પેદરો પરામો અને મેજિક રિઆલિઝમ
11:57ગ્રેબિઅલ ગાર્સિયા માર્કેઝને પહેલીવાર બે વરસ પહેલાં વાંચ્યા. મેજિક રિઆલિઝમ શું તે સમજાયું. ગઈકાલે નેટફ્લિક્સ પર ‘પેદરો પરામો’ ફિલ્મ જોઈ ત્યારે પુસ્તક વાંચવા જેટલો જ આનંદ આવ્યો. આ ફિલ્મ હુઆન રુસો(juan rulfo) લગભગ આવું જ કંઈક નામ ગુગલના ઉચ્ચારોમાં સંભળાયું ખોટું લખાયું હોય તો દરગુજર. હા, તો Juan Rulfoની આ મેક્સિકન નવલકથા જેણે સાહિત્યમાં મેજિકલ રિઅલિઝમની કેડી કંડારી છે એના પરથી આ ફિલ્મ બની છે. માર્કેઝ પણ આ લેખકની આ નવલકથાના ચાહક હતા. અને તેમણે એ કંડારેલી કેડી પર ચાલી ‘હંડ્રેડ યર્સ ઓફ સોલિટ્યુડ’ લખી. ‘પેદરો પરામો’ (૧૯૫૫)માં પ્રગટ થઈ હતી તો ‘હડ્રેડ યર્સ ઓફ સોલિટ્યુડ’ (૧૯૬૭)માં. આ બધું જ્ઞાન ગુગલ પાસેથી ફિલ્મ જોયા બાદ લીધું.
આખી ય ફિલ્મની સિનેમેટોગ્રાફી, ફિલ્માંકન અને દિગ્દર્શન અદભૂત છે. ફિલ્મ બહુ ધ્યાનથી જોવી પડે, કારણ કે મેજિક રિઆલિઝમની ગુંથણી દિગ્દર્શકે જે રીતે કરી છે તેમાં ભૂતકાળ, વર્તમાન અને કલ્પનાઓને વાસ્તવિકતાના દોરાઓનો ઉપયોગ થયો છે. કોઈપણ વાર્તા કે ફિલ્મ કલ્પનો વિના ફિક્કી લાગે. પરંતુ, વાસ્તવિકતા અને કલ્પનાને એવી રીતે રજૂ કરવામાં આવે કે શું સાચું ને શું નહીં એવા વિચારને બાજુ પર મૂકી દેવા પડે. જે દેખાય કે વંચાય તેના પ્રવાહમાં આપણે વહેવા લાગીએ. એવું જ કંઈક બને આ ફિલ્મને જોતાં. એક પણ દૃશ્ય કે સંવાદ નકામા નથી. કોઈ સીનમાં પરાણે હાસ્ય કે ગીત ઘુસાડવામાં આવ્યું નથી મનોરંજન માટે. તે છતાં ફિલ્મ નવલકથા વાંચવા જેટલો જ આનંદ આપી શકે છે. બે કલાક અને દસ મિનિટ જાણે પલકવારમાં વિતી ગયા. મેક્સિકન ગામના માહોલમાંથી બહાર આવવા માટે થોડો સમય આપવો પડે. એ જ તો મેજિક છે જે તમને વાસ્તવિકતાથી થોડો સમય એક અગોચર વિશ્વમાં લઈ જાય છે. એમાં અદભૂત બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ફાળો તો ખરો જ. શક્ય છે બધાને આ ફિલ્મ ન ગમે પણ સાહિત્યમાં રસ હોય તો આ ફિલ્મ જોવી જ જોઈએ અને ફિલ્મ ન જોવી હોય તો નવલકથા વાંચવી જોઈએ. અથવા બન્ને કરી શકાય.
ફિલ્મની વાર્તા ટૂંકમાં કહું તો યુવાન જુઆન (હુઆન) પ્રેસિડિઓ માતાના અવસાન સમયે એને વચન આપ્યું હોય છે કે તે પિતાને શોધીને તેની પાસેથી હકના પૈસા વસૂલશે. તે પોતાના પિતાને શોધવા માટે માતાએ કહેલા ગામમાં પહોંચે છે. પણ હવે એ ગામમાં કોઈ રહેતું નથી. એ ભૂતિયું ગામ અને ત્યાંના કેટલાક પાત્રો(જે ભૂત-કાળ છે) તેની સમક્ષ ગામના લોકોનો (જેમાં તેના પિતા પણ છે) ઈતિહાસ, ઈચ્છાઓ, વેદનાઓ પ્રગટ કરે છે. એ બધાંમાં યુવાન પણ જાણે ભૂત-કાળ બની જાય છે. ફિલ્મ જોતી સમયે જાણે આપણે એ યુવાનની માનસિકતા બની જઈએ છીએ. સત્ય-અસત્યની વચ્ચે કેટકેટલાય વાર્તાના સ્તરો ઉકેલાય, ગૂંચવાય. બધું જ સમજાવું જ જોઈએ એવું જરૂરી છે નથી એવું પણ લાગે. ફિલ્મ જોવી ન જોવી તમારી મરજી.
0 comments