પિતા પણ નિસ્વાર્થ પ્રેમ કરી શકે છે.

05:00








 દરેક વાચકને સાલ મુબારક, તમારા દરેકના જીવનમાં પ્રેમની સરવાણી વહેતી રહે. પ્રેમ મનુષ્યને આનંદ આપી શકે છે અપેક્ષા નહીં. 



તમને થશે નવા વરસે સારી વાતો કરવાને બદલે વ્યક્તિત્વના ગાણાં લઈને બેસી ગઈ. ગયા અઠવાડિયે અખબારમાં એક સમાચાર વાંચ્યા ત્યારથી વિચારો થંભવાનું નામ નથી લેતા. અમદાવાદમાં એક માતાપિતાએ ઘર છોડીને સાધુ બની ગયેલા પુત્ર સામે ભરણપોષણનો દાવો માંડ્યો છે અને કોર્ટે તેમના દાવાને બહાલી આપી છે. મહિના પહેલાં કોર્ટે ધર્મેશ ગોલને તેના માતાપિતાને દર મહિને દસ હજાર આપવાનો આદેશ આપ્યો છે. લીલાભાઈ અને ભીખીબેનનો દીકરો ઘર છોડીને સાધુ થઈ ગયો છે. અખબારમાં લખ્યા મુજબ  લીલાભાઈએ દીકરાને ભણાવ્યો તેણે નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં પોષ્ટ ગ્રેજ્યુએશન કર્યું. દીકરાની પાછળ ૩૫ લાખ ખર્ચ્યા , ૨૪વરસની ઉંમરે ધર્મેન્દ્રએ સારી કંપનીમાં મળતી નોકરીને ઠુકરાવી ઈસ્કોન સાથે જોડાઈ ગયો. દીકરાને શોધવા નિવૃત્ત પિતાએ આઠેક લાખ રૂપિયા દીકરાને પાછો લાવવા અને મળવા પાછળ ખર્ચ્યા. આખા રિપોર્ટ અને લીલાભાઈનું કહેવાનું વાંચતા લાગે છે કે તેમની અપેક્ષા છે કે દીકરાએ પાછા આવીને પોતાની ફરજ બજાવવી જોઈએ. તેમનું ધ્યાન રાખવું જોઈએ. પણ અહીં એક સવાલ ઉદભવે છે કે બાળકે તમને જન્મ આપવાનું કહ્યું હતું ? તમે પોતાના આનંદ માટે, સ્વાર્થ માટે બાળકને જન્મ આપો છો, પછી તેને ઉછેરવાની જવાબદારી તમારી ફરજ બની રહે છે, પરંતુ તમે બાળકના ઉછેર પાછળ જે પૈસા ખર્ચ્યા તેનું વળતર તેની પાસે માગો તે કેટલું યોગ્ય છે? તમે જો નિસ્વાર્થ પ્રેમ કર્યો હશે તો પણ તમને નિસ્વાર્થ પ્રેમ કરે એવું શક્ય છે પણ જરૂરી નથી. તમે સ્વાર્થીવૃત્તિ સાથે બાળકને ઉછેર્યું હશે તો તે યોગ્ય ખરું? બાળકને પાંખો આવતાં તે ઉડી જશે તેની તૈયારી રાખવી રહી. બાળક પુખ્ત થતાં સ્વતંત્ર વ્યક્તિ બને છે. તેની પોતાની પસંદગી નાપસંદગી હોઈ શકે છે. હા, આપણે માનવી છીએ તેથી લાગણી, સંવેદનાઓ હોય છે. ગીતામાં પણ કહ્યું છેકે તમે કર્મ કરો ફળની આશા રાખો. બધા દુખ અપેક્ષામાંથી ઊભા થતા હોય છે. કોઈ પુત્ર માતાપિતા સાથે નથી રહેવા માગતો તો સ્વતંત્રતા તેની આપવી પડે. તમારો દીકરો કે દીકરી વૃદ્ધત્વમાં તમારી કાળજી લે છે તો તે તમારા નસીબ. નથી લેતા તો તે પણ તમારા નસીબ સમજી સ્વીકારવું રહ્યું. માતાપિતા તરીકે તમારાથી શક્ય હોય તેટલું કરીને તમે બાળકનો ઉછેર કરવાના છો. તમને પરવડે એમ હોય તો બાળક કરવું જોઈએ હવેની જનરેશન સમજી શકે છે. આજની પેઢી વધુ પ્રેકટિકલ અને સંવેદનશીલ છે.  એક બાળક કરે છે અથવા નથી કરતા. બાળકની સાથે મિત્રતા કેળવે છે. તેને સ્વતંત્ર વ્યક્તિ બનાવવાની જવાબદારી માતાપિતાની હોય છે. 
લીલાભાઈ અને ધર્મેન્દ્રની વાત વાંચીને  એક ફિલ્મ યાદ આવી ગઈ. ૨૦૧૦ની સાલમાં વે નામની અંગ્રેજી  ફિલ્મ આવી હતી. ફિલ્મ પિતા,પુત્રના સંબંધની હતી. અને તેમાં રિયલ લાઈફના પિતા,પુત્ર કામ કરે છે. એમિલીઓ એસ્ટેવિઝ ફિલ્મનો નિર્માતા,દિગ્દર્શક અને લેખક છે. તેના પિતા જાણીતા અભિનેતા માર્ટિન શીન ફિલ્મમાં  પણ તેના પિતાનો રોલ કરે છે. કથા કંઇક આવી છે. ડોકટર થોમસ પોતાના દીકરા ડેનિયલના કામકાજ છોડીને દુનિયા ફરવાના નિર્ણય સામે નારાજ છે. પત્નિ વરસો પહેલાં ગુજરી ગયા બાદ થોમસે ડેનિયલને ઉછેર્યો છે. ડેનિયલ પિતાની નારાજગી છતાં પ્રવાસે જતો રહે છે. સ્પેનમાં સેન્ટ જેમ્સની ધાર્મિક યાત્રા કરતાં ડેનિયલ એક દુર્ઘટનામાં મૃત્યુ પામે છે. થોમસ ભાંગી પડે છે, દીકરાના અંતિમ સંસ્કાર માટે સ્પેન જાય છે. ત્યાં પહોંચીને નક્કી કરે છે કે દીકરાની યાત્રા તે પૂરી કરશે. ૭૦ વરસનો બાપ દીકરાની રાખ લઈને પહાડોમાં બીજા યાત્રિકો સાથે પ્રવાસ કરે છે જે પ્રવાસ દરમિયાન તેનો પુત્ર મૃત્યુ પામ્યો છે. પદયાત્રા થોમસને દીકરાની સમજ નજીક પહોંચાડે છે. યાત્રા તેને જીવનનો નવો ઊઘાડ આપે છે.
પુત્ર સોળ વરસનો થાય ત્યાં સુધી દીકરો હોય છે. પણ દીકરો મોટો થતાં પિતા અને પુત્ર બન્ને પુરુષ હોય છે.બન્નેનું પુરુષત્વનો અહમ પોતાની જગ્યાએ યોગ્ય હોય છે. એટલે લોહી અને લાગણીના ડિએનએથી સંકળાયેલા હોવા છતાં ક્યારેક એક ડિસટન્સ બન્ને વચ્ચે સર્જાતું હોય છે. તે છતાં પુત્ર જ્યારે સફળ થાય છે ત્યારે એને સૌ પ્રથમ પિતાની યાદ આવે છે. ખાનદાન ચલાવવાની વાત હવે ભૂંસાતી જાય છે. પણ સફળતામાં પુત્ર પોતાનાથી આગળ હોય તો પુરુષ પિતાનો અહમ સંતોષાય છે. અને જો પુત્ર કંઇ કામ કરે કે ઓછું કમાય અથવા તેમને ગમતું કામ કરે તો પણ પિતાનો અહમ ઘવાતો હોય છે.  એવું કંઈક અમદાવાદનો કિસ્સો વાંચીને લાગ્યું. આપણે ત્યાં દીકરો સાધુ થાય તો તે આનંદની વાત મનાતી હતી. હા, માતાપિતાને પુત્રથી દૂર થવાનું દુખ જરૂર થાય, પણ પુખ્ત વ્યક્તિના નિર્ણયને સ્વીકારવો પડે છે. કેટલાય પુત્ર વિદેશમાં રહે છે અને માતાપિતા એકલા ગામમાં રહી જાય છે.  કેટલાય માતાપિતા કહેતા હોય છે કે અમને પૈસા નથી જોઈતા સહવાસ જોઈએ છે બાળકોનો પણ તેમને પોતાનું વિશ્વ હોય છે. સમજ મોટાભાગના માતાપિતા સ્વીકારી લેતા હોય છે પણ દીકરાની વાત આવે ત્યારે પિતાની સાથેના તેના સંબંધો મહત્ત્વના બની રહે છે. મોટાભાગે પિતા-પુત્ર વચ્ચેના સંબંધો કોમ્પલિકેટેડ હોય છે. જો કે બધો મદાર પિતાની સમજદારી પર હોય છે.  સંબંધ મૈત્રીમાં પણ ફેરવાઈ શકે છે અને દુશ્મનાવટમાં પણ અને ફક્ત વ્યવહારું બનીને પણ રહી જતો હોય છે. તેમાં સંવેદના પણ હોય. 
 પિતાની છબી આપણા હિન્દી સિનેમામાં બદલાઈ રહી  છે. ફક્ત ધમકીઓ આપતો પિતા નહીં પણ પ્રેમ કરતો પિતા પુત્રને મૃત્યુ બાદ પણ સાચી સમજ આપી શકે છે. યે જવાની હૈ દિવાની ફિલ્મમાં ફારુખ શેખ અને રણબીર કપુરની વચ્ચે પિતા પુત્રના સંબંધને આજના સંદર્ભે સરસ રીતે દર્શાવાયો છે. પિતાની ઇચ્છા હોવા છતાં તે પુત્રને નજરોથી દૂર પરદેશ જવાની પરવાનગી રાજીખુશીથી આપે છે. પોતાની રીતે જીવવાની. અને પુત્ર પોતાની દુનિયાને ઘડવામાં સમયને પાર ચાલી જાય છે. પિતાના મૃત્યુ સમયે પણ આવી નથી શક્યો. જ્યારે પાછો આવે છે ત્યારે પિતા વિનાનું ઘર તેને પ્રેમ અને  જીવનનો મરમ સમજાવે  છે.
બીગ ફિશ નામે અંગ્રેજી ફિલ્મ પણ અદભૂત રીતે પિતા પુત્રના સંબંધને રજુ કરે છે. પિતા પુત્ર વચ્ચે અંતર વધી ગયું હોય છે. પુત્રને લાગે છે કે પિતાએ તેને સમય આપ્યો નથી. પિતા મરણપથારીએ છે ત્યારે પુત્ર લગ્નબાદ પત્નિ સાથે આવ્યો છે. પિતા તેને ફેરી ટેલ જેવી પોતાની કહાણીઓ કહે છે. અદભૂત વાર્તાઓ કહીને પિતા પોતાનો ગુનાહિત ભાવ ઓછો કરવા માગતા હોય છે. પુત્ર સમજે છે સ્વીકારી શકતો નથી. પણ પિતાએ કાલ્પનિક વાર્તાઓનું અદભૂત વિશ્વ રચ્યું ઇચ્છવા છતાં છેવટે પુત્ર તેને સાચી માનીને પિતાનો સ્વીકાર કરે છે. અને અંતે કાલ્પનિક વાર્તાઓનો અંત પુત્ર રચી આપે છે. માતાતો જન્મ આપી પુરુષને ઉછેરે છે પણ પિતા પુત્રને પ્રેમનો મરમ સમજાવી શકે છે. 







You Might Also Like

0 comments