પુરુષોને મૂલવવાના કાટલા બદલવાની જરૂર છે (mumbai samachar)

07:47
રેબેક્કા એશર નામની અમેરિકન લેખિકાએ થોડો સમય પહેલાં એક પુસ્તક લખ્યું મેન અપ: બોયઝ, મેન અને બ્રેકિંગ ધ મેલ રુલ્સ નામનું પુસ્તક લખ્યું. એ પુસ્તકમાં રેબેક્કા સવાલ પૂછે છે કે સમાજમાં પુરુષોની ઈમેજ આટલી છીછરી અને ઉદાસીન કેમ દર્શાવવામાં આવે છે? વાત તો સાચી લાગે કે પુરુષોનો ઉછેર અને તેમની સાથે થતો બાળપણમાં વર્તાવ તેમનું જીવન મુશ્કેલ બનાવે છે. તેનો બોલતો પુરાવો છે મળતાં આંકડાઓ. પુરુષોને આચરણની સમસ્યાઓ ચારગણી પીડતી હોય છે તો છોકરીઓની સરખામણીએ છોકરાઓના નામ શાળામાંથી ત્રણગણી સંખ્યામાં બાકાત થાય છે કે કરવામાં આવે છે. આપઘાત કરનારાઓમાં ૭૫ ટકા પુરુષો હોય છે અને જેલો ૯૫ ટકા પુરુષોથી જ ભરેલી હોય છે. તેનું કારણ શું? રેબેક્કા પાંચેક મુદ્દાઓ સાથે આજના પુરુષોની સ્થિતિ વિશે વાત કરે છે. તેમાં પુુરુષોને ચોક્કસ રસ પડશે. 

૧. પુરુષો સિમ્પલ હોય છે. છોકરાઓનો ઉછેર દરેક માતાપિતા એક જ રીતે કરતા હોય છે અને તે એ કે તેણે પુરુષ બનવાનું છે. દરેક છોકરાઓના માટે વધુ કોઈ પસંદગીનો અવકાશ નથી હોતો. દરેકને એક જ માપપટ્ટીથી માપવામાં આવે છે. તેણે શું ભણવાનું, કેવા કપડાં પહેરવાના, શાળા અને કૉલેજમાં તેની સત્તા કઈ રીતે આકાર લે છે, ગર્લફ્રેન્ડ કોણ છે. જો કે, ગર્લફ્રેન્ડ પણ તેને એક ચોક્કસ માપદંડથી મૂલવીને પછી જ પસંદ કરશે. એટલે કે દરેક જગ્યાએ તેણે પુરવાર થવાનું તેની લાગણીઓને અવગણીને. છોકરાઓ રડે નહીં, છોકરાઓ રફ-ટફ હોય, તેઓ થાકે નહીં, હારે નહીં, તેમણે કમાવાનું છે વગેરે વગેરે વગેરે. લાગણીઓ દર્શાવતા તેમને રોકવામાં આવે કારણ કે કલ્પનાશીલ કે લાગણીશીલ થવું તે છોકરીઓનો ઈજારો ગણવામાં આવે છે. ઉકેલ એ જ છે કે તમારે જો છોકરો હોય તો તેને દરેક વિચિત્ર, અકળ, કાલ્પનિક, હળવી હરકતો કરવા દો. તેને ટોકો નહીં કે રોકો નહીં કે પછી તેના મનમાં કશું જ રોપો નહીં. જેમ કે તારે ફુટબોલર બનવાનું છે કે પાયલટ બનવાનું છે વગેરે વગેરે. 

૨. બાળકો ન ધરાવતા પુરુષોને કોઈ સમસ્યા જ ન હોય એવું માનવાનું કોઈ કારણ નથી. બાળક ધરાવતા પુરુષો એટલે કે પિતા લગભગ ૨૧ ટકા કામ ઘરે લઈ જતા હોય છે તો પિતા ન બન્યા હોય તે પુરુષો મોડે સુધી ઓફિસમાં બેસી શકે. જાણીને નવાઈ લાગશે પણ પિતા ન બન્યા હોય એવા પુરુષો સૌથી વધુ આપઘાત કરે છે. બાળકો સાથે લાગણીનું બોન્ડિંગ પુરુષોમાં ડિપ્રેશનનું પ્રમાણ ઓછું કરે છે. 

૩. છોકરીઓ કરતાં છોકરાઓ સ્કૂલમાં વધુ પ્રમાણમાં મોજ કરે છે સાચું નથી. ચોથા-પાંચમા ધોરણમાંથી છોકરીઓના પ્રમાણમાં વધુ છોકરાઓ શાળામાંથી નીકળી જાય છે. છોકરીઓની સંખ્યા શાળામાં અને કોલેજમાં વધતી જાય છે. છોકરાઓ વધુ ચંચળ હોય છે પણ તેમની સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવે અને તેમને જાતીય આળ ચઢાવી અવગણવામાં આવતા હોવાથી તકલીફો વધે છે. સિગારેટ પીવા માત્રથી છોકરાને બગડી ગયો તેવું માની તેના સ્વમાનને ઠેસ પહોંચાડવામાં આવે ત્યારે હાલમાં જ મુંબઈમાં પિતાએ ઠપકો આપતાં કોલેજના ક્લાસરૂમમાંથી કૂદકો મારીને છોકરાએ આપઘાત કર્યો તેવા કિસ્સાઓ બનતા રહે છે. છોકરાઓને ભૂલો કરવાનો અને સુધરવાનો મોકો આપવો જોઈએ. જે અપાતો નથી. 

૪. છોકરીઓ- છોકરાઓ કરતાં વધુ લાગણીશીલ હોય છે. હવે આ ક્લિશે એટલે કે આ વાત ઘણી સામાન્ય રીતે બોલાતી આવી છે, પરંતુ તેમાં તથ્ય રહ્યું નથી. છોકરીઓનો મહિમા આજે ઘણો ગવાઈ રહ્યો છે પણ લોકોને જોઈએ છે દીકરો. દીકરાઓ લાગણીહીન હોય છે તે વાત જાણેઅજાણે તેમના મનમાં ભરી દેવામાં આવે છે. અજાણતાં ય તેમને પથ્થર હૃદય કહીને લાગણીઓને ઠેસ પહોંચાડાય છે. આવા કેટલાંય ઘાવ અને નકારાત્મકતા તેમને ક્રૂર થવા ક્યારેક મજબૂર કરે છે. ટૂંકમાં છોકરાના ઉછેર સમયે વધુ સભાન રહેવાની જરૂર છે. તે લાગણીશીલ હોઈ શકે તે ઓળખવાની, સ્વીકારવાની જરૂર છે. હોર્મોનલ અસરો ફક્ત છોકરીઓને થાય છે એવું નથી, છોકરાઓને તે પણ એટલી જ પરેશાન કરતી હોય છે. સામાન્ય રીતે છોકરાઓ કાળજી નથી લઈ શકતા કે લાગણીશીલ નથી હોતા તે માન્યતાઓ જ છે. 

૫. બોડી ઈમેજ એ છોકરીઓની સમસ્યા છે એવી પણ માન્યતા પ્રચલિત છે જે સત્ય નથી. ઈંગ્લેડની યુનિવર્સિટીમાં અપીઅરન્સ રિસર્ચ સેન્ટરમાં ડૉ. ફિલિપ્પા ડીડરિચે કરેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે સ્ત્રીઓ કરતાં પુરુષોમાં પોતાના શારીરિક દેખાવ અંગે અસલામતી વધુ અનુભવાતી હોય છે. ૭૫ ટકા સ્ત્રીઓની સરખામણીમાં ૮૦.૭ ટકા પુરુષો દેખાવ અંગે સભાન હોવાનું જાણવા મળ્યું હતું. તેમાંથી ૩૮ ટકા પુરુષોએ કબૂલ્યું કે તેઓ દેખાવ સુધારવા માટે એટલે કે પરફેક્ટ બોડી પ્રાપ્ત કરવા માટે એક આખું વરસ હોમી દેવા તૈયાર છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે ફક્ત ઈંગ્લેડમાં જ ૬૦ હજાર પુરુષો (મોટાભાગે યુવાનો) એનાબોલિક સ્ટેરોઈડ્સનું સેવન કરે છે. જાહેરાતોમાં પુરુષ માટેના સૌંદર્ય પ્રસાધનોની વધતું પ્રમાણ પણ તેની સાક્ષી પૂરી રહ્યું છે.

You Might Also Like

0 comments