સાઇકોલોજી ઑફ હેટનો પુરુષ પણ બને ભોગ

02:30






હાલમાં જ બનેલી એક ઘટના મારા મનમાં ચકરાયા કરતી હતી. સેક્સ્યુઅલ અબ્યુઝના કેસની વાત હતી. જે વ્યક્તિ પર સેક્સ્યુઅલ અબ્યુઝ કર્યાનો આરોપ મુકાયો છે અને એ માટેે જેલમાં જઈ આવ્યો છે તે વ્યક્તિ મને મળવા આવી. એ શાળામાં શિક્ષક છે, તેનું કહેવું હતું કે, ‘હું નિર્દોષ છું અને મને ફસાવવામાં આવ્યો છે. તેણે મને પૂછ્યું કે જો તમારા ભાઈ કે પિતા મારી જગ્યાએ હોય તો તમે શું કરો?’ તે વખતે મને તેને શું કહેવું સમજાયું નહીં. કદાચ જો મારી નજીકની વ્યક્તિ હોય તો એ નિર્દોષ હોવાની શક્યતા વિચારી શકું અથવા તેને માફ પણ ન કરી શકું. એ વ્યક્તિનો દાવો હતો કે તે નિર્દોષ સાબિત થશે. તેના ગયા બાદ પણ મને થયું કે આ વ્યક્તિ કેટલી નફ્ફટ છે. એ વ્યક્તિ વિશે જેટલા પણ પુરુષને વાત કરી તેમને એની દયા આવી હોય તેવું બન્યું નહીં. ટૂંકમાં તે પુરુષ પર કોઈને વિશ્ર્વાસ નહોતો. મને પણ વિશ્ર્વાસ નહોતો કારણ કે તે પુરુષ હતો તે મારે કબૂલવું જોઈએ. એવું વિચારવા પણ માગું કે તે બેકસૂર છે તે છતાં એ વ્યક્તિ વિશે વિચારી શકાતું નથી કારણ કે તેના પર એની વિદ્યાર્થિનીઓની સાથે ગેરવર્તન કર્યું હોવાનો આરોપ છે. ધારો કે કોઈ સ્ત્રી સાથે અબ્યુઝ કર્યાની ફરિયાદ હોત તો બે ઘડી વિચાર આવત પણ ખરો કે તેને ફસાવવા માટે આ ફરિયાદ થઈ હોઈ શકે વગેરે અનેક બેનિફિટ ઓફ ડાઉટ આપવા મન તૈયાર થાય. 

ખેર, આ ઘટના બાદ વિચાર આવ્યો કે પુરુષની ચોક્કસ છાપ વિશે અનેક કહેવતો પણ આપણે ત્યાં છે જ. સુજ્ઞ વાચકો તે જાણતા જ હશે. શુચિ ભંગ ન થાય તે માટે અહીં લખી શકાય તેમ નથી. આ વિશે ખાંખાખોળા કરતાં મને એક લેખક વિશે જાણવા મળ્યું જેણે પુરુષોની વાત સાંભળવા માટે અને કહેવા માટે કન્સલટિંગ શરૂ કર્યું છે. પુરુષ વાચકોને ચોક્કસ જ આમાં રસ પડશે. 

પૉલ એલ્મ નામનો એક લેખક જેણે વોઈસ ઓફ મેન નામે બ્લોગ અને સંસ્થાની સ્થાપના કરી છે જે પુરુષોની લાગણીઓને સાંભળે છે, સમજે છે અને વાચા આપે છે. અત્યાર સુધી સ્ત્રીઓની લાગણીઓને વાચા આપતી અનેક સંસ્થાઓ અને બ્લોગ વિશે વાંચ્યું અને સાંભળ્યું છે અને એવી સંસ્થાઓની મુલાકાત પણ લીધી છે. પુરુષોની લાગણીઓને વાચા આપતી સંસ્થાઓમાં એક પત્ની પીડિત સંસ્થા વિશે સાંભળ્યું અને વાંચ્યું છે ત્યારે હંમેશ મજાકમાં જ વાત થઈ હોય. આજે વિચારું છું તો લાગે છે કે મારી પણ અને આસપાસના દરેક પુરુષની પણ એવી માનસિકતા ઘડાઈ છે કે પત્ની પીડિત સંસ્થાની વાત આવે એટલે હસીને જ વાતની શરૂઆત થાય. ખેર, આ વૉઈસ ઓફ મેનના સ્થાપક લેખક પૉલ એક જગ્યાએ સરસ વાત લખે છે. પૉલ એક સમયે શૈક્ષણિક સેમિનાર અને કોન્ફરન્સમાં ગયા હતા. આ કોન્ફરન્સ પ્રોફેશનલ રિ-સર્ટિફિકેટ માટે હોવાથી તેમાં બધા વ્યવસાયિકો જ હતા. પૉલે સભામાં દાખલ થઈ પોતાની ઓળખાણ આપ્યા વિના બોર્ડ પર બે શબ્દો લખ્યા મેન ઈઝ (પુરુષ એટલે) અને સામે બેઠેલી વ્યક્તિઓને તેની આગળ શબ્દો જોડવાનું કહ્યું. સભામાંથી બે ચાર અવાજ આવ્યા. પિગ્સ, ડોગ્સ. (સૂવ્વર, કૂતરો)પૉલ જે શબ્દો મળ્યા તે બોર્ડ પર લખીને વળી સભામાં બેસેલી વ્યક્તિઓ તરફ જોયું, વધુ શબ્દો માટે. વળી કોઈએ કહ્યું કે ક્ધટ્રોલિંગ(પોતાની સત્તા જમાવનાર), અફ્રેઈડ ઓફ કમિટમેન્ટ(જવાબદારી ઉપાડતા ગભરાતો), આક્રમક, મેચો, લાગણીથી ડરનારો, હિંસક, સેક્સીસ્ટ (જાતીય ભેદભાવ કરનારો), સત્તાભૂખ્યો વગેરે... પુરુષ માટે દરેક અપમાનજનક શબ્દો જ મળ્યા. શ્રોતાઓ તરીકે સભામાં વ્યવસાયિક સ્ત્રી-પુરુષો બન્ને બેઠાં હતા. અને આ શબ્દો પણ બન્ને તરફથી આવી રહ્યા હતા. 

પૉલે બોર્ડને ઊંધુ કર્યું અને લખ્યું વિમેન આર... (સ્ત્રી એટલે) અને વળી હાજર લોકો સમક્ષ જોયું કે તેને ફટાફટ શબ્દો સંભળાવા લાગ્યા. સ્ટ્રોન્ગ (મક્કમ મનોબળ), કેપેબલ(સક્ષમ), એમ્પાવર્ડ(શક્તિશાળી), સેન્સિટિવ(લાગણીશીલ), નર્ચરિંગ(પોષનારી, કાળજી લેનારી), આપણે ત્યાં આ સવાલ પુછાય તો દેવી શબ્દનો ઉપયોગ પણ થાત. 

પૉલ કહે છે કે આ જવાબો આપનારાઓ સાયકોથેરેપિસ્ટ, કાઉન્સેલર અને સમાજસેવક તરીકે કામ કરનારા લોકો હતા. તેમને મેં જ્યારે પૂછ્યું કે બોર્ડ પર તમે આપેલા જવાબો વાંચીને કહો કે જાતીય ભેદભાવ કોની સાથે થાય છે ? પુરુષ કે સ્ત્રી? આ જ માનસિકતા સાથે આપણે કઈ રીતે બીજી વ્યક્તિ સાથે વ્યવહાર કરીએ તે સમજી શકાય છે. પૉલ આગળ લખે છે કે રૂમમાં બે ઘડી સ્તબ્ધતા છવાઈ ગઈ. કારણ કે રૂમમાં બેસેલી વ્યક્તિઓ ક્લાર્ક કે અકાઉન્ટટ કે શિક્ષકનું કામ કરનારી સામાન્ય વ્યક્તિઓ નહોતી. એ બધા કાઉન્સેલર, સાયકોથેરેપીસ્ટ કે સમાજસેવાનું કામ કરનારા જુદી રીતે વિચારી શકતી વ્યક્તિઓ હતી. પૉલ વધુ સવાલો પૂછે છે કે આ માનસિકતા આપણાં બીજી વ્યક્તિ સાથેના વ્યવહારમાં કે વ્યવસાયમાં, થેરેપીમાં અસર કરે ખરી? જાણતા અજાણતા આપણે સ્ત્રીનો પક્ષ લઈને પુરુષોને અન્યાય તો નથી કરી બેસતાને? જાતીય ભેદભાવ જે આપણા મનમાં રોપાયેલો છે તે આપણા દરેક વિચાર અને નિર્ણયોને અસર કરે? 

આ સવાલો બાદ મોટેભાગે તો લોકો જુદી રીતે વિચારવાનું શરૂ કરી ચર્ચા કરવા લાગે પણ એક સેમિનારમાં એક સમાજસેવિકાએ પૉલને કહ્યું કે તમે સેક્સિટ(લૈગિંકવાદી) એટલે કે પુરુષપ્રધાન છો કહીને સેમિનાર છોડીને જતી રહી અને તેના વિરુદ્ધ સેમિનાર વ્યવસ્થાપકને ફરિયાદ કરી કે પૉલનો વિષય અને વક્તવ્ય બધું જ જાતીય ભેદભાવ ભરેલું છે. જો કે આ વાંચ્યા બાદ મને પણ લાગ્યું કે વાત સાચીય છે. પુરુષોને આપણે ચોક્કસ સમજના ચશ્માં લગાવીને જોઈએ છીએ. મહિલા દિને પણ સ્ત્રીઓ વિશે જે વખાણ થયા સોશિયલ મીડિયા પર તે જોતાં લાગ્યું કે સ્ત્રીમાં કોઈ તકલીફો છે જ નહીં. બન્ને વ્યક્તિઓ છે. સારી-નરસી બાજુ સ્ત્રી-પુરુષ બન્નેમાં હોઈ શકે. 

પૉલ આગળ લખે છે કે એંશીના દાયકામાં સાયકોલોજી ગુરુઓએ બેસ્ટ સેલર પુસ્તકો લખ્યા તેમાં રોબિન નોરવુડની ‘વિમેન વ્હુ લવ ટુ મચ’. સુઝન ફોર્વડની ‘મેન વ્હુ હેટ વિમેન ઍન્ડ વિમેન વ્હુ લવ ધેમ’ દરેકમાં પુરુષપ્રધાન માનસિકતા દર્શાવતા પુરુષોની જ વાત હતી. પુરુષ એટલે જે પથ્થર હૃદયનો હોય, લાગણીહીન અને બેદરકાર. જ્યારે સ્ત્રીઓ તે છતાં પ્રેમ અને કરુણાથી પુરુષનું જીવન ધન્ય કરી દે છે. આ માનસિકતા સમાજમાં પુરુષને સતત ટીકાત્મક રીતે જોવાની માનસિકતા ઘડે છે. પૉલની વાત સાચી એટલે લાગે છે કે પુરુષપ્રધાન સમાજ આખરે તો પુરુષને જ નુકસાન પહોંચાડે છે. તેણે સતત બીજાના ધિક્કારનો સામનો કરવાનો રહે છે. કોઈપણ અંગ્રેજી મહિલાઓ માટેના મેગેઝિન જોશો તો દેખાશે કે પુરુષને કઈ રીતે જોવામાં આવે છે. જેમકે, ૧૫ કે ૨૧ દિવસમાં પતિના સ્વભાવને સુધારો. પતિને કઈ રીતે તમારી હામાં હા મેળવતાં કરવો, વગેરે. આપણે ત્યાં પણ મોટેભાગે લેખો ભાષાંતર થતા હોવાથી ક્યારેક આવા લેખો જોવા મળી જાય છે. પુરુષો માટે કોઈ સલાહ નથી હોતી કારણ કે આપણે ત્યાં બીજી એક માન્યતા છે કે પુરુષને સુધરવાની જરૂર નથી. એટલે લેખો આવે કે પતિને ખુશ કેમ રાખશો? કેમ જાણે કે પુરુષને ખુશ રહેતા જ ન આવડતું હોય. તેને બાળકની જેમ સાચવવાનો હોય તેવી માન્યતા હોય છે. 

પુરુષ અને સ્ત્રી જાતિ વચ્ચે એક જાતનું માનસિક રાજકારણ રમાતું હોય છે. પિતૃસત્તાક સમાજવ્યવસ્થાથી જેટલું નુકસાન અને તકલીફો સ્ત્રીઓને થઈ છે એટલી જ તકલીફો પુરુષોને પણ થઈ જ રહી છે. પુરુષપ્રધાન માનસિકતા ફક્ત પુરુષોને જ કારણે આજે છે તે માનવું કદાચ યોગ્ય નથી. સમાજની માનસિકતા બદલાશે તો સમાજ બદલાશે તે સ્ત્રીઓ માટે અને પુરુષો માટેય કહી જ શકાય. સમાજ એટલે આપણે બધા જ ખરું ને?

You Might Also Like

0 comments