આપણે મહાન બનવાની જરૂર નથી (mumbai samachar)

02:45

મહિલા દિને સોશિયલ મીડિયા પર નારીનાં ગુણગાન ધરાવતી પોસ્ટ ફરવા લાગે. એ વાંચો તો મોટેભાગે હજી મહિલાઓને ગુલામ બનાવી રાખવાની જ ચાલ દેખાય. સ્ત્રી એટલે શક્તિ તે દરેક કામ હસતાં રમતાં કરી શકે. બધાને ખુશ રાખે. બધાને જ સાચવે વગેરે વગેરે એટલે ચલો સ્ત્રીને એક દિવસ સાચવો. તેને બહાર જમવા લઈ જાઓ કે ખરીદી કરાવો. જાહેરાતોમાં પણ દર્શાવે કે સ્ત્રી એટલી મૂરખ છે કે તેને નવા કપડાં કે ઘરેણાં લઈ આપો કે વાત પતી જાય. કોઈ મિત્રએ ફેસબુક પર લખ્યું કે પત્નીની મૂરખ જેવી વાતોમાં હાએ હા કરવાથી ઘરમાં શાંતિ રહે. મૂરખ જેવી વાત એટલે કે બાઈઓની વાત અને આડોશપડોશની વાત. પણ, ભાઈ એ પત્નીને ઘરકામમાં જ પ્રવૃત્ત રાખી એટલે એવું જ થાય ને. તમે એને ઘરકામમાંથી મુક્ત કરો પછી જુઓ તે પોતાનું મનગમતું કામ શોધીને આગળ વધે છે કે નહીં? અરે, સ્ત્રીઓની જેમ તમે ઘરના દસ કામ કરી તો જુઓ. 

આજે વિરોધ કરવો એ પણ ફેશન બની જાય તેની નવાઈ નથી રહી. તમે સ્ત્રીના અધિકાર વિશે કે સમાજમાં ચાલી રહેલી દોરંગી વિચારધારા વિશે કહો કે લખો એટલે તમે નારીવાદી... નારીવાદીઓને તાલિબાન સાથેય ક્રૂરતાપૂર્વક સરખાવવામાં આવે છે. નવાઈ ત્યારે લાગે જ્યારે જાણ્યા કે સમજ્યા વગર સ્ત્રીઓ પોસ્ટરો લઇને ઊભી રહી જાય. તમે કઇ બાબતનો વિરોધ કરો છો અને શું કામ કરો છો? તેનો થોડો ઘણો અભ્યાસ તો દરેકે કરવો જોઇએ. કોઇ સ્ત્રીને ગાળ આપવી હોય તો નારીવાદી કહીને ઉતારી પાડી શકાય. શું કામ? કારણ કે આજના જમાનામાં સ્ત્રીઓ પર કોઇ અન્યાય થતો જ નથી. એવું માની લેવામાં આવે છે સો કોલ્ડ પોતાની જ સુરક્ષિત દુનિયામાં રહેતા લોકો દ્વારા.

ઇન્ટરનેટ અને બ્લોગ દુનિયાની સાથે સંપર્ક કરવા માટે સરળ અને સુલભ સાધન છે. અફઘાનિસ્તાનમાં રહેતી સ્ત્રીઓ પણ બુરખો પહેરીને, નામ બદલીને, પોતાની વાત બ્લોગ દ્વારા લોકો સુધી પહોંચાડે છે. તો આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. વિમેન અગેઇન્સ્ટ ફેમિનિઝમ નામનો બ્લોગ. આ બ્લોગ પર સ્ત્રીઓ પોસ્ટર લઈને પોતાના ફોટા મૂકે છે. એ પોસ્ટરોમાં લખ્યું હોય છે કે હું ફેમિનિસ્ટ નથી, કારણ કે હું પુરુષ વિરોધી નથી. બીજી એક છોકરી લખે છે કે હું પ્રેમાળ માતા અને સપોર્ટિંગ વાઈફ હોવા સાથે સફળ કારર્કિદી ધરાવું છું. તો વળી ત્રીજી લખે છે કે હું સાયન્ટિસ્ટ છું અને સ્ત્રી કે પુરુષના ભેદ નથી પાળતી. તો એક લખે છે કે હું સબમિસિવ છું પણ ડિપ્રેસ્ડ નથી. મારે માસ્ટર છે પણ સેક્સુઅલી વિક્ટિમ નથી. વગેરે વગેરે.... પહેલી વાત તો એ કે નારીવાદી હોવું એટલે પુરુષ વિરોધી હોવું એ બિલકુલ નથી. સ્ત્રી અધિકારોની ચળવળ શરૂ થઈ તેમાં સ્ત્રીને એક વ્યક્તિ તરીકે સ્વીકારવાની જ વાત હતી.

અજ્ઞાન એ દરેક વખતે આશીર્વાદ સમાન નથી હોતું. બ્લોગ કરનારી સ્ત્રીઓએ અને નારીવાદને વખોડનાર વ્યક્તિઓએ વધુ કંઇ નહીં તો ગૂગલ પર જઇને ફેમિનિઝમના ઇતિહાસને અને તેના અર્થને ઉપરછલ્લી રીતે પણ જાણી લેવો જોઇએ. આ ચળવળ સામાજિક, રાજકીય અને આર્થિક સ્તરે સ્ત્રીઓને સમાન હક્ક મળે તે માટે શરૂ થઈ. અને જે સ્ત્રીઓ પોતાના વ્યક્તિ તરીકેના અધિકારો વિશે વાત કરતી હોય તેને નારીવાદી કહેવામાં આવી. સ્ત્રી હોવું એ ગર્વની વાત છે. તે શરમજનક બાબત નથી. પિતૃસત્તાક ખાપ પંચાયતો કે તાલિબાની વિચારધારા આજે પણ સ્ત્રીઓ પર દરેક અંકુશ અને બંધનો લાદવામાં માને છે. તેમાં ધર્મો પણ બાકાત નથી, કારણ કે દરેક ગુનાઓના મૂળમાં સ્ત્રીઓનું સ્વતંત્ર વ્યક્તિત્વ હોય છે એવું માનવામાં આવે છે. એટલી હદે સ્ત્રીઓનું પણ બ્રેઇન વોશ કરવામાં આવે છે કે તેમનેય એવું લાગવા માંડે છે કે સ્ત્રી અધિકારોની વાત કરવી એટલે પુરુષવિરોધી વાત કરવી. એ માન્યતા છે હકીકત નહીં. આ બધા માનવતાવાદીઓ કેમ તાલિબાની માનસિકતા અને ખાપ પંચાયતો વિરુદ્ધ ઊભા નથી થતા? કારણ કે તેઓ પણ આવી જ માન્યતા ધરાવતા હોય છે. હજી આજે પણ ગ્લાસ સીલિંગનો સામનો વૈજ્ઞાનિક ક્ષેત્રે કામ કરતી સ્ત્રીઓએ પણ કરવો જ પડે છે. હજી આજે પણ એક સરખું કામ કરતાં સ્ત્રી-પુરુષોના વેતનમાં ફરક હોય છે. હજી આજે પણ કેટલાંય ઘરોમાં સ્ત્રીઓને પુરુષોની સામે બોલવાનો અધિકાર હોતો નથી. હજી આજે પણ દુનિયાભરમાં રાજકારણ અને સત્તાના નિર્ણયો પુરુષોના હાથમાં જ હોય છે.

સમાજમાં હજી આજેય સ્ત્રીઓની મૂળભૂત જરૂરિયાત અંગે આંખ આડા કાન કરવામાં આવે છે. મુંબઈની જ વાત કરું તો રોજ લાખો સ્ત્રીઓ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે એ ધ્યાનમાં રાખીને લેડીઝ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. પણ મુંબઈના એકપણ પ્લેટફોર્મ પર મહિલાઓ માટેના શૌચાલય ઉપયોગમાં લઈ શકાય એવી સ્થિતિમાં નથી. શું સ્ત્રીઓ પાસેથી ઓછું ભાડું વસૂલવામાં આવે છે? ખેર આ તો એક મુદ્દો છે. બાકી સ્ત્રી ભ્રૂણ હત્યા થતી સાંભળી છે, ક્યારેય પુરુષ ભ્રૂણ હત્યા સાંભળ્યું છે? સ્ત્રીઓ પર એસિડ ફેંકાય છે, તેને જીવતી બાળી મુકાય છે, બળાત્કાર થાય ને ત્યારબાદ તેની ક્રૂર હત્યા પણ થાય. સ્ત્રી હોવું એ મારે માટે ગર્વની બાબત છે. સાથે મારી જાતિ પર થતા અન્યાયો અને અત્યાચારને સમજી શકું કે અનુભવી શકું છું. મને બાઈઓની વાતોમાં પણ રસ પડે છે અને ગૃહિણીની વાતોમાં પણ રસ પડે છે. એ સિવાય જો અન્યાય વિરુદ્ધ બોલવું તે ગુનો હોય તો મને નારીવાદી કહેવડાવવામાં પણ વાંધો નથી. 

You Might Also Like

0 comments