પ્રેમીથી પતિ ને વળી પાછું પ્રેમી બની શકાય?

13:52




– લગ્ન એટલે પ્રેમનો ધી એન્ડ કે પછી પ્રેમની શરૂઆત તે કહી શકાય જો મનના મેળ મળ્યા હોય.



ઐ મેરી જોહરા જબી ... તું અભી તક હૈ હંસી ઔર મેં જવાં.... તુજ પે કુરબાન મેરી જાન...

વક્તનું ગીત હમણાં જ એફ એમ પર સાંભળતા કેટલાક વિચાર ઝબકી ગયા. આ ગીત જેમના પર ફિલ્માવાયુ તે સમયના બલરાજ સાહની અને નિરુપમા રોયનો અભિનય પણ કેટલો અદભૂત હતો તે યાદ આવ્યા વિના ન રહે. કોઇપણ બે વ્યક્તિ લગ્ન કરીને પ્રેમમાં પડે કે પ્રેમ કરીને લગ્ન કરે તે બેમાં જાઝો ફેર નથી.પણ વરસો વિતતાં તે બે વચ્ચે એ પ્રેમ જળવાયો છે કે નહીં તેના પર દાંપત્યના સંવાદનો આધાર હોય છે. રૂપ,રંગ, સ્વભાવ દરેક બાબતે આપણે નસીબદાર હોઇએ એવું હોતું નથી. પણ પ્રેમ એ દરેક ખોટને સરભર કરી દેતો હોય છે. અને જ્યારે એ ખોટ સરભર નથી થઈ શકતી  ત્યારે એ પોલાણમાં બીજી વ્યક્તિ આવે છે. આ પોલાણો ક્યારેક લગ્નજીવનને તોડી નાખી શકે છે તો ક્યારેક લગ્નને વધૂ મજબૂત પણ કરી શકે છે. વેલેન્ટાઈન ડેની અસર છે કે આવા વિચારો વી રહ્યા છે.

હમણાં લગ્નની મોસમ ચાલે છે,અને સાથે એનીવર્સરી તથા એકથી લઈને પચાસ વરસોનું લગ્નજીવન ઉજવાય છે. શરૂઆતના વરસોનું પેશન... રોમાંચ વરસો જતાં પુખ્ત થતાં સ્થિર થવું જોઇએ કે પછી તેમાં આવતાં રૂટિનપણાને તોડવા કંઇક નવું કરવું જોઇએ એ ભાવના તમે લગ્નમાં જીવનસાથીને કેટલું મહત્ત્વ આપો છો તેના પર નિર્ભર હોય છે. સંબંધોની નાવિન્યતામાં ટેકનોલોજી સરળતા કરી આપે છે. ટેકનોલોજીને કારણે અફેર એટલે કે લગ્નબાહ્ય સંબંધો વધ્યા છે એવું પણ કહેવાય છે, પણ તે છતાંય પહેલાં એવું નહોતું થતું એવું નથી. અનેક એવા દાખલા જોવા મળશે જેમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર થતાં હોય છે. ધર્મેન્દ્ર-હેમા માલિની, આમિર ખાન-કિરણ, શ્રીદેવી-બોની કપુર અત્યારે આ લોકો સુખી લગ્નજીવન ધરાવે છે. તે છતાં તેમણે પહેલાં લગ્ન દરમિયાન લગ્નબાહ્ય સંબંધો બાંધ્યા અને પછી તેને લગ્નનું સ્વરૂપ આપ્યું. તેમના માટે લગ્ન હાલમાં સફળ છે પણ તેમની ભૂતપૂર્વ પત્ની માટે તે અસફળ છે. 
ભારતીય સમાજમાં મોટાભાગે લગ્નો બાહ્ય રીતે તૂટતાં નથી. પણ સ્ત્રીને ખબર હોય છે કે પુરુષપતિ વૈવિધ્ય ઝંખે છે. રોમાંચ ખોળે છે. લેખક, સાહિત્યકારો, મીડિયા,ગ્લેમર વર્લ્ડમાં અનેક લોકો આવા અફેર કરતાં હોય છે. અને હા સામાન્ય વ્યક્તિઓમાં પણ અફેર થતાં જ હોય છે. પણ તેની સામે એવા કિસ્સા ય છે કે જેમાં પુરુષ પતિ પત્નીને પ્રેમ અને આદર આપીને રસોડામાંથી બહાર કાઢી પોતાના વિશ્વમાં લઈ જાય છે. પુરુષ માટે કહેવાય છે કે તેના પગમાં ભમરો હોય છે એક જગ્યાએ ટકે જ નહીં. પરંતુ, જેમ દરેક આંગળીઓ સરખી નથી હોતી તેમ દરેક પુરુષ પણ કંઇ ખરાબ નથી હોતા. એ પણ કબૂલ કરવું જ પડે.

ત્રણેક વરસ પહેલાં ૯૯માં વરસે મૃત્યુ પામેલા ખુશવંત સિંઘ વિશે શોભા ડે એ લખ્યું છે કે વિમેનાઈઝર તરીકે તેમની ખોટી છાપ ઊભી કરવામાં તેમને આનંદ આવતો હતો. સુંદર સ્ત્રીના તેઓ ચાહક હતા પરંતુ, તેમણે પોતાની પત્નીને નીચાજોણું થાય કે દુખ થાય એવું વર્તન ક્યારેય નથી કર્યું. ઊલ્ટાના તેઓ હંમેશા પોતાની પત્નીને ખૂબ ચાહતા હતા અને આદર કરતાં હતાં. એમ કહી શકાય કે તેઓ પોતાની પત્નીને લગભગ પૂજતા હતા. આગળ શોભા ડે એમ પણ કહે છે કે બિન્દાસ કોઇપણ વાત કોઇને ય કહી શકતાં ખુશવંત સિંઘ હકિકતમાં પોતાની પત્નીનો કહ્યો બોલ ઊપાડતા. આ વાત માનવી ગમે એવી છે. પણ હકિકતમાં એવું નહોતું. ખુશવંત સિંઘ પોતાની પત્ની સામે જ બીજી સ્ત્રીઓ સાથે ફ્લર્ટ કરતાં. પોતાના બીજી સ્ત્રીઓ સાથેના સંબંધોની વાતો પણ તેમણે ખુલ્લેઆમ લખી છે. આ બધા સાથે ય તેમણે લગ્નના પચાસ વરસની એનીવર્સરી ઉજવી છે. લગ્નને કેટલા વરસો વીત્યા એનું મહત્ત્વ નથી હોતું પણ તમે કેટલું એકબીજા માટે, એકબીજા સાથે જીવ્યા તેની ઉજવણી થવી જોઇએ. લગ્ન વખતે આજે જેટલા ફોટાઓ દંપતિ પડાવે છે એટલા વરસો પણ એકબીજાના જીવનસાથી બની વિતાવી શકે તો ઘણું.

લગ્ન અને પત્ની પર અનેક જોક ભલે કહેવાતાં હોય અને પતિઓ ભલે તેમાં પોતાના હાલની વાત છે કહીને ગમ્મત કરી લેતાં હોય પણ કેટલાક પુરુષો પત્ની સાથે જીવવાના આનંદની કિંમત જાણતા હોય છે. પત્ની વિના સંસાર રૂપી કંસાર કેટલો ફિક્કો હોય છે કે તેમની અધૂરપ પત્ની નામની વ્યક્તિ કેવી સભર કરી મૂકે છે તે અનુભવતા હોય છે. અને તેનો આદર પણ કરતાં હોય છે.

પતિ ઘરે આવે ત્યારે પોતે પત્નીએ હાજર રહેવું જ જોઈએ તેવો આગ્રહ રાખનાર પુરુષો હોય છે તો પત્નીને ખુલ્લુ આકાશ આપી શકનાર જીવનસાથી પણ હોઈ શકે છે.  સાહિત્ય, કલાજગત અને સાયકોલોજીના ક્ષેત્રે અભ્યાસુ અને ભૂપેન ખખ્ખર, ગુલામ મોહમ્મદ શેખ, સુરેશ જોષી જેવા પ્રખ્યાત મિત્રો ધરાવતાં મુંબઈમાં રહેતા  હતા એ  રસિક મહેતાને મિત્રો કલારસિકના હુલામણા નામે બોલાવતા. કલાએ તેમની પત્નીનું નામ છે. આજે  તેઓ જીવિત નથી પણ છેલ્લે જ્યારે તેઓ લગભગ પથારીવશ હતા ત્યારે કલાબહેન ૮૬ વરસની વયે અઠવાડિયામાં ત્રણવાર તેમના મિત્રો સાથે કલાકો ગાળી શકતા હતા અને તે ય  કોઇપણ ગુનાહિતતા અનુભવ્યા સિવાય. તેમને આવું આગવું વ્યક્તિત્વ અને સમજ આપનાર રસિકભાઈના વખાણ કરતાં કલાબહેન થાકતા નથી. કલાબહેન રસિકભાઈ કરતાં ખાસ્સા ઊંચા. દરેક પ્રોગ્રામમાં પોતાનાથી ઊંચી, ઓછી ભણેલી ગુજરાતી સાડી પહેરતી પત્ની કલાને ગર્વભેર લઈને જાય. કલાબહેન કહે છે કે, ક્યારેય તેમણે મને એમ નથી કહ્યું કે તને આ નહીં સમજાય. ઉલ્ટાનું સતત એમ કહેતાં કે તું સમજવાનો પ્રયત્ન કરીશ તો ચોક્કસ સમજાશે જ. અંગ્રેજી મને આવડે નહીં તો પોતે અંગ્રેજી પુસ્તકો વાંચીને સમજાવે. ખરા અર્થમાં આજે હું જે કંઇ છું તે તેમને કારણે, નહીં તો હું રસોડું અને ઘર સંભાળતી નોકરાણી જેવી પત્ની હોત. આ સાંભળીને રમાબાઈ રાનડેની યાદ આવી. પૂનામાં આવેલ સેવા સદન સોસાયટીના સ્થાપક રમાબાઈ ૧૧ વરસની વયે જસ્ટિસ ગોપાલ મહાદેવ રાનડેને પરણીને આવ્યા. ઓણસમી સદીની શરૂઆત હતી તે સમયે ભારતમાં સ્ત્રીઓ શિક્ષણ લેવા બહાર જવાનો વિચાર પણ નહોતી કરી શકતી કે વાંચવા લખવાનું શીખે તે ય શક્ય નહોતું ત્યારે મહાદેવ રાનડેએ રમાબાઈને ભણાવ્યા અને મરાઠી ઉપરાંત અંગ્રેજી અને બંગાળી ભાષાઓ પણ શિખવાડી. રમાબાઈ સ્ત્રી ચળવળકારના પ્રણેતા બની શક્યા. જ્યોતિબા ફુલેથી લઈને ગાંધીજી સુધી અનેક નામોની યાદી બની શકે. અનેકવાર નર્મદા પરિક્રમા કરનાર અને તેના અનુભવો આલેખીને પ્રસિદ્ધ થયેલા અમૃતલાલ વેગડ પણ પોતાની પત્નીને સાથે રાખીને પોતાનો પ્રવાસ કરતાં.

પોતાની પત્નીને સાથે ન રાખતાં. કાર્યક્રમોમાં હંમેશ એકલા જ ફરતા પુરુષોને ક્યારેય કોઇ પત્ની કેમ નથી સાથે એવું નથી પૂછતાં. જે પતિપત્નીના રસ અને સામાજીક સંદર્ભો જુદાં હોય છે તેઓ સાથે રહીને પણ જુદાં જ હોય છે. બન્નેનું જીવનસાથી હોવા છતાં તેમની વચ્ચે સાથ નથી હોતો. આમિરખાનને તેની પહેલી પત્ની સાથે ગર્વભેર કેટલીવાર સાથે જોયાનું યાદ છે ? કે તેનો ઉલ્લેખ વારંવાર કર્યાનું યાદ છે ? જ્યારે કિરણ સાથે છે તે આપણને યાદ નથી દેવડાવવું પડતું. જે ખરેખર સંબંધમાં હોય તે જ રિફ્લેક્ટ થતું હોય છે.

તને કંઇ આમા સમજ નહીં પડે કહીને વાતે વાતે ખાનગીમાં અને જાહેરમાં ઊતારી પાડતાં અને સ્ત્રીનું કામ તો રસોડામાં જ એવું કહેતાં પુરુષપતિઓનો ય તોટો નથી જ. પણ જેનો હાથ ચોરીમાં પકડ્યો હોય તેને પોતાની સમકક્ષ લાવવાનો પ્રયત્ન કર્યા બાદ જો નિષ્ફળતા મળે તો આવું કહી શકાય તે એકવાર માની પણ લેવાય. યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડ અને યુનિવર્સિટી ઓફ ન્યુ હેમસ્ફિઅરમાં તાજેતરમાં આ અંગે ય સંશોધન થયું છે. તેમાં એવું બહાર આવ્યું છે કે વ્યક્તિ પર પ્રિયપાત્ર કે જીવનસાથી દ્વારા કરવામાં આવેલી ટીકા ખૂબ ક્રૂર અને લાગણીને ઘવાવતી હોય છે. એટલે જ્યારે તેનું રિએકશન આવે છે તે ક્યારેક વધારે પડતું પણ લાગી શકે. ટ્રેનમાં કે મેળાવડા કે લગ્નપ્રસંગોમાં અનેક પતિઓને સહજતાથી તિરસ્કારપૂર્વક ટીકા કરતાં જોયા સાંભળ્યા હશે. મોટેભાગે આસપાસમાં ઊભેલા આપણને ય તેમાં કંઇ અજુગતું નથી લાગતું. પણ જો કોઇ પત્ની ક્યારેક પતિને ઊતારી પાડતી દેખાય તો તરત જ એની ટીકા થાય છે કે આ યોગ્ય નહોતું. આ સહજ ક્રૂરતાઓ બાદ જો લગ્નના વરસો ઊજવાય તો એમાં કોઇ આંતરિક ઊમળકો નથી હોતો. પોતાની પત્નીની વર્ષગાંઠ પર કે લગ્નગાંઠ પર બીજાની પાસે કવિતા કે પત્રો લખાવતાં અને મોંઘી ભેટો આપતા પતિઓ એવું ન કરવાને બદલે પોતાની પત્નીનો પ્રેમપૂર્વક હાથ પકડી દિલથી બસ સોરી અને આભાર બે જ શબ્દો કહેશે તો પત્નીની આંખો હર્ષથી છલકાઈ ઊઠશે. અંગત અને નજીકની વ્યક્તિને પ્રેમ કરતાં હોઇએ ત્યારે તેની ન ગમતી બાબતને ટીકા કરવાને બદલે, તમારો જુદો અભિપ્રાય હોઇ શકે છે કે તમને આવું લાગ્યું તે લાગણીને ઘસરકા પાડ્યા સિવાય કહેવાની કળા જેણે આત્મસાત કરી હોય તે પુરુષને સલામ....


You Might Also Like

0 comments