સુખ છેતરામણું તો નથીને!

01:37

http://www.sanjsamachar.net/block/17/open-mind




 પડોશી દેશો કરતા હેપ્પીનેસ ઈન્ડેક્સમાં કેમ પાછળ છીએ. થોડું આત્મનિરિક્ષણ કરવાની જરૂર છે 


આપણે જ્યારે કોઈને મળીએ છીએ તો પહેલાં પૂછીએ છે કે કેમ છો? સામે જવાબ મળે છે કે મજામાં..બસ જલસો. હકિકતે એવું નથી હોતું. કોઈને કોઈ સ્ટ્રેસ કે તકલીફ હોય છે. આપણે દુખી હોઈએ છીએ પણ બતાવતાં નથી. તમે નહીં માનો પણ પાકિસ્તાન અને ચીનમાં રહેતા લોકો આપણાથી વધુ સુખી છે. ભૂતાનતો વરસોથી હેપ્પીએસ્ટ દેશોમાં વરસોથી આપણાથી મોખરે છે.જ્યારે  હેપ્પીનેસ ઈન્ડેક્સમાં આપણો નંબર બે વરસ પહેલાં ૨૦૧૬માં ૧૧૮મો હતો, જે ૨૦૧૮માં ૧૩૩ પર પહોંચી ગયો છે.પાકિસ્તાન ૭૫, ચીન ૮૬, નેપાળ ૯૯, બંગલાદેશ ૧૧૦ અને શ્રીલંકા પણ આપણાથી આગળ છે ૧૧૬ નંબરે. એનો અર્થ કે આપણે હકિકતમાં સુખી નથી. હેપ્પીનેસ ઈન્ડેક્સ અનેક આર્થિક આંકડાઓ અને જીડીપી વગેરેને ચકાસીને નક્કી કરાતો હોય છે પણ આપણે ઈમોશનલ ઈન્ડેક્સની વાત કરીએ જેના વિશે બસ હકારાત્મક વાતો કરીને આપણે આપણને છેતરતા હોઈએ છીએ. 

બલ્કીની ફિલ્મ ચીની કમમાં સેક્સી (બાળકીનું નામ છે...) યાદ છેને ? અમિતાભ બચ્ચનને એક દૃશ્યમાં પૂછે છે તું સેડ, સેડ હૈ યા હેપ્પી સેડ હૈ? બહુ સરસ સવાલ છે. રીતે જ્યારે આપણે દુખી હોઈએ છીએ એવું આપણને લાગે ત્યારે જાતને પૂછવા જેવો સવાલ છે કે આપણે ખરેખર દુખી હોઈએ છીએ કે દુખી થવું આપણને ગમતું હોય છે એટલે દુખી હોઈએ છીએ ? ટેક્નોલોજી આવ્યા બાદ હકારાત્મકતાનો એટલે કે પોઝિટિવિટીનો જુવાળ આવ્યો છે. તમે કોઈપણ સોશ્યલ મીડિયા ખોલો તો પોઝિટિવ વાક્યોની ભરમાર દેખાશે. કેટલાક તો રોજ સવારે ગુગલ કરી સારા એટલે કે હકારાત્મક કહેવાતા વાક્યો શોધીને ધરાર લોકોને મોકલશે. ટેગ કરશે. કેટલાક તો ઈમેઈલ પણ કરે

તમારી આસપાસ આવેલી લાઈબ્રેરી કે બુકસ્ટોરમાં આંટો મારશો તો પણ હકારાત્મક અને પ્રેરણાત્મક પુસ્તકોના કબાટોના કબાટો ભરેલા દેખાશે. જો તપાસ કરશો તો જાણવા મળશે કે છેલ્લાં કેટલાક વરસોથી પ્રેરણાત્મક એટલે કે હકારાત્મક સાહિત્યનું વેચાણ ચારગણું વધી ગયું છે. જો આટલા બધા હકારાત્મક વિચારો આપણી આસપાસ હોય તો પણ સ્ટ્રેસ, એન્કઝાઈટી, આપઘાત અને હત્યાના બનાવો કેમ વધી રહ્યા છે?  હમણાં આજે તો મોટેભાગના લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે. રોજ એકાદું હકારાત્મક કે પ્રેરણાત્મક વાક્ય વાંચીને દિવસ શરૂ થતો હોય છે. એવું તો કોઈ ભાગ્યે હોય કે જેઓ સ્માર્ટફોન વાપરતા હોય. તે છતાં આજે ખરા અર્થમાં આનંદમાં કેટલી વ્યક્તિઓ હોય છે? તમે જરા વાત શરૂ કરો કે દરેકને કોઈને કોઈ ફરિયાદ હશે. કોઈને હાથ નીચે કામ કરનાર સારા નથી મળતા તો કોઈને બોસ સારા નથી મળતા. કોઈને કામના પ્રમાણે પૈસા ઓછા મળે છે તો કોઈકને વધુ પૈસા મળે છે પણ તેને માણવા માટે સમય નથી મળતો. કોઈને પ્રસિદ્ધિ જોઈએ છે તો જે પ્રસિદ્ધિ છે તેને જીવનમાં એકલતા લાગે છે. તમને થશે કે ફિલોસોફી ક્યાં લખવા બેસી... બાપુઓની જેમ વાત કરવા લાગી નહીં? પણ ના આજકાલ વૈજ્ઞાનિકો પણ હેપ્પીનેસ અંગે સંશોધન કરી રહ્યા છે. એમાં ડો. કાહેનમેન અને ડિટોને કરેલો અભ્યાસ ખૂબ ચર્ચાયો હતો. તેમણે વરસ ૨૦૦૮-૯માં અભ્યાસ લગભગ સાડાચાર લાખ લોકોનો ડેટા ભેગા કરીને કર્યો હતો. તેમનો અભ્યાસ મુખ્યત્વે શું પૈસા સુખ આપી શકે છે. જો કે અભ્યાસ વિના પણ આપણને કોઈને પણ પ્રશ્ર્ન પૂછ્યો હોય તો ચોક્કસ કહીશું કે હા. કારણ કે આજના આપણા બધાયનો સુખનો આધાર મોંઘી વસ્તુઓ છે. લેટેસ્ટ લોન્ચ થતાં સ્માર્ટ ફોન, મોટું ઘર હોય તો સારું, વળી વેકેશન હોમ પણ જોઈએ. દરિયાની સામે કે ટેકરી પર હોય તો વધુ સારું. ગાડી જોઈએ. મોટી ગાડી હોય તો સારું પણ વિદેશી લકઝુરિયસ ગાડી જોઈએ. એક હોય તો બે જોઈએ. ઊડવા માટે પ્લેન જોઈએ. ફરવા માટે વિદેશના બહેતરીન લોકેશન જોઈએ. એકલા તો ફરાય નહીં એટલે સુંદર સાથીદાર જોઈએ. ડિઝાઈનર ડ્રેસ વગેરે વગેરે આપણી ઈચ્છાઓની યાદી ખૂટતી નથી. અભ્યાસમાં તારણ નીકળ્યું કે પૈસાથી સુખ મળે છે પણ તે માટે ૨૦૧૬માં આપણને ૮૩૦૦૦ ડોલર જોઈએ. ડોલરને રૂપિયામાં ક્ધવર્ટ કરો તો? આટલા બધા રૂપિયા કેટલા લોકો પાસે હોય. આવતા વરસે ઈન્ફલેશન પ્રમાણે સુખી થવા માટે રૂપિયામાં વધારો કરતા જવાનું. જો આટલા રૂપિયા નથી તો હેપ્પીનેસની આવનજાવન ચાલુ રહેશે જીવનમાં પણ ખરેખર હાશ કહી શકાય તેવો આનંદ કે સુખ મેળવવું અઘરું છે, એટલે હકારાત્મક વાક્યો દ્વારા આપણે આપણા મનને સમજાવતાં હોઈએ છીએ કહો ને કે મનાવતા હોઈએ છીએ. આપણે અત્યારે જે વાપરીએ છીએ તે ફોનથી, ઘરથી, કામથી કે પછી જીવનસાથીથી ખુશ નથી. એટલે સુખી નથી. આનંદ નથી. સુખ અને આનંદ આમ તો બે જુદી બાબત છે, પરંતુ અહીં એકસાથે કહું છું કારણ કે આપણે સુખ અને આનંદની ભેળસેળ કરી દીધી છે

સાયકોલોજીસ્ટ લોરા કિંગ અને જોશુઆ હીક્સ અને સિડની ડી મેલો દરેક હેપ્પીનેસ એટલે કે સુખી કે આનંદ અનુભવ પર સંશોધન, અભ્યાસ કર્યા છે. તેમનું પણ એક તારણ નીકળે છે કે તમે જેટલી પીડા સહન કરો, દુખને અનુભવો છો તેટલી તમને સુખની કિંમત સમજાય છે અને તમને આનંદ અનુભવાય છે. સેડનેસ એટલે કે દુખ તમને નમ્ર બનાવે છે. તમારા વિચારોને સ્પષ્ટતા આપે છે અને સધ્ધરતા આપે છે. તમારી એકવિધતાને તોડે છે. દુખમાં તમે ભૂલકણા નથી હોતા. તમને બધું યાદ રહે છે. દુખ, પીડા, પ્રતિકૂળ સંજોગો તમને દરેક પરિસ્થિતિને સ્વીકારવાની વિચારધારા આપે છે. જ્યારે સુખ તમને આછકલા બનાવે છે. ખોટા ગર્વને પોષે છે. લેવા જોખમો લેવા પ્રેરે છે. જ્યારે નકારાત્મક લાગણીઓનો સ્વીકાર કરવાથી તમારા ડિપ્રેશનને વધારતી નથી. તમને ખરાબ બનાવતી નથી. માની શકાય તેવું લાગે પરંતુ જરા વિચારો કે શેરબજારની ઉથલપાથલ થાય ત્યારે સૌથી વધુ દુખી અને ચિંતિત સુખી દેખાતો માણસ થતો હોય છે. પૈસા સુખ ખરીદી શકે છે પણ સંતોષ આપી શકતા નથી. તેને અનુભવવાનો હોય સૂકા રોટલામાં પણ એટલે કે જ્યારે જે છે મળે છે તેમાં

દુખ, વિરહ, નિરાશા તમને એકધારા જીવનમાંથી બહાર કાઢી નવા માર્ગ તરફ દોરી જાય છે. નવી દિશાઓ ખોલી આપે છે. એક સંદેશ વારંવાર સોશ્યલ મીડિયા પર ફરી રહ્યો છે કે સૂરજ ક્યારેય થાકતો નથી, પંખીઓ ક્યારેય દુખી નથી હોતા.... વગેરે વગેરે પણ દુખ, રુદન, નિરાશા, હતાશા બધી લાગણીઓ મનુષ્યને મળતી હોય છે. હકીકતે તેનો નકાર કરીને વધુ ને વધુ તેને વધારતા હોઈએ છીએ. સુખને તમે સ્વીકારો છો તેમ નકારાત્મક ભાવ, લાગણીઓને પણ સ્વીકારવાની જરૂર છે. દરેક સફળતા હકીકતે તો નકારાત્મક સંજોગો અને પરિબળોને લીધે માણસ મેળવી શકતો હોય છે. એક વ્યક્તિ ખરાબ પરિસ્થિતિમાં જો ટકી જઈ શકે છે તો તેને સુખ અને આનંદનો સંતોષકારક અનુભવ થવાની શક્યતા હોય છે. અને એટલે હકીકતે તો નકારાત્મકતાનો જય હોય છે જે તમને રચનાત્મક રસ્તાઓ શોધવા પ્રેરે છે. બાકી તો સુખની ચાદર ઓઢેલો માણસ ક્યારેય નવું કરવાનું સાહસ કરતો નથી. વ્યક્તિ જ્યારે નકારાત્મકતાને સ્વીકારતો નથી ત્યારે તે ખોટા નિર્ણયો લઈ બેસે છે. ખોટા રસ્તે ચાલી જાય છે. સુખી માણસો આપઘાત નથી કરતા કારણ કે દુખ આવશે નહીં તેની એમને જાણે ખાતરી થઈ ગઈ હોય છે. અને જે દુખી માણસ આપઘાત કરે છે તે સુખમાં છકી જઈને લીધેલા ખોટા નિર્ણયોને લીધે ગુનાહિતતાની લાગણીને કારણે . પૈસા ગુમાવ્યા કારણ કે ખોટી રીતે રોક્યા હતા. પૈસા જવાને કારણે કોઈ આપઘાત નથી કરતું. નહીં તો કુદરતી આપત્તિમાં બધું ગુમાવી દેનાર વ્યક્તિઓ ફરી પાછી ઊભી થઈ જાય છે, તો પછી ધંધામાં ખોટ જનાર વ્યક્તિઓ શું કામને ફરી સારા દિવસો આવશે તેવો વિચાર કરતી નથી? હકારાત્મક હકીકતે નકારાત્મકતામાંથી આવી શકે તે ભૂલી જવું જોઈએ. વધુ પડતી હકારાત્મકતા વ્યક્તિને વધુ નુકસાન કરી શકે છે. સુખી થવાની ખોટી ઘેલછાઓ તમને સૌથી વધુ નુકસાનકારક બની રહેતી હોય છે. 


You Might Also Like

0 comments