પાણીનો બગાડ રોકવાનો પ્રયત્ન કરતો ઓલિયો (saanj samachar)

06:23



 ઉનાળો આવે અને ચોમાસુ લંબાય કે પાણીના પોકારો ગુજરાતને ઘમરોળશે

નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડવાના પ્રયત્નો થયા. આજી ડેમ પણ આ વરસે છલકાયો હતો તેનો હરખ રોજકોટવાસીઓ ઘેલા થઈને ઉજવ્યો હતો. તે છતાં ઉનાળો આવતા પાણીની અછત અનેક વિસ્તારોમાં દેકારો મચાવશે. તેમાં પણ જો ચોમાસુ થોડા દિવસો લંબાયું તો તકલીફ કેવી થશે તેનો અનુભવ આપ સૌ સૌરાષ્ટ્રવાસીઓને છે જ. તો આ બાબતે આપણી જવાબદારી કેટલી? આમ તો આપણે જળને પૂજનારા, નદીઓને માતા ગણનારા, પરંતુ ખરેખર આપણે નદીને જાળવીએ છે ખરા કે પછી પાણીની કિમત જાણીએ છીએ ખરા.
ડૉ જસ્ટિન મોગ જેઓ સસ્ટેઈનેબિલિટી ઈનિશિએટીવ છે એટલે કે ટકાઉપણાનાં શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. વિકોન્સિન યુનિવર્સિટીમાં એન્વાર્યમેન્ટ એજ્યુકેશન પણ શીખવે છે. તેમણે કહ્યું છે કે ક્રેડિટ કાર્ડ આવ્યા બાદ લોકો બેફામ ખરીદી કરવા લાગ્યા છે.  જે રીતે કાર્ડ પર ખરીદી કરતી વખતે વિચારતાં નથી કે તે ઉધારી ચૂકવવી પણ પડે છે. એ જ રીતે પર્યાવરણ વિશે પણ વિચારતા નથી. બેફામ પાણીનો અને કુદરતી બક્ષિસોને વાપરીએ છીએ. હવે એક નવી ફેશન શરૂ થઈ છે. મોંઘું  ઓર્ગેનિક વાપરીને આપણી ગીલ્ટ ઓછી કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ ઈન્ડસ્ટ્રીઅલાઈઝેશનથી પર્યાવરણ પ્રદુષિત કરી નાખ્યા બાદ એ ઝેરી પ્રદુષણ આપણી જમીન અને પાણીમાં પણ પહોંચી જાય છે. એટલે કશું જ કુદરતી રીતે પકાવી શકાતું નથી. પાણી વિશે વિચારવાની તો શહેરીજનોને જરૂરત જ નથી. સ્વિમિંગપુલ, ટબ અને શાવર સિસ્ટમ તેમ જ ટોઈલેટ ફ્લશ દ્વારા પાણી વેડફતા જરા પણ ગિલ્ટ નથી અનુભવાતું. પાણી મેળવવા માટે મોટા બંધ બંધાય તેને બાંધવા માટે જે સિમેન્ટનું કામ થાય તેનાથી વાતાવરણ વધુ પ્રદુષિત થાય. પાણી સાથેનો નાતો કપાઈ જાય. અને એ જ પાણી આપણે ટોઈલેટમાં ફ્લશ કરીને તેને પાછું પાણીમાં નાખીએ. પાણી પ્રદુષિત કરીને તેને પાછું રિસાયકલ કરવું કેટલું મોંઘું પડે તે વિશે વિચારતા નથી. આપણે સતત ઉપભોક્તાવાદને પોષીએ છીએ. સસ્તી વસ્તુઓ વધારેને વધારે ખરીદીએ છે એ બધાના ઉત્પાદનમાં પણ પ્રદુષિતતા વધે છે તે વિશે વિચાર કરતાં નથી. જેટલી વસ્તુઓ વધુ ખરીદીએ તેટલું ઉત્પાદન વધે એનાથી અર્થશાસ્ત્રને ફાયદો થતો હશે પણ પર્યાવરણને આપણે ધીમે ધીમે નષ્ટ કરી રહ્યા છીએ. આજે આપણી પાસે પાણી છે પણ તેનો બગાડ કરીએ છીએ. પ્રદુષિત કરીએ છીએ.
પર્યાવરણશાસ્ત્રીઓનું કહેવું છે કે પૃથ્વીની વસ્તી સતત વધી રહી છે એટલે પાણીની જરૂરિયાત પણ વધશે. પૃથ્વી પર 75 ટકા પાણી છે પણ તે દરિયા રૂપે છે. ખારું છે. પીવાનું શુદ્ધ પાણી તો ખૂબ જ ઓછું છે. આ બધું જાણ્યા બાદ કોઈકને એવો વિચાર આવે કે નળમાંથી એક ટીપું પાણી પણ નકામું વહી ન જવું જોઈએ. ઢબુજીનું પ્રખ્યાત કાર્ટુનનું પાત્ર વિકસાવનાર મુંબઈવાસી આબિદ સુરતીની વાત કરવી છે. તેમના કાર્યથી અનેકને પ્રેરણા મળી છે, તેમની રાહે ચાલવાનો અનેક લોકો પ્રયત્ન કરે છે કદાચ તમે પણ કરો.....
દસ વરસ પહેલાં 73  વરસના આબિદ સુરતીએ એટલે કે 2007માં અખબારમાં વાંચ્યું કે દર સેકન્ડે એક ટીપું પાણી જો નળમાંથી લીક થાય તો  મહિનામાં 1000 લિટર પાણી ગટરમાં વહી જાય છે. લેખક, કાર્ટુનિસ્ટ, પેઈન્ટર આબિદ સુરતીનું બાળપણ મુંબઈના ડોંગરી વિસ્તારમાં વીત્યું હતું. ત્યાં પાણી દિવસમાં એક જ વાર આવતું અને પાણીને ખૂબ કરકસરથી વાપરવું પડતું. આ રીતે પાણીના વેડફાટની વાત  વાંચીને સંવેદનશીલ આબિદ સુરતી અસ્વસ્થ થઈ ગયા. તેમને વિચાર આવ્યો કે કંઈક તો કરવું જ જોઈએ.
આજે 83 વરસની ઉંમરે આબિદભાઈ હાલ મીરાં રોડ વિસ્તારમાં રહેતા હોવાથી નક્કી કર્યું કે એકલપંડે એક કામતો થઈ જ શકે. લીક થતાં નળને રિપેર કરવાનું કામ જરૂરી છે.  તેમણે નક્કી કર્યું કે અઠવાડિયામાં એક દિવસ પાણી બચાવ માટે આપવો. તેમણે પ્લમ્બર રાખ્યો સાથે અને મકાનોમાં જઈને લોકોના બારણે ટકોરા મારીને પૂછ્યું કે તમારા ઘરમાં કોઈ નળ ટપકે છે? હા પાડે તો મફતમાં નળ રિપેર કરી આપે અને ના કહે તો તકલીફ બદલ માફી માગી. બીજા ઘરે ચાલતી પકડે. તેમણે ડ્રોપ ડેડ ફાઉન્ડેશનની સ્થાપના કરી. તેમાં સૌ પ્રથમ હિન્દી સાહિત્ય માટેના એવોર્ડની રકમ જે તેમને મળી હતી એક લાખ રૂપિયા તેનાથી શરૂઆત કરી. લોકોએ તેમના આ કામને પાગલપન પણ ગણ્યું. તેમના બાળકોએ અને મિત્રોએ કહ્યું કે આ રીતે સમય બરબાદ કરીને કોઈ ફાયદો નથી. લોકોના ઘરે જાય અને સ્ત્રી દરવાજો ખોલે તો બે પુરુષોને જોઈને દરવાજો ન ખોલે કે અંદર ન આવવા દે એટલે તેમણે એક સ્ત્રી વોલન્ટિયર પણ રાખી.
આજે પણ આબિદ સુરતી દર અઠવાડિયે નળ રિપેર કરી પાણી બચાવવાનું કામ કરે છે. પ્લમ્બર અને વોલિન્ટિઅરે પણ તેમની સાથે પછી તો મફતમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં તેમણે દસલાખ લિટરથી ય વધુ પાણીની બચત કરી છે એવું કહી શકાય. તેમના આ કામની નોંધ અનેક દેશવિદેશી અખબારોએ લીધી છે એટલું જ નહીં થોડો સમય પહેલાં અમિતાભ બચ્ચનના એક શોમાં પણ તેમને  આ કામ કરવા માટે  બિરદાવવામાં આવ્યા. હવે તેઓ નિયમિત રવિવારે નથી જઈ શકતાં. કારણ કે તેમને દેશવિદેશમાં લોકો પાણી પર બોલવા માટે આમંત્રણ આપે છે. ખૂબ નમ્રતાથી કહે છે કે મારા ઉદાહરણથી અનેક લોકોએ પોતે આ કામ ઉપાડી લીધું છે. હું ગંગાને સાફ કરવા નહીં જઈ શકું પણ પાણીનું ટીપું ય બચાવી શકું તો ગનીમત છે. સાંભળ્યું છે કે  ફિલ્મ અભિનેતા ગુલશન ગ્રોવર પણ જ્યારે સમય મળે ત્યારે પ્લમ્બર સાથે ટપકતાં નળને રિપેર કરવા નીકળી પડે છે. આ કામ પર મારો ઈજારો નથી. પાણી બચાવવાની ફરજ  દરેકની છે સમજદારીથી લોકો તેને  ઉપાડી લે તે જ મહત્ત્વનું છે. દરેક વ્યક્તિએ પાણી બચાવવાની જરૂર છે. બીજું મેં એક કામ કર્યું કે આપણે ત્યાં લોકો ધર્મને નામે ચોક્કસ સાંભળે છે એટલે પોસ્ટર બનાવ્યા જેમાં સૌ પ્રથમ હું મીરાં રોડ મુસ્લિમ વિસ્તારમાં રહું છું એટલે ઈસ્લામિક પોસ્ટર બનાવ્યું. તેમાં મુહમ્મદ પ્રોફેટનું વાક્ય લખ્યું. તેમણે કહ્યું હતું કે તમે નહેરને કિનારે બેઠા હો તો પણ તમને પાણી વેસ્ટ કરવાનો અધિકાર નથી. આ પોસ્ટર મસ્જિદોમાં જ્યાં લોકો વજુ કરે એટલે કે પાણીથી હાથપગ ધોઈને પવિત્ર થાય ત્યાં લગાવ્યા. થોડા સમય પછી એક મુલ્લાએ કહ્યું કે પહેલાં અમારે ત્યાં બે ટાંકી ખાલી થતી હતી પણ આ પોસ્ટર લગાવ્યા બાદ હવે અડધી ટાંકી પાણી જ વપરાય છે. ગણેશ ઉત્સવ સમયે ગણેશજીના  પોસ્ટરમાં લખ્યું કે જો પાણી જ નહીં બચે તો મારું વિસર્જન ક્યાં કરશો? દરેક પંડાળમાં આ પોસ્ટર લગાવ્યા. એ જ રીતે ગુરુનાનક અને જિસસ સાથે પોસ્ટર બનાવવાના કામ ચાલુ છે. અત્યારે તો હું મારા વિસ્તારમાં જ આ કામ કરું છું. લોકોને રસ પડે તો તેઓ પણ આ પોસ્ટર છાપીને વાપરી શકે છે. મારી વેબસાઈટ પર બધું જ મૂક્યું છે.  દસ વરસથી પાણી બચાવવાનું કામ કરું છું. મારાથી શક્ય બનશે ત્યાં સુધી કરતો રહીશ. છેલ્લે એટલું જ કહેતો હોઉં છું લોકોને કે સમસ્યાઓ તો જીવનમાં છે જ પણ સમસ્યા વિશે ચર્ચાઓ કરવા કરતાં તેનું નિવારણ કરવાના કામે લાગી જવું જોઈએ.
આબિદભાઈનો સંદેશો જો ગળે ઉતરે તો લાગીએ કામે ટપકતાં નળને બંધ કરીએ, ઓછું પાણી વાપરીએ, વેડફાટતો ન જ કરીએ.
 

You Might Also Like

0 comments