પડદા પાછળની સંચાલિકાઓ

09:38



કરોડોનો વ્યવસાય કરતા ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં સ્ત્રી દિગ્દર્શકોનું પ્રમાણ ફક્ત 5 ટકા જ છે. 


ગયા અઠવાડિયે કલ્પના લાઝમીનું અવસાન થયું ત્યારે તેમના વિશે અનેક વાતો વાંચવા મળી. કલ્પના લાઝમી નારીવાદી હતા. એટલે તેમણે જે થોડી ઘણી ફિલ્મો બનાવી તેમાં સ્ત્રી જીવનને જુદા દૃષ્ટિકોણથી જોવામાં આવી હતી. કલ્પના લાઝમીએ પોતાના જીવનને પણ પોતાની શરતો પર જીવવાનું રાખ્યું હતું. 17 વરસની ઉંમરે પોતાનાથી 23 વરસ મોટા ભૂપેન હઝારિકા સાથે કોઈ શરત કે કોન્ટ્રેક્ટ વિના જોડાયા હતા. લગ્ન ન કરવાનો આગ્રહ પણ કલ્પનાનો પોતાનો જ હતો. ભૂપેન અને કલ્પના 40 વરસ સુધી એકબીજાની સાથે ખરા અર્થમાં જીવનસાથીની જેમ જીવ્યા. એક અખબારને આપેલી મુલાકાતમાં કલ્પનાએ ભૂપેન વિશે કહ્યું હતું કે મને ખબર હતી કે તે સારા પતિ નહીં બની શકે એટલે તેમણે મને લગ્ન કરવાનું કહ્યું હોવા છતાં હું ના પાડતી રહી. 
કલ્પના લાઝમી પોતે સ્વતંત્ર ફિલ્મમેકર તરીકે કામ કર્યું અને તેમણે સ્ત્રીને એક મનોરંજક શરીર તરીકે નહીં પણ  વ્યક્તિ તરીકે કચકડે કંડાર્યું. તેમણે માત્ર 6 ફિલ્મો જ બનાવી જેમ કે એકપલ, દમન, રુદાલી, ચિનગારી જેવી સ્ત્રીપ્રધાન વિષયવાળી ફિલ્મો . તેમની ફિલ્મોમાં એવી સ્ત્રીઓની વાત આવે કે જે સમાજનો ભાગ તો છે પણ તેમના વિશે કોઈ પુરુષ ફિલ્મ બનાવવાનું વિચારે નહીં. જીવનમાં અને કામમાં ઉફરા ચાલીને પોતાનો ચીલો સ્થાપનાર કલ્પના જેવા વધુ સ્ત્રી દિગ્દર્શકોની આપણને જરૂર છે.   
ખેર જો કે હિન્દી સિનેમામાં સૌ પ્રથમ સ્ત્રી દિગ્દર્શક તરીકે પ્રવેશ કરનાર તરીકે કલ્પના લાઝમી નહીં પણ   સાંઈ પરાંજપેનું આવે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં  સ્ત્રી દિગ્દર્શકોએ પોતાનો નવો ચીલો ચાતર્યો છે તે તો માનવું જ પડે. સાંઈ પરાંજપેએ ફિલ્મોમાં સમાજના ચહેરાને હળવાશથી રમૂજી રીતે રજૂ કર્યો છે એવું કહી શકાય છે. ચશ્મે બદદૂર, કથા અને સ્પર્શ  જેવી ફિલ્મો આજે પણ લોકોને યાદ રહી છે. તેમની ફિલ્મોમાં પણ સ્ત્રી પાત્ર માત્ર પુરુષોના મનોરંજન તરીકે ન ઉપસતું. તેમના સ્ત્રી પાત્રો સ્ટ્રોંગ રહ્યા છે. તેમની ફિલ્મો નારીવાદી ન હોવા છતાં સ્ત્રીનું વ્યક્તિત્વ અને ગરિમા જળવાઈ રહેતા. મોટાભાગે ફિલ્મો પુરુષો દ્વારા બનાવાતી હોવાને લીધે ફિલ્મોમાં સ્ત્રીના શરીરનો ઉપયોગ પણ પુરુષના મનોરંજન માટે જ થતો આવ્યો છે. સ્ત્રીને જે રીતે સાડી પહેરાવાય, જે રીતે કેમેરો તેના શરીર પર ફરે તેને અભ્યાસીઓ મેલ ગેઝ તરીકે તપાસે છે. સ્ત્રી દિગ્દર્શકો સ્ત્રીને શરીર તરીકે નહીં પણ વ્યક્તિ તરીકે રજૂ કરે છે. તેમના વિશ્વની ન કહેવાયેલી વાતને રજૂ કરે છે. ભલે એવું કહેવાતું હોય કે સ્ત્રીના ગૌરવની વાત કરવા માટે સ્ત્રી હોવું જરૂરી નથી પણ સ્ત્રીના વિશ્વની વાત કરવા માટે સ્ત્રી હોવું અનિવાર્ય લાગી રહ્યું છે. 
આજે પણ અનેક નવી સ્ત્રી દિગ્દર્શક, લેખિકાઓ પુરુષોની સત્તામાં છીંડુ પાડીને નવા વિષયો લાવીને છવાઈ રહી છે. ગૌરી શિંદેએ ઈંગ્લીશ વિંગ્લીશમાં ગૃહિણીને હિરોઈન બનાવી દીધી. સાડીને સેક્સુઅલ નહીં પણ શક્તિનું પ્રતિક બનાવ્યું. આજના જમાનામાં ગૌરી ઈચ્છતતો પાત્રને સલવાર કમીઝ કે પેન્ટ-શર્ટ પણ પહેરાવી શકત. આજે તો મોટાભાગની ગૃહિણી ડ્રેસ સહજતાથી પહેરે જ છે. તે છતાં આખી ફિલ્મમાં શ્રીદેવીને સાડી જ પહેરાવી તેની પાછળ ગૌરીના સ્ત્રીના વિશ્વની અનુભૂતિ કામ કરી ગઈ. ગૌરી શિંદેએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ફિલ્મ ઉદ્યોગમાં સ્ત્રી ફિલ્મમેકરે થોડી વધુ જ મહેનત કરવી પડે છે. સ્ત્રી ફિલ્મ મેકરો માટે મુશ્કેલીઓ ખૂબ હોઈ શકે છે પણ જો કામમાં દમ હોય તો પછી વાંધો નથી આવતો. તમારે તમારી જાતને પુરવાર કરવાની જરૂર પડે જ છે. 
2017ની સાલમાં એક ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન લિપસ્ટિક અંડર માય બુરખા બનાવનાર અલંક્રિતા શ્રીવાસ્તવે કહ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ મેલ બાયસ્ડ છે એટલે કે પિતૃસત્તાક છે. તેમાં જાતીય ભેદભાવ ભારોભાર ભરેલો છે. સ્ત્રીને તેઓ ચોક્કસ ભૂમિકામાં જ જોવા માગે છે. હું નસીબદાર છું કે મારી પહેલી ફિલ્મ ટર્નિંગ 30 ફ્લોપ થઈ છતાં બીજી ફિલ્મ લિપસ્ટિક અંડર માય બુરખા બનાવી શકી. બાકી મોટાભાગની સ્ત્રી ફિલ્મમેકરો-ટેકનિશ્યન પહેલાં નિષ્ફળ પ્રોજેક્ટ બાદ આગળ વધી જ નથી શકતી. ત્યાં જ એમનું રામનામ સત્ય થઈ જાય છે એટલે વધુ ટેલેન્ટેડ સ્ત્રીઓ ફિલ્મ મેકિંગમાં દેખાતી નથી. ટેલેન્ટને પૂરવાર કરવાનો મોકો મેળવવો આ ઈન્ડસ્ટ્રીઝમાં ખૂબ અઘરું છે સ્ત્રીઓ માટે. કિરણ રાવે પણ કહ્યું છે કે સ્ત્રી કેન્દ્રિત ફિલ્મો બનાવવાની વધુ જરૂર નથી પણ સ્ત્રીઓ દ્વારા વધુ ફિલ્મો બનાવવાની જરૂર છે. 
જો કે આજકાલ સ્ત્રી કેન્દ્રિત કે જેમાં સ્ત્રીઓની સ્વતંત્રતાનો મુદ્દો વણી લેવામાં આવ્યો હોય તેવી ફિલ્મો પુરુષો દ્વારા બની રહી છે અને કહાની, ક્વીન કે પિન્ક જેવી ફિલ્મો સફળ થાય છે તે છતાં સ્ત્રી કેન્દ્રિત ફિલ્મો વિશે આ ઉદ્યોગમાં સારું નથી બોલાતું. સ્ત્રી ફિલ્મમેકરો જુદી રીતે વિચારે છે અને જુદી જ વાર્તાઓ  લઈને આવે છે તે માનવું પડે. તેઓ ફિલ્મના માધ્યમનો ઉપયોગ કરીને નારીવિશ્વની વાત સહજતાથી કહેવાની હિંમત કરી શકે છે. કેટલીક પ્રસિદ્ધ સ્ત્રી ફિલ્મમેકરોના નામ જોઈએ તો સાંઈ પરાંજપે, કલ્પના લાઝમી, અપર્ણા સેન, કોંકણા સેન, તનુજા ચંદ્રા, શોનાલી બોઝ, રીમા કાગતી, કિરણ રાવ, ગુરિન્દર ચઢ્ઢા, નંદિતા દાસ, ફરાહ ખાન, ઝોયા અખ્તર, મીરાં નાયર, દીપા મહેતા. 
આ દરેક ફિલ્મ સર્જકોએ ખૂબ મહેનતથી પુરુષપ્રધાન ઈન્ડસ્ટ્રીઝમાં ચીલો ચાતર્યો છે. જો કે આમાંથી મોટાભાગની સ્ત્રીઓ એક યા બીજી રીતે સ્થાપિત પુરુષોની સંબધિત છે એટલે તેમને માટે સરળતા થઈ હોય, પણ ના એવું નથી. એ સ્ત્રીઓએ પોતાને પુરવાર કરવા માટે પુરુષો કરતાં થોડી વધુ મહેનત કરવી જ પડી છે એવું દરેકે કબૂલ્યું છે. કોઈ તમને સફળતા પ્લેટમાં સજાવીને આપી શકતું નથી. તમારે દરેક જગ્યાએ સાબિત થવું પડે છે. સખત મહેનતનો કોઈ પર્યાય સ્ત્રીઓ માટે નથી. ગ્લેમર વર્લ્ડમાં શરીરથી ફક્ત મનોરંજન જરૂર થતું હશે પણ સાચા અર્થમાં સફળતાતો મહેનત દ્વારા સાબિત થયા બાદ જ મળે છે. તે સંબંધોથી મેળવી શકાતી નથી. જો સંબંધોથી જ સફળતા મેળવી શકાતી હોત તો અનેક પુરુષો જે આ ઈન્ડસ્ટ્રીઝમાં નિષ્ફળ નહોત. નામ સુજ્ઞ વાચકો જાણે જ છે. પિતા પુત્રને રાજગાદી આપી શકતો નથી. હા કામ મળવામાં કે બીજો ચાન્સ મળવામાં, ફાયનાન્સર મળવામાં થોડી સરળતા જરૂર મળે જે આઉટસાઈડર એટલે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી ન હોય તેવી સ્ત્રીઓને ન મળે. રાજશ્રી ઓઝા આયેશા બનાવ્યા બાદ ક્યાં ખોવાઈ ગઈ રામ જાણે. 
સ્ત્રી કેન્દ્રિત ફિલ્મો બનાવવાનો ચાલ આજે ચાલી રહ્યો છે પણ 13800 કરોડનું ટર્નઓવર ધરાવતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં હજી સ્ત્રી વ્યાવસાયિકોની સંખ્યા નહિવત છે. દરરોજની ત્રણ ફિલ્મોનું પ્રોડકશન થતું હોય તેમાં મહિલા ટેકનિશ્યનો નહીંવત કે એક આંગળીના વેઢે ગણી શકાય એટલી જ હશે. સ્નેહા ખાનવલકર એકમાત્ર નામ મ્યુઝિક કમ્પોઝર તરીકે નામ જાણવા મળે છે. સ્ત્રી સિનેમેટોગ્રાફર કે સાઉન્ડ રેકોર્ડિસ્ટનું અસ્તિત્વ જ નથી. એડિટિંગમાં સંજય ભણસાલીની બહેન બેલા સહેગલ એકમાત્ર જાણીતું નામ છે. અભિનેત્રી તરીકે એમાત્ર પોઝિશન છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જ્યાં સ્ત્રી સિવાય ચાલે એમ નથી. જો કે તેમાં વિદ્યા બાલન જેવી અભિનેત્રી હોવા છતાં પુરુષોને ગમે એવું પાતળી, યુવાન અને સેક્સી ફિગર ધરાવતી સ્ત્રીઓ ચાલી શકે. કરિના કપૂર હોય કે કાજોલ કે ઐશ્વર્યા રાય બાળકના જન્મ બાદ શરીર જાળવવા માટે સખત મહેનત કરે છે. તે છતાં તેમને મુખ્ય રોલમાં કામ મળવા ધીમે ધીમે ઓછા થઈ જાય છે. જો કે સ્ત્રી ફિલ્મ સર્જકોની સંખ્યા વધશે તેમ કદાચને બદલાવ આવે ય ખરો. 
છેલ્લે જાણકારી માટે ફાતેમા બેગમ પહેલી ભારતીય સ્ત્રી દિગ્દર્શિકા હતી. 1926ની સાલમાં બુલબુલે પરિસ્તાન નામની પહેલી ફિલ્મ તેમણે ડિરેક્ટ કરી હતી. પાલુવાયી ભાનુમથિ રામક્રિષ્ણએ 1953માં ચાંદીરાની નામની ફિલ્મ ત્રણ ભાષામાં ડિરેક્ટ કરી હતી. તેલુગુ, તમિલ અને હિન્દી. 1993 સુધી ભાનુમથિએ ફિલ્મનું દિગ્દર્શન સંભાળ્યું હતું. ભાનુમથિને 1986ની સાલમાં નંદી એવોર્ડ મળ્યો છે ફિલ્મ બનાવવા માટે. 










You Might Also Like

0 comments