એ "લોકો " અને "આપણે" નો કટ્ટર ભેદભાવ

09:51




  ગાંધીનો સરકારની નીતિ સામેનો વિરોધ અંગ્રેજોને પણ તેમનો  આદર કરવા  મજબૂર બનાવતો. 

ઓખી વાવાઝોડુ આવીને ગયા બાદ સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઠંડીમાં ગરમાગરમ ચા પીવાની મઝા તો સૌરાષ્ટ્રવાસીઓ ભરપૂર માણે છે. કોફી એ વિદેશી પીણું અને ગુજરાતમાં તો ઝાડા થાય ત્યારે જ મોટેભાગે પીવાતું પીણું છે. ગરમા ગરમ ચા દરેક ગલીના નાકે મળી રહે. ચાની સાથે ગરમા ગરમ ફાફડા જલેબીની લહેજતતો કાઠિયાવાડી જ માણી શકે. પણ આજકાલ તો ગરમા ગરમ ચર્ચાઓ ચાલે છે ચાની સાથે. ચા વેચનાર વ્યક્તિઓ પૈસાદાર થઈ શકે છે એટલું જ નહીં વડાપ્રધાન પણ થઈ શકે છે તે સાબિત થયું છે ત્યારથી ચાની સાથે ચોટદાર ચર્ચા કરવાનું ચલણ પણ ચાલ્યું છે. આ ચા વિશે આજે વાત નથી કરવી પણ ચર્ચાની વાત કરવી છે.
ચર્ચા એટલે બે કે ત્રણ પક્ષો પોતપોતાનો મત રજૂ કરે. પોતાનો મત વૈચારિક મુદ્દાઓ સાથે બીજાને સમજાવવાનો પ્રયત્ન થતો હોય. પણ ધારો કે તમે ગમે તેટલો પ્રયત્ન કરો અને સામી વ્યક્તિને તમારો મત એટલે કે અભિપ્રાય એટલે કે વિચારો ગળે ન ઉતરતા હોય તો શું? આપણા બંધારણમાં દરેકને પોતાની વૈચારિક સ્વતંત્રતા આપવામાં આવી છે. પણ ઈ સ્વતંત્રતા આપણે સામી વ્યક્તિને આપી શકતા નથી. એક ઘાને બે કટકા કરીને આપણે ઊભા થઈ જાઈએ છીએ. મિત્રતા પણ એવી જ વ્યક્તિ સાથે ટકે કે જે તમારી હામાં હા ભેળવે. તમારાથી જુદા વિચાર ધરાવનાર વ્યક્તિને સ્વીકારવી મુશ્કેલ લાગે છે. ક્રિકેટ હોય કે ચૂંટણી હોય એક પક્ષે રહેવા ટેવાયેલા આપણે બીજા પક્ષને યેનકેન પ્રકરેણ હરાવી દેવાની જ ગણતકરી કરીએ. સામી વ્યક્તિની જીત સ્વીકારવી ય એટલી સહેલી નથી હોતી કે ન તો પોતાની હાર સ્વીકારવાની હિંમત હોય છે.
પ્રાચીન સંસ્કૃતિના ઈતિહાસમાં ભારતનું નામ મોખરાનું હોઈ શકે. હડપ્પન અને મોહેન્જો દરોની સંસ્કૃતિથી લઈને આજ દિન સુધી વિવિધતામાં એકતાનું આપણને સૌને ગૌરવ છે. આપણી લોકશાહી દુનિયાની સૌથી  મોટી લોકશાહી છે. તેનું બંધારણ મોટું છે અને હજી જીવંત છે તેની ખાતરી પણ છેલ્લા વરસમાં થઈ હતી. રાઈટ ટુ પ્રાઈવસીનું જજમેન્ટ આપીને સુપ્રીમ કોર્ટે લોકશાહીને જીતાડી છે.  પણ તેને છિન્નભિન્ન કરવા માટેના પ્રયત્નો પણ આપણા દ્વારા જ થઈ રહ્યા છે. ગુજરાતની ચૂંટણીમાં ક્યો પક્ષ જીતશે અને ક્યો પક્ષ હારશે તેના કરતાં પણ લોકશાહીનું ગૌરવ જળવાય તેની ચિંતા કરવાની વધુ તાતી જરૂર જણાય છે.
દરેક બે વ્યક્તિઓ વચ્ચે મતભેદ હોઈ શકે છે. વિવિધતામાં એકતાનું ગૌરવ લેનારા આપણે આજે શું ખરેખર વિવિધતાનો સ્વીકાર કરીએ છીએ ખરા એ સવાલ દરેકે પોતાના અંતરાત્માને ઢંઢોળીને પૂછવો રહ્યો. આજે વૈચારિક મતભેદને જાણે કોઈ સ્થાન જ ન હોય તેવું જણાય છે. દરેક બાબતે એ લોકો ને અમે. બીજાઓ અને આપણે એવી બે ભેદરેખા સાથે જ વાત શરૂ થાય છે. રાજસ્થાનમાં કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને તે પોતાનાથી જૂદી હોવાને કારણે જ મારી નાખે. બાળી નાખે અને વળી એ   તેનો વિડિયો ઉતારે ત્યારે વિચાર આવે કે આવું  હિંસાનું વરવું પ્રદર્શન કરવાનું કોઈ કારણ ખરું? હા, ભારોભાર ધિક્કાર અને નફરતની રાજનીતિ.  ગાંધીજીને ગોરાઓએ પિટસબર્ગના સ્ટેશન પર અડધી રાત્રે ફેંકી દીધા હતા કારણ કે તેઓ ગોરા નહોતા. જો કે સાવ એવું નહોતું એ ગોરાઓ પાસે સત્તા હતી. સત્તા હતી એટલે જ ભેદભાવ કરી શક્યા. તે છતાં સત્તા વિનાનો માણસ ભેદભાવ કરી શકતો નથી એ માનવું મૂર્ખતા છે. હિંસક બનવાની સત્તા છે એવું માનનાર વ્યક્તિ પણ બીજી વ્યક્તિની  હિંસા કરી શકે છે.
 વિરોધ કરવા માટે ય આપણે યોગ્ય શબ્દોને બદલે હિંસાનો જ ઉપયોગ કરીએ છીએ. ગાંધીના ગુજરાતના આપણે શું શાંતિથી આપણો વિરોધ ન નોંધાવી શકીએ? કહેવાય છે કે શબ્દોની ધાર ઘણી કાતિલ હોય છે. સામી વ્યક્તિને રહેંશી નાખવાનું જ બાકી રાખીએ છીએ. સામી વ્યક્તિનો મત કે અભિપ્રાય જૂદો હોઈ જ કેમ શકે? પણ એવી દલીલો નકામી છે કે સામી વ્યક્તિ એ જ ભાષા સમજે. હિંસા કરનારાઓ કરતાં અહિંસાની લાકડીએ આખી અંગ્રેજ સલ્તનતને હરાવનાર ગાંધીને આપણે ફક્ત પૈસા પર છાપીને ઉપભોક્તાવાદને અને તેને લીધે પનપતી હિંસાને કેશ કરતા થઈ ગયા છીએ.  લોકશાહીની સૌથી સુંદર વાત છે તેનું બંધારણ. એમાં દરેક વ્યક્તિને જાતિ, જ્ઞાતિ અને ધર્મના બંધન વગર પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. પણ એ અધિકાર આપણે બીજાને આપવા માગતા નથી એવું નથી લાગી રહ્યું? કટ્ટરતાવાદના ગુલામ તો નથી બની રહ્યાને?  મને છેલ્લા પંદર દિવસથી સતત સંદેશાઓ સોશિયલ મીડિયા મારફતે મળી રહ્યા હતા તેમાં ભારોભાર  ધિક્કાર અને હિંસા ભરેલા હતા. એવા સંદેશાઓ બીજાને ફોર્વડ કરી જ કેમ શકાય?
ટેલિવિઝનમાં સમાચાર જુઓ તો પણ એ કોઈને કોઈ પૂર્વગ્રહોથી પીડિત છે તે સાફ દેખાય. મુદ્દાની વાત કરવા કરતાં સતત આક્ષેપો અને સામી વ્યક્તિને ઉતારી પાડવાની તરકીબો જ જોવા મળે. પત્રકાર તરીકેની તાલીમમાં પહેલો પાઠ એ શીખી હતી કે જ્યારે તમે રિપોર્ટિંગ કરો ત્યારે સ્પષ્ટ રિપોર્ટિંગ જ હોવું જોઈએ. તેમાં તમારા અંગત ઈમોશન એટલે કે લાગણીઓને સ્થાન નથી હોતું. વળી રિપોર્ટિંગ કરતી સમયે સત્યની ચકાસણી કર્યા બાદ જ તેને રજૂ કરવું. ન્યૂઝમાં વ્યૂઝની ભેળસેળ ન ચાલે. પણ અહીં તો રોજે રોજ ફેક ન્યૂઝ આપણને આપવામાં આવે. ફેક ન્યૂઝ પણ કેટલીકવાર ભારોભાર નફરત અને હિંસાથી ભરેલા હોય.
ગાંધી જ્યાં પેદા થયા અને અંગ્રેજોની સામે અસહકારની જે લડત ચાલુ કરી તે ગુજરાતમાં આજે હિંસા અને નફરતનું રાજ ઉછરી રહ્યું છે. ગાંધીજીનો વિરોધ અંગ્રેજો સામે નહોતો તેમની નીતિ સામે હતો. એટલે જ અંગ્રેજો પણ તેમનું માન જાળવતા. ગાંધી જેવો મુત્સદ્દી રાજકારણી જડવો મુશ્કેલ છે. એમના પર હિંસા થઈ પણ એમણે ક્યારેય શાબ્દિક રીતે પણ હિંસક હુમલો કર્યો નથી. તેમની દરેક વાત સાથે કદાચ આપણે સહમત ન પણ થઈએ તો ય તેમની વિરોધ કરવાની રીત ગજબ હતી. અંગ્રેજો જેવી જુલમગાર સરકારે પણ યુદ્ધ કર્યા વિના સરકાર છોડીને જવું પડ્યું. વિરોધ પણ સંયમપૂર્વક થઈ શકે તેવો દાખલો વિશ્વને આપીને ગયા.

ધિક્કારની રાજનીતિમાં બન્ને પક્ષને છાંટા ઉડે છે. કટ્ટરવાદ ન તો સત્તાનો સારો કે  ન તો પ્રજાનો યોગ્ય. સ્વતંત્રતા યોગ્ય છે પણ સ્વછંદતા નહી. મારા ઘરમાં હું કંઈ પણ કરી શકું પણ રોજ જ મોટેથી રેડિયો કે ટેપ વગાડું અને તેનાથી બીજી વ્યક્તિઓને તકલીફ થાય તે યોગ્ય નથી. મારા ઘરનો એઠવાડ હું બાજૂના આંગણામાં નાખું તે યોગ્ય નથી. જાતિ, જ્ઞાતિના નામે ભેદભાવ કરી ધિક્કારની લાગણી પોષું તે યોગ્ય નથી. આપણી જ્ઞાતિપ્રથાની પરંપરાનું ગૌરવ હોઈ શકે, તેનો પણ ઈતિહાસ છે, પરંતુ તેને લીધે હિંસક ભેદભાવ યોગ્ય નથી જ. હિંસા આપણા ગૌરવને નુકસાન કરી રહી છે. કોઈપણ પ્રકારની હિંસાને સમર્થન આપી શકાય જ નહીં. પોતાની વાત સાચી સાબિત કરવા માટે બીજાનું સતત અપમાન કરવું એ  સ્વતંત્રતા નથી. આજે ગુજરાતને જ નહીં આખાય ભારતને એક ગાંધીની જરૂર છે. 

You Might Also Like

0 comments