શેરદિલ – ધ પીલીભીંત સાગા

17:51

 


        






ઓટીટી પ્લેટફોર્મના ફાયદા છે કે આપણને મનોરંજન માટે વિવિધતા મળી રહે છે.  અમારા જેવાને કુછ હટ કે... જોવું ગમે તેને માટે વરદાનરૂપ કહી શકાય. ૨૦૧૦માં આવેલી પિપલી લાઈવ ફિલ્મની યાદ અપાવતી શેરદિલ પીલીભીંત સાગા જોવાનું ગમ્યું. ફિલ્મ  થિયેટરમાં બિઝનેસ કરત.  ડાયરેકટર શ્રીજીત મુખર્જી પણ જાણતા હશે. જો કે ફિલ્મ વિશે કંઈ જાણતી હોવા છતાં નેટફ્લિક્સ પર સર્ફિંગ કરતાં ફક્તને ફક્ત પંકજ ત્રિપાઠીનું નામ અને ફોટો જોઈને વોચ નાવનું બટન દબાવ્યું હતું. પછી ખ્યાલ આવ્યો કે પીલીભીંત ટાઈગર રિઝર્વમાં બનેલી સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. આખીય ફિલ્મનો ભાર પંકજ ત્રિપાઠીના ખભા પર છે. ગરીબી અને ખેડૂતોના વિષય સાથે હવે ભાગ્યે કોઈ ફિલ્મ બનાવે છે. વાસ્તવિકતા આજે કોઈને જોવી નથી. અહીં બલરાજ સહાનીની દો વિઘા જમીન પણ યાદ આવી જાય. 

આજે કરોડોમાં બનતી-કમાતી ફિલ્મોની વચ્ચે  પણ જેના દિલમાં ખેડૂતોની ગરીબી અને નિસહાયતા સ્પર્શે છે, તેઓ વિષયને લઈને ફિલ્મ બનાવવાની હિંમત કરે છે. ફિલ્મો સારી છે કે ખરાબ છે તે મારે મૂલવવું નથી.  ગરીબી અને ખેડૂત સાથે ચટપટી ચટણીની જેમ રમૂજી કટાક્ષ હૃદયને સ્પર્શી તો જાય છે. શ્રીજીત મુખર્જીએ અનેક સફળ બંગાળી ફિલ્મો બનાવી છે અને તે માટે નેશનલ એવોર્ડ પણ જીત્યા છે. પીલીભીંત ઉત્તર પ્રદેશમાં આવેલું વાઘ અભયારણ્ય છે. અભારણ્યની આસપાસ કેટલાક ગામડાંઓ પણ હોય . એવા એક ગામ જુંડાઓના સરપંચ પંકજ ત્રિપાઠી(ગંગારામ) પોતાના ગામને ગરીબીમાંથી બચાવવા પોતાનું બલિદાન આપવા તૈયાર થાય છે. સત્ય ઘટના છે કે પીલીભીંત રિઝર્વ જંગલની આસપાસ રહેતા લોકો પર વાઘ હુમલો કરે તો સરકાર તેમના કુટુંબીઓને વળતર આપે છે, એટલે ગામના લોકો પોતાના વડિલોને ત્યાં મૂકી આવે છે. 

અહીં હું ફિલ્મની આખી વાત નહીં લખું. ફિલ્મ એકવાર જોઈ શકાય એટલી સારી તો બની છે. કદાચ ચોટદાર પણ લાગે જેમ મને લાગી. ફિલ્મનો એક ડાયલોગ છે. ગંગારામને કોર્ટમાં આરોપી તરીકે રજૂ કરવામાં આવે છે. એના પર જંગલમાં વાઘનો શિકાર કરવા  ગેરકાયદે પ્રવેશવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગંગારામા કહે છે, અમ ગરીબોનું પણ એક રિઝર્વ જંગલ બનાવો. અમને જોવા માટે લોકો આવે. અમારાં નાગાપૂગાં બાળકોના, બાળકોને ધવડાવતી સ્ત્રીઓનાં ફોટા પાડે. અમે પણ ઝાડ ઉપર ચઢ ઉતર કરીશું......ગરીબ ખેડૂતોને જીવવા નહીં દો તો અમારી પ્રજાતિ પણ ખતમ થઈ જશે. 

ફિલ્મનું બીજું સબળું પાસું છે શૌમિત્ર મોઈત્રાનું સંગીત અને એક ગીત કેકેના અવાજમાં પણ છે.  પંકજ ત્રિપાઠી દ્વારા ભજવાતું સોલો એક્ટ જેવું લાગે પણ ફિલ્મમાં પંકજ ત્રિપાઠીની પત્ની બનતી સયાની ગુપ્તા અને શિકારી નીરજ કબીનું પાત્ર પણ યાદ રહે એવું છે.  આપણને તો ફિલ્મ ગમી એટલું નહીં ગમતાંનો ગુલાલ કરવા લખવાનું મન થયું.  આવા વિષયને લઈને ફિલ્મ બનાવવા માટે છપ્પનની છાતી  જોઈએ.  

You Might Also Like

0 comments