમાં થતાં રાસાયણિક ફેરફારો, હોર્મોનલ ચેન્જીસ અને જીવન પદ્ધતિ એમ અનેક કારણોસર ડિપ્રેશન આવતું હોય છે. પુરુષોને પણ સ્ત્રીઓની જેમ ઊંઘ ન આવવી, થાક લાગવો, પહેલાં જે બાબતો કે પ્રવૃત્તિમાં રસ પડતો હતો તેમાંથી આનંદ ઊડી જવો. દરેક બાબતે કંટાળો આવવો વગેરે લક્ષણો તો હોઈ જ શકે પણ આ ઉપરાંત કેટલાંક એવાં લક્ષણો હોય છે જે ડિપ્રેશન હોવાની શક્યતા હોઈ શકે છે. જેમકે 

૧. હિંસાત્મક, આક્રમક કે ક્ધટ્રોલિંગ કરતી વર્તણૂક 

૨. આલ્કોહોલ કે અન્ય નશીલા પદાર્થોનું સેવન કે ખોટી આદતો.

૩. ભાગેડુ મનોવૃત્તિ જેમકે ખૂબ કામ કરવું કે રમત ગમતમાં રચ્યાપચ્યા રહેવું 

૪. વારંવાર નાની કે નગણ્ય બાબતોમાં ખિજાઈ જવું. ક્રોધ કરવો 

૫. જોખમકારક પ્રવૃત્તિઓ કરવી જેમકે ફાસ્ટ રેકલેસ ડ્રાઈવિંગ કરવું. 

પુરુષોના ડિપ્રેશન ન પકડાવાના કેટલાંક કારણો છે. એવું માનવામાં આવે છે કે ડિપ્રેશનમાં લાગણીશીલ બનવું કે ઉદાસીનતાની લાગણી અનુભવવી તે મુખ્ય લક્ષણો છે, પરંતુ લાગણીઓ કે સંબંધોની સમસ્યાને અવગણવા માટે કે તેને સ્વીકારી શકવાની ક્ષમતા ન હોવાને કારણે પુરુષોમાં માથું દુખવું, પેટના રોગ થવા, થાક લાગવો કે શરીરમાં સખત પીડા થવી પણ ડિપ્રેશનના કારણો હોઈ શકે. પોતે ડિપ્રેશ છે તેનો અસ્વીકાર કે કોઈની પણ સાથે લાગણીની વાત ન કરવામાં અહમનો પ્રશ્ર્ન માનતા પુરુષો ડિપ્રેશનને છુપાવવા જે પ્રયત્નો કરે છે, આખરે તેમને મોટું નુકશાન કરી જતું હોય છે તે સમજાય ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. તો વળી કેટલાક પોતે ડિપ્રેશ છે તે માનવા પણ તૈયાર નથી હોતા. પુરુષ હોવું એટલે સ્ટ્રોંગ હોવું, ક્યારેય ઢીલા ન પડવું કે લાગણીની વાતો ન કરવી તેવી માન્યતાઓને કારણે પુરુષોની બદલાતી માનસિક સ્થિતિનો ખ્યાલ નથી આવતો. ક્યારેક એવું પણ બની શકે કે પુરુષને ખ્યાલ હોય કે પોતે ડિપ્રેશ છે પણ તેને એકલે હાથે પહોંચી વળશે તેવા ખ્યાલમાં રહે છે. કારણ કે તેને ભય હોય છે કે સમાજમાં કે કારર્કિદી ક્ષેત્રે તેની હાંસી થશે. પુરુષ હોવાના જે ખોટા ખ્યાલો છે તેને કારણે પુરુષોને સૌથી વધુ નુકશાન થતું હોય છે. બીજા પુરુષો પણ ડિપ્રેશ પુરુષને સહાનુભૂતિથી જોતો નથી કે સ્વીકારી શકતા નથી. 

સ્ત્રીઓ સૌથી વધુ આપઘાતના પ્રયત્નો કરતી હોવા છતાં આપઘાતમાં મૃત્યુ પામનાર પુરુષોની સંખ્યા વધુ છે. તેનું કારણ છે કે પુરુષો આપઘાતના વિચાર આવે તો પણ કોઈની સાથે વાતચીત કરવાનું કે જણાવવાનું ટાળે છે અને સીધો આપઘાત કરવાનો પ્રયત્ન જ કરે છે. તેમના પ્રયત્નો પણ હિંસક હશે જેમકે રિવોલ્વરનો ઉપયોગ કરવો કે જ્યાંથી કોઈ બચાવી ન શકે તેવા સ્થળે જઈને કૂદકો મારવો. મોટેભાગે વાતચીતની શક્યતા રહે જ નહીં તે રીતે તેઓ પોતાના મનના બારણા બંધ રાખે છે. જર્મન એરલાઈન્સના પાઈલટે પણ કેટલીય વિનંતી છતાં કોકપીટનું બારણું ન જ ખોલ્યું ને આપઘાત કર્યો. શક્ય છે કે તે એટલી માનસિક પીડા અનુભવતો હોય કે સારઅસારનું ભાન પણ ભૂલી જ ગયો. માનસિક પીડાઓ પણ ખતરનાક હોઈ શકે છે તે વાત સાચી જ છે.

જે વ્યક્તિ પોતાનો જીવ લેતી હોય છે તેના સ્વજનો અને મિત્રોને પારાવાર પીડા જરૂર આપી જાય છે સ્વજનોને તેને ગુમાવવાનું અને તેને સમજી ન શક્યાની લાગણી જીવનભર પીડતી રહે છે. અને જો કોઈ આર્થિક સમસ્યા હોય તો એનો સામનો પરિવારે એકલે હાથે કરવો પડે છે. વળી પોતાની વ્યક્તિ ગુમાવવાની બેવડી પીડાઓ ભોગવવી પડતી હોય છે તેનો ખ્યાલ આપઘાત કરનાર પુરુષ ક્યારેય વિચારતો નથી. કારણ કે તેની માનસિક સહનશીલતા લગભગ ખતમ થઈ ચૂકી હોય છે. જો કે અમેરિકન કાઉન્સેલિંગ એસોસિયેશન સાથે સંકળાયેલા ડો. ડેવિડ કાપ્લન કહે છે કે દુખ લાગવું અને ડિપ્રેશન એ બે એક જ બાબત નથી. દુખ થવું તે લાગણીનો પ્રકાર છે જ્યારે ડિપ્રેશન એ ક્લિનિકલ ટર્મ છે. લોકો હંમેશાં વધુ દુખ લાગવાને ડિપ્રેશન સમજી બેસે છે. તે પણ યોગ્ય નથી. ડિપ્રેશ વ્યક્તિ માટે નાનામાં નાનું કામ પણ જેમકે પથારીમાંથી ઊભા થવું કે ન્હાવું સુધ્ધાં પણ પીડાદાયક હોઈ શકે. ડિપ્રેશનમાં વ્યક્તિને જીવનની કોઈપણ ક્રિયામાંથી આનંદ અનુભવાતો નથી એટલે દરેક કાર્ય તેને માટે પીડાદાયક બની રહે છે. એની સારવાર શક્ય છે અને દરેક વ્યક્તિની સમસ્યાઓ જુદી હોઈ શકે. સંબંધો, નોકરી , પોતાની ક્ષમતા વગેરે અનેક કારણો સાથે માન્યતાઓ પણ હોઈ શકે. વળી ડિપ્રેશનમાં વ્યક્તિ એટલી નકારાત્મક થઈ જતી હોય છે કે તે બીજા તેને સમજી શકશે તે વિશ્ર્વાસ પણ રાખી નથી શકતી. ડિપ્રેશ પુરુષોની સંખ્યા દિનબદિન વધી રહી છે, આપઘાત વધી રહ્યા છે ત્યારે આપણી આસપાસના પુરુષોની લાગણીઓ સમજી શકવાનો પ્રયત્ન કરીએ. પુરુષ થઈને બીજા પુરુષની અક્ષમતા કે લાગણીઓની હાંસી ન ઉડાવીએ. તેનાથી પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન તો જરૂર થઈ શકે.

You Might Also Like

0 comments