દબાયેલી ચીસ

20:28થોડો સમય પહેલાં અખબારમાં નાનકડા સમાચાર છપાયા હતા. એ સમાચારનું મહત્ત્વ ગાયમાતા જેટલું નહોતું. કારણ કે તે સ્ત્રીની વાત હતી. 74 વરસીય  જગપ્રસિદ્ધ પર્યાવરણ વૈજ્ઞાનિક  પચૌરી સામે જે 27 વરસીય રિસર્ચ આસિસન્ટન્ટે  જાતીય સતામણીની ફરિયાદ કરી હતી તેણે ટેરી સંસ્થામાંથી રાજીનામું આપી દીધું. કારણ કે તેની સાથે ઓરમાયું વર્તન થતું હતું. હજી આજે પણ જાતીય સતામણીની ફરિયાદ કરનાર સ્ત્રીની પડખે સમાજ સહજતાથી ઊભો નથી રહી શકતો. તેને સ્વતંત્ર વ્યક્તિત્વ તરીકે આદર માન નથી આપી શકતો તેનું આ ઉદાહરણ છે. શક્ય છે કે આજકાલ કેટલીક સ્ત્રીઓ આવા કાયદાનો ફાયદો ઉઠાવે છે. પણ અહીં તો વૈજ્ઞાનિકો કામ કરતાં હોય તેવા હાઈલી ક્વોલિફાઈડ વ્યક્તિઓ કામ કરતી હતી. એ સ્ત્રી પણ હાઈલી ક્વોલિફાઈડ છે. અને જ્યારે તે જગપ્રસિદ્ધ વ્યક્તિ સામે વિરોધ કરે છે ત્યારે એ જાણતી હોય છે કે જો તે સાચી નહીં હોય તો કોઈ તેની વાત માનશે નહીં. ક્રિટીકલી તેની ફરિયાદને જોવામાં આવશે. અને તેની તપાસ સમિતિમાં પણ કોર્પોરેટ જગતની નામાંકિત હસ્તીઓ હતી.

જુલાઈ મહિનામાં ધ એનર્જી અને રિસોર્સ  સંસ્થામાંથી જે ટેરીના નામે જાણીતી છે તેના ડિરેકટર જનરલ પદેથી પચૌરીને દૂર કરવામાં આવ્યા. તેમણે પર્યાવરણ સંસ્થામાં કરેલા કામોને બિરદાવવામાં આવ્યા તે સામે પેલી છોકરીને રંજ છે તે નવો હોવો જોઈએ. કારણ કે દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક ભૂલ કરતી હોય છે. એથી તેના સારા કામોની નોંધ ન લેવી તેવી માગણી કરવી યોગ્ય નથી. પણ સામે  સંસ્થામાં તે માનસિક ત્રાસ વિના કામ નહોતી કરી શકતી તે પણ યોગ્ય નથી જ. દરેક સ્ત્રી સહજ સ્પર્શ અને ઈરાદાથી કરવામાં આવેલા સ્પર્શને સમજી શકે છે. મોટાભાગે સામાજીક રીતે પ્રતિષ્ઠિત પુરુષો નાની છોકરીઓને વ્હાલ કરવાને બહાને અડપલાં કરી લેતા હોય છે. સમાજમાં પોતાની બદનામી થવાના બીકે સ્ત્રી કશું જ કહેતી નથી હોતી પણ બીજીવાર એ પુરુષથી દૂર રહેવાના પ્રયત્ન કરે છે. આજના જમાનામાં પણ સ્ત્રીને ખબર હોય છે કે સમાજ તેની પડખે નહીં ઊભો રહે અને તેણે વધુ માનસિક ટોર્ચર ભોગવવું પડશે. સમાજની આ માનસિકતા અંગે ન તો ચેનલોમાં ચર્ચાઓ થઈ કે ન તો અખબારોમાં થઈ. ગાયમાતા અંગે મોટા લેખો લખાય, વિદ્વત ચર્ચાઓ થાય તેની સામે કોઈ વાંધો ન હોઈ શકે પણ શું સ્ત્રીના વ્યક્તિત્વને હજી મારી નાખી શકાય છે તેની ચર્ચા ન થવી જોઈએ ? પણ હજી પિતૃસત્તાક વિચારધારા જ પ્રવર્તી રહી હોય તો આવી ચર્ચા વિશે વિચાર સ્ત્રીઓને પણ આવતો નથી. ઘરોમાં, પ્રસંગોમાં અને જાહેર સમારંભોમાં સ્ત્રીના વ્યક્તિત્વને રમકડું ગણીને અડપલાં કરવામાં આવે છે. તેને સહજતાથી સ્વીકારી લેવામાં આવે છે. કાયદાઓ સ્ત્રીને મદદરૂપ બનવા માટે બને છે. પણ જ્યારે કોઈ સ્ત્રી હિંમત કરીને એકાદ વખત ફરિયાદ કરે છે ત્યારબાદ સમાજનું વર્તન તેને વધારે તોડી નાખે છે. પેલી રિસર્ચરની સંસ્થાના બીજા ડિપાર્ટમેન્ટમાં બદલી કરવામાં આવી. જે પદ અને કામ આપવામાં આવ્યા તે એના ક્વોલિફેકેશનને અનુરૂપ નહોતા. અહીં વિચાર જરૂર આવે કે ફરિયાદીની બદલી સજા રૂપે કરવામાં આવી ? અને પચૌરીને માનસહ વિદાય કરવામાં આવ્યો. આ સમાજના આપણે પણ એક ભાગ નથી શું ? કદાચ એટલે જ હજી પણ ફરિયાદ કરનાર સ્ત્રી પોતાની ઓળખ જાહેર કરવાની હિંમત નથી કરતી. 

You Might Also Like

0 comments