આશાના પ્રદેશમાં નિરાશા સાથે ન જઈ શકાય

04:30

અહીં કોઈ આશા નામની છોકરીની વાત નથી કરવી પણ ઉજ્જવળ જીવનને દોરી જતી આશાના પ્રકાશમય પ્રદેશની વાત કરવી છે. આ પ્રદેશ કોઈપણ છોકરી કરતાં વધુ આકર્ષક અને ઈચ્છનીય છે. પણ ક્યારેક એવું લાગે કે હવે કશું જ બચ્યું નથી. ભવિષ્યના પથ પર કાળું ઘોર અંધારું છે. સમય જાણે ત્યાં જ થંભી ગયો હોય એવું પણ ક્યારેક લાગે. નેપાળનાં ગામોમાં કેટલાય લોકોએ પોતાના ઘર અને સ્વજન ખોઈ દીધા છે. તેમના મનની પરિસ્થિતિની તો કલ્પના જ કરવી રહી. પણ આસપાસ નજર નાખીશું તો શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિઓ જ સૌથી વધુ નિરાશાની વાતો કરતી હશે. જીવનના દરેક સંગ્રામને હસતાં હસતાં પાર કરી શકે તે જ ખરો મર્દ. માનસિકતા જ જાતિ નક્કી કરતી હોય છે. એવું આપણે સૌ માનીએ છીએ. પણ એ રીતે જીવતાં નથી. 

કેટલાક ચૌદશિયા હોય જે રોજ કકળાટ કરતાં હોય. એમની તો દરેક પળ જાણે તકલીફમય જ હોય. ન હોય ત્યાંથી વાંધા વચકા તેમને દેખાય. ડિપ્રેશન ક્યારેક આવવું ને સદાય ડિપ્રેશનમાં રહેવું બાય ચોઈસ હોય છે. તો વળી કેટલાકને તકલીફોમાં રહેવાની આદત પડી ગઈ હોય છે. તકલીફોને સાથે રાખીને તેઓ મહાન બનવાના પ્રયત્નો કરતા હોય છે. તેમાંથી બહાર નીકળવાના રસ્તા તરફ તેઓ ભૂલે ચૂકે પણ નહીં જુએ. વળી જ્યારે પૂછો ત્યારે કહેશે એ ય ને ગમે તેવી પરિસ્થિતિમાં ય મોજે મોજ. પણ ભલા માણસ તારા જીવનમાં કેમ કોઈ ફેરફાર થતો નથી. દશ વરસ પહેલાં જે રીતે જીવતાં હોય તે જ શારીરિક, માનસિક અને આર્થિક પરિસ્થિતિમાં તે જીવતો હોય. જીવનનાં પગથિયાં ચઢવાના હોય પણ રોજ વ્યક્તિ બે પગથિયાં ચઢે ને બે પગથિયાં ઊતરે તો તે ક્યારેય ક્યાંય પહોંચી શકતો જ નથી. ગાંધીજીએ કહ્યું છે કે, સહન કરવાવાળો પણ જુલ્મ કરનાર જેટલો જ દોષી હોય છે. એક ભાઈ બીજા શહેરમાં નોકરીએ જવા આવવાના ચાર કલાક બગાડે. એનાથી તેઓ ખુશ નથી. સમય જ નથી મળતો પોતાને માટે કે કોઈને માટે તેની ફરિયાદો કરે પણ પોતાના શહેરમાં નોકરી કે ધંધો કરવાનું વિચારે જ નહીં. કે ન તો પોતાનું ઘર નોકરી કરે તે શહેરમાં લઈ લેતો. લોકો સલાહ આપે રસ્તા ચિંધે ત્યારે કહે કે બોસ કહે છે કે તારા જેવો બીજો માણસ ન મળે અને મારા સિવાય એ કામ કોઈ કરી શકે નહીં, છોકરાઓને બીજા શહેરમાં ગોઠે નહીં... વગેરે વગેરે. આ તો દાખલો છે પરિસ્થિતિઓ જુદી હોઈ શકે પણ બદલાવની તૈયારીઓ મોળી પડતી 

હોય છે.

મર્યાદાઓ દરેકમાં હોય છે અને દરેક પરિસ્થિતિ સંપૂર્ણ ન હોઈ શકે. પણ મર્યાદાને ઓળંગી જનાર વ્યક્તિ જીવનના અર્થને પામી શકે છે. લક્ષ્મીકાંત તન્ના મોટા ઉદ્યોગપતિ છે. સાઠ વરસની ઉંમર બાદ તેમણે એમબીએ કરવા વિદેશની વાટ પકડી હતી. કેમ ? તો કહે નવું શીખવાની ઈચ્છા હતી. નવી રીતે વિચારવા માટે નવું જાણવું જરૂરી છે. તેઓ હસતાં હસતાં કહેતા મને સામાજિક પ્રસંગોમાં મારી વયના સિનિયર સિટિઝનો પાસે બેસવું નથી ગમતું કારણ કે તેમની પાસે એક જ વાતો હોય. આજે શરીરમાં આ તકલીફ છે ને તે તકલીફ છે. હવે તો નિવૃત્તિમાં સમય પસાર નથી થતો કે અમારા જમાનામાં આમ હતું ને તેમ હતું વગેરે ...પણ ભાઈલા આજની વાત કરોને ? સુરેશ દલાલ મૃત્યુ પામ્યા તેના મહિના પહેલાં એક મુલાકાતમાં કહ્યું હતું કે રોજ મને ઊગતો સૂરજ નવો લાગે છે. અને નવો દિવસ એટલો જ આનંદમય લાગે છે. તે સમયે સુરેશ દલાલને હાર્ટમાં પેસમેકર, પગમાં સળિયો હતો. અને શારીરિક અનેક વ્યાધિઓ હતી, પરંતુ તેઓ હસતાં હસતાં કહેતા કે શરીર એનું કામ કરે અને હું મારું. 

બત્રીસ વરસ પહેલાં ઑસ્ટ્રેલિયામાં જન્મેલા નીક વુજિસીસ ટેટ્રા અમેલિયા સિન્ડ્રોમ ધરાવે છે. તેના બન્ને હાથ અને પગ નથી. ભવિષ્ય વિશે વિચારવાની કે જીવન સરળતાથી જીવવાની કલ્પના પણ ક્યાંથી આવી શકે એને... નીકના ૨૦૧૨માં સુંદર ક્ધયા સાથે પ્રેમલગ્ન થયા અને તેમને બાળક પણ છે. નીકે ભરપૂર જીવન જીવવાનું નક્કી કર્યું છે. તેણે તરવાથી લઈને દરિયામાં સર્ફિંગ, ગોલ્ફ રમવું, ક્રિકેટ રમવું, વોલીબોલ, ફૂટબોલ, પેરાશૂટ જમ્પિંગથી લઈને દરેક રમતો અને સાહસ કર્યાં છે. સાથે જ તેના ચહેરા પર સદાય સ્મિત હોય. તે સતત મજાક કરતો હોય. મસ્તીમાં જીવતો હોય. એવું નથી કે તે ક્યારેય રડતો નથી કે તેને હાથપગ ન હોવાનો અફસોસ નથી. તે પોતાના દીકરાને ઊંચકી નથી શકતો કે પોતાની પત્ની સાથે હાથમાં હાથ નાખીને ડાન્સ નથી કરી શકતો એનો અફસોસ છે એને પરંતુ, અફસોસને વળગ્યા વિના તે ભરપૂર જીવન જીવે છે. જ્યારે આપણે હાથપગ હોવા છતાં કેટલું જીવીએ છીએ ને કેટલી ફરિયાદો કરીએ છીએ તે તપાસવું જોઈએ. નીક હાથપગ ન હોવા છતાં દરેક મર્યાદાને ઓળંગીને જીવે છે. નવા રસ્તા અપનાવે છે. 

નીક જેવા અનેક લોકો છે જેઓ સંપૂર્ણ શરીર નથી ધરાવતાં કે તેમને કોઈને કોઈ ખોડ સાથે ભગવાને આ ધરતી પર મોકલ્યા છે. તેઓ પોતાની માનસિકતાથી દરેક અડચણોને પાર કરીને પરિસ્થિતિને સુંદર વળાંક આપે છે. સ્થિર જળની જેમ જીવવા કરતાં વહેતું, પડતું , આખડતું ઝરણું વધુ આકર્ષક હોય છે. નવા પ્રદેશો ખેડતું તે નાયગ્રા બને છે ને છેવટે સમુદ્ર બને છે. પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે જ તેમાંથી નવું નિર્માણ કરવું તે ચેલેન્જ છે. એ તકને ઝડપી લેનારા સફળતાની સીડી તો ચઢી જ શકે છે પણ જીવનને ભરપૂર જીવવાનો આનંદ પણ માણે છે. નીકનો વિચાર કરો કે એ જો એમ કહેતો બેસી રહ્યો હોત કે મારે હાથ, પગ હોત તો હું તરી શકત, સર્ફિંગ કરી શકત, ગોલ્ફ રમી શકત, લગ્ન કરી શકત વગેરે તો ? એણે હાથપગ હોત તો એવું કહેવાને બદલે એ દરેક બાબત કરી જે હાથપગવાળા પણ ડરને કારણે કરી ન શકે. જીવન રોજ તમને નવો દિવસ આપે છે નવેસરથી વિચારવા માટે, પણ તક ન ઝડપનારા કહેતા ફરે છે કે જો આમ હોત ને તેમ હોત તો જીવન જુદું હોત. જીવન જુદું એક મિનિટ બાદ પણ થઈ શકે છે. ધરતીકંપ આવી શકે કે પૂર આવી શકે. બધું જ વિનાશમાં નષ્ટ થઈ શકે અને ત્યારબાદ નવું સર્જન પણ થતું જ રહે છે. 

જરૂર છે મર્દાનગીથી વિચારવાની. મર્દ જન્મથી નથી થવાતું પણ જીવનથી થવાય છે. અફસોસમાં જીવન પસાર કરી શકાય છે કે મનગમતું જીવન જીવી પણ શકાય છે. આશાના રમણીય પ્રદેશમાં જવા માટેની લાયકાત કેળવવા માટે બસ હટકે વિચારો, હટકે જીવો. જોકે તેને માટે ખોટા રસ્તાઓ અપનાવવાની જરૂર નથી. ભ્રષ્ટાચાર કે બીજાને છેતરવામાં જુદું જીવન નથી. મહેનત કરીને પોતાની કેડી કંડારનારા સફળ હોય છે. પોતાનું કામ આનંદથી કરો એટલું જ નહીં રોજની એકવિધતામાંથી મુક્ત થઈને જીવો. જીવનને નિર્બંધ રીતે માણો. તમારા પિતાજી જે ધંધો કરતા હતા તે જ ધંધો કર્યા કરવો તે સલામતી છે તો બોરિંગ પણ છે. પરંતુ, એ ધંધાને વિકસાવવો કે તેને રચનાત્મક મોડ આપવો કે પછી પોતાને ગમતું બીજું જ કોઈ કામ કરવું તે મર્દાનગી પુરવાર કરવા જેવું છે. આશાના રમણીય પ્રદેશને આંબવા માટે બસ વિચારોનો એંગલ જરા બદલી નાખો. જીવન ભરપૂર તો બનશે જ પણ તે તમારા બાળકો માટે પ્રેરણાત્મક બનશે. સમાજ માટે પ્રેરણાત્મક બનશે. દૂધ વેચનારાય રચનાત્મકતા અપનાવે છે તેમાંથી માવો અને મીઠાઈઓ બનાવે. અને જો તેમાં નવીન પ્રયોગ કરે તો તે દૂધવાળાની દુકાન પણ પ્રસિદ્ધ બની જાય છે. જુહુ વિસ્તારમાં હર્ષ નામે સલૂન છે. તેનો માલિક સાદો યુપીનો ભૈયો છે. જે વિદેશ જઈને નામાંકિત વ્યક્તિઓ પાસે ઢગલો પૈસા આપી શીખ્યો નથી. તેણે જાતે કામ કરતાં સૂઝબુઝથી લેટેસ્ટ હેરકટ-હેરસ્ટાઈલ,ફેશન શીખ્યા બાદ પોતાના ગામના યુવાનોને પણ શિખવાડવાની શરૂઆત કરી. સસ્તા દરે લેટેસ્ટ સ્ટાઈલ કરી આપતા આ ગાંયજાની બે દુકાન મુંબઈના જુહુ જેવા પોશ વિસ્તારમાં ધમધોકાર ચાલે છે. ઘણી પ્રસિદ્ધ વ્યક્તિઓ તેને ત્યાં વાળ કપાવવા આવે છે. તેના સલૂનમાં લેટેસ્ટ વેસ્ટર્ન મ્યુઝિક નહીં પણ હંમેશા બજરંગબલીની સ્તુતિ વાગે. નમ્રતા 

અને કામ દ્વારા તે આજે વિદેશી સલૂનોની સાથે સફળતાપૂર્વક હરીફાઈમાં ટકી શક્યો છે.

You Might Also Like

0 comments