સફાઈ ઘરની જ નહીં, મનની પણ જરૂરી...

23:33
દર દિવાળીએ એક ટુચકો વારંવાર વરસોથી કહેવાતો આવ્યો છે. જેને આપણે યાદોના એક ખૂણામાં સંઘરી રાખ્યો છે. તે ટુચકો દર દિવાળીએ બહાર આવે ને વારંવાર વંચાય, કહેવાય અને ગુજરાતીમાં, હિન્દીમાં અને મરાઠીમાં આજકાલ સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે. તમે પણ વાંચ્યો જ હશે પણ ફરીથી મરકી લઈએ.

દિવાળીના દિવસો પહેલાં અમદાવાદની એક સોસાયટીમાં ભંગારવાળાએ બૂમ પાડી કે , ઓ બહેન જૂનું - પુરાણું - નકામું જે કાંઈ કાઢી નાખવાનું હોય તે આપજોઓઓઓઓ...એક ઘરમાંથી બહાર આવી બહેને કહ્યું કે એ બહાર ગયા છે, કાલે આવજે. 

દર દિવાળીએ સફાઈ દરમિયાન ઘરમાં બાઝેલ બાવાઓ સિવાય ઘરના માળિયામાં કે ઊપરના ખાનાઓમાં પડેલી અનેક વસ્તુઓ પાછી કદીક કામમાં આવશે એમ વિચારીને પાછી આવતા વરસની રાહ જોતી ગોઠવાઈ જાય. દિવાળીમાં ઘરનો ખૂણો વાળીઝૂડીને સાફ કરતી વખતે મનનાંય અનેક જાળાં તૂટતાં હશે. અનેક નકામી વાતો મનના માળિયામાં ઘર કરી ગઈ હોય છે. તેને કાઢવા માટે નવા વરસે સંકલ્પ લઈએ છીએ, પણ તેય પેલા સામાનની જેમ વળી પાછી જેમની તેમ ગોઠવાઈ જાય છે. 

અમેરિકાના ઓર્ગ્રેનાઈઝેશન એક્સપર્ટ પીટર વોલ્સે ‘ઈનફ ઓલરેડી ! ક્લિઅર મેન્ટલ ક્લટર ટૂ બી કમ ધ બેસ્ટ યૂ ’ નામનું પુસ્તક લખ્યું છે. પીટર કહે છે કે તમારું ઘર ગમે તેટલું ચકચકિત હોય પણ જો મનનો કચરો સાફ નહીં થયો હોય તો ઘરમાં રહેનાર વચ્ચે સંવાદિતા નહીં આવે. બીજું એણે એ કહ્યું છે કે તમે આજે ઘર સાફ કરશો પણ માનસિકતા નહીં બદલાય તો ઘરમાં વળી પાછી અવ્યવસ્થિતા દેખાશે અને વસ્તુઓના ઢગલાં ખડકાશે. શું ખરેખર એવું થાય છે ? મુંબઈમાં ગોરેગાંવમાં રહેતાં શીલા રાવલ (નામ બદલ્યું છે) કહે છે કે દર દિવાળીએ મને ઘર સાફ કરતાં એક અઠવાડિયું લાગે, કારણ કે અમારા દરેક માળિયામાં મારાં સાસુએ વરસોથી અનેક ડબ્બા-ડબલીઓ ભરી છે તેને ઉતારીને ઘસીને પાછી મૂકવાની. મારાં લગ્નને ૨૨ વરસ થયાં ત્યારથી આમાંની એકે વસ્તુને ઉપયોગ થતો મેં નથી જોયો. પણ એમાંથી એકેય વસ્તુ કાઢી નાખવાની વાત જો હું કરું તો સારા દિવસોમાં ઘરમાં મહાભારત સર્જાય. શરૂઆતમાં મેં એકાદ વાર આ વાત કાઢી હતી, પણ હવે કશું જ નથી કહેતી. એ સિવાય ઘરમાં આવતી દરેક થેલીઓ જેમ કે દૂધની, સાબુથી ધોઈને ભેગી કરાય. શરૂઆતમાં જ્યારે લગ્ન કરીને આવી ત્યારે મને ખૂબ નવાઈ લાગતી, કારણ કે મારા પિયરમાં અમને કશું જ સંઘરવાની આદત નહોતી, તેમાંય મને તો એવું લાગે કે જરૂરત કરતાં વધારે વસ્તુનો ભરાવો શું કામ કરવો જોઈએ ? નવરાત્રીના તનને થકવી નાખતા ગરબા રમ્યા બાદ દરેક ગૃહિણીઓ તન, મનથી ઘરની સફાઈમાં લાગી જતી હોય છે. તન અને મન એટલા માટે કે સફાઈ જાતે કરો કે બીજા પાસે કરાવો, તેમાં શરીરને તો થાક લાગે જ, પણ વસ્તુઓના નિકાલ કરવામાં, વસ્તુઓને એક રૂમમાંથી બીજા રૂમમાં ખસેડવી અને વળી પાછી બીજા રૂમમાંથી મૂળ રૂમમાં મૂકવી, સહેલું કામ તો નથી જ નથી. પણ ઘરની સાફસફાઈની વાત અહીં નથી કરવી. મનના દર્પણને સાફ કરીને તેમાં જોવાનું છે આપણું સ્પષ્ટ પ્રતિબિંબ. 

આજે આપણી ખરીદશક્તિ વધી છે તેથી નવી વસ્તુઓ, કપડાં ખરીદીએ પણ જુની વસ્તુઓને સહેલાઈથી કાઢતા નથી. વળી એ જ રીતે હવે મોબાઈલ અને કોમ્પ્યુટરનો ઉપયોગ વધતા મેસેજોના, ફોટાઓ, વિડિયોના ઢગલા પણ જમા થતા હોય છે જ. દરેક યંત્રના સ્ટોરેજની સીમા હોય છે. તેમાં ભરાવો થતાં ભાર વધે છે અને કાર્યક્ષમતા ઘટે છે. એટલે મેસેજીસ, ફોટાઓ કે વિડિયોને સમયાંતરે ડિલિટ કરતાં રહો. ઈન્ટરનેટના જમાનામાં નવા મેસેજીસ વિડિયો આવતાં જ રહેશે. નહીં તો ય તેને ઈન્ટરનેટ પરથી મેળવી જ શકાય છે. હા, તમારી અંગત યાદોના ફોટા, વિડિયો સાચવવા માટે એકસ્ટ્રા મેમરી કાર્ડ કે પેન ડ્રાઈવ અથવા હાર્ડડિસ્કમાં ફોલ્ડરને નામ આપી સાચવી રાખો. ઘરની સફાઈ કર્યા પછી થોડો સમય મનની સફાઈ માટે આપો. તે માટે જરૂરી છે જાત સાથેનો સંવાદ અને મનની મોકળાશ. 

તેને માટે થોડો સમય એકાંતમાં બેસીને ખુલ્લાં મને વિચારો. તમારી જાતને નહીં પણ બીજાને જોતાં હો તે રીતે મનને સતત કનડતી કેટલીક કડવી યાદો, કિસ્સાઓને મનમાંથી ભૂંસી નાખો. તમને થશે એવું કેવી રીતે બને ? પ્રયત્ન કરીએ તો તે એ પણ શક્ય છે. વારંવાર બીજાની ભૂલો કે પોતાની ભૂલોને યાદ કરવાનું ટાળો. તમારી ન ગમતી બાબતોની યાદી બનાવો. પછી તેના પર ચોકડી મૂકો. કેટલીક વખત એવું પણ બને કે બીજાની ન ગમતી બાબતો હકીકતમાં તમારા સ્વભાવમાં પણ હોય. જાત પ્રત્યે થોડા સભાન થઈને જોવાથી અનેક માનસિકતામાંથી મુક્ત થઈ શકાતું હોય છે. પોતાની જાતને પણ માફ કરતા શીખો તો બીજાને પણ માફ કરી શકાશે. સ્ત્રીઓમાં ગુનાહિત ભાવ રાખવાનો સ્વભાવ સહજપણે હોય છે. બાળકો માટે, ઘર પરિવાર માટે તમે તમારી ક્ષમતા પ્રમાણે કરતાં જ હો છો. અને દરેકની ક્ષમતા જુદી જ હોય. તેથી બીજા સાથે જાતને સરખાવી ગુનાહિતતા અનુભવવાનો સ્વભાવ હોય તો તેને જુઓ અને જાતનું ગૌરવ અનુભવો. ગૌરવ અને અહંકારમાં ફરક હોય છે. ગૌરવ અનુભવવાથી ગુનાહિતતા આપોઆપ ઓછી થશે અને દરેક સાથેના તમારા સંબંધો સુંદર બનશે. વ્યવહાર માટે ફક્ત અણગમતા સંબંધો ન રાખો. જે પણ સંબંધો રાખો દિલથી રાખો. બાકીના સંબંધોને ના પાડતા શીખો. એમ કરવાથી તમારા જીવનમાંથી નકારાત્મકતા ઓછી થશે. 

હકારાત્મક વિચારો સાથે આ વરસે કશુંક નવું શીખવાનું પણ નક્કી કરો. પછી ભલેને તે વાનગીઓ હોય કે નૃત્ય, સંગીત કે પછી ભરતગુંથણ જ કેમ નહીં. તમને મનગમતા શોખ કેળવો. તમારા માટે થોડો સમય રોજ કાઢવાનું નક્કી કરો.એનાથી તમારા જીવનમાં નવું પરિવર્તન લાવી શકાશે. સફાઈ એટલે રૂટિન નહીં પણ પરિવર્તન જે દરેક બાબતને સ્પષ્ટ અને સુંદરતા આપે છે.

You Might Also Like

0 comments