­
­

હવામાં તરતી વાદળીઓ જેવો સમય 19-5-15

01:46



મારા ઘરની બારીમાંથી દેખાતા સામેના ફ્લેટમાં એક સ્ત્રી મોટાભાગે બપોરની ચાનો કપ લઈ ગેલેરીમાં બેસે. એક કપ ચા પીતા તે અર્ધો કલાક લાગે. વરસાદ કે ઠંડીના દિવસોએ તો સમજ્યા પણ ઉનાળામાં પણ તેનો નિયમ કાયમ હોય. શું વિચારતી હશે ? દરરોજ કંઈ એકનું એક તો નહીં જ વિચારતી હોય.. એટલે આ વખતે જરા જુદી ટેકનિક વાપરી. દર બે દિવસે મેં તેના વિચારો વાંચ્યા. પાંચેક દિવસની વાત અહીં ટાંકુ છું.
દિવસ 1- હાશ....વાહ કોયલનો ટહુકો પણ મને કંપની આપી રહ્યો છે ને કાંઈ. કોયલનો તાર સ્વર બપોરની સુસ્તતાને ચીરતો કાનમાં થઈને કેવોક ને મનમાં ને દિલમાં એક ઝણઝણાટી પ્રસરાવી જાય છે. આજે પીળક નથી સંભળાતું અને પેલી નાચણ પણ કંઈ દેખાતી નથી ને... પેલી ચક ચક કરતી ખિસકોલીને શું ક્યારેય મને મળવાનું મન નહીં થતું હોય.... ? (આછું સ્મિત રેલાઈ જાય છે તેના અને મારા ચહેરા પરને આ વાંચતા તમારા ચહેરા ઉપર પણ) મને તો રોજ થાય કે હું પણ પેલી ખિસકોલીની જેમ ઝાડની ડાળી ડાળીએ ઘૂમી વળું. બે હાથે ઊચી ડોક કરી નાનું ફળ ખાઉં. કશી જ ફિકર નહીં રસોઈ બનાવવાની કે રેશન લાવવાની કે ઘર બનાવવાની. પેલી કોયલ બૂમો પાડતી હોય ત્યારે તેની સામેની ડાળીએ બેસીને તેના હાવભાવ જોયા કરું. નાચણની સાથે એક ડાળથી બીજી ડાળ કૂદ્યા કરું. મારી જેમ ગેલેરીમાં કોઈ જોતું હોય તો તેને જઈને મળું.... પેલ્ટાફોરમ અને ગુલમોહરના ફૂલોના ઝૂમખાઓ સાથે ઝૂલી રહું.
દિવસ 2- આ ગેલેરી મારા માટે કેટલી વરદાનરૂપ છે. એ જો ન હોત તો મારું શું થાત ? મારી આસપાસ એકાદો ગરમાળો હોવો જોઈતો હતો. સવારે ચાલીને જુહુની ગલીઓમાં લહેરાતાં બે ગરમાળાને જોવા જાઉં છું ત્યારે જેટલો આનંદ મને થાય છે શું એટલો જ આનંદ એ ગરમાળાઓને થતો હશે. દર વરસે હું તેમની રાહ જોઉં છું. તેમનામાં ફૂલો આવવાની અને પછી મહિના સુધી તેમના રૂપને મનભરીને પીઉં છું. શું એમ જ આ પંખીઓ પણ કરતા હશે ? શું ગરમાળો પણ દર વરસે મારી રાહ જોતો હશે ? સામેના મકાનમાં પેલા બહેન અચુક મને જોવા આવતાં હશે કે શું ? હોઈ શકે કદાચ એ પણ મારી જેમ ફક્ત પોતાની સાથે રહેવા માટે ગેલેરીમાં આવતા હોય. સ્ત્રીઓ પોતાની સાથે અને પ્રકૃતિ સાથે થોડો સમય પણ ગાળે તો કેટલા સંઘર્ષો ઓછા થાય. ઉપ્પસ સોરી મેં જ નક્કી કર્યું છે ને કે આ અડધો કલાક મારે ફક્ત ને ફક્ત સારા વિચારો જ કરવાના. કોઈ નકારાત્મક વિચારો નહીં જ. ને માણસોના ય નહી. માણસો કરતાં આસપાસની પ્રકૃતિમાં નિતનવા ફેરફાર જોવા મળે છે અને તેનાથી સહજ આનંદ પ્રાપ્ત થાય છે.
દિવસ 3 – ઓ કોયલરાણી તમે કેમ બે દિવસથી દેખાતા કે સંભળાતા નથી. અને મેનાએ તો કેટલો સરસ ટિન્ચકુડો માળો બાંધ્યો હતો મારી જ ગેલેરીના છોડ પર. નાનાં નાનાં બચ્ચાઓ ઓ માયગોડ....સૃષ્ટિ કેટલી ગજબ છે. મેના મને જ મારી જ ગેલેરીમાં જોઈને કાગરોળ કરી મૂકતી લાગે છે બચ્ચાઓને પાંખ આવીને ઊડી ગયાનો આનંદ મેના માને હશે. દુખ તો ફક્ત માયાવી માણસોને થાય. ને મને આ નાનકડો વાટકા જેવો માળો ભેટ આપીને ગઈ. કોઈ જ મોહમાયા કે કાગારોળ બચ્ચા ઊડી જાય પછી ન હોય. તેમને સેવે, સાચવે ને ઊડતાં શીખવાડે તે પણ કોઈ જ અપેક્ષા વિના. તો શાની કાગરોળ મચાવે છે આ માણસ ? થેન્કસ ટુ નિયતિ હું આમ મારી જાતને પામી શકું છું અને તટસ્થતાથી વિચારતા શીખી શકી. બાકી બીજાઓની જેમ હું પણ એ જ નેગેટીવીટી આખો દિવસ વાગોળ્યા કરતી. કોઈ કંઈ બોલી ગયું કે કંઈ વર્તી ગયું કે બસ કેન્દ્રબિંદુ મળી જાય નેગેટીવ વાઈબ્રેશન શરૂ જ થાય. અરે ભગવાન વળી ક્યાં અવળા વિચારો કરવા લાગી. કેટલું શાંતિથી પેલું કબૂતર જોડું બેઠું છે. ને કોઈ જ કારણ વિના ઊડાઊડ કરતી ચકલીઓ. આકાશમાં નિરિચ્છ થઈને તરતી આછી વાદળીઓ... મંદ મંદ વહેતો સમીરને અટલ, અડીખમ ઊભેલા આ વૃક્ષો. ટાઢ, તડકો, વરસાદ દરેક મોસમને બે ય હાથે વધાવતા. માણસો કાપી નાખે તો ય કોઈ જ તેમની સામે ઊહાપોહ ન કરતા. કે ન તો આંદોલનો છેડતા.
એક સમય હતો કે માણસો પણ આ જ રીતે જીવતાં હતા..સહજ દરેક ક્ષણમાં પણ પછી વિકાસ થયો અને જીવનનો સહજ આનંદ ખોવાઈ ગયો. હોય મારે શું હું મારી જાતને એમાંથી બહાર રાખી શકું તો બસ ...ખિસકોલી પણ મને રોજ જોતી હશે કે તેને મન મારું કોઈ અસ્તિત્વ જ નહીં હોય ? પેલી કોયલ એક જ હશે જે દર વરસે બોલતી હશે ? કેવું કોઈને ઓળખવાના કે ખોટું લગાડવાના પ્રયત્નો ય નહી. બસ ક્ષણમાં જીવવાનું હમણાં અત્યારે અહીં..... આ વિચારોને વાદળની જેમ તરતાં મૂકી શકાય તો.... પંખીઓના  ટહૂકાઓની ભાષા નથી આવડતી એ જ સારું છે... નહીં તો વળી એણે શું કામ આમ કહ્યું ? આજે કેમ આમ બોલ્યું ? વગેરે કેટલાય સવાલો ને પિષ્ટ પિંજણ.... બસ બોલ્યું અને ગમ્યું એ જ મહત્ત્વનું ...પણ એ તો કોઈને ગમાડવા માટે ય નહી બોલતું હોય... મૂકોને પંચાત... બસ જીવી જાઓ આ ક્ષણમાં ઓ મન મારા....


You Might Also Like

0 comments