સુનીલ કોઠારીની નૃત્યયાત્રા

01:30






                                      સુનીલ કોઠારી આશા પુતળી સાથે સિડનેહામ કોલેજ પાસે





                                     સુનીલ કોઠારી અતુલ ડોડિયાના પેઈન્ટિંગ સાથે       ફોટો; અતુલ ડોડિયા





૩૦ નવેમ્બર ૨૦૨૦ના દિવસે તેમનો છેલ્લો મેસેજ વોટ્સએપ્પ પર હજી સચવાયેલો છે. ‘દિવ્યાશાબેન આજે આપણે ઝૂમ મિટિંગ પર મળીએ છીએ?’  ૩૦ નવેમ્બર ૨૦૨૦ના સાહચર્યની ઝૂમ મિટિંગમાં તેઓ સૌ પ્રથમ હાજર અને ચહેરા પર સ્મિતની જગ્યાએ થાક જોવા મળ્યો.  સહજ સવાલો થયા. એમણે તો ખાસ કંઈ કહ્યું નહીં બસ આછું સ્મિત આપ્યું. પણ, તેમના ૬૩ વરસ જુના મિત્ર ચિત્રકાર-લેખક ગુલામ મોહમ્મદ શેખે જણાવ્યું કે તેમને બે દિવસથી સારું નથી અને ગોળીનું રિએકશન પણ આવ્યું છે. ચાલીસ મિનિટનીએ મિટિંગમાં તેઓ હાજર રહ્યા. છૂટા પડતી વખતે તેમની તબિયત વિશે શુભેચ્છા આપી અને બીજા દિવસે એટલે કે લી ડિસેમ્બર ૨૦૨૦ના જાણવા મળ્યું કે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. એટલે પદમશ્રી સુનીલ કોઠારી. પછી તો તેમને કોવિદ થયાનું જાણ્યું. કોવિદને માત આપી પાછા ઘરે પણ આવ્યા અને કોવિદ નેગેટિવ પણ થયા પરંતુ, ૨૭ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ તેઓ નથી રહ્યાના સમાચાર આવ્યા ત્યારે માનવું મુશ્કેલ થયું. ત્યારબાદની અઠવાડિક ઝૂમ મિટિંગમાં તેમની ગેરહાજરી સતત ખટકતી રહી.  શાસ્ત્રીય નૃત્યના લેખન- વિવેચન ક્ષેત્રે તેઓ વિશ્વ પ્રસિદ્ધ છે.   ૮૭ વરસની ઉંમરે પણ તેમની આંખોમાં અને વાણીમાં બાલસહજ ઉત્સુકતા અને ઉત્સાહ તેમને મળનારને સ્પર્શ્યા વિના રહે. સતત સહજ સ્મિત તેમના ચહેરા પર તોફાનની આછી રેખા દોરતું. મૃદુ અને વિવેકપૂર્ણ ભાષામાં વાત કરતાં હોય ત્યારે તેમના અસ્ખલિત વાણી પ્રવાહને ધ્યાનથી સાંભળવો પડે. 

સુનીલ કોઠારી મિત્રો અને મજલિસના માણસ હતા. પ્રસિદ્ધ ચિત્રકાર ભૂપેન ખખ્ખર તેમના લંગોટિયા મિત્ર હતા તો ગુલામમોહમ્મદ શેખ સાથે  દાયકા જૂની મિત્રતા. ગુલામમોહમ્મદ શેખ તેમને સંભારતાં કહે છે કે, ‘સુનીલ કોઠારીનો તાગ કાઢવો  અઘરો છે. આવડો સરખો દેહ, પણ એંશીએ અઢારનો હોય એવો તરવરિયો. એક તરફ બાળ-સહજ કૌતુક, બીજે મસ્તી અને ત્રીજે ગાંભીર્ય કોઠામાં.  મોટા સાથે ઠરેલ ને ઠાવકો. જુવાનિયા જોડે તોફાની, મશ્કરો અને અપ્સરાઓ જેવી નૃત્યાંગનાઓના ઝુંડમાં નરવો નારદમુનિ થઈ વિચરે. જીવ ચંચળ અને પગમાં ચકરડું. આજે દિલ્હી તો કાલે ઈમ્ફાલ, ત્યાંથી ચેન્નાઈના નૃત્ય-સંગીત સમારંભે. વચમાં વડોદરાને અમદાવાદના ફેરા ખરા . બે ત્રણ વરસ સુધી સિંગાપોર અને કુઆલાલમ્પુર થયા કર્યું, ને પહેલાંના દાયકાઓમાં લંડનથી પેરિસ અને ન્યુ યોર્ક ઉપરાંત ક્યાં ક્યાં લગી ઊડ્યા કર્યું. એની ભાળ મેળવવી મુશ્કેલ.’   


રોજ સાંજે નૃત્યના સમારંભોમાં અને મિત્રો સાથે સાંજ ગાળવા ટેવાયેલા સુનીલ કોઠારી માટે લોકડાઉનમાં કોઈને મળ્યા સિવાય ઘરે બેસવું અઘરું હતું. માર્ચના મધ્યમાં લોકડાઉન જાહેર થયું ત્યારબાદ લોકડાઉન લંબાતા મિત્રોની મુલાકાતો અને સામાજીક મિલનો હવે ડિજિટલ મોડ પર થવા લાગ્યા. એવામાં  ગીતા અને ભરત નાયક દ્વારા શરૂ કરવામાં આવેલ સાહચર્ય મિલનને નૌશિલ મહેતાએ ઝુમ પર શરૂ કરવાનું નક્કી કર્યું. જેથી વયસ્ક મિત્રો એકબીજા સાથે સંપર્ક રહેવા  ઉપરાંત રચનાત્મક ચર્ચાઓ પણ કરી શકે. (વાચકોની જાણ ખાતર સાહચર્યમાં ગુજરાતીના કેટલાક માતબર લેખકો સર્જકો ત્રીસ વરસ સુધી નિયમિત મળતા રહ્યા. મુલાકાતોમાંથી જન્મતું સાહિત્ય ગધપર્વમાં છપાતું રહ્યું. ) સાહચર્યની ડિજિટલ  મિટિંગમાં આયોજક નૌશિલ મહેતા, ચિત્રકાર-લેખક ગુલામ મોહમ્મદ શેખ, ગીતા નાયક, કવિ કમલ વોરા, વાર્તાકાર બિપિન પટેલ, કવિ-લેખક અજય સરવૈયા, ચિત્રકાર અતુલ ડોડિયા, વાર્તાકાર કિરિટ દૂધાત, લેખક હર્ષદ ત્રિવેદી, લેખિકા બિંદુ ભટ્ટ, નાટ્ય દિગ્દર્શક મનોજ શાહ અને નવનીત સમર્પણના તંત્રી  દીપક દોશી (મારા પતિ)મળતા હતા. રોજ સાંજે સાતથી પોણા આઠ સુધી તેઓ મળતા. પછી તેમાં સુનીલ કોઠારી પણ જોડાયા અને ઘરમાં મિટિંગ થતી હોવાથી નૌશિલભાઈએ મને પણ દીપક સાથે સાહચર્યમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. આમ અનાયાસે કોઈ લાયકાત વિના શ્રોતા તરીકે સર્જકોની ગોષ્ઠી અને મિત્રતા માણવાનો મોકો મને લોકડાઉને આપ્યો. સુનીલ કોઠારી માટે ઝૂમ ડાઉનલોડ કરી તેમાં જોડાવું સહેલું નહોતું પણ તેમણે ટેકનોલોજીને શીખવા પડોશી અને મિત્રોની મદદ લીધી. પછી તો સુનીલભાઈએ અનેક સેમિનારોમાં પોતાના વક્તવ્ય આપ્યા સાથે દરરોજ સાંજે ઝૂમ પર હાજર રહેવા માટે અડધો કલાક પહેલાં તૈયારી કરતા. દરરોજ કલરફુલ શર્ટ કે કૂર્તામાં તૈયાર થઈને બેસતા. છેલ્લા બે મહિનાથી ઝૂમ મિટિંગ દરરોજને બદલે અઠવાડિક થઈ હતી અને તેનું પ્લાનિંગ નૌશિલભાઈને બદલે હું કરતી હોવાથી સુનીલભાઈ દર અઠવાડિયે મને પૂછતા આજે મળવાનું છે?


 સુનીલ કોઠારીને લોકડાઉનના બે મહિના પહેલાં મુંબઈમાં મ્યુઝિયમ સોસાયટીમાં તેમના લેકચર દરમિયાન મળવાનું બન્યું હતું. પહેલાં પણ લગભગ પંદરેક વરસ પહેલાં  તેમની મુલાકાત લીધી હતી. તેઓ જ્યારે મુંબઈમાં હોય ત્યારે કોઈક મેળાવડામાં મળી જતાં અચાનક. જ્યારે પણ મળ્યા છે ત્યારે ખૂબ સહજતાથી, પ્રેમપૂર્વક વાતો કરે. ક્યારેય તેમના વ્યક્તિત્વમાં પોતે કોઈ મહાન વિદ્વાન છે એવો ભાર મળનારને અડે નહીં. તેમની પ્રતિભા ચઢે કે તેમનો સહજ સ્વભાવ તે નક્કી કરવું મુશ્કેલ છે. એપ્રિલ મહિનાથી શરૂ થયેલી મુલાકાત લોકડાઉન ખુલ્યા છતાં ચાલુ રહી. લગભગ મહિના સુધી રોજ સાંજે મળવાનું બન્યું. સુનીલ કોઠારી તેમાં સૌથી પહેલાં હાજર હોય અને મિટિંગ દરમિયાન જે વંચાયું હોય તેનો પ્રતિભાવ મિટિંગ પત્યા પછી તરત લખીને વોટ્સએપ્પ ગ્રુપમાં લખી મોકલે. દરેક બાબતને જાણવા, સાંભળવા તેમની ઉત્સુકતા આપણામાં પણ પ્રાણ પૂરે. તેમની વાતોમાં દેશવિદેશના અનેક પ્રસિદ્ધ મિત્રોની વાતો હોય. લેખક-નાટ્યકાર નૌશિલ મહેતા સાથે તેઓ પોતાની નૃત્યયાત્રા વિષે કામ કરી રહ્યા હતા નૌશિલ મહેતા તેમના વિશે વાત કરતા કહે છે કે, ‘સુનીલભાઈ મને વારસામાં મળ્યા છે. મને નહીં ડૉ હર્ષવર્ધન હેગડેને પણ તેઓ વારસામાં મળ્યા છે. ભૂપેન વારસામાં પુસ્તકો, ચિત્રો અને મિત્રો મૂકતો ગયો છે.  ભૂપેન ખખ્ખરના મિત્ર બન્યો એટલે  સુનીલભાઈ સાથે પણ આડકતરો પરિચય થયો હતો. બીજું કે સુનીલભાઈ મુંબઈ આવે એટલે રસિક શાહને ત્યાં ઉતરતા હતા પણ  રસિકભાઈનું અવસાન થતાં છેલ્લા દસબાર વરસથી તેઓ મારા ઘરે ઉતરતા. ઘરે રહેવા આવતા એટલે ગાઢ પરિચય થયો. સુનીલ અને ભૂપેનની મિત્રતા એવી હતી કે ભૂપેન તેમને અલ્ટિમેટ વિલન કહેતા. બન્ને જણાને એકબીજા વિના ચાલે નહીં અને ઝઘડા પણ એટલા થાય.  નવાઈ લાગે કે  સુનીલભાઈએ ક્યારેય ભૂપેનનો પરિચય ધીરુબહેન પટેલ સાથે કરાવ્યો. આજ દિન સુધી સુનીલ મુંબઈ આવે ત્યારે ધીરુબહેનને એકવાર લન્ચ ડેટ પર મળે. છેલ્લે તો જવાબદારી મારા પર હતી. બન્નેને ક્લાસ હોટલમાં લઈ જવા. હાથ પકડીને બેસાડવાના, જમાડવાના અને પાછા મૂકી આવવાના. સુનીલભાઈ બહુ બોલે એટલે મને કંટાળો આવતો ક્યારેક એટલે મેં તેમને કહ્યું કે તમારી બધી વાતો લખી નાખો. એમણે લખવાનું શરૂ કર્યું. ચારસોથી વધુ પાના લખ્યા પણ ખરા પણ બોલવાનું બંધ થયું  કહેતા નૌશિલભાઈ હસી પડે છે. વળી આગળ વાત કરતાં કહે કે, ‘સુનીલ મિત્રોના ઘરના પોતાના ઘરની જેમ વાપરે. જ્યારે મોબાઈલ નહોતા ત્યારે  ડૉ.હર્ષવર્ધન હેગડે (જેમણે સુનીલભાઈના અંતિમ સંસ્કાર કર્યા.) ના ઘરે જાય ત્યારે ઈન્ટરનેશનલ કોલ પણ કરતા. એકવાર ભૂપેને નક્કી કર્યું કે ઘરના નંબર પરથી ઈન્ટરનેશનલ કોલને લોક કરવું. તો સુનીલભાઈએ જ્યારે કોલ કરવાનો પ્રયત્ન કર્યો તો કોલ થયો એટલે ભૂપેનને કહે કે ફોન લોક છે તેનો પાસવર્ડ આપ કે પછી ખોલી આપ. ભૂપેનભાઈએ એમ કહીને આપ્યો કે મિત્ર છે તો લોહી તો પીએ ને. જો કે ભૂપેનને કેન્સર થયું હતું અને ખૂબ માંદા હતા ત્યારે એક મહિનો સુનીલભાઈ બધું કામકાજ છોડી તેમની સાથે રહી એટલી કાળજી લીધી કે સગો દીકરો પણ કરે. ભૂપેન, હરિદાસ, ગુલામ શેખ અને સુનીલભાઈ પાક્કા મિત્રો અને ભેગા થાય ત્યારે આખા ગામની પંચાત કરે. મસ્તી-તોફાન કરતા. સુનીલભાઈ જ્યારે તમારી સાથે હોય ત્યારે તમે કોઈ બીજા વિશ્વના પ્રવાસે નીકળ્યા હો તેવું પ્રતિત થાય. ઘરના દરેક સાથે સ્વજનની જેમ વર્તે, કાળજી પણ રાખે પણ ડિમાન્ડીંગ પણ એટલા . તે છતાં તેમની સાથે વીતાવેલો સમય પ્રવાસ કર્યાનો અનુભવ કરાવતો.’ 


તેમના વિશે વધુ જાણવાની ઉત્સુકતાએ તેમની સાથે મે મહિનામાં ફોનમાં વાતચીત શરૂ કરી. ત્યારે લાગ્યું કે એટલું બધું બન્યું છે તેમના જીવનમાં કે તેને એક મુલાકાતમાં જાણવું અઘરું છે. વળી તેઓ બોલવાનું શરૂ કરે એટલે અસ્ખલિત બોલે. એકમાંથી બીજા વિષયમાં અને દેશવિદેશના નૃત્યકારોના નામ અને કામ વિશે સતત બોલી શકે. 


તેમનો જન્મ તો ખેડા જીલ્લામાં પણ દશ વરસની ઉંમરે તેમના માતા-પિતા સાથે મુંબઈ આવ્યા અને મુંબઈકર બન્યા. દેવધર સ્કુલમાં તેમણે કથ્થક નૃત્યની તાલીમ મેટ્રિક થયા ત્યાં સુધી લીધી. તેમની માતા ડાહીબહેન પાકા વૈષ્ણવ. શ્રીનાથજીના ભક્ત.  છોકરો સંસ્કૃત શીખે એવી ઈચ્છા એટલે એક શ્લોક મોઢે કરે તો એક પૈસો આપવાની લાલચ આપી એથી સંસ્કૃતના શ્લોક આજે પણ કડકડાટ બોલી શકતા. સંસ્કૃતનું જ્ઞાન તેમને નૃત્ય-નાટ્યશાસ્ત્રને સમજવા લખવામાં ઉપયોગી થયું એવું એમણે જણાવ્યું હતું. વિલ્સન કોલેજમાંથી ઈન્ટરમિડિયેટ કર્યું હતું. સુનીલભાઈની વાત ભૂપેન ખખ્ખરની વાતથી શરૂ થાય. આવી મિત્રતા ભાગ્યે જોવા મળે. ભૂપેનના મા મહાલક્ષ્મીબહેનનો આગ્રહ હતો કે બન્નેએ ચાર્ટડ અકાઉન્ટન્ટ થવું અને કોઠારી એન્ડ ખખ્ખર નામે કંપની શરૂ કરવી. સુનીલભાઈએ લહેકામાં કહેલું હજી પણ યાદ આવે છે કે તેમના અને ભૂપેનભાઈના પરિવારવાળા સતત ટોકતા કે ચાર્ટડ અકાઉન્ટન્ટ નહીં બનો તો ભૂખે મરશો. નૃત્ય અને કળાના રવાડે ચઢો માએવું લહેકાભેર કહેતા તેઓ ખડખડાટ હસી પડેલા. ટિપિકલ ગુજરાતી વાણિયાઓની અપેક્ષા તેમની પાસેથી રખાતી. ગુજરાતી વાણિયાના કુટુંબમાં એવું બનેને કહેતા તેઓ બચાવ પણ કરતા. સુનીલભાઈ પોતે પોતાની  કોઠારી અટક વિશે કહેતા કે - કોઠારી કોઠીમાં પેઠા, ઉપર માર્યા દાટા.  

ડાહીમાએ દસ બાળકોને જન્મ આપ્યો હતો તેમાં સુનીલભાઈ સૌથી નાના.  ભૂપેન ખખ્ખરને ચિત્રકળામાં રસ  અને સુનીલ કોઠારીને નૃત્યમાં રસ પડતો. સિતારાદેવીનું નૃત્ય જોયા બાદ તેમણે કથ્થક શીખવાનું શરૂ કર્યું હતું ત્યારે શું છોકરીવેડા કરે છે એવો પણ ટોણો એમને મારવામાં આવતો. ભૂપેન અને સુનીલ બન્ને મિત્રો કલાકો સુધી વાતો કરતાં વાલકેશ્વરના બાંકડે બેસતા. છેલ્લી બસ આવે ત્યાં સુધી બેસી અલકમલકની વાતો કરતા. ખાસ કરીને કળા અને સાહિત્યની વાતો હોય અને બન્નેને ચાર્ટડ અકાઉન્ટન્ટનું નીરસ ભણવું પડતું તેનો બળાપો હોય. આવ ભાઈ હરખા આપણે બે સરખા જેવો ઘાટ હતો. ઘરવાળાઓના દબાણે ચાર્ટડ અકાઉન્ટન્ટનું ભણ્યા ખરા પણ ભૂપેનભાઈ ગુલામમોહમ્મદ શેખના કહેવાથી વડોદરાની ફાઈન આર્ટસમાં ગયા અને પછી  સુનીલભાઈ પણ વડોદરા ગયા હતા. જો કે ૧૯૫૨ની સાલમાં તેમને કળાવિષયનું મેગેઝિન માર્ગના તંત્રી મુલ્કરાજ આનંદ સાથે ભેટો થયો અને તેમણે માર્ગમાં તેમ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં નૃત્ય વિષયક કોલમ  લખવાની શરૂ કરી હોવાથી જીવન બદલાઈ ગયું હતું. જો કે પહેલાં તેમણે સિડનેહામ કોલેજ ઓફ ઈકોનોમિક્સ એન્ડ કોમર્સમાં અકાઉન્ટન્ટસીના લેકચરર તરીકે જોડાયા હતા. લેકચરર ખરા પણ ક્લાસમાં અકાઉન્ટન્સી શીખવાડતા ક્યારેક નૃત્યના દાખલા પણ આપતા એવું જાણીતા લેખક-પત્રકાર સલિલ ત્રિપાઠી લખે છે. સલિલ ત્રિપાઠી બ્રુકલીનમાં રહે છે અને સુનીલભાઈના વિદ્યાર્થી રહી ચુક્યા છે. લેકચર પુરું કરીને તેઓ લાયબ્રેરીઓ તરફ દોટ મૂકતા. તેમને નૃત્ય વિષયના  પુસ્તકો વાંચવાનું ઘેલું લાગ્યું હતું. પ્રદ્યુમન તન્નાને તેઓ મળ્યા હતા તે કિસ્સો પણ જાણવા જેવો છે. ડેવિડ સાસૂન લાયબ્રેરીમાં સુનીલભાઈ માર્ગમાં આવતા નૃત્ય વિષયક લેખો વાંચવા ગયા હતા. ત્યાં મેગેઝિન કોઈ વાંચી રહ્યું હતું. સુનીલભાઈ તેની સામે ટાંપીને બેસી રહ્યા કે ક્યારે વ્યક્તિ મેગેઝિન વાંચીને નીચે મૂકે અને તેઓ ઝડપી લે. વ્યક્તિ તે પ્રદ્યુમન તન્ના તેમનું ધ્યાન ગયું અને નવાઈ લાગે એવું વર્તન કરનાર સુનીલ સાથે વાતચીત શરૂ કરી. બસ મિત્રતા થઈ અને તેમણે સુનીલભાઈની ઓળખાણ કુમારના તંત્રી બચુભાઈ રાવલ સાથે કરાવી. પછી તો સુનીલભાઈએ ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું.  પ્રદ્યુમન તન્નાને કારણે મુલ્કરાજ આનંદ તેમજ કવિલોકની મિટિંગોમાં જતા થયા અને સાહિત્ય અને સાહિત્યકારો સાથે પણ ઓળખાણ વધી. નૃત્ય શીખ્યા હતા તેનું વ્યાકરણ જાણવા માટે જાણે અને પછી નૃત્યમય રહેવા માટે સતત પુસ્તકો અને લેખો વાંચતા તેમ પરફોર્મન્સ જોતા. તેમનું નૃત્ય વિષયક જ્ઞાનને જાણ્યા બાદ મુલ્કરાજ આનંદે તેમને નૃત્ય, ઈતિહાસ અને સંસ્કૃતીના અભ્યાસમાં વધુ રસ લેતાં કર્યા અને તેમને લખવા માટે ઉત્તેજન આપ્યું. તેમને સરાઈકેલામાં જઈ છાઉ નૃત્ય વિશે વિગતો મેળવી અને તેના પર માર્ગમાં પ્રથમ લેખ છપાયો ત્યારે એમનું શેર લોહી ચઢી ગયું હતું. ત્યારબાદ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં શ્યામલાલે તેમને નૃત્યની સમીક્ષા લખવાની કોલમ આપી. બસ ત્યારબાદ તેમણે જે કલમ પકડી તે મરતાં દમ સુધી છોડી નહીં. કમલાદેવી ચટ્ટોપાધ્યાય અને કપિલા વાત્સાયનનો  નોંધનીય ફાળો સુનીલભાઈને નૃત્યના વિશ્વમાં રચ્યાપચ્યા રાખવામાં એવું કહી શકાય. અંગ્રેજી ઉપરાંત તેમણે ગુજરાતીમાં પણ લખવાનું શરૂ કર્યું હતું. માટે તેમને ચિત્રકાર પ્રદ્યુમન  તન્નાએ મદદ કરી હતી. નવાઈની વાત છે કે તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો ત્યારે ગુજરાતીમાં તેમનું એક પણ પુસ્તક પ્રગટ નહોતું થયું. હા, તેમણે ગુજરાતીમાં લેખો પુષ્કળ લખ્યા હતા. તેમનું મૃત્યુ થયું તે પહેલાં હાલમાં અવસાન પામેલા આધુનિક નૃત્યકાર આસ્તાદ દાબુ વિશેનો લેખ તેમણે નવનીત સમર્પણમાં લખ્યો હતો. 

સુનીલભાઈ નૃત્યને પરણ્યા હતા એવું કહી શકાય એટલે તેમણે લગ્ન નહોતા કર્યા. એકલા રહેતા હતા દિલ્હીમાં સરકારે આપેલા એશિયાડ વિસ્તારના ઘરમાં. હવે ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ના તેમણે ઘર ખાલી કરી સરકારને સોંપી દેવાનું હતું. તેમણે ક્યારેય પૈસા ભેગા કર્યા નહોતા. મિત્રો જાણતા એટલે તેમના માટે ઘરની વ્યવસ્થા કરવાની ચિંતા પણ મિત્રો કરી રહ્યા હતા. તેમને દિલ્હીમાં રહેવું હતું એટલે મિત્રોએ શોધ આદરી. તેમાં નૌશિલ મહેતાએ મલ્લિકા સારાભાઈને કહ્યું કે તમારી ઓળખાણમાં દિલ્હીમાં કોઈ હોય તો કહેજો. સાંભળીને મલ્લિકાએ કહ્યું કે જો સુનીલભાઈ ઈચ્છે તો દર્પણ, અમદાવાદમાં તેમનું સ્વાગત છે. અમારી સાથે રહે. તેમનું ધ્યાન રાખીશું. રહેવું હોય એટલું ઘર સમજીને રહી શકે. સાંભળીને નૌશિલભાઈએ કહ્યું તમે દિલ્હીમાં હર્ષવર્ધનને વાત કરો તો સારું. સુનીલભાઈની માંદગી અને દરમિયાન એમણે કાળજી લીધી હતી અને અંતિમ સંસ્કાર પણ એમણે કર્યા હતા. દિવસ યાદ કરતાં મલ્લિકા સારાભાઈ કહે છે કે, સુનીલભાઈને મેં બાળપણથી જોયા હતા એમ કહોનેપહેલાં તો તેમને મેં મારી મા સાથે કલાકો નૃત્ય વિશે વાત કરતા જોયા, સાંભળ્યા છે. તેમનો અવાજ ટિપિકલ હતો. જે એમના ગયા બાદ પણ સતત મને સંભળાતો. ત્યારબાદ સતત મારી નૃત્યયાત્રા સાથે વડિલ મિત્રની જેમ કાળજી લીધી છે. તેમની પાસે નૃત્યના વિશ્વની અઢળક વાતો હોય. સતત નવું જાણતા, વાંચતા, લખતા રહેતા. સતત મિત્રોના સંપર્કમાં રહેવાની તેમની આવડત અને શિસ્ત માટે આદર થાય. એમને અહીં મારા ઘરે દર્પણમાં રાખવા અમારા માટે આનંદની વાત હતી. ડૉ હર્ષવર્ધને જ્યારે બીજા દિવસે તેમની પાસે જઈને મારા આમંત્રણની વાત કહી તો સુનીલભાઈએ તરત કહ્યું કે મારે ક્યારે જવાનું છે? હર્ષવર્ધને કહ્યું કે દસેક દિવસ બાદ હું તમને અમદાવાદ લઈ જઈશ. બસ ત્યારબાદ ત્રણ કલાકમાં તેમના મૃત્યુના સમાચાર આવ્યા. અમને બહુ મોટી ખોટ પડી. મિત્ર સાથે રહેવાનો લ્હાવો ગુમાવ્યો.’  

 સુનીલભાઈએ વાત વાતમાં કહ્યું હતું કે નૃત્ય તેમની સાથે વાત કરતું હતું. તેની ભાષા તેમને સમજાતી. નૃત્યનું વિશ્વ તેમને અદભૂત દર્શન કરાવતું. નૃત્યમાં આપણી સંસ્કૃતી, ઈતિહાસ અને અનેક વિશ્વો સમાયેલા છે. પહેલીવાર ઈમ્ફાલમાં મણિપુરી નૃત્ય એમણે લગભગ ૧૯૫૨-૫૩માં જોયું હશે. તે વિશે વાત કરતાં કહે કે પૂનમની રાત અને ગોવિંદ મંદિર સુધીના રસ્તા પર મણિપુરી નૃત્યાંગનાઓ જે રાસ રચ્યો હતો તે જોતાં જાણે મહારાસનો અનુભવ કર્યો હતો. નૃત્યના દરેક પ્રકારો તેમજ ભારતનાટ્યમ, ઓડિસી, મોહિની અટ્ટમ, છાઉ, સત્રીયનો વિશેષ અભ્યાસ કર્યો અને લેખો લખ્યા. ગુલામ મોહમ્મદ શેખ મિત્ર સુનીલને રણજીતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો ત્યારે પરિચય લેખમાં લખે છે કે, ‘ મા ડાહીબહેન ચાર વરસની વયે નાથદ્વારા લઈ ગયેલાં ત્યાં નાના સુનીલે મુગટ પહેરી નાચ કરેલો. તે વેળા યમુનાષ્ટક મળ્યું તે ગળે થઈ અંદર ઊતરી ગયું ને માના મોંએ મંગળાનાં ને અન્ય પદો સાંભળ્યાં તે હજી જીભે રણઝણે છે. બાળવયે મા પાસેથી ઠાકોરજીના શણગાર કરતાં શીખ્યો. ત્યારે માની આંખે મૂર્તિમાં દેવ સંચરતા જોયા હશે! મોડે મોડે નૃત્યવેશે નૃત્યાંગનાઓ અને કલાધરોને આરાધ્ય દેવ-સ્વરૂપમાં પરકાયા પ્રવેશ કરતા જોતી વેળા એવા કોઈ અનન્ય અદ્ભુતના દીવા થતા હશે!’

 

બાલા સરસ્વતી, સોનલ માનસિંઘ, શંભુ મહારાજ, સિતારા દેવી, ત્રાવણકોર સિસ્ટર્સ લલિત, પદમિની, રાગિણી, ઉદયશંકર, કેલુચરણ મહાપાત્ર, ઝવેરી સિસ્ટર્સ, ચંદ્રલેખા, વૈજયંતિ માલા, મૃણાલિની સારાભાઈ, કૌમુદીની લાખિયા,  બિરજુ મહારાજ, મલ્લિકા સારાભાઈ, આસ્તાદ દાબુ, આશા ઉત્તરા કુર્લાવાલા, પીટર બ્રુક, રતન થિયમ વગેરે અનેક જાણીતા નૃત્યકારો સાથે તેમનો ઘરોબો. અહીં નામ લખવા બેસીએ તો એક પાનું તેમાં ભરાઈ જાય. નૃત્યની અંગભંગિમાંની આગવી ભાષાને સુનીલભાઈએ આત્મસાત કરી હતી. નૃત્ય વિશે વાત કરતી વખતે તેમનું આખું અસ્તિત્વ આપણને નૃત્ય અને નૃત્યકારની આગવી દુનિયાના પ્રવાસે લઈ જાય. એટલે અનેક નૃત્યાંગનાઓ સાથે તેમનો ખટ્ટમીઠ્ઠા સંબંધો હતા. તેમની સાથે મિત્રો ઝઘડતા ખરા પણ તેમનાથી દૂર જઈ શકતા. સુનીલભાઈ ફક્ત લેખો નહોતા લખતાં પણ પત્રો પણ પુષ્કળ લખતાં.  ફેલોશિપ મેળવી લંડન ગયા હતા તો પ્રવાસ દરમિયાન મિત્ર ભૂપેન, હરિદાસ, ગુલામ મોહમ્મદ શેખને અસંખ્ય પત્રો લખ્યા હતા.  ગુલામભાઈ પાસે અનેક પત્રો છે એમાંથી એડિટ કરીને કેટલાક પત્રો પુસ્તક રૂપે આપણને મળશે. પત્રોમાં તેઓ ક્યાં છે, શું કરે છે, કોને મળ્યા, શું જોયું  વગેરે લગભગ બધી વિગતો લખતા. છેલ્લા થોડા સમયથી ઈમેઈલ પત્રો પણ લખતા હતા. તેમના અંગત મિત્રો એક વાત અચૂક કહે કે તેઓ ખૂબ બોલતા, ખૂબ લખતા અને ખૂબ ફરતા. તેઓ સ્વર્ગમાં જઈને રંભા, મેનકાના નૃત્યની સમીક્ષા કરીને તેનો રિવ્યુ લખીને મોકલાવે તો કોઈને નવાઈ લાગે. 


સુનીલ કોઠારીએ છેલ્લા કેટલાય વરસોથી અખબારમાં નૃત્ય વિષયક વિવેચન કે રિવ્યુ નહોતા લખ્યાએનું કારણ છાપાઓને કળા કરતાં કમર્શિયલ વેચાણમાં રસ પડતો હોય એવું લાગેફિલ્મો-નાટકો ધારાવાહિકોના રિવ્યુ આવે છે પણ નૃત્ય વિશે સુનીલભાઈ જેવા સંશોધક તેમ  જાણકાર રિવ્યુ લખનાર મળવા મુશ્કેલ છેનૃત્ય અને નાટ્યશાસ્ત્રનો અભ્યાસ સુનીલભાઈએ ખંતથી કર્યો હતો.  અંતિમ શ્વાસ સુધી તેમણે કુમારનવનીત સમર્પણએતદનર્તકી વગેરે મેગેઝિનોમાં તેમ  ઓનલાઈન મેગેઝિનોમાં લખવાનું ચાલુ રાખ્યુ  હતુતેમનો છેલ્લો લેખ આસ્તાદ દાબુ ઉપર નવનીત સમર્પણના જાન્યુઆરી૨૦૨૧ના અંકમાં છપાયો છે.  દુનિયાભરમાં થતાં આધુનિક પ્રયોગોને તેમણે માણ્યા અને વિવેચનાત્મક દૃષ્ટિએ તેનો રસાસ્વાદ પણ કરાવ્યો છેગુજરાતીમાં તેમની નૃત્યયાત્રાનું પુસ્તક તૈયાર થઈ રહ્યું હતું તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા


 

 

 એમની પાસે અનેક કિસ્સાઓ એવા હોય કે તેમને સાંભળ્યા કરીએ. અહીં એક કિસ્સો કહીને સુનીલભાઈને અલવિદા કહીશું.  સુનીલભાઈ જ્યારે સિડનેહામ કોલેજમાં ભણાવતા હતા ત્યારે તેમની મિત્ર આશા પુતળી(ત્યારબાદ અમેરિકા જઈ આશા પુતળી પ્રસિદ્ધ જાઝ ગાયિકા બન્યા) સુનીલભાઈને મળવા આવી. તેણે સાડી પહેરી હતી. સિડનેહામ કોલેજ ચર્ચગેટ મરિન ડ્રાઈવ પર છે. તે સમયે એટલે કે પચાસના દાયકામાં ત્યાં ઊંટની સવારી થતી. આશા પુતળીએ ઊંટ પર બેસવાનું નક્કી કર્યું એટલું નહીં ખેંચીને સુનીલભાઈને પણ બેસાડ્યા. કોલેજની બારીઓમાંથી છોકરાઓ જોણું જોઈ રહ્યા હતા જોઈને સુનીલભાઈને ખૂબ શરમ આવી હતી. 



સુનીલ કોઠારીની સિધ્ધિ  


ચાર્ટડ અકાઉન્ટન્ટ હોવા ઉપરાંત ૧૯૭૭માં તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટિના નૃત્યવિભાગમાંથી દક્ષિણનાં નૃત્યનાટ્યો અને રસસિદ્ધાંત પર પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી૧૯૫૮થી ડૉમુલ્કરાજ આનંદના માર્ગદર્શન હેઠળ ઝવેરી બહેનોના સંપર્કમાં આવ્યાસુશીલ ઝવેરી અને તેમના પત્ની નયના ઝવેરી અને અન્ય કલાકારો સાથે મળીને ડાન્સર્સ ગિલ્ડની સ્થાપના કરી૪૦ વરસ સુધી તેમની સાથે કામ કર્યું.  સુનીલ કોઠારીએ ભરતનાટ્યઓડિસીકથ્થકકુચિપુડી અને છાઉ ડાન્સ ઉપર સંશોધાત્મક પુસ્તકો લખ્યા છેતેમણે માર્ગ મેગેઝિનના અનેક વોલ્યુમ એડિટ કર્યા છે૨૦૦૩માં માર્ગ પબ્લિકેશનનું ‘ન્યુ ડાયરેકશન ઈન ઈન્ડિયન ડાન્સ’ તેમણે એડિટ કર્યું હતું૧૯૯૩ની સાલમાં અને ૨૦૦૫માં તેમણે અમેરિકાની અનેક યુનિવિર્સિટીમાં  ફુલ બ્રાઈટ સ્કિમ હેઠળ શીખવ્યું૧૯૮૦માં રવીન્દ્ર ભારતી યુનિવર્સિટી કોલકોત્તામાં પ્રોફેસર તેમ   હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ તરીકે નિમાયા હતાતો થોડો સમય માટે એમણે જેએનયુ આર્ટ ફેકલ્ટીમાં પણ સેવા આપીદેશ હોય કે વિદેશ પારંપારિક તેમ  આધુનિક નૃત્ય પરંપરા હોય ત્યાં દરેક જગ્યાએ સુનીલ કોઠારી હોય તેમને વિશ્વભરમાં ખૂબ આદર સન્માન મળતાનૃત્ય સમારંભમાં અને સેમિનારમાં હાજર રહેવા માટે કે પછી સંશોધન માટે તેઓ દેશવિદેશના દરેક ખૂણે પ્રવાસ કરવા તત્પર હોયછેલ્લે ૨૦૧૯માં પણ અમેરિકા જઈ આવ્યા હતા


તેમને કેન્દ્રિય સંગીત નાટક અકાદમી એવોર્ડ  ૧૯૯૫ અને પદમશ્રી ૨૦૦૧માં મળ્યો૨૦૧૨નો શ્રી રણજીતરામ સુર્વણ ચંદ્રક એનાયત થયો ત્યારે એમણે કહેલું કેઆ મારા માટે નોબલ પારિતોષિક સમાન છે૨૦૧૦માં ન્યુયોર્કના ક્રિટિક્સ એસોસિએશન તરફથી બેસ્ટ ક્રિટિક તરીકેનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય છે


(અમે ગુજરાતી મેગેઝિન માટે લખેલો લેખ )


You Might Also Like

0 comments