યે અંદર કી બાત હૈ

06:32










 

પુરુષોના આંતર વસ્ત્રો અને જાહેરાતો વિશે લખવાનો વિચાર આખરે અમલમાં મૂકી દીધો



એક ફિલ્મ જોવા ગઈ હતી ગયા અઠવાડિયે ત્યારે ફિલ્મ શરૂ થતાં પહેલાં ગંજીની જાહેરાતમાં આપણા હીરોલોગને જોયા. વળી એકની એક જાહેરાત ત્રણ ત્રણવાર માથે મારે. પહેલીવાર તો એમ જ જોવાઈ ગઈ કે થિયેટરવાળાને ય કમાવું હોય, વળી હજી બધા દર્શકો આવે ત્યાં સુધી કમાણી અને મનોરંજન બન્ને થતું રહે. પણ જ્યારે બે જુદી બ્રાન્ડની ગંજીઓની જાહેરાત બે કે ત્રણવાર બતાવી એટલે લેખિકાનું મગજ વિચારે ચડ્યું. યાદ કરવા લાગી કે કેટલા હીરો ગંજીની જાહેરાતમાં દેખાયા હતા. શાહરુખ ખાન, રિતિક રોશન, અજય દેવગન, સલમાન ખાન, અક્ષય, વરુણ ધવન, રણવીર, ટાયગર શ્રોફ વગેરે વગેરે..

અમિતાભ બચ્ચને બધી જ જાહેરાતો કરી છે પણ ખેર, એક તો આ ગંજીને પૌરુષેય બખતર હોય તેવું દર્શાવવાના પ્રયત્નો થાય ત્યારે બાળપણમાં કાલબાદેવીના અમારા મકાનમાં રહેતા એક કાકાની ફાટેલી ગંજી યાદ આવે. એ ગંજી પહેરીને એ ઘરના કામ કરે. ફાટેલી ગંજી પહેરતા પણ બે દીકરીઓને ભણાવવાના દરેક પ્રયત્નો કર્યા. ફાટેલું ગંજી કોઈ ગરીબ પુરુષનું સ્વમાન હોઈ શકે છે. યે અંદર કી બાત હૈ કહીને આંખ મિચકારતા પુરુષોનું સશક્ત શરીર એ ગરીબ ક્યાંથી લાવશે. એ પુરુષ પાસે તો પુરતું ખાવાના ય પૈસા ન હોય. અને તે ગંજી એટલે પહેરતો હોય કે તેનું શર્ટ પરસેવાથી મેલું ન થાય અને તેને વારંવાર ધોવું ન પડે. ઠંડી લાગે તો એ ગંજી થોડી હુંફ આપે. જો કે આપણે ત્યાં ગરીબો અને મધ્યમવર્ગ માટે આ ઈનરવેઅર નાઈટ ડ્રેસ તરીકે પણ ઉપયોગમાં લેવાતું હોય છે. ફેશન પ્રમાણે જોઈએ તો ગંજી બહાર દેખાવું ન જોઈએ. પણ લગભગ દરેક ભારતીય ઘરોમાં ગંજીને લેંઘો કે પછી લૂંગી કે પછી હવે તો ટ્રેક પેન્ટ પર પણ ગંજી પહેરીને ફરતા પુરુષો જોવા મળી શકે છે. લાંબા અંતરની ટ્રેનમાં પણ અનેક પુરુષો ગંજીભેર મુસાફરી કરતાં જોવા મળી શકે. ખેર, અહીં ઈનરવેઅર તરીકે પહેરાતો ચટ્ટાપટ્ટાવાળી શોર્ટ્સ કે લેંઘો હવે કેટલાકની સ્મૃતિમાં જ જળવાઈ રહ્યો હશે. ઈનરવેઅરમાં ફક્ત ગંજી જ ન હોય જેને આપણે અન્ડરવેઅર તરીકે ઓળખીએ છીએ તે જાંગીયા પણ આવે જ. જરાક વિચારો તો જણાશે કે આ બધા હીરો લોગ ગંજીની જાહેરાતમાં દેખાય છે પણ જાંગીયાની જાહેરાતમાં નથી દેખાતા કેમ એ સવાલ અનુત્તર જ રહે છે. જો કે અન્ય પુરુષ મોડેલ દ્વારા એની જાહેરાતો આવે છે તેમાં પણ સ્ત્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે. એક જાહેરાતમાં અન્ડરવેયર પહેરેલાં પુરુષને અનેક સ્ત્રીઓ કિસ કરે છે. શું પુરુષો એ રીતે ફરે છે? ના હવે અન્ડરવેઅર દેખાય એ રીતે યુવાનો જીન્સ પહેરે છે ખરા પણ મોટાભાગે તમારા ઈનરવેઅર બહાર ન દેખાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેન્ટલમેન કદીય ઈનરવેઅર દેખાય એમ પહેરતા નથી. ટીનએજ ફેશન એ જુદી વાત છે. જો કે તે માટે બ્રાન્ડેડ અન્ડરવેઅર હોવા જરૂરી છે. શક્ય છે અન્ડરવેઅર દેખાય એવા જીન્સ પહેરવાની ફેશન આ બ્રાન્ડેડ અન્ડરવેઅર(જાંગીયા) બનાવતી કંપનીઓએ જ પ્રમોટ કરી હોય. માર્કેટિંગ કુછ ભી કર શકતી હૈ.

ફીટ હૈ બોસ કહીને બીજાની ધોલાઈ કરે અને તેની પાછળ સ્ત્રીઓ ખુશ થાય. એકાદી સ્ત્રી નહીં પણ સ્ત્રીઓ એ ગંજી પહેરેલા પુરુષની આગળપાછળ ફરે એવો સંદેશો આપવાનો શો અર્થ કાઢી શકાય? તેમાં પણ મીટુનો દેકારો પુરુષોને ન ગમતો હોય ત્યારે એક તો પુરુષોને એક સ્ત્રીથી ન ચાલે. બીજું કે સ્ત્રીઓ ફક્ત તેમના કસાયેલા શરીર પર ગંજી પહેરવાથી સરળતાથી તેમના પર ફિદા થઈ કે પછી જાહેરાત બનાવનારા, ગંજી બનાવનારા અને ખરીદદાર દરેક પુરુષોને સ્ત્રી શરીરનો નયનસુખ તરીકે પણ ઉપભોગ કરવો હોય છે એટલે. ગંજીની જાહેરાતમાં સ્ત્રીના શરીરની જરૂર નથી હોતી પણ અન્ડરલાઈન સામાજિક માનસિકતા અહીં છતી થાય છે. સ્ત્રી શરીરનો ઉપયોગ સ્ત્રીઓ માટે તો નથી જ થતો, પુરુષોમાં સ્ત્રીને ફક્ત શરીર તરીકે જોવાની માનસિકતા હોવાને કારણે જાહેરાતથી લઈને ફિલ્મોમાં મેલ ગેઝ એટલે કે પુરુષની દૃષ્ટિએ જ દરેક ફ્રેમને જોવાની હોય છે. ઈનરવેઅરની જાહેરાતોમાં યુવાન, લાંબી, પાતળી અને ઓછા કપડાં પહેરેલી સ્ત્રીઓને જ દર્શાવાતી હોય છે. ક્યારેય મા કે પત્નીને પુરુષોના ઈનરવેઅરની જાહેરાતમાં લાવવામાં નથી આવતા પણ મોટાભાગે સ્ત્રીઓ જ પુરુષોના ઈનરવેઅર ખરીદતી હોય છે એવું જાણવા મળ્યું છે.

આટલા મોટા હીરોલોગ ગંજીની જાહેરાત શું કામ કરે એવો કોઈને વિચાર આવ્યો હોય તો એનું એક જ કારણ છે મની એટલે કે પૈસા. એક ગંજીની જાહેરાત કરવા માત્રથી એક ફિલ્મ જેટલા પૈસા એટલે કે બેથી છ કરોડ રૂપિયા મળતા હોય છે. વળી ગંજીની બ્રાન્ડ પણ કઈ વિદેશી નથી હોતી. સામાન્ય માણસ પહેરે એવી ગંજીની જાહેરાત તેઓ કરતા હોય છે તેનું કારણ છે કે ગંજી મોટાભાગે મધ્યમ અને ગરીબ વર્ગનો પુરુષ જ પહેરતો હોય છે. કારણ કે તેણે એસી વિના મુસાફરી કરવાની હોય છે. ભારતમાં ગરમી અને પરસેવો અનિવાર્ય છે. એટલે ગંજી પહેરવાથી બહારના શર્ટને પરસેવાના ડાઘ ન લાગે કે શર્ટ ભીનું થઈને શરીરને ચોંટે નહીં એટલે પહેરાતું હોય છે. સસ્તું મળતું ગંજીની જાહેરાતમાં હીરોલોગને જંગી રકમ મળે છે અને પોપ્યુલર હીરો હોય તો એ બ્રાન્ડ સાથે લોકો જોડાય છે. નાના શહેરો અને ગામડાઓમાં શાહરૂખવાળી ગંજી કે સલમાનખાનવાળી ગંજી આપો કહેનારાએ મળી રહે. એ પહેરીને માનસિક સંતોષ થાય છે કે એ હીરોમાં અને આપણામાં એક તો સામ્ય છે કે ગંજી એ જ પહેરીએ છીએ. એટલે જ ગંજીની જાહેરાતમાં યુવાન કસાયેલ શરીર ધરાવનાર હીરોને જ લેવાય છે. લેટેસ્ટ હવે રણવીર, વરુણ ઘવન અને ટાયગર શ્રોફ છે.

હવે ગંજીમાં રંગો ઉમેરાયા છે. ઓરિજીનલી સફેદ જ આવતી પણ લાલ, બ્લેક અને ગ્રે જેવા રંગોમાં વેસ્ટ એટલે ગંજી મળે છે. તેને કેટલાક જીમમાં પણ પહેરે છે અને દેખાય એ રીતે પણ પહેરે છે. જો કે દેખાય એ રીતે પહેરવા માટે પાતળા ટી શર્ટ આવે. ગંજી દેખાય એ રીતે શર્ટ પહેરવાનું ટાળવું જોઈએ. ખાદીની ગંજી પણ બનતી. તેમાં વચ્ચે પેટ પર ખીસું રાખવામાં આવતું. જેથી ત્યાં રાખેલા પૈસા કે કિંમતી વસ્તુ ગરદીમાં ચોરાય નહીં. મુંબઈની ટ્રેનની ભીડમાં તેના પર કાપો મૂકીને ચોરી કર્યાનું સાંભળ્યું છે. બ્લેડ એ રીતે મુકાતી કે પહેરનારના પેટ પર કાપો પડે પણ તેને ખ્યાલ ન આવે. બાંયવાળી ગંજી અને બાંય વિનાની ગંજી પણ આવે છે. ગંજી હમેશાં ચુસ્ત હોય તે જરૂરી છે જેથી તે પરસેવો શોષી લે. બગલમાં જેને ખૂબ પરસેવો થાય તેઓ બાંયવાળી ગંજી પહેરે તે હિતાવહ છે.

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા તેમના સફેદ શર્ટની અંદર ગંજી પહેરતા હતા તે અમેરિકન અખબારોએ નોંધ્યું છે. ફેશન જગત માને છે કે ગંજી એવી હોવી જોઈએ કે શર્ટની આરપાર પણ ન દેખાવી જોઈએ. હોલીવૂડની ફિલ્મોમાં હીરોલોગને ગંજી પહેરીને લડતાં દર્શાવ્યા છે. ડાઈહાર્ડ ફિલ્મની સિક્વલ્સ પણ બની છે. તેમાં બ્રુસ વિલીને સફેદ ગંજી પહેરીને માફિયા આતંકીઓ સામે લડતો બતાવ્યો છે. આર્નોલ્ડને પણ રેમ્બોમાં તેમ જ અન્ય ફિલ્મોમાં ગંજીમાં દર્શાવ્યો છે. આ ગંજીની શોધ વીસમી સદીની શરૂઆતમાં થઈ હતી. શરૂઆતમાં લશ્કરમાં સૈનિકો પહેરતા, જેથી તેમનો યુનિફોર્મ ખરાબ ન થાય. એવો પણ સમય આવ્યો છે કે ફિલ્મમાં હીરોને જોઈને ફેશનમાંથી ગંજી ગાયબ થઈ હોય. આપણે ત્યાં સિત્તેર, એશીના દાયકામાં અમિતાભ બચ્ચન, જીતેન્દ્ર, વિનોદ ખન્ના, શત્રુઘ્ન સિંહા વગેરે છાતીના વાળ દેખાય એ રીતે ઉપલા બટન ખુલ્લા રાખવાની ફેશન હતી. તે સમય બાદ અનેક પુરુષોએ ગંજી પહેરવાનું છોડી દીધું હતું. વિલન રણજિત યાદ આવે શર્ટના ઉપલા બટન ખુલ્લા હોય, ગળામાં સોનાની ચેન હોય. આપણે ત્યાં ગંજી પહેરવાનો રિવાજ એટલે હશે કે પુરુષો પહેલાં જ્યારે પેન્ટ નહોતા પહેરતાં ત્યારે ધોતિયું બાંધતા એટલે ઝભ્ભાની અંદર જેમાં પેટ પાસે ખિસ્સું હોય તેવું બાંયવાળું કે બાંય વિનાનું ગંજી પહેરતાં. અથવા ઝભ્ભો અને તેના પર કોટ પહેરતા. પાતળો સદરો ઘરમાં પણ પહેરાતો અને ઈનરવેઅર તરીકે બહાર પણ પહેરાતો હતો એવું યાદ છે શક્ય છે આમાં ઘણી બીજી માહિતીઓ વાચકોની પાસે હોય તો મને લખવા વિનંતી.

You Might Also Like

0 comments