પસંદ - નાપસંદનો હાહાકાર 21-4-15

00:09


હું ક્યાં કહું છું કે તમારી હા હોવી જોઈએ,

પણ ના કહો છો તેમાં વ્યથા હોવી જોઈએ.-

મરીઝનો આ શેર વાંચતા કે સાંભળતા દરેકને સ્પર્શી જાય અને અનાયાસે આહ ભરી વાહ બોલાઈ જાય. કારણ કે નકારાવાની પીડા સહેવી કે કહેવી મુશ્કેલ હોય છે. કોઈ આપણને પસંદ આવે અને એ કોઈ આપણને નાપસંદ કરે ત્યારે દુનિયા પળવાર માટે થંભી જાય છે. મગજ બહેર મારી જાય. બીજી જ ક્ષણે એવો પણ વિચાર આવે કે વીતેલી ક્ષણો બની જ ન હોય એવું બને તો કેવું સારું? રિજેકશન એ કોઈપણ એકશનને તોડી પાડવા સક્ષમ છે.

આજે આધુનિક યુગમાં સૌથી મોટું દુખ હોય તો નાપસંદ થવાનું. દિવસમાં કેટલીયવાર આપણે કેટલીય વસ્તુ રિજેક્ટ એટલે કે નાપસંદ કરીએ છીએ અર્થાત્ નકારીએ છીએ. ન ગમતી વસ્તુઓ ફેંકી દઈએ છીએ, ન ગમતા આઈડિયાઝ જવા દઈએ છીએ. ન ગમતી ફિલ્મો કે દૃશ્યો જોવાનું ટાળીએ છીએ. ન ગમતી તક વિશે વિચારતા પણ નથી. આપણી પસંદની આસપાસ આપણું વિશ્ર્વ રચીએ છીએ. પસંદ આપણને જીવન જીવવાનો અભિગમ આપે છે અને હેલ્ધી હરીફાઈ પૂરી પાડે છે, પરંતુ માણસ જ્યારે બીજા માણસને નકારે છે કે નાપસંદ કરે છે ત્યારે જીવનનું ગણિત બદલાઈ જાય છે.

કેટલાક લોકો નકારને સહજતાથી સ્વીકારી શકે છે તો કેટલાક લોકો તેને પચાવી શકતા નથી. આપણને પસંદ-નાપસંદનો અધિકાર છે તો બીજી વ્યક્તિને પણ પસંદનો અધિકાર હોઈ શકે તે વિચાર મોટાભાગની વ્યક્તિઓને સ્વીકાર્ય નથી હોતો. હવે ઓનલાઈન સોશિયલ સાઈટ પર નકાર કે નાપસંદગી ખૂબ ઝડપથી વ્યક્ત કરવામાં આવે છે. મોટાભાગના પુરુષોને ઓનલાઈન ફ્રેન્ડશીપ કર્યા બાદ લાગે છે કે સ્ત્રી તેની સાથે ગમે તે ચેટ કરવા માટે તૈયાર છે. જો તમે ચેટિંગ ન કરો કે પર્સનલ મેસેજીસના જવાબ ન આપો તો તેમનો ઈગો - અહમ ઘવાય છે. તેમને લાગે છે કે જો વાત નહોતી કરવી તો ફ્રેન્ડસ કેમ બન્યા. અરે ભાઈ, આ ઓપન પ્લેટફોર્મ છે. અહીં લોકો પોતાની રચનાત્મકતા વ્યક્ત કરવા માટે કે અભિપ્રાય માટે પણ ભેગા થાય છે. તેમાં અંગત સંબંધોને અવકાશ હોઈ શકે પણ ન યે હોઈ શકે તે સમજવું જરૂરી હોય છે. નકાર ફક્ત લાગણી વ્યક્ત કરવામાં જ આઘાતજનક હોય છે એવું નથી કામના કે સામાજિક ક્ષેત્રે પણ નકાર પીડા આપી શકે છે.

આજે તો ટેલિવિઝન દ્વારા રિયાલિટી શોમાં જાહેરમાં તમને નાપસંદ કરવામાં આવે છે. સંગીત કે નૃત્યના કાર્યક્રમો પહેલાં લાઈવ ઓડિશન બતાવવામાં આવે છે. તેમાં દરેક ઓડિશન નથી બતાવાતાં, કેટલાક સારા તો કેટલાક ખરાબ રીતે નકારાયેલા ઓડિશનો પણ બતાવાય છે. તેમાં ઘણીવાર ઉમેદવારને ખૂબ જ ખરાબ રીતે નકારવામાં કે નાપસંદ કરવામાં આવે છે. જો કે ઘણીવાર લોકો પોતાની ક્ષમતા વિશે વિચાર્યા વિના જ ઓડિશન આપવા અને નાપસંદગીના કડવા ઘૂંટ ગળીને ય ટેલિવિઝનમાં આવવા તત્પર હોય છે. રોઅડી નામના ટીવી શોમાં તો અપશબ્દોનો ઉપયોગ કરી અપમાનિત કરીને લોકોને નકારવામાં આવતા હતા. અપમાનિત કરીને નકારવામાં આવે ત્યારે વ્યક્તિને ખૂબ લાગી આવે છે. નકારવામાં આવેલા ઓડિશનો જોવા લોકોને ગમે છે. એટલે સુધી કે નકારાયેલી વ્યક્તિના રિએકશન પણ ફિલ્માવીને દર્શકોને બતાવાય છે.

વિદેશની અંગ્રેજી ચેનલો પર તો ડેટિંગ શો બતાવાય છે. આ શોમાં છોકરી કેટલાક છોકરાઓ સાથે સમય વીતાવે ત્યારબાદ તે એકને પસંદ કરી ચેનલવાળાએ આપેલા ટ્રાવેલ પેકેજમાં તેની સાથે જાય. બીજા જે રિજેકટ થયા હોય તેમના ઇન્ટરવ્યુ લેવાય કે તમને કેવું લાગે છે ? આપણે ત્યાં સ્વયંવર નામે શો થયો હતો. કારણ કે આપણે ત્યાં લગ્ન માટે જ છોકરો છોકરી મળી શકે તેવી માન્યતાઓ હજી ય છે. જો કે તેમાં સેલિબ્રિટીઓ જ ભાગ લેતી હતી અને ફક્ત તે ડ્રામા જ હતો. બીગબોસમાં પણ સતત અવહેલનાઓ અને ડ્રામા ઊભા કરી લોકોને ઘરમાંથી બહાર કાઢવામાં આવે. આ પણ એક જાતનું નાપસંદગીનું નાટક છે. જેને લોકો સમય કાઢીને ખૂબ ગંભીરતાપૂર્વક જુએ. ટૂંકમાં બીજાના રિજેકશનનો ડ્રામા જોવો આપણને ગમે છે. પણ જ્યારે હકિકતમાં આપણને જીવનમાં નાપસંદ કરવામાં આવે તો સ્વીકારવું ખૂબ અઘરું હોય છે. ખાસ કરીને પુરુષો માટે. સફળતા અને જીત એ જ પૌરુષીય હોવાની સાબિતી છે એવી માન્યતા બાંધી દેવામાં આવી છે. કામના સ્થળે પણ અનેકવાર નાપસંદ કરવામાં આવે તેવું બને. ઉત્તમ ડિગ્રી ધરાવનારને કે એક્સપર્ટને પણ વારંવાર ઇન્ટરવ્યુ બાદ સતત નકારાત્મક જવાબો મળ્યા બાદ હતાશા ઘેરી વળે છે. વારસામાંથી કે ઘરમાંથી રિજેક્ટ કરવામાં આવે ત્યારે લોહીના સંબંધો વણસી જતાં પણ જોવા મળે છે. તાજેતરમાં જ સિંઘાનિયા કુટુંબના દાદા, પૌત્રનો મામલો અખબારોના પહેલાં પાનાનાં ન્યુઝ બન્યા હતા. તો ગયા આઈપીએલમાં નેસ વાડિયા સાથે પ્રિટી ઝિન્ટાનો ઝઘડો પણ નેસની મમ્મી મોરિન વાડિયાને સીટ આપવાની ના પાડવા બાબતથી જ વકર્યો હતો.

રિજેકશન એટલે કે નાપસંદગીની અસરો અંગે વૈજ્ઞાનિકોને પણ ઘણો રસ પડ્યો છે. તેમણે અનેક સંશોધન કર્યાં છે ને જાણવા મળ્યું છે કે રિજેકશન વખતે મગજના એન્ટિરિઅર સિન્ગ્યુલેટ કોર્ટેક્સ (અઈઈ) વિસ્તારમાં ગતિવિધિ વધી જાય છે. કિંગ્સ કોલેજ ઓફ લંડનના ન્યુરોબાયોલોજીના લેકચરર ડો. અદામ પર્કિન્સ કહે છે કે, શારીરિક પીડામાં પણ મગજનાં આ વિસ્તારમાં ગતિવિધિ જોવા મળે છે. એનાથી એ સાબિત થાય છે કે સામાજિક રિજેકશન એ શારીરિક પીડાના ક્ષેત્રને ઉત્તેજીત કરે છે. અર્થાત પીડાની અનુભૂતિ વધી જાય છે. પણ કેટલાક લોકો આ પીડાને પચાવી જાણે છે. તેને સમજાવતા ડો. અદામ કહે છે કે કેટલીક વ્યક્તિઓ આ ક્ષેત્રને બ્લોક કરી શકતી હોય છે. સંવેદનશીલ કે લાગણીશીલ વ્યક્તિઓ જે કોઈપણ પ્રકારના નકાર કે નાપસંદગીને સ્વીકારી નથી શકતી તે પ્રયત્નપૂર્વક પોતાના વિચારો પર નજર રાખીને રિજેકશનને પચાવવાનો પ્રયત્ન કરી શકે છે.

જે વ્યક્તિ રિજેકશન અર્થાત નકાર સ્વીકારી નથી શકતી તે માનસિક રીતે હતાશાનો અનુભવ કરતી હોય છે. અને પોતાનો આત્મવિશ્ર્વાસ ગુમાવી દેતી હોય છે. ગુસ્સામાં કે હતાશામાં આવી વ્યક્તિઓ બીજાનું કે પોતાનું નુકસાન જ કરી બેસે છે. બે વરસ પહેલાં ટેડ ટોકમાં ઈલેન ડનડોને રિજેકશન વિશે કરેલા અભ્યાસ અંગે વક્તવ્ય આપ્યું હતું. તેમાં એણે રિજેકશનને - નકારને સ્વીકારવાની સમજ આપી હતી. ડેટિંગમાં હોય કે નોકરીમાં કે બીજા કોઈ સમાજિક સંદર્ભે હોય પણ સૌ પ્રથમ રિએકટ થયા વિના થોડો વિચાર કરવાની જરૂર હોય છે. શા માટે નકાર મળ્યો ? નકાર કોને મળે છે ? આપણને નહીં પણ આપણા અભિગમને નકાર મળતો હોય છે. આપણો અભિગમ બદલીને ફરીવાર પ્રયત્ન કરવામાં આવે તો સામી વ્યક્તિને આપણી સાથે સહમત કરી પણ શકીએ. અને શક્ય છે કે ન પણ કરી શકીએ.

અહીં એકવાત સમજવાની ખૂબ જરૂર છે કે દરેક વ્યક્તિ જુદી છે. દરેકના વિચાર અને વ્યક્તિત્વો જુદાં હોય છે. એટલે જ્યારે તમને કોઈ વ્યક્તિ નકારે છે કે તમારી સાથે કોઈ રીતે જોડાવા નથી માગતી તે પછી કોઈપણ સંબંધે હોઈ શકે. અંગત કે કામના સંબંધે પણ. બે વ્યક્તિઓ એક જ મુદ્દે સહમત થાય તેવું ભાગ્યે જ બને છે. એવી વ્યક્તિ કે તક તમને મળે ત્યાં સુધી રાહ જોવી પડે. બીજી બાબત સમજદારીની હોય છે. દરેક પુખ્તવયની વ્યક્તિએ બીજાની મરજી કે નામરજીને સમજીને તેનો આદર કરતાં શીખવું પડે છે. પસંદ નાપસંદનો પર્યાય હોય ત્યાં આગ્રહો કામ નથી આવતાં. તમે કે બીજી કોઈપણ વ્યક્તિ પસંદ કે સ્વીકાર માટે જબરદસ્તી ન કરી શકે. તે સમજવાની જરૂર હોય છે. તે પછી વિચાર હોય, વસ્તુ હોય કે વ્યક્તિ હોય. દરેક વ્યક્તિને પસંદ કરવાનો અધિકાર હોય છે. જો તમારે એ અધિકાર જોઈતો હોય તો આપતા પણ શીખવું જ પડશે. ત્યાં પૌરુષીય અહમને વચ્ચે લાવી સાદી બાબતને સમસ્યા ઊભી ન કરવામાં જ સમજદારી છે.

You Might Also Like

0 comments