સોનલ શુક્લે સમાજને નેતૃત્વની વાચા આપી

03:48


 



સોનલ શુક્લએ સમાજ માટે અઢળક અને અથાગ કામ કર્યું, પણ ક્યાંય પોતાનો ફોટો ન આવે તેવો આગ્રહ રાખ્યો. માનઅકરામની કોઈ અપેક્ષા નહીં. પોતે આ કામ કર્યું છે એવું કોઈ માર્કેંટિંગ નહીં. અને પોતાના નામે એકપણ પુસ્તક પણ નહીં. ખરા અર્થમાં તેઓ વિદુષી હતા.

સોનલ શુક્લ એટલે નારીવાદી એવું લેબલ તેમને લાગી ગયું હતું. પણ, તેઓ સમાનતા, લોકશાહીના આગ્રહી હતા. કોઈપણ અન્યાય તેઓ સાંખી શકતા જ નહીં. ચુપચાપ સહન કરવાનું તેમને ફાવતું નહીં. સમાજમાં સૌથી વધુ અન્યાય થતો હોય તો એ સ્ત્રીઓ પર થાય છે. કારણ કે સમાજની રચના જ પિતૃસત્તાક વિચારધારા પર છે. સોનલબહેન જેવી વ્યક્તિ ફક્ત પોતાના માટે જીવવામાં માને નહીં એટલે તેમણે સામાજિક સંસ્થાઓ સાથે જ્યાં જ્યાં નારી પર અન્યાય થયા તેનો વિરોધ કર્યો. તે સમયગાળો એટલે કે ૧૯૭૦નો દાયકો. વિશ્વભરમાં નારીવાદી ચળવળની લહેર ઊઠી હતી અને તે સમયે મુંબઈમાં પણ ગુજરાતી મહિલાઓ નીરા દેસાઈ, સોનલ શુક્લ, વિભૂતિ પટેલે પણ એ ચળવળમાં દિલોજાનથી કામ કર્યું. મહિલાઓ સાથે થતી હિંસાનો તેઓ વિરોધ કરતાં. પછી તે બળાત્કાર હોય કે, દહેજ હોય કે સાસરિયાઓ કે પતિ દ્વારા થતી મારપીટનો કિસ્સો હોય. આવી મહિલાઓની મદદ કરવી. તેમને યોગ્ય સલાહ અને સહાય કરવી. કાયદાકીય સહાય આપવી વગેરે અનેક કામો આવી જતાં. આ બધા કામ કરતાં સોનલબહેનને સમજાયું કે જરૂરત છે સમાજની માનસિકતા બદલવાની. એ માટે તેઓ લેખ લખતા પણ સાથે સામાજિક સ્તરે માનસિકતા બદલવાનું કામ કરવાની.

૧૯૮૭ની સાલમાં તેમના ઘરમાં બહેન મીનળ પટેલ અને મિત્ર દિનેશ્વરી સાથે મળીને “વાચા રિસોર્સ સેન્ટર” ની શરૂઆત કરી. એ નામ હેઠળ નારી ઉત્કર્ષના કામ કરવા તે નક્કી હતું. ત્રણ જ વરસ બાદ તેમની સાથે નીના હેન્સ જોડાયાં અને ૧૯૯૦ની શરૂઆતમાં વાચા રિસોર્સ સેન્ટરને ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે રજિસ્ટર કર્યું. વાચા શરૂ કરવા પાછળ મૂળ ઉદ્દેશ હતો કે સ્ત્રીઓને વાંચતી-વિચારતી કરવી. સ્ત્રીઓનું બૌદ્ધિક સ્તર જો ઊંચું આવે તો તે પોતાના જીવનમાં આવતા પડકારોનો સામનો કરી શકે. હિંસાનો અને અન્યાયનો વિરોધ તો કરવો જ જોઈએ પણ સમસ્યાના મૂળમાં જવાની સોનલબહેનની બૌદ્ધિકતાએ આજે વાચાનું કામ અનેક સ્તરે વધાર્યું છે. અને તેને કારણે સમાજમાં ધીમે બદલાવ લાવવાના કામમાં તેઓ સફળ રહ્યા છે. આખા સમાજને બદલવા માટે અનેક સોનલબહેનો જોઈએ પણ જેટલું કામ તેમણે ઉપાડ્યું તેટલું એમણે પૂરી નિષ્ઠા સાથે પૂરું કર્યું, વાચાનું શરૂઆતનું રજિસ્ટર સરનામું સોનલબહેનનું ઘર જ હતું. સોનલબહેન પરિણીત હતા. ડૉ હિમાંશુ શુક્લ સાથે તેમણે લગ્ન કર્યાં હતાં. હિમાંશુભાઈનો સોનલબહેનને પૂરો સહકાર રહ્યો. સોનલબહેનતો સમાજસેવા જ કરતાં રહ્યાં એટલે એટલી મૂડી ત્યારે હતી નહીં કે ઓફિસ માટે જગ્યા રોકી શકે. વાચાની મિંટિંગો ઘરમાં જ થતી. લાયબ્રેરી પણ ઘરમાં જ. વાચાનો મુખ્ય ઉદ્દેશ હતો મહિલાઓ માટે લાયબ્રેરી અને રિસોર્સ સેન્ટર ઊભું કરવું. પાંચેક વરસ સુધી ઘરમાંથી કામ થતું રહ્યું પછી સાંતાક્રુઝમાં એક મ્યુનિસિપલ શાળામાં જગ્યા ભાડા પર મળી. શાળામાં કામ કરતાં એટલે ત્યાંની છોકરીઓ અને છોકરાઓ સાથે પણ કામ કરવાની શરૂઆત થઈ.

સોનલબહેન એવું માનતાં કે સ્ત્રી પર અત્યાચાર થાય ત્યારે કામ કરવા કરતાં, છોકરીઓ સાથે કામ કરવું જોઈએ. તેમને આત્મનિર્ભર અને સક્ષમ બનાવવી જોઈએ. જેથી તેઓ પોતાના જીવનમાં આવતા દરેક પડકારોને પહોંચી વળે શકે. બસ પછી તો ૧૦ વરસથી લઈને ૧૮ વરસની ગરીબ પછાત છોકરીઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેમને અંગ્રેજી શીખવાડવું, કોમ્પ્યુટર શીખવાડવું, બોલતાં, વાતચીત કરતાં, પોતાના સપનાં જોતાં અને તેને કઈ રીતે પૂરાં કરવાં તે શીખવાડવું. એ છોકરીઓ પછી તો મોટી થઈને તેમની સાથે કામ કરતી થઈ.

આ કામ તમે વાંચો છો એટલું સહેલું નહોતું. આ છોકરીઓને પહેલાં તો કોમ્યુનિટી સેન્ટર ઉપર લાવવાનું ભગીરથ કામ કરવાનું. તેમનું શિક્ષણ ચાલુ રહે અને તેના માતાપિતા રોકે નહીં તે પણ જોવાનું. આર્થિક સહાયની પણ જરૂર પડે જ એ માટે ફંડ ઊભું કરવાનું. આમ આ કામ વધતું ગયું અને પછી તો ૨૦૦૬માં વાચાને ઝૂપડપટ્ટીમાં રહેતી છોકરીઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું. છોકરીઓને ઘરમાં અને વસ્તીમાં પોતાના અધિકાર માટે જાગૃત કરવાની, તેમને પોતાના જીવનની જવાબદારી ઊઠાવવા તૈયાર કરવાની. વસ્તીમાં તો છોકરીઓને પહેલાં તો પ્રાથમિક શિક્ષણથી આગળ ભણાવાય જ નહીં. તેને કોલેજ સુધી લઈ જવાની. એ પહેલાં લગ્ન નક્કી થાય તો પોતે મક્કમ રહીને કઈ રીતે ના પાડવી તે શીખવાડવાનું. પગભર કરવામાં સહાય થવાનું. આ બધા કામ સોનલબહેનની સૂચનાઓ મુજબ થતાં પણ સોનલબહેન ક્યારેય નેતૃત્વ ફક્ત પોતાની પાસે ન રાખ્યું. તેઓ રસ્તો બતાવતાં. સાથે હિંમત આપતા ઊભા રહેતા પણ છોકરીઓએ પોતે જ નિર્ણય લેવાના, કામ કરવાનું અને સક્ષમ બનવાનું. એક છોકરી નેતૃત્વ કરે કે તે બીજીને પ્રેરણારૂપ બને. દરેક જગ્યાએ આ છોકરીઓને જ આગળ કરવાની. સોનલબહેન ક્યાંય ફોટામાં કે સેમિનારમાં ન દેખાય. ખરા અર્થમાં સમાજની માનસિકતા બદલવાનું કામ સોનલબહેને ચુપચાપ કર્યું. કુલ ૨૫ વસ્તીમાં તેમના કામ થયાં. એમાંથી મોટાભાગની છોકરીઓએ પોતે મંડળ બનાવી કામ આગળ વધાર્યું. કે બસ ત્યાંથી સંસ્થાએ હટી જવાનું. હા, તેઓ મદદ માટે આવે તો સોનલબહેનતો અડીખમ ઊભા જ હોય એટલી ધાઢસ હોય જ. આજે હવે ૧૭ વસ્તીમાં કામ ચાલે છે. ફક્ત મુંબઈ નહીં દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ વાચાએ કિશોરીઓ સાથે કામ કર્યું. કિશોરી મેળાઓ કર્યાં. સતત નવી પદ્ધતિ દ્વારા કિશોરીઓમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને નેતૃત્વનું સિંચન થાય. આમ જ નવા સમાજની રચના થાય. કોવિદના સમયે પણ કામ ચાલુ રહ્યું. લોકડાઉનમાં વસ્તીમાં જવાય નહીં તો મદદ પણ ન થાય. તો ત્યાંની કિશોરીઓએ જવાબદારી ઉપાડી લીધી. વેપારી પાસે એક સરખા અનાજ અને શાકના પેકેટ તૈયાર કરાવવા. તેને જરૂરિયાતમંદને વહેંચવા. બીલ બનાવવું, ફોટા પાડવા. કોવિદના નિયમોનું પાલન કરવું. આ બધું જ ફક્ત ફોન દ્વારા સૂચન લઈને વસ્તીની છોકરીઓએ દોઢ વરસ કર્યું. માતાપિતા ડરતાં કે આવામાં કિશોરીઓ આવી જવાબદારી એકલી કઈ રીતે ઉપાડી શકે… તો માતાપિતાને પણ આ કિશોરીઓએ સમજાવ્યાં. પછી તો ઓનલાઈન શિક્ષણની વાત આવી. તો તે માટે ફોન તો જોઈએ. સોનલબહેનનો આગ્રહ કે ફોન આપ્યા વિના ઓનલાઈન શિક્ષણ ન થઈ શકે.વસ્તીની છોકરીઓ પાસે ફોન તો હોય નહીં. હોય તો પિતા કે ભાઈ પાસે જ હોય. એટલે ત્રણથી ચાર છોકરીઓ વચ્ચે સ્માર્ટ ફોન અપાયા. વિડિયો કોલથી ભણવાનું શરૂ થયું. છોકરીઓ અને માતાપિતાએ જવાબદારી લીધી કે આ ફોનનો યોગ્ય ઉપયોગ જ થાય એ જોવાનું. પછી તો સોનલબહેનને વિચાર આવ્યો કે લોકડાઉન અને કોવિદને લીધે છથી સાત વરસના બાળકોનું વાંચવા લખવાનું બંધ થઈ ગયું હશે. એ લોકો કેવી રીતે શાળા શરૂ થાય ત્યારે પહોંચી વળે? વળી વસ્તીની મોટી છોકરીઓ જે નવમાં- દસમાં ધોરણમાં ભણતી હતી તેમણે જવાબદારી ઉપાડી. એક છોકરી ત્રણથી પાંચ બાળકોને વાંચતાં લખતાં શીખવાડે. કોવિદના નિયમો તો પાળવાના જ. આજે પણ ૧૨૦ છોકરીઓ ૪૩૪ બાળકોને ભણાવે છે. તેમને સ્ટાઈપન્ડ મળવું જોઈએ એવો સોનલબહેનનો આગ્રહ. બાળક દીઠ એ કિશોરી શિક્ષિકાઓને મહિને સો રૂપિયા મળે. આમ આવા કામો સોનલબહેન ૮૦ વરસની ઉંમરે છેલ્લી ઘડી સુધી કોવિદના સમયમાં ઘરમાં બેઠાં કરતાં રહ્યાં. તેઓ ૯ સપ્ટેમ્બરે મૃત્યુ પામ્યા તેના બે દિવસ પહેલાં પણ વાચાની મિટિંગ ચાલતી હતી. સતત નવું કરવું એવા તેમના આગ્રહે વાચાના સ્ટાફને સતત રચનાત્મક વિચાર કરતાં રાખે. છેલ્લા ૧૪ વરસથી સોનલબહેન સાથે કામ કરતાં  યુવા  યજ્ઞા પરમાર  વાચાનું કામ ખંતથી નિભાવી રહ્યાં છે.   નિશ્ચિંત વ્હોરા તેમની સાથે પછી વાચામાં લગભગ ૧૯૯૦ની સાલથી જોડાયાં. મીનળ બહેન, મિત્ર શીલા ભટ્ટ સતત તેમના કામમાં મદદ કરતાં રહ્યા. અભિનેત્રી મીનળ બહેન તેમના નાના બહેન, તેમને તેઓ માતાની જેમ પ્રેમ કરતાં. ગાયિકા સ્વ. રાજુલબહેન પણ તેમના બહેન. પ્રસિદ્ધ સંગીતકાર નિનુ મઝુમદાર તેમના પિતા અને ઉદય મઝુમદાર તેમનો ભાઈ.

સોનલબહેને સતત કિશોરીઓ સાથે કામ કર્યું. અને છેલ્લે વાચાની એક કિશોરીએ તેમને અગ્નિદાહ આપ્યો. સોનલબહેન મૃત્યુ નથી પામ્યા પણ આવી હજારો કિશોરીઓ, મહિલાઓમાં તેઓ વિચારરૂપે જીવંત રહેશે.


You Might Also Like

0 comments