પુરુષમાં ધરબાયેલી સ્ત્રીની વેદનાની વાત

20:54

                          
ફિલ્મ ચાલી રહી હતી અને ઘરમાં પ્રવેશી... સ્ક્રીન પર નજર પડી તો ભૂરી આંખવાળી નમણી સ્ત્રીનો શરમાળ અભિનય જોઈને કોણ છે? એમ પૂછ્યું તો જવાબ મળ્યો એડી રેડમેન. ફિલ્મ હતી ડેનિશ ગર્લ. સત્યઘટના પર આધારિત આ ફિલ્મ જોઈને પુરુષમાંથી સ્ત્રી બનેલી લીલી અને એડી બંને એક બની ગયા હોય એવું લાગે છે. એઈનર વેગનર ડેનિશ લેન્ડસ્કેપ પેઈન્ટરમાં પુરુષ અને સ્ત્રી એમ બંને જાતિ વચ્ચે જીવવાની કશ્મકશ ચાલી રહી હતી. બંને એક જ શરીરમાં હતા એ જ રીતે એડી અને એઈનર ઉર્ફે લીલી પણ એક જ ખોળિયામાં હોય એવું લાગી રહ્યું હતું. 

ડેનિશ ગર્લ જોતાં એડી પુરુષ છે તે કેટલીકવાર ભૂલી જવાય એટલો સચોટ અને સરસ અભિનય થયો છે. સાથે જ વિચાર આવ્યો કે હજી આજે પણ કેટલાય પુરુષો આ રીતે શરીરના કશ્મકશમાં જીવી રહ્યા છે.જાતીય ભેદભાવ જોઈને કેટલીકવાર સ્ત્રીઓ વિચારતી હોય છે કે આના કરતાં પુરુષ તરીકે જન્મ્યા હોત તો સારું. પણ આ પુરુષો દર્પણમાં પોતાને જોઈને છળી પડે. તેમને હંમેશા એમ થાય કે સ્ત્રી તરીકે કેમ ન જન્મ્યો. તેને હંમેશ એમ થાય કે આ હું નહીં... હું જે છું તે બનીને રહી શકું નહીં. આ પહેલાં મેં ક્રોસ ડ્રેસિંગ વિશે લખ્યું હતું. ક્રોસ ડ્રેસિંગ એ તદ્દન જુદી બાબત છે. સદીઓથી પુરુષો સ્ત્રીઓના કપડાં પહેરતાં આવ્યા છે. અર્જુને પણ સ્ત્રીનો વેશ ધારણ કર્યો હતો. શિખંડીનું ઉદાહરણ પણ છે. તો પ્રાચીન ગ્રીસમાં અને કોરિયાની અનેક વાતોમાં ક્રોસ ડ્રેસિંગના ઉલ્લેખ મળે છે. 

નાટકોમાં સ્ત્રી પાત્રો પુરુષો જ ભજવતાં તે પણ ક્રોસ ડ્રેસિંગ કહેવાય. કપિલ શર્માના શોમાં પ્રસિદ્ધ થયેલા ક્રોસ ડ્રેસ પહેરેલા પુરુષોની પ્રસિદ્ધિ એટલી છે કે ચેનલ બદલ્યા છતાં, કોન્સેપ્ટ બદલ્યા છતાં ક્રોસ ડ્રેસ પહેરેલા પાત્રો તો રાખવા જ પડ્યા.

ખરેખર કેટલાક પુરુષો એવા હોય છે કે જેમને સ્ત્રીના કપડાં પહેરવાનું મન થાય છે. અહીં ફક્ત એ પુરુષને કપડાં પહેરવા ગમે છે તેમાં અનેક કારણો હોઈ શકે. તેમને સ્ત્રીના કપડાં એટલા બધા ગમતા હોય કે તે પહેરવાનું મન થાય. એ પહેર્યા બાદ જો સારું લાગે તો ફક્ત ગમે છે એટલે પહેરે. જેમ સ્ત્રીઓ પેન્ટ, શર્ટ પહેરે છે. લુંગી અને સ્કર્ટ વચ્ચે જાઝો તફાવત નથી. એમ જ શોર્ટ્સ અને ટૂંકા શર્ટને પણ એક કરી શકાય છે. કપડાં સ્ત્રીના અને પુરુષના આપણે બનાવ્યા છે. એ જાતીય ભેદભાવ દૂર કરવાના પ્રયત્નો સ્ત્રી અને પુરુષ બન્ને કરતાં રહેતા હોય છે. પુરુષો માટે સ્કર્ટની ફેશન અનેક ફેશન ડિઝાઈનરો સમયાંતરે લઈ આવતા હોય છે. સ્કોટલેન્ડ, ભૂતાન જેવા દેશમાં તો પુરુષો સ્કર્ટ પહેરતાં જ હોય છે. પણ કેટલાક પુરુષોેને પોતે સ્ત્રી હોવાનો અહેસાસ થાય છે. હાલમાં જ એવા એક છોકરાને મળવાનું બન્યું. એણે ખૂબ સહજતાથી કહ્યું કે તમે લેખક છો એટલે તમારી સાથે ખુલ્લા દિલે વાત કરીશ. આપણે એ છોકરાને હીના નામે ઓળખીશું જે તેનું અપનાવેલું નામ છે. 

મને કહે કે હીના નામે બોલાવશો તો ગમશે. પુરુષના ખોળિયામાં હું સ્ત્રી છું. મારી બધી જ લાગણીઓ સ્ત્રીની છે. પણ માતાપિતાને છોકરો જ જોઈએ છે એટલે હું ફક્ત તેમના માટે છોકરા તરીકે જીવું છું. મારા શરીરમાં એક સ્ત્રી ફસાયેલી છે તે પોતાને મુક્ત કરવા અને મુક્ત મને જીવવા માટે તરફડે છે, પરંતુ કશું જ થઈ શકે એમ નથી. તેની સાથે વાત કરતાં સમજાયું કે આપણે ત્યાં સ્ત્રીનો ભાવ અનુભવતા આવા પુરુષોને વ્યંડળ જ માનવામાં આવે છે. કેટલી દુખદ વાત છે. કેટલીય સ્ત્રીઓ પુરુષ જેવું ડ્રેસિંગ અપનાવીને જીવતી હોય છે. ફાલ્ગુની પાઠક એનું ઉદાહરણ છે. તે આપણે સહજતાથી સ્વીકારીએ છીએ. જો પુરુષ આ રીતે સ્ત્રી તરીકે ડ્રેસ પહેરીને જીવવા માગે તો એની હાંસી ઉડાવાય. તેનો સ્વીકાર ન કરવામાં આવે. કેટલા વ્યંડળોને આપણે સમાજમાં સામાન્ય રીતે રહેતા સ્વીકાર્યા છે? જે વ્યક્તિઓને જન્મથી સ્ત્રી કે પુરુષની ઈન્દ્રિય વિકસિત ન હોય તેને વ્યંડળોની જાતિમાં મૂકી દેવામાં આવ્યા કે પછી જે પુરુષ સ્ત્રૈણ ભાવ અનુભવે તેને નીચો માની લેવામાં આવ્યો. 

જાતીય ભેદભાવ સૌથી વધારે જો કનડતા હોય તો આવા પુરુષોને કનડે છે જે પુરુષના ખોળિયામાં સ્ત્રી હોવાની લાગણીઓ અનુભવતા હોય છે. અહીં બીજું ઉદાહરણ આપવાનું મન થાય છે કે અનેક ઘરો એવા આપણી આસપાસ હશે કે જેઓ દીકરો ઈચ્છતા હોય ને દીકરીઓ જ જન્મતી હોય. એવા ઘરોમાં સૌથી નાની દીકરીને છોકરા તરીકે જ ઊછેરીને સંતોષ માની લેવાતો હોય છે. તેને બાળપણથી જ છોકરાના કપડાં પહેરાવવામાં આવશે. આ બાબત સમાજમાં સ્વીકાર્ય હોય છે. પણ છોકરાને છોકરી તરીકે કોઈ ઉછેરતું નથી. ઊલ્ટાનું જો છોકરાને ઘરઘર રમવાનું કહે કે છોકરીઓની રમત રમે છે કહીને ઠપકારવામાં ય આવે. અને જો ઘરકામમાં કે જમવાનું બનાવવાનું કહે તો પણ તેનો સ્વીકાર કરવામાં આવતો નથી.

અહીં એ પણ સ્પષ્ટતા કરું કે ક્રોસ ડ્રેસિંગ(સ્ત્રીના કપડાં પહેરીને નાટક કરતો પુરુષ) અને ટ્રાન્સજેન્ડર એટલે કે જાતિ બદલીને જીવતો પુરુષ એ બન્ને જેમ જુદું છે તે જ રીતે સજાતીય વ્યક્તિત્વો પણ જુદાં છે. સજાતીય પુરુષને પોતાના પુરુષ હોવા બાબતે કોઈ વાંધો નથી. ફક્ત તેને સ્ત્રી માટે નહીં પણ પુરુષ માટે જાતીય આકર્ષણ અનુભવાતું હોય છે. આ બધામાં એક જ વાત કોમન છે કે તેમનો સ્વીકાર સમાજમાં નથી થતો. તેમણે પોતાના વ્યક્તિત્વ માટે આદર મેળવવા સતત સંઘર્ષ કરવો પડતો હોય છે. 

પુરુષ તરીકે જન્મ લીધા બાદ પણ જીવન એટલું સરળ હોતું નથી. એઈનર એ પહેલો પુરુષ છે કે જેણે જાતિ પરિવર્તન માટે ઓપરેશન કરાવ્યા હતા ૧૯૩૦માં. તેમાં છેલ્લા ઓપરેશન બાદ તે બચી શક્યો નહીં. જોકે છેલ્લા થોડાક મહિના તે લીલી તરીકે જીવી શક્યો તેનો એને આનંદ હતો. એ છેલ્લું ઓપરેશન હતું ગર્ભાશય માટેનું.

લીલી તરીકે તેણે ગર્ભવતી બનીને સ્ત્રીત્વનો અલ્ટીમેટ આનંદ પ્રાપ્ત કરવો હતો. ત્યારબાદ તો વિશ્ર્વભરમાં આ રીતે જાતીય પરિવર્તન માટેના કેટલાય સફળ ઓપરેશન થયાં. પુરુષપ્રધાન માનસિકતા પુરુષોને પણ અનેક 

રીતે નડે છે તેમાં આ પણ એક અગત્યની વાત છે જેના વિશે આપણે સરળતાથી સ્વીકાર કરતાં શીખવાની જરૂર છે.

You Might Also Like

0 comments