શૌચાલય છે પણ સોચ નથી (મુંબઈ સમાચાર)

22:31હાલમાં જ મુંબઈમાં સાસૂન ડોક ખાતે સ્ટ્રીટ આર્ટ પ્રદર્શની જોવા ગઈ. સાસૂન ડોકના પ્રવેશદ્વારથી અંદર દાખલ થતાં જ માછલીઓ જાળવવાના ગોદામોની હારમાળા શરૂ થાય. ઊંચી ઢળતી છતવાળા એ ગોદામોની દીવાલો પર માછલી અને કોળીઓની કથા વણીને સુંદર ચિત્રો દોરવામાં આવ્યા હતાં. આવા જ એક છેલ્લા ગોદામનો પ્રદર્શની સ્થળ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. પર્યાવરણની વાત સાથે અનેક આર્ટ ઈન્સ્ટોલેશન હતા. ત્યાં પહેલા માળે ટોઈલેટ હતું જેનો ઉપયોગ પણ પ્રદર્શનીમાં કરી લેવામાં આવ્યો.

પહેલા તો લાગ્યું કે આ ટોઈલેટમાં જવાય કે નહીં? પણ એ ટોઈલેટના લોકો ફોટાય પાડતા હતા અને ઉપયોગમાંય લેવાતું હતું. ટોઈલેટમાં ખુલ્લા યુરિનલને સજાવવામાં આવ્યું હતું એટલે તેનો ઉપયોગ થઈ શકે એમ નહોતો. જો યુરિનલ ક્યુબિકલ્સ હોય તો તે બન્ને જાતિ એટલે કે પુરુષ કે સ્ત્રી માટે ઉપયોગમાં લઈ શકાય. વળી સાદી વ્હાઈટ ટાઈલ્સવાળું આ ટોઈલેટ લોકોના ઉપયોગ છતાં સ્વચ્છ હતું.

મુંબઈના જ્ઞાનપ્રવાહ, જ્યાં વિચારપ્રેરક વક્તવ્ય થતાં હોય છે ત્યાં પણ સ્ત્રી-પુરુષો માટે જુદું ટોઈલેટ નથી. આજે ટોઈલેટની વાત કરવી છે કારણ કે આ બાબત એવી છે કે તેનો ઉપયોગ દરેક કરે પણ તેના વિશેની સભાનતાનો અભાવ જાહેરજીવનમાં જોવા મળે છે.

મુંબઈમાં શિયાળો આમ ભલે ન વર્તાય. રાતના જ્યારે ખુલ્લામાં જવાનું હોય તો પાતળી શાલથી કામ ચાલી જાય. શિયાળો આવ્યો તેની અસર વર્તાય જ્યારે તમે બહાર નીકળો અને એકાદ વાર તો યુરિન માટે જવું જ પડે.

જાહેરમાં કે ખુલ્લામાં તો કોઈએ જ ન જવું જોઈએ પણ સ્ત્રી હોવાને લીધે તમારે એક ક્યુબિકલ તો જોઈએ જ. શિયાળામાં અનેક કાર્યક્રમો થાય ત્યારે સૌ પહેલો વિચાર આવે કે ટોઈલેટ તો સ્વચ્છ હશેને? આપણે ત્યાં પબ્લિક ટોઈલેટ તો ભાગ્યે જ સ્વચ્છ હોય પણ તમને ટોઈલેટ  મળેય નહીં એવું પણ બને. મુંબઈ લોકલ ટ્રેનના પ્લેટફોર્મ પર સ્ત્રીઓ માટે ટોઈલેટ મોટેભાગે હોય નહીં અને હોય તો તેમાં જવું સજા કરવા બરાબર હોય છે.

તમને થશે આ કેવો ટોપિક પસંદ કર્યો છે? રાઈટ ટુ પી કેમ્પેઈન વિશે તો પહેલાંય લખી જ ગઈ છું. પણ આજે લખવું છે લગ્નસરાની સીઝનમાં આપણે સૌ જે ભૂલીએ છીએ તે અગત્યની બાબત એટલે સ્વચ્છ અને સુંદર ટોઈલેટ. લગ્નો જો સારી હોટલમાં હોય તો વાંધો નથી આવતો. પણ જો ગ્રાઉન્ડ કે હોલમાં હોય તો લગ્નના સારા કપડાં પહેરીને એ ટોઈલેટમાં જવું એ ખરેખર હિંમત માગી લે તેવું હોય છે. ગુજરાતમાં તો આવા અનુભવ અનેક વાર થયા છે. લગ્નમાં ખર્ચા કરવામાં વાંધો નથી આવતો.

હોલને શણગારવામાં અને મેનુમાં અનેક આઈટમો રાખવામાંય ચોકસાઈ રાખવામાં આવે છે પણ ટોઈલેટ સ્વચ્છ અને સુંદર હોય તેનું ધ્યાન રાખવાનું સાલું વિસરાઈ જ જાય છે. મોટા ભાગની મહિલાઓને કોઈ જ વાંધો નથી હોતો.

ભીના ગંદા વાસ મારતા ટોઈલેટ્સમાં પાંચ, દસ હજાર કે તેથી વધુ રૂપિયાની સાડી પહેરીને જવામાંય. શા માટે આપણે ટોઈલેટની બાબતમાં આટલા બેદરકાર છીએ. વિદેશમાં જઈએ તો ત્યાં પબ્લિક ટોઈલેટ પણ સ્વચ્છ અને સુંદર હોઈ શકે. જ્યારે ભારતમાં ટોઈલેટ વિશે ભાગ્યે જ વિચાર કરવામાં આવે છે.

હા, અંગત રીતે કેટલાક ઘરોમાં ટોઈલેટ ખૂબ જ સુંદર અને સુઘડ રીતે શણગારવામાં આવે છે. હવે તો લકઝરી ટોઈલેટ્સનોય ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તે છતાં જાહેરમાં જ્યાં ખાસ્સી મેદની ભેગી થઈ હોય, જ્યારે ખૂબ લોકો એ ટોઈલેટનો ઉપયોગ કરવાના હોય ત્યારે એ ટોઈલેટ્સ ભાગ્યે જ સ્વચ્છ અને સુઘડ જોવા મળે.

આપણા પછી પણ એ ટોઈલેટ્સ કોઈ વાપરવાનું છે તેવી સભ્યતા શું કોઈને શિખવાડવામાં નહીં આવતી હોય? તેમાં પણ કોઈ ધાર્મિક સંદર્ભે ભેગી થયેલી ભીડમાં તો ટોઈલેટ્સ વાપરવાનું અશક્ય જેવું જ લાગે એટલી હદે ગંદકી હોય. ગુજરાતના લગ્નસરાના પાર્ટી પ્લોટ્સમાં લાખોના ખર્ચે લગ્ન થતાં હોય પણ ટોઈલેટ્સ જોવા ય ન ગમે એવા હોઈ શકે.

‘શૌચાલય એક સોચ’ જ્યાં ઘરોમાં ટોઈલેટ ન હોય તે માટે ચાલતું કેમ્પેઈન છે તો દરેક ટોઈલેટ સ્વચ્છ હોવા જોઈએ એવું પણ એક કેમ્પેઈન ચલાવવાની જરૂર છે. ચાલો શરૂઆત આ લેખથી થઈ. બીજું કે ટોઈલેટમાં નળ બરાબર ન ચાલતાં હોય કે ફ્લશ સુધ્ધાં ન હોય ત્યારે આયોજકોએ હોલ ભાડે લેતાં પહેલાં માઈક ચાલે છે કે નહીં, લાઈટ્સ છે કે, એસી છે કે નહીં તે જોવાની સાથે ટોઈલેટ્સ યોગ્ય રીતે ફંકશનલ છે કે નહીં તે પણ જોવા જ જોઈએ.

વળી સ્ત્રીઓ માટેના ટોઈલેટ્સમાં સેનિટરી પેડ્સ ઉપલબ્ધ થઈ શકે તો સારું જ પણ જો ન થઈ શકે તો તેને ડિસ્પોઝ કરવાની યોગ્ય સગવડ પણ હોવી જોઈએ. સ્ત્રીઓએ પણ ગમે ત્યાં સેનિટરી પેડ ફેંકવાની ભૂલ ન કરવી જોઈએ. કોઈ જોતું નથી એટલે ગંદકી કરવાનો અધિકાર આપણને નથી જ.

ટોઈલેટ્સ સ્વચ્છ એટલે પણ હોવા જોઈએ કે તેની આપણાં સ્વાસ્થ્ય પર સીધી અસર પડે છે. કેટલીક સ્ત્રીઓ બહાર ટોઈલેટ્સ જવાનું ટાળે છે તેના કારણે યુરિન ઈન્ફેકશન થવાની શક્યતા રહે છે. અને જો ગંદા ટોઈલેટ્સમાં જાય તો પણ ઈન્ફેકશન થવાની શક્યતા હોય છે. તો પછી જાયે તો જાયે કહાં.... એ ગીત ગણગણવું પડે છે.

સાવ નગણ્ય અને ક્યારેય ટોઈલેટ્સની વાત કરી જ ન શકાય એવી માનસિકતા ધરાવતાં આપણે વાત કરવાની શરૂઆત કરવી જોઈએ. તમારા ઘરમાં લગ્ન લેવાના હોય તો દરેક અન્ય બાબતની જેમ જે સ્થળે લગ્ન હોય ત્યાં યોગ્ય ટોઈલેટ્સ હોય તેની પણ ખાતરી કરી લો. મુંબઈમાં કે ગુજરાતમાં પણ લોકો કલાકેક કે વધુ સમયનો પ્રવાસ કરીને લગ્નમાં હાજરી આપવા જતાં હોય છે.

લગ્નસરાની ખરીદી અને ખર્ચામાં ટોઈલેટ્સ પણ અગત્યનું જ છે તે વિસરશો નહીં કારણ કે તમારે પોતે પણ તો મોંઘા સેલા-સાડી પહેરીને એ જ ટોઈલેટ્સમાં જવાનું હોય છે. શૌચાલય પણ અગત્યના હોઈ શકે છે. ખાણીપીણી

પરત્વે જેટલું ધ્યાન રાખીએ છીએ તો આ બાબતે કેમ ચૂકી જઈએ છીએ.

શૌચાલય વિશે વાત પણ નહીં કરવાની, ફરિયાદ પણ નહીં કરવાની. સોચ પણ નહીં બદલવાની તો સ્વસ્થ સમાજ કઈ રીતે હોય શકે. કહેવાય છે કે જાપાનમાં પબ્લિક ટોઈલેટ્સમાં પણ મોટા કલાકારોના પેઈન્ટિંગ્સ લગાવવામાં આવે છે. ટોઈલેટની અગત્યતા રસોડા જેટલી જ છે.

રસોડા વિના ઘર કે કોઈ ફંકશન ન થઈ શકે તેમ ટોઈલેટ વિનાનું ઘર કે ફંકશન ન હોઈ શકે. તેને સ્વચ્છ અને સુંદર બનાવવાની જવાબદારી આપણા સૌની છે, કારણ કે તેનો ઉપયોગ આપણે સૌ કરવાના

છીએ.

સાદું સિમ્પલ પણ સુઘડ અને સુંદર શૌચાલય હોવું જ જોઈએ એવો આગ્રહ આપણે સેવવો જોઈએ. તેમ જ તેને ઉપયોગ કર્યા બાદ તે સ્વચ્છ જ રહે તેનું ય ધ્યાન રાખવું જરૂરી છે. વગર કારણે ગમે ત્યાં પાણી ઢોળવું કે ટોઈલેટ પેપરનો ઉપયોગ કરીને ગમે ત્યાં ફેંકવા યોગ્ય નથી. જો શૌચાલયો સ્વચ્છ ન હોય તો તે માટે આપણે ય જવાબદાર છીએ કારણ કે આપણે ત્યાં સ્વચ્છતાનું શિક્ષણ ઘરમાંથી જ આપવામાં આવતું નથી.

ઝૂંપડપટ્ટીમાં રહેતી સ્ત્રીઓ માટે રાઈટ ટુ પી અભિયાન કોરો સંસ્થા ચલાવે છે, તેમને તો યોગ્ય શૌચાલય નથી મળતાં ને જો હોય તો તેમાં જવાનો રસ્તો કચરાના ઢગલાઓથી રૂંધાયેલો હોય, આપણને સુવિધા મળે છે તો એની કદર નથી.You Might Also Like

0 comments