હું મોદી ભક્ત નથી પણ ભારત બદલાઈ રહ્યું છે

19:57


 હું મોદી ભક્ત નથી  એવું કહેવું પડે છે કારણ કે આજકાલ તમે ભારત વિશે જરા સારું બોલો કે લખો તરત જ તમને મોદીભક્તનું લેબલ લગાવી દેવામાં આવે છે. મારી વિચારધારા  કોઈપણ પાર્ટી કે ધર્મની મોહતાજ નથી. એવી સ્પષ્ટતા સાથે ....


ફેસબુક પર જોયું કે ભારતને વખોડવા માટે એક કારણ કોમન છે ભ્રષ્ટાચાર અને સરકાર. સરકાર ગમે તે હોય પણ જો સામાન્ય વ્યક્તિને સુવિધા મળતી હોય તો ભારત બદલાયું છે એવું કહીશ. હું સામાન્ય વ્યક્તિ છું. હવે પત્રકાર તરીકે કામ કરતી નથી. ત્રણેક વરસથી મને રોકડે વ્યવહાર કરવો પડતો નથી. સરકારી કામો પણ ઓનલાઈન થઈ જાય છે. છેલ્લે ક્યારે હું બેન્કમાં કે સરકારી ઓફિસમાં કામ માટે ગઈ હતી તે યાદ નથી. બીલ ભરવા કે ટિકિટ લેવા માટે લાઈનમાં ઊભા  નથી રહેવું પડતું.  હજી હમણાં પાસપોર્ટ રિન્યુ કરાવ્યો. તો દશ મિનિટમાં ઓનલાઈન ફોર્મ ભર્યું, પૈસા ભર્યા અને ડોક્યુમેન્ટ એક આધાર જોડ્યું. તરત એપોઈન્ટમેન્ટ મળી તેનું ઈન્ટિમેશન મેઈલ પર અને એસએમએસ પર પણ મળ્યું. 

મળેલી તારિખે અને સમયે પાસપોર્ટ ઓફિસ જે મારા વિસ્તારમાં સેન્ટર છે ત્યાં પહોંચી. દસેક વરસ પહેલાં આખા મુંબઈમાં એક   પાસપોર્ટ ઓફિસ હતી વરલીમાં. ત્યાં લાંબી લાઈન લાગતી.એક દિવસમાં કામ પૂરું થાય તે લગભગ અશક્ય હતું. વળી ત્યાં જવા આવવા માટે મારા ઘરથી એક કલાક લાગતો. બીજા જે વધુ દૂર રહેતા હોય તેને વધુ સમય પણ લાગતો. હવે મુંબઈમાં અનેક વિસ્તારોમાં પાસપોર્ટ ઓફિસ છે. તમારે પસંદ કરવાનું કે તમે કઈ ઓફિસમાં જવા માગો છો. પાસપોર્ટ ઓફિસ પહોંચ્યા બાદ રાહ જોયા સિવાય તરત અંદર જવા દે. એક બારીએથી બીજી બારીએ જવાનું પણ લાઈનમાં ઊભા નહીં રહેવાનું. એસી ઓફિસમાં બેસીને તમે પાંચેક મિનિટ રાહ જુઓ કે તરત નંબર આવે. કોફી પીતાં પીતાં તમે દરેક કામ કરી શકો. તમારો ફોટો પાડે તે પણ તમને બતાવી મંજુર કરાવે. ગમે તો ફરીથી પાડે. વધુમાં વધુ પંદર મિનિટમાં તમે પાસપોર્ટ ઓફિસની બહાર હો. ઘરે પહોંચો પહેલાં તમને એસએમએસ આવી જાય કે તમારી એપ્લિકેશન પ્રોસેસમાં છે. બીજા દિવસે મેસેજ આવ્યો કે પોલીસ વેરિફિકેશન માટે તમારી ફાઈલ પોલીસ સ્ટેશનમાં મોકલી છે બે કે ત્રણ દિવસમાં પોલીસ તમને સંપર્ક કરશે. ત્રીજા દિવસે પોલીસનો ફોન આવ્યો અને મારી અનુકૂળતા મુજબ તે વેરિફિકેશન માટે ઘરે આવ્યો. પાણી પણ પીધું. કાગળિયા તપાસી કહ્યું કે બધું બરાબર છે પણ  ઘર અમારા નામ પર હોઈ તેને માટે ઓફિસની પરમિશનનો લેટર જોઈશે. જો હું ઈચ્છું છું તો કાગળ આપવાની ના પાડી શકું. ને પોલીસ બાકીના મારા કાગળિયા આગળ મોકલી આપે. પણ પોલીસે કહ્યું કે જો કાગળ હોય તો મારો પાસપોર્ટ બનવામાં કોઈ મુશ્કેલી નહીં પડે.  એટલે મેં કહ્યું કે મારે કાગળ તમને બે દિવસ પછી ક્યાં પહોંચાડવાનો? તો કહે કે તમારે ક્યાંય નહીં જવાનું. અમે આવીને લઈ જઈશું. મને નવાઈ લાગી. શરમ પણ આવી કે બીજીવાર ધક્કો ખવડાવવાનો…. તો કહે તો અમારું કામ છે. પોલીસભાઈ બે દિવસ બાદ ફોન કરીને ઘરે આવી કાગળ લઈ ગયા. કોઈ લાંચ માગી. ત્રણ દિવસ પછી મને પાસપોર્ટ ઓફિસનો મેસેજ આવે છે કે કાગળિયાં પહોંચી ગયા છે. તમારો પાસપોર્ટ પ્રિન્ટિંગમાં છે. ત્રણેક દિવસ પછી પોસ્ટ થયાનો મેસેજ અને બે દિવસ પછી પાસપોર્ટ મારા હાથમાં. 


દસ વરસ પહેલાં મારા પતિ દીપકના પાસપોર્ટની અરજી બે વાર નકારાઈ. મામૂલી કારણો કે બે સર્ટિફીકેટમાં તેના પિતાના નામ જુદા હતા. એકમાં પિતાના નામ પાછળ ભાઈ હતું અને બીજામાં કુમાર વિશેષણ હતું. ખેર, દિવસો બગાડ્યા બાદ, લાઈનમાં ઊભા રહ્યા બાદ આવા કારણોને લીધે દીપકે નક્કી કર્યું કે પાસપોર્ટ નથી જોઈતો. ત્રણેક વરસ પહેલાં ખબર પડી કે હવે પાસપોર્ટ સરળતાથી મળે છે. અમે ફરીથી પ્રયત્ન કર્યો. અમારા આશ્ચર્ય વચ્ચે કોઈ તકલીફ સિવાય પંદર મિનિટમાં એની અરજી પાસ થઈ ગઈ. અને દસેક દિવસમાં પાસપોર્ટ ઘરે આવી ગયો. ભારત બદલાયું તેનો આનંદ થયો.   



છેલ્લા કેટલાય વરસોથી હું મોટાભાગના કામ ઓનલાઈન કરી શકું છું. જેમ કે પાંચેક વરસથી હું ધરમપુરના ઘરનું લાઈટબીલ, ગેસ બીલ ભારતના કોઈપણ ઠેકાણેથી ઓનલાઈન ભરી શકું છું. મુંબઈના ઘરના બીલ પણ બધા ઓનલાઈન ભરું છું. બેએક વરસથી તો દાણાવાળા અને મોલમાં હું રોકડામાં બીલ આપતી નથી. એકાદ બે શાકવાળા સિવાય ફળવાળા અને શાકભાજીવાળા પણ ઓનલાઈન પેમેન્ટ લે છે. રોકડા રૂપિયા મારે મહિનામાં એકાદ બે વાર એટીએમ દ્વારા લેવા પડે છે. કેટલાક રિક્ષાવાળા પણ એપ્પ દ્વારા પેમેન્ટ સ્વીકારે છે.  ડ્રાઈવિંગ લાઈસન્સ કે પેન કાર્ડ કે આધાર કાર્ડ માટે હવે ભાગ્યે ઓફિસોમાં જવું પડે. ઓનલાઈન કામ થઈ જાય છે. મુંબઈની લોકલ ટ્રેનની ટિકિટ માટે છેલ્લા ત્રણ વરસથી હું ટિકિટબારી પર નથી ગઈ. મોબાઈલ દ્વારા મારું કામ થઈ જાય છે. એટલે જ્યારે પ્રવાસ કરવો હોય ત્યારે અડધો કલાક મારો બચે છે. ઘરથી નીકળતાં રસ્તામાં મોબાઈલ પર ટિકિટ ખરીદું અને બે મિનિટમાં મારા મોબાઈલમાં ટિકિટ સેવ થઈ જાય. કાગળની ટિકિટ હવે બહારગામ જતાં પણ નહીં અને લોકલ ટ્રાવેલ કરતાં પણ પ્રિન્ટ કરવાની રહેતી નથી. 

હા, કેટલીક ફરિયાદ પણ છે. જેમ કે રસ્તા પરના ખાડાઓ. મુંબઈના રોડ ખૂબ ખરાબ છે. તે વિશે કોઈ સરકાર દિલથી કામ નથી કરતી. થાગડ થીગડ કામ થયા કરે. બીજું પ્લાસ્ટિક બેનનું કામ પણ નકામું છે. સ્વચ્છતા વિશે પણ સરકાર કડક હાથે કામ નથી લેતી. ભીનો સૂકો કચરો જુદો નથી લેવાતો. આમ કેટલાક કાયદાઓ ફક્ત કાગળ પર રહી જાય છે.  ઈન્કમટેક્ષનું રિટર્ન સરળતાથી ભરી નથી શકાતું. ફોર્મ સરળ થાય તો ગમે.  આમ અનેક કામ નથી પણ થતાં તે છતાં ઉપર જણાવેલા અનેક કામ સરળ થઈ ગયા છે વિશે પણ કહેવું જરૂરી હતું. લખવા માટે મને કોઈ સરકારે ખરીદી નથી. લેખ લખવાનું એક કારણ કે ભારતમાં બધું ખરાબ છે અને ભારત બહાર બીજા દેશોમાં બધું સારું છે માન્યતા ખોટી છે એટલું કહેવું છે. મુંબઈમાં મને અંગત ગાડીની જરૂર પડતી નથી. પબ્લિક વાહનો સરળતાથી મળી રહે છે. ઘણું કહેવું છે પણ થોડો સંયમ રાખી અહીં વિરમું છું. અને હા, હું ક્યારેય લાંચ આપીને કામ કરાવવામાં માનતી નથી. હા ટ્રેનમાં પહેલાં રિઝર્વ બર્થ માટે ટીસીને પૈસા આપ્યા છે અને તેનું મને દુખ છે. હવે એવું નથી કરવું પડતું કારણ કે સિસ્ટમ બદલાઈ છે. 

You Might Also Like

0 comments