પુરુષ, સ્ત્રી અને ફૂટબોલ મેચ

22:03





આમ તો સ્પોર્ટસને કોઈ જાતિભેદ નડતો નથી. આજે તો મહિલાઓ ક્રિકેટ, ટેનિસ, ફૂટબોલ જ નહીં વેઈટલિફ્ટિંગ અને રેસલિંગમાં પણ ભાગ લઈ જ રહી છે અને સારું પ્રદર્શન કરી રહી છે. તે છતાં મહિલા સ્પોર્ટસ ટુર્નામેન્ટમાં દર્શકો સ્ટેડિયમને છલોછલ ભરી નથી દેતા. ક્રિકેટ હોય કે ફૂટબોલ હોય જે ગાંડપણ પુરુષોની મેચ વખતે જોવા મળે છે તે સ્ત્રીઓની મેચ સમયે નથી જ મળતું. સૌથી વધારે પૈસા અને જાહેરાતો પણ પુરુષ ખેલાડીઓને મળે છે. તેઓ કોઈ સેલિબ્રિટીથી કમ નથી હોતા. અરે, કેટલીક સેલિબ્રિટીઓ પણ તેમની ફેન હોય છે.

 કતારમાં રમાઈ ચૂકેલી ફિફા વર્લ્ડ કપમાં ૩૨ ટીમે ભાગ લીધો હતો. જ્યારે ભારત ક્યારેય વર્લ્ડકપમાં પહોંચ્યું નથી પણ ગ્લોબલ વિલેજ બની રહેલી દુનિયામાં રાત માથે લઈને કે રજાઓ લઈને ફૂટબોલ જોતાં બેગાની શાદીમેં અબ્દુલા દિવાનાઓની સંખ્યા દિનદુગની રાત ચોગુની વધી રહી છે. અમને સ્ત્રીઓને એમાંથી બાકાત ગણવામાં આવે છે પણ નવાઈ લાગશે કે વિશ્ર્વમાં ફૂટબોલની પ્રશંસકોમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષોની સંખ્યાને પાર કરી રહી છે. (૨૦૦૯માં ૪૪.૪ મિલ્યન સ્ત્રી પ્રશંસકોએ ફૂટબોલ મેચ જોઇ) આ શોધ કરી છે એક સ્પોર્ટસ ચેનલે.... આ વરસે પણ ઓનલાઈન  ૩૨ મિલિયન લોકોએ  મેચ જોઈ એમાં ૪૦ ટકા સ્ત્રીઓ હતી.  હવે સ્ત્રીઓની પણ ફીફા ફૂટબોલ મેચનું આયોજન થાય છે અને તેને જોનારાની સંખ્યા બિલિયન પર પહોંચી છે. 

સ્પોર્ટસ જર્નાલિસ્ટ સ્ટેસી પ્રેસમેને પોતાના એક લેખમાં નોંધ્યું છે કે પુરુષોને ગમે ખરું જો સ્ત્રીઓ સ્પોર્ટસમાં રસ લે તો.... પણ તેઓ સહજતાથી એ બાબતને સ્વીકારી નથી શકતા. સ્ત્રીઓ જો મેસ્સી કે રોનાલ્ડોના રમતની વાત કરશે તો કદાચ પુરુષો શાંતિથી સાંભળશે સ્ત્રી દાક્ષિણ્યને કારણે, પરંતુ તેની સામે કોઇ દલીલ નહીં કરે. કે તેમની ટિપ્પણીઓને ગંભરતાથી નહીં લે. કારણ કે તેમને સ્પોર્ટસ જેટલો જ રસ સુંદરીઓમાં પણ હોય છે. અને તેઓ એમને ખોવા નથી માગતા. એટલે જ સેક્સી ચિયર્સ લીડરનું ય એટલું જ મહત્ત્વ હોય છે. પુરુષ ચિયર લીડર જોયા છે? જો સ્ત્રી સ્પોર્ટસની વાત કરતી હોય તો તેઓ મનમાં એવું જરૂર વિચારે કે ફૂડ અને ફેશનની વાત કરે તો સ્ત્રી વધુ સારી લાગે. એની વે, પુરુષોને સ્પોર્ટસ જોવું ગમે અને સ્ત્રીઓને એટલો કંઇ ખાસ રસ ન પડે. અથવા એમ કહો કે અમે સ્ત્રીઓ એટલી આક્રમક કે ઓતપ્રોત ન થઇ શકીએ. આપણે ત્યાં ફૂટબોલ કરતાં ય ક્રિકેટની રમતનું ગાંડપણ પહેલાંથી જ હતું. એટલે જ આઇપીએલની મેચોનો આવિષ્કાર થયો. રમત ગમત કરતાં આ બધી સિરિઝોમાં નાણાંનું મહત્ત્વ વધુ હોય છે કારણ કે પુરુષો દરેક બાબતને બિઝનેસ સાથે જોડી દેવામાં માહેર હોય છે. સ્પોર્ટસની રમતમાં ઊભી થતી એક્સાઈટમેન્ટ જેમ વધુ તેમ એમાં નાણાં વધુ રેડાતાં હોય છે. ફૂટબોલ મેચમાં ક્રિકેટ કરતાં વધુ પૈસાનો વ્યાપાર થતો હોય છે. જો કે આઈપીએલની પ્રેરણા પણ ફૂટબોલની લીગ મેચોમાંથી જ લેવામાં આવી છે. અને તેના ફાઈનાન્સિઅલ ઘોટાળાઓ હજી ઉકેલાયા નથી.

અગેઇન હિંસક કે એક્સાઈટમેન્ટ લાવી શકે તેવા સ્પોર્ટસ ગમવા પાછળ પુરુષોના ટેસ્ટેટોરોન હોર્મોન જવાબદાર છે. પુરુષોમાં સ્ત્રીઓ કરતાં આક્રમકતા વધુ હોય છે. એટલે પણ તેમને આક્રમક રમતગમતો જોવી વધુ ગમે છે. આ આક્રમકતા તેમના પુરુષત્વનું પ્રતિક હોવાને કારણે સ્ત્રીઓને પણ એવા પુરુષો પ્રત્યે આકર્ષણ વધુ થતું હોય છે. એટલે પણ ફૂટબોલર કે ક્રિકેટરની પ્રસંશકોની સંખ્યામાં સ્ત્રીઓની સંખ્યા વધુ હોઇ શકે. પણ સ્પોર્ટસ જોવામાં અને તેના માટે ફના થઈ જવાની તમન્ના રાખનારા પુરુષોની સંખ્યા વધુ હોય છે. સ્પોર્ટસ પ્રત્યેનું પુરુષોનું વલણ સદીઓ જૂનું છે. રોમમાં સ્ટેડિયમના અવશેષો છે. પહેલાં હિંસક પશુઓની સામે પુરુષો બાથ ભીડતાં કે બે પુરુષો એકબીજા સામે તલવારથી કે કુસ્તીથી લડતાં અને તેને જોવા માટે રાજા અને પ્રજા જુસ્સાથી ભેગી થતી.

એ જ જુસ્સો તમને ફૂટબોલ, ક્રિકેટના મેદાનમાં જોવા મળતો હોય છે. ક્યારેય મેદાનમાં જઇને રમત ન રમી હોય તેવા પુરુષો પણ એટલી જ ઉત્સુકતાથી મેચ જોતી વખતે ઓતપ્રોત થઈ જતા હોય છે. પોતાની માની લીધેલી ટીમ સાથે. તેઓ મેચ જોતી વખતે ય એટલા આક્રમક થઈ જતાં હોય છે કે જો તેમને તક મળે તો સામેની ટીમને હરાવી દે. એવું થતું નથી એ અલગ વાત છે પણ તમે જોયું હશે કે કદાચ તમે પોતે પણ એવું ક્યારેક કર્યું હશે કે તમે જે ટીમને સપોર્ટ કરતાં હો તે જીતી જાય તો તમારો જુસ્સો બે દિવસ સુધી આસમાને હોય છે. અને જો તમારો મિત્ર કે સાથી કર્મચારી સામેની હારેલી ટીમને સપોર્ટ કરતો હશે તો તેને એકાદ બે ટોન્ટ મારવાનું નહીં ચૂકો. આ બધી પૌરુષિય હાર્મોનની કમાલ હોય છે. જો તમારી ટીમ જીતી હશે તો જાણે તમે જ ન જીત્યા હો તેટલો આનંદ અને કામ કરવાનો જુસ્સો ય વધી જતો હોય છે. અને જો તમારી ટીમ હારી હશે તો મૂડ ખરાબ થઈ જવાની શક્યતા હોય છે. પત્નિ, બાળકો કે મિત્ર સાથે બાખડી પણ પડો. પોતાની ટીમ અને સામેની ટીમની ટીકાઓ કરીને તમારા મૂડને જસ્ટિફાય કરવાનો ય પ્રયત્ન કરશો.

પુરુષો સ્પોર્ટસ શું કામ જુએ છે અને કેમ આટલા ઓતપ્રોત થાય છે તે અંગે સંશોધનો થયા છે. આઇન્સ્ટાઈન કોલેજ ઓફ મેડિસિન, ન્યૂ યોર્કના પ્રોફેસર લ્યુસી બ્રાઉન ન્યુરોસાયન્સ અને ન્યુરોલોજી વિષયના નિષ્ણાત છે. તેમના કહેવા પ્રમાણે પુરુષોના મગજમાં પ્રાણીઓમાં હોય છે તે હાયપોથેલેમસ નામનું હોર્મોન હોય છે. જે આક્રમક વલણ માટે જવાબદાર હોય છે. તેને કારણે સામી વ્યક્તિને મારી નાખવા જેવો ભાવ આવતો હોય છે. જો આક્રમકતા ન હોય તો હરીફાઈ કે સ્પોર્ટસનું અસ્તિત્વ ન હોય. સામી વ્યક્તિને હરાવી દેવા માટે જીવ પર આવીને રમવું. આ આક્રમકતા એટલી હદે વધી જતી હોય છે કે તેઓ પ્રતિસ્પર્ધીને ગાળો આપી બેસે કે મારી બેસતાં હોય છે. આ રમત જોતાં સમયે પુરુષો એ જ આક્રમકતા અનુભવતાં હોય છે. એ પૌરુષિય આનંદને કારણે જ પુરુષોમાં રમતો જોવાનો ક્રેઝ (ગાંડપણ) હોય છે. કેટલાક પુરુષોમાં તો એ ગાંડપણ એટલી હદે હોય છે કે પોતાને ગમતાં ખેલાડીની કે ટીમની દરેક મેચ કોઇપણ ભોગે જોવી જ એવો વણલખ્યો નિયમ હોય છે. પોતાની ટીમના દરેક આંકડા તેમને હૃદય અને મન પર કોતરાઈ ગયા હોય છે. તેમની ટીમ હારે કે જીતે તેની સાથે તેઓ પાર્ટી કે જીવનનું આયોજન કરે. ફૂટબોલ ફીવરના ફેન તો પોતાની ટીમનો લોગો કે ગમતાં ખેલાડીનો ફોટો પોતાના શરીર પર ટેટુ રૂપે ચિતરાવશે. આખા શરીર અને મોં પર ટેટુ ચિતરેલા પુરુષો માટે મેગેઝિનો અને ચેનલો સ્ટોરી કરતાં હોય છે.

મેચ ચાલતી હોય તે સમયે જે રીતે તેઓ કોમેન્ટ્રી આપે તે જોતાં લાગે કે પેલા ખેલાડીને બદલે આ મહાશયે જ મેદાન પર હોવું જોઇએ. પણ મેચ જોતાં જોતાં બિયર, ચા, કોફી કે નાસ્તાઓ જે ઝાપટ્યા હોય તેને કારણે ફૂટબોલ જેવા પેટ સાથે એ પુરુષ બે દાદરા ચઢતાં જ હાંફવા લાગે. ટૂંકમાં પુરુષનું ટેસ્ટેટરોન લેવલ સ્પોર્ટસને કારણે પૌરુષત્વની અનુભૂતિઓમાં હિલોળા લેવા માંડે છે. રમતની રોમાંચકતા પણ દરેક પુરુષને ઓર્ગેઝમ જેટલું જ સુખ આપતી હોવાથી મેચ ચાલતી હોય ત્યારે સ્ત્રી રૂમમાં હોય તો ય તેમનું ધ્યાન વહેંચાતું નથી. આ માનસને બદલવું એકવીસમી સદીમાં પણ શક્ય નથી. ખેલાડીઓને પણ વર્લ્ડકપ વખતે સ્ત્રીસુખથી પરહેજ પાળવાનું હોવા છતાં કોઇ ખેલાડી એમ નથી કહેતાં કે આ શરતે અમે નહીં રમીએ. કારણ કે તેમને ખબર છે કે આ રમત છે અને તેનો ચોક્કસ સમય હોય છે.

ફૂટબોલની રમત પર અનેક ફિલ્મો બની ચૂકી છે, રગ્બી અને ફૂટબોલએ બે રમતો હાર્ડકોર પૌરુષીય રમતો છે એવું કહી શકાય. 

You Might Also Like

0 comments